બાળકને ગળથૂથીમાં મધ ચટાડવાનો રિવાજ યોગ્ય છે?
DEMO PIC
ADVERTISEMENT
જિગીષા જૈન
બાળક જન્મે એનો હરખ આખા પરિવારને હોય છે. આજથી એક વર્ષ પહેલાં મુંબઈનો જાણીતો ડૉક્ટરપરિવાર પણ પોતાના ઘરે આવનારા બાળકને લઈને ખૂબ જ ઉત્સાહમાં હતો અને આખરે એ દિવસ આવી ગયો કે તેમના પરિવારમાં દીકરીનો જન્મ થયો. જન્મ બાદ પરંપરા મુજબ ગળથૂથી આપવાનો રિવાજ આવ્યો. આ પરિવારના વડા એટલે કે બાળકીના દાદા ગળથૂથી આપશે એ નક્કી થયું. અહીં સમજવા જેવી વાત એ છે કે પરિવારમાં જેટલા પણ સભ્યો છે એ બધા જ ડૉક્ટર છે, પરંતુ આપણા દેશની સંસ્કૃતિ અને પરંપરાના પાયા એટલા મજબૂત છે કે ભણતર અને સમજ એને હલાવી શકતાં નથી. ગળથૂથી આપવાનો રિવાજ ખૂબ જ સારો છે. આ એક સંસ્કાર છે જે વડીલ પોતાની આવનારી પેઢીને આપે છે. લોકો માને છે કે આવનારું બાળક એ વડીલ જેવું જ ગુણી બને. પરંતુ અહી મહત્વની વાત એ છે કે એ માટે એ બાળકને મધ ચટાડવામાં આવે છે. મધ કુદરતી પદાર્થ છે એટલે એને શ્રેષ્ઠ માનવામાં આવતું હશે અને એ કારણોસર પહેલાંના સમયમાં ગળથૂથીમાં મધ ચટાડવામાં આવતું હશે, પરંતુ આજના સમયમાં જ્યાં ભેળસેળ અને મિલાવટ દરેક ખાદ્ય પદાર્થમાં વ્યાપી ગયેલાં છે ત્યાં નવજાત બાળકને મધ ચટાડવું કેટલું સુરક્ષિત ગણાય? જે દીકરી જન્મી હતી તેની મમ્મી પોતે બાળરોગનિષ્ણાત ડૉક્ટર હતી અને સ્તનપાનનું મહત્વ સમજતી હતી. પોતાના બાળકને તે બહારની કોઈ વસ્તુ આપવા માગતી નહોતી. જેવી તેને ખબર પડી કે તેનો પરિવાર આવું કંઈ કરવા જઈ રહ્યો છે ત્યારે તેણે સિઝેરિયન ડિલિવરી પછીની પોતાની ખરાબ હાલતમાં પણ આ વસ્તુનો વિરોધ કર્યો. તેના બાળકને તેના દૂધ સિવાય બીજું કંઈ જ આપી શકાશે નહીં એ વાત તેણે સ્પષ્ટરૂપે પરિવાર સામે મૂકી. જ્યાં સુધી ગળથૂથીનો સવાલ હતો તો તેણે કહ્યું કે હું તમને મારું દૂધ કાઢીને આપું છું, તમે તેને ચટાડી દો. અને આ રીતે રિવાજનો રિવાજ જળવાઈ રહ્યો અને બાળકની હેલ્થને કોઈ નુકસાનકારક વસ્તુ પણ ન પહોંચી.
ગળથૂથીમાં મધ ચટાડાય?
હજી આજે પણ ગુજરાતી ઘરોમાં ગળથૂથીનું ઘણું મહત્વ છે. ખાસ કરીને જે ઘરમાં વડીલો છે એ વડીલો આ બાબતને ખૂબ પ્રાધાન્ય આપે છે; પરંતુ આજના સમયે જન્મેલા બાળકને મધ ચટાડવાનું રિસ્ક લઈ શકાય જ નહીં એ બાબતે પોતાનો મત સ્પક્ટ કરતાં હિન્દુજા હેલ્થકૅર સર્જિકલ, ખારનાં લૅક્ટેશન સ્પેશ્યલિસ્ટ ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘રિવાજમાં કોઈ ખરાબી નથી, પરંતુ નવજાત બાળકને જેની જરૂર છે એ છે તેની માનું દૂધ. પહેલાંના સમયમાં અમુક લોકો માનું પીળું દૂધ બાળકને ન આપતા. ૩-૪ દિવસ પછી જ્યારે માને બરાબર દૂધ આવવા લાગે ત્યારે જ બાળકને સ્તનપાન કરાવતા, પરંતુ એ બરાબર નથી. બાળક જન્મે પછી તેને તરત જ સ્તનપાન કરાવવું જોઈએ અને એ પીળું દૂધ પણ આપવું જોઈએ. રહી વાત મધ ચટાડવાની તો એ બિલકુલ યોગ્ય નથી. બહારની કોઈ પણ વસ્તુ બાળકને આપવી જોઈએ જ નહીં. માના દૂધ સિવાય કોઈ પણ વસ્તુ તેને આપવી ઠીક નથી, કારણ કે એનાથી ઇન્ફેક્શન થવાનો ડર રહે છે. નવજાત શિશુને થતું ઇન્ફેક્શન તેના માટે ઘાતક સાબિત થઈ શકે છે એટલે આવું કોઈ પણ રિસ્ક ન જ લેવું જોઈએ.’
ફિગર ખરાબ થઈ જાય?
રિવાજો અને માન્યતાઓ એવી વસ્તુ છે કે એની પરખ સમય-સમય પર થતી રહેવી જોઈએ. ગળથૂથીવાળી માન્યતા જૂની હતી તો વળી એક એવી મોર્ડન માન્યતા પણ છે કે સ્તનપાનથી સ્ત્રીનાં સ્તનનો આકાર ખરાબ થઈ જાય છે, જેને લીધે ઘણી મોર્ડન સ્ત્રીઓ બાળકને સ્તનપાન નથી કરાવતી અને ફૉમ્યુર્લા મિલ્ક પર જ રાખે છે. આ બાબતે ફોર્ટિસ હીરાનંદાની હૉસ્પિટલ, વાશીનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘આજથી થોડાં વર્ષ પહેલાં આ પ્રકારની સ્ત્રીઓ હતી જે કહેતી કે તેમનું ફિગર ખરાબ થઈ જશે અને એને લીધે તે પોતાના બાળકને સ્તનપાનથી વંચિત રાખતી. આ અધૂરું જ્ઞાન છે જે સ્ત્રીને તેના માતૃત્વના પરમ સંતોષથી વંચિત રાખે છે, પરંતુ છેલ્લાં ૪-૫ વર્ષમાં સ્તનપાન બાબતે સ્ત્રીઓમાં ઘણી જાગૃતિ જોવા મળી રહી છે. હકીકત એ છે કે ફિગર જાળવી રાખવા માટે સ્તનપાન છોડવાની નહીં પણ એક્સરસાઇઝ કરવાની જરૂર રહે છે. આ સિવાય મસાજ વગેરે પણ આ બાબતે હેલ્પફુલ થઈ શકે છે. ફિગરની ચિંતા કરીને સ્તનપાન ન કરાવવાની ભૂલ કોઈ સ્ત્રીએ ન કરવી જોઈએ.’
ભારતીય સ્ત્રીઓ થાકી જાય છે?
વલ્ર્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના સૂચન મુજબ દરેક બાળકને ઓછામાં ઓછા ૬ મહિના સુધી માએ ફક્ત સ્તનપાન કરાવવું જોઈએ. એ પછી પણ બે વર્ષની ઉંમર સુધી બાકી ખોરાક સાથે સ્તનપાન ચાલુ રાખવું જોઈએ. દુનિયામાં ખાસ કરીને પશ્ચિમી દેશોમાં કે મુસ્લિમ દેશોમાં સ્ત્રીઓ પોતાનાં બાળકોને ઓછામાં ઓછાં બે વર્ષ સુધી સ્તનપાન કરાવે જ છે. ઘણાં બાળકો ત્રણ-સાડાત્રણ વર્ષ સુધી પણ સ્તનપાન કરતાં હોય છે. ભારતીય સ્ત્રીઓ માટે દુનિયામાં એવી માન્યતા પ્રસરે છે કે તે નબળી છે અને સ્તનપાનથી જલદી થાકી જાય છે. આ બાબતે સ્પક્ટતા કરતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘ભારતીય સ્ત્રીઓ આજકાલ ઍવરેજ એક વર્ષ સુધી સ્તનપાન કરાવતી હોય છે. જો બાળકને બે વર્ષ સુધી સ્તનપાન કરાવવામાં આવે તો બાળક માટે ફાયદાકારક જ ગણી શકાય, પરંતુ ભારતીય સ્ત્રીઓનું ખાનપાન અને તેમની પોતાના પ્રત્યેની થોડી બેકાળજીને કારણે લાંબા ગાળા સુધી સ્તનપાન કરાવવું શક્ય બનતું નથી. એવું નથી કે સ્ત્રીઓ થાકી જ જાય છે. એ પણ હકીકત છે કે દૂધ જ સુકાઈ જાય છે, કારણ કે આપણે ત્યાં ડિલિવરી પછી ૨-૪ મહિના સ્ત્રીનું ઘણું ધ્યાન રખાય છે; પરંતુ પછી કાળજી છૂટતી જાય છે. સ્ત્રીના શરીરમાં જ પોષણ ન હોય અને તે સ્તનપાન ચાલુ રાખે તો તેનાં હાડકાં પર અસર થાય અને નાની ઉંમરે તેને ઑસ્ટિયોપોરોસિસ થઈ જાય. આમ સ્તનપાન દરમ્યાન સ્ત્રીએ પોતાની કાળજી, પોતાનું ખાનપાન વ્યવસ્થિત જ રાખવાં જોઈએ. ખાનપાનમાં કમી આવે તો ચોક્કસ સ્તનપાન લાંબો સમય ચાલે નહીં.’
(આવતી કાલે જોઈશું સ્તનપાન કરાવનારી સ્ત્રીએ શું ખાવું જોઈએ જેથી તેનું અને તેના બાળકનું પોષણ સંપૂર્ણ રહે.)
સ્તનપાનથી થતા ફાયદા
શિશુને થતા ફાયદા
૧. બાળકને પૂરતું અને જરૂરી પોષણ મળી રહે.
૨. બાળકની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ બને.
૩. બાળકનો વિકાસ યોગ્ય રીતે થાય.
૪. સંતોષ અને સુરક્ષિતતાની ભાવના પ્રબળ થાય.
માને થતા ફાયદા
૧. મા અને બાળક વચ્ચેનું બૉન્ડિંગ પ્રબળ બને.
૨. માતૃત્વનો સંતોષ મળે.
૩. તેનાં હૉર્મોન્સમાં ઊથલપાથલ ન થાય.
૪. ઘણાં રિસર્ચ એવું માને છે કે એનાથી સ્ત્રી પર બ્રેસ્ટ-કૅન્સરનું રિસ્ક ઘટે.
૫. ઘણા કેસમાં સ્તનપાન કૉન્ટ્રાસેપ્શન એટલે કે ગર્ભનિરોધકનું કામ કરે છે.
૬. પ્રેગ્નન્સીનું વજન જલદી ઊતરે છે.

