પગના તળિયે કાંસાની વાટકીથી ઘી દ્વારા મસાજ કરવાની પદ્ધતિ હજારો વર્ષો જૂની છે, પણ એના ફાયદા આજે પણ લોકો સમજે છે. વાટકીથી મસાજ કરવામાં જે બળ પડે છે એને દૂર કરવા આજે અત્યાધુનિક મશીનો આવી ગયાં છે જેના દ્વારા કાંસ્ય મસાજનો બેનિફિટ સરળતાથી લઈ શકાય છે

પગના તળિયે કાંસાની વાટકીથી ઘી દ્વારા મસાજ
આજની તારીખે લગભગ ૨૦૦ જેટલા જુદા-જુદા વેન્ડર્સ છે જે આ મશીનો બનાવીને વેચે છે.
શું તમને રાત્રે ઊંઘ નથી આવતી? આવે છે પણ ગાઢ નથી આવતી?
ADVERTISEMENT
શું તમને આંખોમાં બળતરા ખૂબ થાય છે કે શરીર આખું બળતું હોય એમ લાગે છે?
શું તમને ગમે ત્યારે માથું પકડાઈ જાય છે? શું તમે બહુ થાકી જાવ છો?
તમારા વાળ અકાળે ધોળા થઈ રહ્યા છે?
આવી કોઈ પણ પરિસ્થિતિમાં વર્ષો જૂની કાંસ્ય મસાજની પદ્ધતિ ઉપયોગી થઈ શકે છે. આજે પણ ઘણાં ટ્રેડિશનલ ઘરોમાં દાદા-દાદીને પૂછીએ તો તેઓ આ મસાજ વિશે માહિતી આપી શકે. કાંસું એ ભારતમાં મળી આવતી એક ધાતુ છે જે તાંબું અને ટીન મળીને બને છે. એનાં વાસણોનો એક સમયમાં ઘણો ઉપયોગ થતો. આજે એ ખાસ જોવા મળતાં નથી. જોકે આ કાંસાની વાટકીને ઊંધી બાજુએથી પગનાં તળિયાં પર ઘી લગાડીને ઘસવામાં આવે તો શરીરની ગરમીથી આ ઘી કાળું પડતું દેખાય છે. એ ઘસતા જાવ એટલે કાળાશ વધુ ઘેરી બને છે. લગભગ પાંચ-દસ મિનિટ આ મસાજ કર્યા પછી વ્યક્તિને તરત જ એની અસર સમજાય છે. દરેક વ્યક્તિનો આ મસાજ પછી પોતાનો જુદો અનુભવ હોઈ શકે છે, પરંતુ મુખ્યત્વે દરેકને હળવાશ લાગે છે. એનાથી ઘણી હદે રિલૅક્સેશન મળે છે અને બળતરા ઓછી થઈ જાય છે. આ મસાજ પછી વ્યક્તિ ગાઢ નિદ્રા લઈ શકે છે.
શું કરવાનું?
આ મસાજ દરમિયાન એવું શું થાય છે એ સમજાવતાં અનુભવી નાડીવૈદ્ય અને આયુર્વેદ નિષ્ણાત ડૉ. સંજય છાજેડ કહે છે, ‘કાંસ્ય મસાજ વર્ષો નહીં, સદીઓ જૂની ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. એને પિત્તશામક કે દાહશામક કહેવાય છે. એના દ્વારા શરીરની બિનજરૂરી ગરમીનો નિકાલ થાય છે. શરીરમાં અલગ-અલગ કારણોસર ગરમીનો જે વધારો થાય છે એ રોગને આવકારનારો છે. આ જે ચિકિત્સાનો ભાગ છે એ પિત્તચિકિત્સા છે. શરીરમાં વધી ગયેલા પિત્તને એ બૅલૅન્સ કરવાનું કામ કરે છે, જેને લીધે વાત, પિત્ત અને કફના દોષ ઇમબૅલૅન્સ થાય છે. આ દોષોને બૅલૅન્સ કરવાનું કામ આ ૧૦ મિનિટનો મસાજ કરી શકે છે. શાસ્ત્રોમાં એને અતિ ગુણકારી માનવામાં આવ્યો છે. હાલમાં લોકો કહે છે કે ડીટૉક્સિફિકેશન થાય છે. આ ડીટૉક્સિફિકેશન છે શું? આ દોષોનું બૅલૅન્સ જ ડીટૉક્સિફિકેશન છે. દોષ જ્યારે નીકળી જાય ત્યારે વ્યક્તિનું શરીર ડી-ટૉક્સિફાય થઈ જાય છે.’
