Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઍપલ સાઇડર વિનેગર ખરેખર હેલ્ધી છે?

ઍપલ સાઇડર વિનેગર ખરેખર હેલ્ધી છે?

25 September, 2023 04:13 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

આજકાલ ઘણા લોકો વજનથી માંડી બ્લડ શુગર અને કૉલેસ્ટરોલ ઘટાડવા સુધી ઍપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરવા માંડ્યા છે. જો તમે પણ આવું કંઈ કરવા માગતા હો તો પહેલાં એની પાછળ રહેલા વિજ્ઞાનને સમજી લેવું આવશ્યક છે

પ્રતીકાત્મક તસવીર

હેલ્થ ઇઝ વેલ્થ

પ્રતીકાત્મક તસવીર


સફરજનના ગરમાં આથો લાવીને બનાવવામાં આવતો ઍપલ સાઇડર વિનેગર સદીઓથી રસોડમાં અને દવા તરીકે વપરાતો આવ્યો છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એના બ્યુટી અને હેલ્થ બેનિફિટ્સની એટલી ચર્ચા થઈ રહી છે કે હવે સામાન્ય ગૃહિણીથી માંડી સેલિબ્રિટીઝ સુધી સૌકોઈ એનો ઉપયોગ કરવા માંડ્યા છે, પરંતુ કોઈ બીજાની વાતો સાંભળી નિતનવા પ્રયોગો કરવામાં ક્યારેક ઊલમાંથી ચૂલમાં પડવા જેવું થઈ શકે. ઍપલ સાઇડર વિનેગર માટે પણ આ વાત એટલી જ સાચી છે. તો આવો આજે અંધેરીની ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ કેજલ શાહ પાસેથી આ વિનેગર પાછળ રહેલા વિજ્ઞાન અને એના નફા-નુકસાનને જરા સમજી લઈએ.


એસીવી શું છે?



ઍપલ સાઇડર વિનેગર (એસીવી) સફરજનને વાટીને એના માવામાં યીસ્ટ તથા સાકર નાખીને આથો લાવીને બનાવવામાં આવતો વિનેગર છે. યીસ્ટ નાખવાથી સફરજનના માવામાં આથો જલદી આવે છે અને થોડાં જ અઠવાડિયાંઓમાં એમાં રહેલી સાકર આલ્કોહૉલમાં પરિવર્તિત થઈ જાય છે. આથો આવતાં એમાં ઉત્પન્ન થતા સારા બૅક્ટેરિયા આલ્કોહૉલને એસિટિક ઍસિડમાં રૂપાંતરિત કરી દે છે, જે આ વિનેગરને એનો વિશિષ્ટ ખાટો સ્વાદ અને સુગંધ પ્રદાન કરે છે. અહીં કેજલ કહે છે, ‘કરિયાણાની દુકાનમાં મળતું સાદો એસીવી પૅશ્ચરાઇઝ્ડ અને ફિલ્ટર્ડ હોય છે, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ફિલ્ટર કર્યા વિનાનો એસીવી વધુ ગુણકારી છે. એમાં મધર નામનું તત્ત્વ રહેલું છે, જે એમાં રહેલા યીસ્ટ અને સેટલ્ડ બૅક્ટેરિયાનું બનેલું હોય છે. મધરમાં આપણે જેને પ્રોબાયોટિક તરીકે ઓળખીએ છીએ એવા સ્વાસ્થ્યવર્ધક બૅક્ટેરિયા હોય છે, જે પેટની  તંદુરસ્તી માટે ફાયદાકારક છે.’


આજકાલ બજારમાં એસીવી લિક્વિડ ઉપરાંત ટૅબ્લેટ, પાઉડર તથા ગમ્મીસના સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે પરંતુ એમાં વધારાની સાકર ઉમેરેલી હોવાથી બને ત્યાં સુધી એને લિક્વિડ સ્વરૂપે વાપરવું વધુ ફાયદાકારક છે.

વજન ઘટાડવામાં મદદ કરે છેઃ અનેક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે એસીવી લેવાથી લોકોને પેટ ભરેલું હોવાનો એહસાસ થાય છે. આ એહસાસને પગલે તેઓ ઓછું ખાય છે, જે આખરે તેમનું વજન ઘટાડવામાં નિમિત્ત બને છે. જોકે અહીં કેજલ કહે છે, ‘માત્ર એસીવી લેવાથી વજન ઘટી જતું નથી. વાસ્તવમાં વેઇટલૉસ યોગ્ય આહાર અને કસરત ઉપરાંત સારી જીવનશૈલીનું પરિણામ હોય છે. હા, એ ખરું કે એસીવીમાં રહેલા પ્રોબાયોટિક બૅક્ટેરિયા પાચનપ્રક્રિયામાં મદદરૂપ થાય છે. પેટ સાફ થતાં મેટાબોલિઝમ સુધરે છે, જે વજન ઘટાડવામાં સહાયક બની શકે છે. તેથી એસીવી લેતા હો ત્યારે પણ ઉચિત આહાર, વિહાર અને કસરતના મહત્ત્વને ભૂલવું ન જોઈએ.’


