થોડા દિવસો પહેલાં શાંઘાઈની યુનિવર્સિટીના રિસર્ચરોએ અમેરિકન હાર્ટ અસોસિએશનમાં રજૂ કરેલું સર્વેક્ષણ કહે છે કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ડાયટને લાંબો સમય અનુસરવાથી હૃદયરોગનું પ્રમાણ ૯૧ ટકા વધી શકે છે અને લાંબા ગાળે એ અનેક રીતે નુકસાનકારક છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
તાજેતરમાં શિકાગોમાં અમેરિકન હાર્ટ અસોસિએશનના સાયન્ટિફિક સેશનમાં શાંઘાઈની જીઆઓ ટોંગ યુનિવર્સિટીના રિસર્ચરોએ એક અભ્યાસ રજૂ કર્યો હતો જેમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની લાંબા ગાળે થતી અવળી અસરનું એક રિસર્ચ રજૂ કરવામાં આવ્યું અને હોબાળો મચી ગયો. હાર્ટ હેલ્થ, બ્રેન હેલ્થ, વેઇટલૉસ, ઓવરઑલ હેલ્ધી પરિણામ આપવાના સેંકડો દાવા જે ડાયટ સિસ્ટમ માટે થયા હતા એ બધાનો રદિયો આપતું ચોંકાવનારું સર્વેક્ષણ થોડાક દિવસો પહેલા રજુ થયું હતું. જે મુજબ હવે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરનારા લોકોમાં ૯૧ ટકા જેટલું હૃદયરોગનું જોખમ વધી જાય છે અને પહેલેથી જ હૃદયરોગ હોય એવા ૬૬ ટકા લોકોનું મૃત્યુનું પ્રમાણ વધી જાય છે. એવું નથી કે આ દાવો આ વૈજ્ઞાનિકોએ હવામાં કર્યો છે. રિપોર્ટ પ્રમાણે ઍવરેજ ૪૯ વર્ષની ઉંમર ધરાવતા ૨૦,૦૦૦ અમેરિકનોને તેમની ડાયટ-સિસ્ટમને લગતા પ્રશ્નો પુછાયેલા. યુએસ નૅશનલ હેલ્થ ઍન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વે ૨૦૦૩થી ૨૦૧૮ સુધી ચાલ્યો. આ ડેટાને રિસર્ચરોએ ૨૦૦૩થી ૨૦૧૮ના ડેથ ડેટા સાથે કમ્પૅર કર્યો અને તેઓ આ પરિણામ સુધી પહોંચ્યા કે ભાઈ ‘૧૬ કલાક ભૂખ્યા રહેવાનું અને ૮ કલાકમાં જેટલું ખાવું હોય એટલું ખાવાનું’વાળો ફન્ડા જોખમી છે. જોકે સંશોધકોએ એ પણ કબૂલ્યું કે અમારું આ સંશોધન માત્ર લોકોએ આપેલા જવાબોના આધારે છે. તમે બે દિવસ પહેલાં શું ખાધું હતું એ સવાલનો જવાબ લોકો ભૂલી ગયા હોય એવું બની શકે. એટલે આ સર્વેના પરિણામમાં ઇનઍક્યુરસી એટલે કે આપણી ભાષામાં ઝોલ હોવાની પૂરી સંભાવના છે. બીજું, આ નિષ્ણાતોએ એમ પણ સ્વીકાર્યું કે સર્વેમાં ભાગ લેનારા લોકોની અન્ય આદતો જેમ કે સ્મોકિંગ, તેમની એક્સરસાઇઝ પૅટર્ન વગેરેની નોંધ લેવામાં આવી નહોતી. એ પછીયે ચાઇનીઝ રિસર્ચર વિક્ટર વેન્ઝ ઝોંગ આ સર્વેનાં તારણોથી દંગ રહી ગયા હતા. બોલો, કરો વાત.



