રાત્રિ જાગરણ બંધ કર્યું હોય, તળેલું કે મસાલેદાર ન ખાતા હોય, વ્યાયામ કરતા હોય અને બહારનો ખોરાક ન લેતા હોય તો ઍસિડિટીમાં ફરક પડવો જોઈએ.
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી ઉંમર ૫૦ વર્ષ છે અને છેલ્લાં ૬ વર્ષથી મને ઍસિડિટીની તકલીફ છે. છેલ્લા દોઢ વર્ષથી તો દિવસ દરમ્યાન સતત છાતી પાસે બળતરા થયા કરે છે અને રાત્રે જમ્યા પછી બે કલાકે ઊંઘું ત્યારે ઊંઘમાં ખાટા ઓડકાર આવે અને ઊઠી જવું પડે. જો પાછો ઊંઘી જાઉં તો ફરી બે કલાક પછી પાછું ખાટું પાણી મોઢામાં આવી જાય. વારંવાર એવું ન થાય અને ઊંઘ મળે એટલે રાત્રે મોઢામાં આંગળી નાખીને હું ઊલટી કરી લઉં છું. દવાઓ લીધી. એ લઉં ત્યાં સુધી સારું રહે છે. ફરી હતા ત્યાં ને ત્યાં. લાઇફ-સ્ટાઇલ ખાસ્સી બદલી છતાં કઈ ફરક નથી. મારે શું કરવું?
ઍસિડિટી બહુ કૉમન છતાં અતિ ગંભીર અવસ્થા છે. ઍસિડિટીને કારણે તમે ઊંઘી નથી શકતા અને રાતે પણ ઊંઘમાં ખાટા ઓડકાર આવે છે એ પરિસ્થિતિ ઘણી જ ગંભીર છે. આજે આપણી પાસે ઘણી સારી દવા છે, પણ એ ઍસિડિટીને જડથી દૂર કરી શકતી નથી. તમે કહો છો એ રીતે જો તમે લાઇફ-સ્ટાઇલમાં બદલાવ લાવ્યા છો. રાત્રિ જાગરણ બંધ કર્યું હોય, તળેલું કે મસાલેદાર ન ખાતા હોય, વ્યાયામ કરતા હોય અને બહારનો ખોરાક ન લેતા હોય તો ઍસિડિટીમાં ફરક પડવો જોઈએ. પણ જો ફરક ન પડ્યો હોય અને આટલાં વર્ષોથી ઍસિડિટીમાં વધારો જ થયો હોય તો એ જાણવું ખૂબ જરૂરી છે કે આટલું ઍસિડ વધી કેમ રહ્યું છે?
જે માટે એક એન્ડોસ્કોપી કરાવી શકાય. એન્ડોસ્કોપી એક ટેસ્ટ છે, જેમાં કૅમેરાને એક નળી વડે અંદર દાખલ કરવામાં આવે છે, જેના દ્વારા આખા પાચનતંત્રમાં કઈ જગ્યાએ શું ખામી છે એ શોધી શકાય છે. કોઈ ઇન્ફેક્શનને કારણે કે હર્નિયાને કારણે કે કોઈ ઑબ્સ્ટ્રક્શનને કારણે કે બીજી કોઈ પણ તકલીફને કારણે ઍસિડિટી મટતી જ નથી એ જાણી શકાય છે. જેના માટે તમારે એક ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટની મુલાકાત લેવી અને તેમની પાસે એન્ડોસ્કોપી કરાવી લેવી. આ ટેસ્ટનું રિઝલ્ટ તમને કહેશે કે હવે આગળ તમારે કયા પ્રકારના ઇલાજની જરૂર છે. હવે આ ટેસ્ટ કરાવવાની રાહ જુઓ નહીં. આ પ્રૉબ્લેમ લાંબો સમય રહે તો જે ભાગમાં એ અસર કરે છે એ ભાગના કોષોમાં પરિવર્તન શરૂ થઈ જાય છે જે કૅન્સેરિયસ હોઈ શકે છે. ઍસિડિટીને આપણે લોકો જેટલી હલકામાં લઈએ છીએ એટલી જ એ ગંભીર છે. એનો યોગ્ય ઇલાજ અનિવાર્ય છે.