કાંસું જ કેમ?
કાંસું આમ જુઓ તો ૧૦,૦૦૦ વર્ષ જૂની ધાતુ છે એમ વાત કરતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘આ ધાતુનો ગુણધર્મ શીત છે અને એને વિષજ્ઞ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય વિષને જાણનારું. એક ધાતુ કઈ રીતે વિષને ઓળખે એવો પ્રશ્ન આપણને થાય, પરંતુ આ એવી ધાતુ છે જેના પર કોઈ પણ પ્રકારનું વિષ જો પડે તો એ રીઍક્ટ કરે છે. પહેલાંના સમયમાં લોકો જે કાવતરાં કરતા એમાં એકબીજાને મારવા માટે વિષનો ઉપયોગ કરતા જે ખોરાક કે પેય પદાર્થો સાથે ભેળવીને તેમને આપતા. ખોરાકમાં જો વિષ હોય તો એ કાંસાની થાળીમાં પીરસાય ત્યારે તરત જ ખબર પડી જતી એટલે એ સમયે કાંસાનાં વાસણોનો ખોરાક માટે ઉપયોગ થતો. કાંસું એક એવી ધાતુ છે જે આપણે ત્યાં જ નહીં, નૉર્થ-ઈસ્ટ એરિયામાં, ભુતાન, ચીન, જપાનમાં પણ ખાસ્સું વપરાય છે.’
ટેક્નિક
કાંસાની વાટકીથી જ્યારે મસાજ કરવામાં આવે ત્યારે મોટા ભાગે એ વાટકી પણ એકદમ ગરમ થઈ જતી હોય છે. ઘણી વાર તો જે મસાજ કરતી હોય એ વ્યક્તિ દાઝી જાય છે. એટલે જ કોઈ કપડાથી પકડીને કે લાકડાના હૅન્ડલવાળી વાટકી વાપરવી જરૂરી છે. જોકે તળિયા પર ઘી લગાડીને ઘસવામાં મહેનત તો લાગે છે. વ્યક્તિ જાતે પણ એ કરી શકે છે, પરંતુ ખાસ ફાવે નહીં તો કોઈ બીજાની મદદ લેવી હિતાવહ છે. જો ખાસ જોર ન આપી શકાય તો ધીમે-ધીમે પણ ઘસી શકાય છે અને વધારે કાળાશ ન નીકળે તો પણ એના ફાયદાઓ મળે જ છે. બાળકો, વૃદ્ધ કોઈ પણને આ માલિશ કરી શકાય છે. જોકે આજની તારીખે લોકો ખાસ મહેનત કરવા નથી ઇચ્છતા તો એમના માટે આ જ ટેક્નિકને ધ્યાનમાં રાખીને મશીન બનાવવામાં આવ્યાં છે. આ મશીનમાં કાંસાની વાટકીને બદલે કાંસાની થાળી હોય છે જેના પર તમે પગ ગોઠવો એ પછી એ ઑટોમૅટિક ગોળ ફરવા લાગે છે, જેના દ્વારા પગનું ઘર્ષણ શરૂ થઈ જાય છે. એ થાળી પર ઘી નાખવામાં આવે છે જે તળિયા સાથે ઘસાઈને ધીમે-ધીમે કાળું પડી જાય છે. વાટકી ઘસવાની મહેનત જે મૅન્યુઅલી થતી હોય એ હવે મશીન દ્વારા ઑટોમૅટિક થઈ શકે છે.
મુંબઈમાં આજની તારીખે ૫૦-૬૦ જુદાં-જુદાં આઉટલેટ્સ છે જ્યાં કાંસ્ય થાળી મસાજ થાય છે. એ વિશે વાત કરતાં યોગ આરોગ્યમ, અંધેરીના ફાઉન્ડર ૩૦ વર્ષનો અભિષેક માલી કહે છે, ‘મેં સૌપ્રથમ બે-અઢી વર્ષ પહેલાં પુણેમાં આ મશીન જોયું હતું. મેં ખુદ એ ટ્રાય કરીને જોયું કે એનો ઘણો ફાયદો છે. એ પછી મેં એના વિશે તપાસ કરી. મારે એક એવું કામ શરૂ કરવું હતું જે લોકોને ખૂબ મદદરૂપ થાય. એટલે મેં કાંસ્ય થાળી મસાજ સેન્ટરની શરૂઆત કરી. હાલમાં હું દરેક વ્યક્તિ જે અમારે ત્યાં આ મસાજ લેવા આવે છે તેમના અનુભવો નોંધતો જાઉં છું જેના દ્વારા આ મસાજ માટે તેલ વાપરવું કે ઘી એ સમજાતું જાય છે. પારંપરિક રીતે તો ઘીનો જ પ્રયોગ થતો, પરંતુ અમે જોયું છે કે નારિયેળ તેલ કે રાઈના તેલના પણ જુદા ફાયદા છે. વળી કોણે શું વાપરવું એનું પણ એક જુદું સાયન્સ છે. મહત્ત્વનું એ છે કે દરેક વ્યક્તિએ અમને એ જ ફીડબૅક આપ્યું છે કે અમને ફાયદો થઈ રહ્યો છે.’
હું દરેક વ્યક્તિ જે અમારે ત્યાં આ મસાજ લેવા આવે છે તેમના અનુભવો નોંધતો જાઉં છું જેના દ્વારા આ મસાજ માટે તેલ વાપરવું કે ઘી એ સમજાતું જાય છે. અભિષેક માલી
શું ધ્યાન રાખવું?
આ મસાજનો સૌથી મોટો ફાયદો એ છે કે એની કોઈ જ આડઅસર નથી. જો તમને એના ફાયદા ન જણાય તો એનું નુકસાન પણ થતું નથી. એટલે એને એક વાર અજમાવવામાં કોઈ તકલીફ નથી. જોકે આ કરતી વખતે શું ધ્યાન રાખવું? શું મશીનના પણ એટલા જ ફાયદા છે જેટલા હાથથી મસાજ કરવાના? આવા પ્રશ્નોનો જવાબ આપતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘હાથથી અને મશીનથી થતા ફાયદા લગભગ સરખા જ છે જો તમે અમુક બાબતો પર ધ્યાન રાખો. પહેલી વાત એ કે જ્યારે હાથથી મસાજ કરવામાં આવે તો જોર મસાજ કરવાવાળી વ્યક્તિ લગાવે. મશીન દ્વારા જ્યારે એ કરવામાં આવે છે એમાં પગને થાળી પર તમારે પ્રેસ કરવાના હોય છે. આ મસાજ પાંચ-દસ મિનિટ વધુ ન લેવો. કાળાશ નીકળ્યા જ કરે તો કરતા જ રહેવું એમ નથી હોતું. બીજું એ કે કર્યા પછી તમને રિલૅક્સ ફીલ થવું જોઈએ. ન ઠંડું કે ન ગરમ. જો એકદમ ગરમી વધી જાય એમ લાગે તો પણ ખોટું છે અને એકદમ શરીર, ખાસ કરીને પગનાં તળિયાં ઠંડાં પાડી ગયાં હોય એમ લાગે તો પણ ખોટું છે.’
ફાયદાઓ
કાંસ્ય મસાજ કરવાથી થતા ફાયદાઓ ઊંઘની ક્વૉલિટી સુધરે છે.
વાળ અકાળે સફેદ થતા નથી. જો થયા હોય તો ધીમે-ધીમે ફરી કાળા થઈ શકે છે.
સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશનમાં ઘણી રાહત મળે છે.
લોહીનું પરિભ્રમણ ખૂબ સારું થાય છે.
પાચનશક્તિ પ્રબળ બને છે.
શરીરમાં ઉદભવેલું વાત-કફ-પિત્તનું ઇમબૅલૅન્સ દૂર થાય છે.
મસ્ક્યુલર પેઇન હોય તો એ તરત ઠીક કરવાનું શક્ય બને છે.
આંખોનો થાક દૂર થાય છે. માનસિક થાક પણ ઘટે છે.
શરીર અને આંખોની બળતરા જતી રહે છે.

