Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ચોમાસામાં જરૂરી છે પગને ગરમ રાખવા

ચોમાસામાં જરૂરી છે પગને ગરમ રાખવા

Published : 24 July, 2024 07:50 AM | IST | Mumbai
Darshini Vashi

સતત ઠંડા રહેતા પગ તમારા રક્તપરિભ્રમણને, પાચનશક્તિને અને રોગપ્રતિકારક શક્તિને પ્રભાવિત કરે છે. એને ગરમાટો આપીને ઘણી સમસ્યાઓને આવતી અટકાવી શકાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચોમાસામાં તમારું મન મોર બનીને થનગાટ કરવા માટે આતુર હોય તો પણ સૌથી મહત્ત્વની સાવધાની રાખવા જેવી કોઈ હોય તો એ છે પગની સંભાળ. આ ઋતુમાં વાતાવરણમાં ઠંડક, ભેજ અને વરસતા વરસાદના પાણીમાં પગનું ભીના થવું સાવ સામાન્ય બાબત છે ત્યારે સતત ઠંડા રહેતા પગ તમારા રક્તપરિભ્રમણને, પાચનશક્તિને અને રોગપ્રતિકારક શક્તિને પ્રભાવિત કરે છે. એને ગરમાટો આપીને ઘણી સમસ્યાઓને આવતી અટકાવી શકાય છે.


‘પગ ગરમ, પેટ નરમ અને મગજ ઠંડું’ હોવું એ સ્વસ્થ અને નીરોગી વ્યક્તિના શરીરની નિશાની છે પરંતુ જરાસરખી પણ બેદરકારી શરીરની પ્રકૃતિને બગાડી નાખે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન જ્યારે બહારના વાતાવરણમાં ભેજ અને ઠંડક હોય અને શરીરને એની સાથે ઝડપથી સુસંગત કરવા માટે સમય લાગે છે. એને લીધે શરીરનું તાપમાન પણ એકદમ ઘટી જતું હોય છે. લોહીનું પરિભ્રમણ જે ઝડપે અને જે રીતે થવું જોઈએ એ રીતે થઈ શકતું નથી. હૃદયની નજીક આવેલા અવયવો સુધી તો લોહીનું પરિભ્રમણ સરખી રીતે થાય છે, પણ જે હૃદયથી દૂર છે એવાં અંગો એટલે કે પગનાં તળિયાં અને હાથના પંજા ઠંડા પડવા લાગે છે, જે ઇમ્યુનિટી માટે સારું ન કહેવાય. પગ ઠંડા પડી જવાથી તમારી પાચનશક્તિ પર પણ અસર પડવા લાગે છે. આમ ન થાય અને આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે થાય એ માટે પગને ગરમ રાખવા જરૂરી છે. ચોમાસામાં પગનો ગરમાટો અકબંધ રાખવા શું કરવું એ વિષય પર ચર્ચા કરીએ.



વાત પ્રકૃતિ


આયુર્વેદમાં ત્રણ પ્રકારની પ્રકૃતિનો ઉલ્લેખ કરાયો છે. વાત, પિત્ત અને કફ. આ ત્રણે પ્રકૃતિમાંથી એક પણ ઉપર-નીચે થઈ જાય તો એની શરીર પર માઠી અસર દેખાવાની શરૂઆત થઈ જાય છે. ચોમાસા દરમિયાન શરીરમાં વાતનું પ્રમાણ વધે છે અને જો શરીરમાં પણ પહેલાંથી વાત હોય તો શરીર ઠંડું પડવા લાગે છે, જેની સૌથી વધુ અસર હાથના પંજા અને પગનાં તળિયાંમાં પડી શકે છે. આયુર્વેદિક ડૉક્ટર પૂર્વી પટેલ કહે છે, ‘ચોમાસામાં શરીરમાં વાત વધે જ છે. વાતનો ગુણ શીતલ હોય છે અને ચોમાસામાં બહાર પણ ઠંડક હોય છે અને એટલે આ સમય દરમિયાન શરીરમાં ઠંડીનું પ્રમાણ વધી જાય છે. એટલે જ ચોમાસા દરમિયાન ગરમ પાણી પીવા માટે કહેવામાં આવે છે જેનાથી શરીરમાં ગરમાટો રહે. આયુર્વેદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બહાર ઠંડક હોય ત્યારે પગમાં મોજાં પહેરી રાખો અથવા તળિયે તેલ લગાવો જેથી પગમાં ગરમાટો રહેશે અને પગનાં તળિયાં ઠંડાં નહીં પડે અને શરીરમાં વાત પણ નહીં વધે. શરીરમાં જેટલો વાત વધતો જશે એટલો શરીરમાં દુખાવો વધતો જશે. ઘણા લોકો ઠંડકમાં ફરિયાદ કરતા હોય છે કે સાંધામાં દુખાવો રહે છે. આનું એક કારણ વાત પ્રકૃતિ જ છે.’

શું ખાવું અને શું ન ખાવું?


વરસાદની સીઝનમાં ગરમ ખાવાની સલાહ ડૉક્ટરો આપે જ છે. ખાસ કરીને બહારથી આવીએ ત્યારે ભોજન અથવા પાણી ગરમ લેવું જોઈએ જેનાથી શરીરનું તાપમાન બૅલૅન્સ થઈ શકે. ડૉ. પૂર્વી પટેલ કહે છે, ‘ચોમાસામાં વાત કન્ટ્રોલમાં રહે એ માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે જેનાથી શરીરમાં રક્ત-પરિભ્રમણ સરખું થઈ શકે. આ સાથે એવો આહાર પણ ન ખાવો જોઈએ જે શરીરમાં વાયુ વધારે. ખાસ કરીને કઠોળ અને બેકરી પ્રોડક્ટ્સ આ સીઝનમાં બનેએટલાં ઓછાં આરોગવાં જોઈએ.’

હૃદય માટે જરૂરી

ચોમાસામાં જમીન ઠંડી રહે છે, લાંબો સમય પગ પાણીમાં પલળે છે અને વાતાવરણ પણ ઠંડું હોય છે. એવા સંજોગોમાં શરીરને પોતાનું નૉર્મલ ટેમ્પરેચર જાળવવા માટે વધુ એનર્જીની જરૂર પડે છે. ટેમ્પરેચર જાળવવાનું કામ પણ મુખ્યત્વે લોહીમાંના ઑક્સિજન થકી થતું હોય છે. એટલે જ ચોમાસામાં જો પગ ઠંડાં થઈ જતા હોય તો એ નિશાની છે કે શરીરના છેવાડાના ભાગો સુધી લોહી પહોંચાડી શકે એટલું પૂરતું પમ્પિંગ હાર્ટ દ્વારા નથી થતું. પગ હૂંફાળા રહે તો હૃદયને એટલું ઓછું કામ કરવું પડે છે.

આ ઉપરાંત ચોમાસામાં રોગચાળા પણ ખૂબ ફેલાય છે એટલે ઇમ્યુનિટી સ્ટ્રૉન્ગ રાખવી ખૂબ જ જરૂરી છે. પગને ગરમ રાખવા ઉપરાંત શરીર માટે પણ ઇમ્યુનિટીને સ્ટ્રૉન્ગ કરવાની જરૂર છે. એ માટે ગરમ ખોરાક ખાવાની સાથે ઇમ્યુનિટી બૂસ્ટ કરે એવાં સીઝનલ ફળો અને શાકભાજી ખાવાં જોઈએ. ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ રશ્મિ ભાનુશાલી કહે છે, ‘હમણાં ચેરી, બેરીઝ, પીચ, પ્લમ, પેર મળે છે. આ બધાં ફળો ચોમાસામાં હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એમાં સારુંએવું આયર્ન હોય છે જેની સાથે ઑરેન્જ અને સ્વીટ લાઇમ ઍડ કરી શકો છો જેથી વિટામિન C પણ મળી જાય. લોહતત્ત્વની સાથે જ્યારે વિટામિન C લેવામાં આવે તો હીમોગ્લોબિન પણ વધે છે અને બ્લડ-સર્ક્યુલેશન સારું થાય છે જેને લીધે ઇમ્યુનિટી પણ મજબૂત બને છે. લીલાં પાંદડાંવાળી શાકભાજી ચોમાસામાં બને ત્યાં સુધી અવૉઇડ કરવી જોઈએ અને જ્યારે વાપરવી હોય ત્યારે ગરમ પાણીમાં બે મિનિટ બૉઇલ કરીને જ ઉપયોગમાં લેવી જોઈએ.’

પગને ગરમ રાખવા માટે શું કરી શકાય?

૧. મોજાં પહેરો : પગને હૂંફાળા રાખવા માટે મોજાં પહેરવાં જોઈએ. જો ફાવે તો તળિયાં પર તેલથી માલિશ કરીને પણ મોજાં પહેરી શકાય. મોજાં પહેરવાથી પગમાં ગરમાટો તો રહે જ અને પગમાં ઠંડી પણ નહીં લાગે.

૨. ફુટબાથ : પગમાં કુદરતી ગરમાટો રહે તેમ જ પગમાં

બ્લડ-સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય એ માટે ગરમ પાણીમાં નીલગિરિ તેલનાં બે ચાર ટીપાં નાખીને એની અંદર થોડા સમય માટે પગ મૂકી રાખવાથી ઘણો લાભ થાય છે.

૩. પગને સૂકા રાખો : પગને બિનજરૂરી ભીના ન રાખવા. બહારથી આવીને તરત પગ

ધોઈને એને સૂકા કપડાથી લૂછી લેવા જોઈએ. આમ કરવાથી પગમાં રહેલું પાણી શરીરમાં પચશે નહીં અને અન્ય બીમારીથી પણ બચી શકાશે.

૪. મસાજ : અઠવાડિયામાં બે વખત તલના તેલને થોડું

હૂંફાળું કરી એનાથી પગ ઉપર મસાજ કરવો. આમ કરવાથી રક્ત-પરિભ્રમણ સરખું થશે અને રાત્રે નિદ્રા પણ સરસ આવી જશે સાથે આ તેલના મસાજથી આંખને પણ ઘણો ફાયદો થશે.

૫. આયર્ન-રિચ ખોરાક ખાવો : ઘણી વખત શરીરમાં લોહતત્ત્વની અછત સર્જાવાને લીધે પગ ઠંડા થતા હોવાનું જોવા મળ્યું છે. એટલે આહારમાં પૂરતા પ્રમાણમાં આયર્ન લેવું જે આખા શરીર માટે સારું છે.

૬. યોગ અને કસરત : યોગ અને કસરત એવી વસ્તુ છે જે તમને બહારથી જ નહીં, અંદરથી પણ ફિટ રાખે છે. શરીરનું તાપમાન વધારે છે અને દિવસ દરમિયાન ફ્રેશ રહેવામાં મદદ કરે છે.

૭. ફુટ-કૅર : ઘણી વખત આપણી નાનીસરખી ચૂક કે પછી બેદરકારી અથવા તો આળસ પણ આપણી હેરાનગતિનું એક કારણ બની જાય છે. જેમ કે પગના નખ. પગના લાંબા કરેલા નખની અંદર પાણી ભરાઈ રહેતું હોય છે, જેને લીધે અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે એટલે નખને સમય-સમયે ટ્રિમ કરવા જરૂરી છે. ભીનાં મોજાં પહેરી રાખવાં એ પણ મોટી બેદરકારી બની શકે છે. પગમાં ફંગલ ઇન્ફેક્શન પણ લાંબી ચાલતી સમસ્યા બની શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2024 07:50 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK