વૃદ્ધાવસ્થામાં જ એવું કેમ થાય છે એ સમજીએ તો આમ પણ વૃદ્ધો પર હાર્ટ-અટૅકનું રિસ્ક વધુ રહે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારી ઉંમર ૭૦ વર્ષની છે. ૧૦ વર્ષ પહેલાં અટૅક આવેલો. પછીથી હું મારું ઘણું ધ્યાન રાખું છું, પણ હમણાં ઠંડીને કારણે મને શરદી થઈ ગયેલી. શરદી માટેના ઘરગથ્થુ ઉપચાર મેં ચાલુ કરી દીધેલા, પણ રાત્રે મને થોડો તાવ આવતો હતો અને એકદમ નાક ઠસાઈ ગયું હોવાને લીધે શ્વાસ લેવામાં તકલીફ થઈ. સવારે ડૉક્ટરને વાત કરી તો તાબડતોડ તેમણે અમને ક્લિનિક પર બોલાવ્યા. બધું ઠીક જ હતું, પણ તેમણે મને કહ્યું છે કે સામાન્ય ફ્લુ પણ હોય તો પણ તમારે સાવધાન રહેવું જરૂરી છે. હું એકદમ સ્વસ્થ છું. એક શરદીમાં આટલું ગભરાવાની જરૂર છે ખરી?
સામાન્ય ફ્લુને આપણે ખાસ ગણકારતા નથી, એ વાત સાચી, કારણ કે એ સામન્ય બીમારી છે અને એ ઘરગથ્થુ ઉપચારોથી ઠીક થઈ શકે, પરંતુ એના માટે તમારી કન્ડિશન શું છે એ પણ સમજવાની જરૂર છે. તમે હાર્ટ પેશન્ટ છો અને તમારી ઉંમર પણ વધારે છે. એક રિસર્ચ મુજબ વૃદ્ધાવસ્થામાં જો ફ્લુ થાય તો વ્યક્તિને હાર્ટ અટૅકનું રિસ્ક છ ગણું થઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં જ એવું કેમ થાય છે એ સમજીએ તો આમ પણ વૃદ્ધો પર હાર્ટ-અટૅકનું રિસ્ક વધુ રહે છે, કારણ કે ઉંમરને કારણે તેમની લોહીની નળીઓ નબળી પડે છે. બીજું એ કે ઉંમરને કારણે જ લોહીની નળીઓ નબળી પડવાનું રિસ્ક વધે છે. તમને તો ઑલરેડી હાર્ટ પ્રૉબ્લેમ છે એટલે માની શકાય કે નળીઓ નબળી જ હશે. આમ, જો તમને ફ્લુ થયો અને એ ફ્લુ ન્યુમોનિયામાં પરિણમ્યો એનું રિસ્ક પણ ઉંમરલાયક દરદીઓમાં વધુ જ હોય છે, કારણ કે ઉંમરને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે તો તેમના પર હાર્ટ-અટૅકનું રિસ્ક વધી જાય છે. આમ, જે ઉંમરલાયક લોકો છે તેમણે સાવચેત રહેવાની જરૂર છે. ફ્લુ જેવા રોગને એ સામાન્ય ગણીને અવગણે તો તેમને એ ભારે પડી શકે છે.
આમ, જરૂરી છે કે તમારી ઉંમર વધારે હોય ત્યારે ફ્લુ થાય તો એને સામાન્ય ન સમજો અને તરત દવા કરાવો. મોટી ઉંમરે દરેક વ્યક્તિને વાર્ષિક એક વખત ફ્લુની રસી મુકાવડાવવી જોઈએ. હાર્ટ માટે જ નહિ, ફ્લુ સામે મોટી ઉંમરે રક્ષણ જરૂરી છે. આ સિવાય ફ્લુ જેવો ચેપ ન લાગે એ માટે બેઝિક હાઇજિનનું ધ્યાન રાખો. ફ્લુ ન જ થાય તો સારું અને જો થાય તો ડૉક્ટરના સંપર્કમાં સતત રહેવું, જેથી કોઈ કૉમ્પ્લિકેશન ન રહે.