કૉલેસ્ટરોલ અને ડાયાબિટીઝ ઘટાડે છેઃ કેજલ કહે છે, ‘એસીવી ટ્રાઇગ્લિસરાઇડ્સ એટલે કે લોહીમાં રહેલી ચરબી ઉપરાંત ખરાબ કૉલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડી સારા કૉલેસ્ટરોલનું પ્રમાણ વધારે છે.’ કેટલાંક સંશોધનોમાં એવું પણ જાણવા મળ્યું છે કે એસીવી બ્લડ-પ્રેશર ઘટાડે છે તો કેટલાંક નિરીક્ષણોમાં એ ટાઇપ-2 ડાયાબિટીઝ અને ડિસલિપિડેમિયા ધરાવતા વ્યક્તિઓના ગ્લાઇસેમિક ઇન્ડેક્સ અને ઓસ્કિડેટિવ સ્ટ્રેસ પર ફાયદાકારક અસરો કરતો હોવાનું પણ જોવા મળ્યું છે એટલું જ નહીં, કેટલાંક સંશોધનો તો એવું પણ કહે છે કે જમ્યા બાદ એસીવી લેવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધતાં લોહીમાં શુગરનું પ્રમાણ ઘટે છે. છતાં એસીવી ડાયાબિટીઝની દવાઓનો વિકલ્પ તો નથી જ. સાથે જ જો તમે ડાયાબિટીઝની દવાઓ લેતા હો તો એસીવી લેવાનું શરૂ કરતાં પહેલાં તમારા ડૉક્ટર સાથે આ મુદ્દે એક વાર વાત ચોક્કસ કરી લેવી જોઈએ.

ઍસિડિટી દૂર કરે છેઃ નવાઈની વાત તો એ છે કે એસીવી સ્વાદમાં અત્યંત ખાટો હોવા છતાં એ ઍસિડિટીનું કારણ બનવાના સ્થાને એને દૂર કરે છે. આવું થવા પાછળનું કારણ સમજાવતાં કેજલ કહે છે, ‘એસીવીમાં ૫-૬ ટકા જેટલું એસિટિક ઍસિડ રહેલું છે, જે શરીરની અંદર જઈ એને આલ્કલાઇઝ કરવાનું કામ કરે છે. શરીરમાં આલ્કલાઇનનું પ્રમાણ વધતાં ઍસિડિટી ઓછી થાય છે. એમ છતાં કેટલાક લોકોને ઍસિડિટી થતાં પેટમાં બળતરા થાય છે તો કેટલાકને ઓડકાર આવતાં પેટનું ઍસિડ ઉપર આવે છે. જેમનું ઍસિડ ઉપર આવતું હોય તેઓ એસીવી લે તો એ તેમની અન્નનળીને ઇરિટેટ કરી શકે છે. તેથી જેમને બહુ ઍસિડિટી રહેતી હોય તેમણે એસીવી લેવાનું ટાળવું જોઈએ.’

ત્વચા અને વાળ માટે સારો છેઃ કેટલાક લોકો મોઢા પર ખીલ થતાં પાણીમાં ડાયલ્યુટ કરેલો એસીવી લગાડે છે તો કેટલાક એને એક્ઝિમા એટલે કે ખરજવાની તકલીફમાંથી રાહત મેળવવા માટે પણ ઉપયોગમાં લે છે. અલબત્ત, જેમની ત્વચા અત્યંત સંવેદનશીલ હોય તેમના માટે આ પ્રયોગ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેથી ત્વચા પર એસીવીનો ઉપયોગ કરતાં પહેલાં ડર્મેટોલૉજિસ્ટની સલાહ ચોક્કસ લેવી જોઈએ અથવા ઓછામાં ઓછી પૅચ ટેસ્ટ તો કરી જ લેવી જોઈએ. એવી જ રીતે કેટલાક લોકો ખોડાની સ્મસ્યાથી રાહત મેળવવા પણ શૅમ્પૂ કર્યા બાદ એસીવી નાખેલું પાણી પાંચ મિનિટ માથામાં નાખી સાદા પાણીથી વાળ ધોઈ નાખે છે. એની પાછળનું કારણ એ કે એસીવીમાં કેટલાંક એવાં તત્ત્વો રહેલાં છે, જે બૅક્ટેરિયા અને ફંગસનો નાશ કરી વાળનું સ્વાસ્થ્ય સુધારે છે. જોકે આ પ્રયોગ અઠવાડિયે એક વારથી વધુ ન કરવો જોઈએ અન્યથા વાળ ડ્રાય થઈ શકે છે.

ઍપલ સાઇડર વિનેગર કેવી રીતે લેવો જોઈએ?

પરંપરાગત રીતે ઍપલ સાઇડર વિનેગરનો ઉપયોગ રસોઈ ઉપરાંત પ્રિઝર્વેટિવ તરીકે થતો આવ્યો છે. તમે એને સૅલડ ડ્રેસિંગ કે મૅરિનેડ્સમાં પણ વાપરી શકો છો. વધુપડતો એસીવી શરીરમાં પોટૅશિયમનું પ્રમાણ ઘટાડી શકે છે, તેથી એનો ઉપયોગ કરતી વખતે પ્રમાણભાન ભૂલવું જોઈએ નહીં. એક સરેરાશ અંદાજ મુજબ દિવસમાં ૧૦ મિલીલિટરથી વધુ એસીવી લેવો હિતાવહ નથી. જેઓ વજન ઘટાડવા માટે એસીવી લેવાનું વિચારી રહ્યા હોય તેમણે જમતાં પહેલાં ૧૦ મિલીલિટર પાણીમાં પ મિલીલિટર એસીવી નાખીને પીવું જોઈએ. જેઓ બ્લડ-શુગર કે કૉલેસ્ટરોલ ઘટાડવા એનો ઉપયોગ કરવા માગતા હોય તેમણે એ જ પ્રમાણમાં જમ્યા બાદ એસીવી લેવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં ખાલી પેટે એસીવી લેવો નહીં. કેટલાક લોકોને એસીવી લીધા બાદ બેચેની થાય છે તો કેટલાકને ઉલ્ટી. જેમને આવી તકલીફ રહેતી હોય તેમણે એનો ઉપયોગ સદંતર બંધ કરી દેવો જોઈએ. 

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2023 04:13 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK