Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > થૅલેસેમિયા માઇનર હોવા છતાં મારી દીકરી સ્પોર્ટ્‍સમાં આગળ વધી શકે?

થૅલેસેમિયા માઇનર હોવા છતાં મારી દીકરી સ્પોર્ટ્‍સમાં આગળ વધી શકે?

Published : 17 March, 2026 04:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુંડળી મેળવતાં પહેલાં આ વસ્તુ મેળવવી ખૂબ જરૂરી છે. આ એક એવી કન્ડિશન નથી જેમાં તમે બાળકને આગળ વધતું રોકો, પરંતુ લગ્ન જ એક એવો નિર્ણય છે જેમાં આ રોગને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય પર આવવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


હમણાં મારા ક્લિનિકમાં એક કેસ આવ્યો જે હું આજે તમારી સાથે શૅર કરવા માગીશ. એક ૩૬ વર્ષની સ્ત્રી તેની દીકરી સાથે મારા ક્લિનિક પર આવી. તેણે કહ્યું કે હું પોતે એક થૅલેસેમિયા માઇનર છું. મને એની જાણ ત્યારે થઈ જ્યારે હું પ્રેગ્નન્ટ હતી. જોકે મારા પતિ થૅલેસેમિયા માઇનર નહોતા એટલે કંઈ વાંધો ન આવ્યો પરંતુ ડૉક્ટરે મને સમજાવ્યું હતું કે મારું બાળક થૅલેસેમિયા માઇનર હોઈ શકે છે. હમણાં થોડા સમય પહેલાં જ અમે અમારી ૧૦ વર્ષની દીકરીની બ્લડ-ટેસ્ટ કરાવી જેમાં ખબર પાડી કે તે પણ મારી જેમ થૅલેસેમિયા માઇનર છે. તેનું હીમોગ્લોબિન મારી જેમ ઓછું જ રહેશે જીવનભર. પરંતુ વાત એમ છે કે તેને સ્પોર્ટ્‍સમાં ખૂબ રસ છે. તે બાસ્કેટબૉલ સારું રમે છે. બૅડ્‍મિન્ટન પણ શીખે છે. થૅલેસેમિયા માઇનર સાથે તે સ્પોર્ટ્‍સમાં આગળ વધી શકે કે નહીં? મેં તેમને કહ્યું કે એ વાત સારી છે કે તમને અત્યારથી જ ખબર પડી ગઈ કે તમારી દીકરીને થૅલેસેમિયા માઇનર છે. મહત્ત્વનું એ છે કે ખબર પડી ગઈ હોવા છતાં તમારું કે તમારી દીકરી બન્નેનું જીવન કોઈ રીતે બદલાવાનું નથી. તે અત્યારે ફક્ત ૧૦ વર્ષની છે. ૧૦ વર્ષથી તે થૅલેસેમિયા માઇનર જ છે છતાં તે સ્પોર્ટ્‍સ સારી જ રમે છે. એવું જ તે રમતી રહેશે. એ માટે ચિંતા નહીં કરો. હીમોગ્લોબિન ઓછું હોવાથી થૅલેસેમિયા માઇનરની કોઈ પણ પ્રકારની ઍક્ટિવિટી ઓછી થતી નથી. એ લોકો એક સાવ નૉર્મલ જીવન જીવે છે. એટલે તેને સ્પોર્ટ્‍સમાં આગળ વધવા દો. તેની જે ઇચ્છા છે એ પ્રમાણે તે કરી શકે છે. કોઈ પણ પ્રકારની ફિઝિકલ ઍક્ટિવિટી તે નહીં કરી શકે એવું નથી. બીજું એ કે આમ તો કોઈ પણ પ્રકારની દવા કે કોઈ પણ પ્રકારની અલગ પ્રકારની ડાયટ આપવાથી તેનું હીમોગ્લોબિન વધશે એવું માનવું નહીં. કંઈ પણ કરશો તો તેનું હીમોગ્લોબિન નહીં જ વધે. એટલે એવા ખોટા પ્રયત્ન ન કરતા પણ થૅલેસેમિયા માઇનર દરદીઓને ફોલિક ઍસિડની ૫ ગ્રામની એક ગોળી દરરોજ આપી શકાય છે. એ તેમના ડેવલપમેન્ટમાં મદદરૂપ બને છે. એ તમે ચાલુ કરી શકો છો. ફક્ત તેનાં લગ્ન થાય ત્યારે તમારે થોડું કૅરફુલ રહેવું પડશે. તેનો પાર્ટનર થૅલેસેમિયા માઇનર ન જ હોવો જોઈએ કારણ કે એવું થાય તો તેનું આવવાવાળું બાળક થૅલેસેમિયા મેજર જન્મી શકે છે. કુંડળી મેળવતાં પહેલાં આ વસ્તુ મેળવવી ખૂબ જરૂરી છે. આ એક એવી કન્ડિશન નથી જેમાં તમે બાળકને આગળ વધતું રોકો, પરંતુ લગ્ન જ એક એવો નિર્ણય છે જેમાં આ રોગને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય પર આવવું જોઈએ.

-ડૉ. મુકેશ દેસાઈ


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK