એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરવા નીકળેલા પી. નવીનકુમારને એક દિવસ એવો અનુભવ થયો કે તેના જીવનની દિશા બદલાઈ ગઈ અને તેણે માણસાઈમાં માસ્ટરી મેળવી લીધી
પી. નવીનકુમારના અત્યચમ ટ્રસ્ટની ટીમ.
૧૪૮૦ રઝળતા લોકોને આશરો આપવાની સાથે રોજગારી આપીને સન્માનભર્યું જીવન જીવતા કર્યા છે તામિલનાડુના પી. નવીનકુમારે : એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરવા નીકળેલા પી. નવીનકુમારને એક દિવસ એવો અનુભવ થયો કે તેના જીવનની દિશા બદલાઈ ગઈ અને તેણે માણસાઈમાં માસ્ટરી મેળવી લીધી
ભારતનું ભવિષ્ય ભારતના યુવાનોના હાથમાં છે.
ADVERTISEMENT
સ્વામી વિવેકાનંદના હજારો પૉપ્યુલર ક્વોટ્સ પૈકીનું આ ક્વોટ મેં-તમે, આપણે સૌએ સેંકડો વખત વાંચ્યું હશે અને વાંચીને રાજી પણ થયા હોઈશું, પણ શું આ એક ક્વોટથી તમારા જીવનમાં કોઈ ચેન્જ આવ્યો?
વિચારવાની કે પછી ગડમથલમાં પડવાની જરૂર નથી. જવાબ ક્લિયર છે - ના. જો આ ક્વોટથી તમારા જીવનમાં ચેન્જ આવ્યો હોત તો તમે આ આર્ટિકલ વાંચવા અહીં ન હોત. તમે તમારા મિશન પર લાગી ગયા હોત અને તમારી પાસે સમયનો અભાવ હોત. એવો જ અભાવ જેવો અભાવ તામિલનાડુના ઇરોડ શહેરમાં રહેતા નવીનકુમાર પાસે છે. નવીનકુમાર સાથે તમે વાત કરતા હો તો પણ તે વચ્ચે-વચ્ચે ૫૦ જાતની ઇન્સ્ટ્રક્શન આપતો જતો હોય. માંડ ૩૧ વર્ષના નવીનકુમાર અને તેની ટીમ પાસે સમય નથી અને સમય ન હોવાનું મુખ્ય કારણ છે સ્વામી વિવેકાનંદ. નવીનકુમાર કહે છે, ‘સ્વામી વિવેકાનંદનો મારા પર જબરદસ્ત પ્રભાવ છે. તેમણે કહેલી વાતોમાંથી કેટલાંક વાક્યો મારા મનમાં એ સ્તર પર છપાઈ ગયાં છે કે ક્યારેય ભુલાશે નહીં. અત્યારે વાત કરતી વખતે પણ મને એમ જ થાય છે કે હું મારો સમય બગાડું છું, મારે મારું ફોકસ કામ પર જ રાખવું જોઈએ. સ્વામી વિવેકાનંદે બહુ સરસ વાત કહી છે : ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’
નવીનકુમારનું ધ્યેય છે બેગર-ફ્રી એટલે કે ભિક્ષુકરહિત ભારત. પોતાના આ ધ્યેય માટે નવીનકુમાર પોતાની કરીઅર પણ ભૂલી ગયો છે. નવીનકુમારે અત્યાર સુધીમાં ૧૪૮૦થી વધુ લોકોને ભીખ માગતા બંધ કરાવીને તેમને રોજગાર આપવાનું કામ કર્યું છે. નવીનકુમાર કહે છે, ‘દરેક કામની જવાબદારી પ્રશાસનની નથી હોતી. તમારે પણ અમુક જવાબદારી સ્વીકારવી પડે. જો તમે સરકારને સાથ આપો તો જ સરકાર પર ભારણ ઘટશે અને ભારણ ઘટશે તો એ બીજી બાબતોમાં વધારે ચોકસાઈ સાથે કામ કરશે.’
વાત એકડે એકથી
નવીનકુમાર અત્ચયમ ટ્રસ્ટનો મૅનેજિંગ ટ્રસ્ટી છે. આ જે અત્ચયમ શબ્દ છે એ તામિલ શબ્દ છે, જેનો અર્થ થાય છે ક્યારેય ખૂટે નહીં એવું અનંત. નવીનકુમાર કહે છે, ‘માનવતા ક્યારેય ખૂટવી કે અટકવી ન જોઈએ. એ અનંત હશે તો જ માનવસંબંધો મૂલ્યવાન રહેશે. અન્યથા આપણા અને જંગલી પ્રાણીઓ વચ્ચે કોઈ ફરક નહીં રહે.’
આલિયા ભટ્ટ કે કિઆરા અડવાણી પાછળ પાગલ થવાની ઉંમરે નવીનકુમારની વાતોમાં તથ્યસભર શબ્દો છે અને એ આજકાલના નથી. એ સમયથી છે જે સમયે નવીનકુમાર ટીનેજ તોડીને હજી જસ્ટ આગળ વધતો હતો.
વાત ઑલમોસ્ટ સવા દશક પહેલાંની છે. નવીનકુમારની ઉંમર માત્ર ૧૯ વર્ષની. એ સમયે નવીનકુમાર તામિલનાડુના સેલમ નામના શહેરમાં હતો અને તેની GATEની એટલે કે ગ્રૅજ્યુએટ ઍપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગની એક્ઝામની તૈયારી ચાલતી હતી. એકધારું ભણ-ભણ કર્યા પછી ચા માટે ઘરની બહાર નીકળેલા નવીન પાસે કેટલાક ભિખારીઓ આવી હાથ ફેલાવીને ‘સવારથી ભૂખ્યા છીએ’, ‘કંઈ ખાધું નથી...’, ‘ભગવાન તમારું ભલું કરશે...’ જેવી વાતો કરતા ઘેરી વળ્યા અને નવીન ચા પડતી મૂકીને સીધો ઘરમાં ગયો. એ સમયે એક જ ટિફિન મગાવતા નવીને લંચમાંથી ઘણું બચાવ્યું હતું, જેથી ડિનર પણ એ જ ટિફિનમાંથી થઈ જાય. ઘરમાં જઈને નવીન એ બધું ફૂડ લાવ્યો અને ભિક્ષુકોને આપી દીધું. સ્વાભાવિક રીતે પેલા લોકો ખુશ થઈ ગયા અને એ દિવસે નવીને એકટાણું કર્યું, કારણ કે સદાવ્રતથી તેનું પેટ મસ્ત રીતે ભરાઈ ગયું હતું.
આ એ સમયની વાત છે જે સમયે નવીનકુમાર એન્જિનિયરિંગમાં માસ્ટર્સની તૈયારીઓ કરતો અને ફ્રી ટાઇમમાં સ્વામી વિવેકાનંદની બુક્સ વાંચતો. નવીનકુમાર કહે છે, ‘આ દિવસોમાં મારા મનમાં સતત એ વાત ચાલતી હતી કે આટલી સરસ વાત સ્વામી વિવેકાનંદ કહી ગયા છે તો શું કામ આપણે એને અમલમાં નથી મૂકતા?’
આ એક ઘટના પછી નવીનકુમારને ‘આપવાનો આનંદ’ મળ્યો અને તેણે જે કોઈ સામે મળે, જે કોઈ તેની પાસે માગે તેને મદદ કરવાનું મનોમન નક્કી કર્યું. અલબત્ત, એવું કરવા જતાં તેને કડવા અનુભવો પણ થયા. બે દિવસથી ખાધું નથી એવું કહીને એક છોકરો તેની પાસેથી પૈસા લઈ ગયો, જે પૈસા નવીનકુમારે પોતાની બુક્સ માટે એકઠા કર્યા હતા. કલાક પછી તેણે જોયું કે તે છોકરો ડ્રગ્સનું સેવન કરીને ફુટપાથ પર પડ્યો હતો.
એવું નહોતું કે નવીનને ફૅમિલીનો પૂરતો સપોર્ટ હતો. ના, સહેજ પણ નહીં. નવીનનો પરિવાર લોઅર મિડલ ક્લાસ હતો. એન્જિનિયરિંગ કરતા નવીને પોતાનો ખર્ચો જાતે જ વેંઢારવાનો હતો, જેના માટે તે પાર્ટટાઇમ નોકરી કરતો અને જ્યારે નોકરી છૂટી જતી ત્યારે તે આડોશીપાડોશીનાં ઘરનાં કામ પણ કરી લેતો. અરે, અનેક વખત તો નવીનકુમારે ટૉઇલેટ સાફ કરવાનું પણ કામ કર્યું હતું. દિવસમાં ૧૦૦થી ૧૫૦ ટૉઇલેટ સાફ કરનારા નવીન માટે મહત્ત્વનું એ જ હતું કે તેણે કમાણી કરવાની છે. નવીનકુમારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘તમે જે ભોગવ્યું હોય એ તમે સહેલાઈથી અનુભવી શકો. મારી ભૂખ અને ગરીબીને લીધે જ હું ભિક્ષુકોની તકલીફોને વધારે સારી રીતે સમજી શકતો અને એ જ કારણે મને એ દિશામાં કામ કરવાનું મન થવાનું શરૂ થયું.’
બાય ધ વે, આપણે જેને ભિખારી કે ભિક્ષુક કહીને સારા શબ્દ-પ્રયોજનની ખુશી માણીએ છીએ એ શબ્દના ઉપયોગ સામે નવીનકુમારનો વિરોધ છે. નવીનકુમાર કહે છે, ‘તે બેરોજગાર છે, તેની પાસે કામ નથી એટલે તે હાથ ફેલાવે છે. એટલે ક્યારેય તેમના માટે આ પ્રકારનો શબ્દપ્રયોગ ન કરવો જોઈએ.’
મનમાં આવ્યો એક વિચાર
બેરોજગારીને કારણે હાથ ફેલાવીને ગુજરાન ચલાવતા લોકો માટે કંઈક કરવું જોઈએ એવો વિચાર આવ્યા પછી નવીનકુમારે અનેક પ્રયાસ કર્યા કે એમાં તેને બહારથી સાથ મળે. જો પોતે આ પ્રકારના કોઈ બેરોજગારને લઈ આવે તો તેને કામ આપવા બીજા રાજી થશે કે નહીં એ માટે તેણે અનેક લોકોને સમજાવવાની કોશિશ કરી, પણ દરેક જગ્યાએથી તેને એક જ પ્રકારનો જવાબ મળ્યો : ‘પહેલાં તું તારું જોને!’
આ જવાબ અઢળક જગ્યાએથી સાંભળ્યા પછી પણ નવીનકુમારના મનમાંથી વિચાર જતો નહોતો કે રોજગારના અભાવે રસ્તા પર આવીને હાથ ફેલાવતા લોકો માટે કંઈક નક્કર કરવું અને એ વિચારમાં થોડા સમય પછી નવો ઇરાદો જોડાયો. ઉંમરને કારણે કામ ન કરી શકતા અને ઘરનો આશ્રય પણ ગુમાવી ચૂકેલા અને દયનીય સ્થિતિમાં રહેતા લોકોનો હાથ પકડવો.
‘કરવું શું?’ એની સ્પષ્ટતા હતી, પણ ‘કરવું કેમ?’ એની જાણકારી નહોતી. પણ હા, આ પિરિયડ દરમ્યાન નવીનકુમાર સામે એક ધ્યેય ક્લિયર હતું. તેણે એન્જિનિયરિંગ પૂરું કરવાનું હતું અને એ પણ અવ્વલ માર્ક્સ સાથે. નવીને એ કામ કર્યું અને શ્રેષ્ઠ રીતે કર્યું. એન્જિનિયરિંગ કૉલેજમાં બેસ્ટ સ્ટુડન્ટ તરીકેનું સન્માન પણ તેણે મેળવ્યું અને એ સન્માનનો સીધો ફાયદો નવીનને એ થયો કે તેને આદર્શ માનતા અનેક સ્ટુડન્ટ્સ મળી ગયા. નવીને એ સ્ટુડન્ટ્સનો પોતાના નહીં, દેશના વિકાસના સપનામાં ઉપયોગ કર્યો અને એવી ટીમ બનાવવાની શરૂ કરી જે બેરોજગાર બનીને હાથ ફેલાવતા થઈ ગયેલા લોકોને સાચા માર્ગે વાળવાના પ્રયાસમાં નવીન સાથે જોડાય. નવીનકુમાર કહે છે, ‘શરૂઆતમાં અનેક જગ્યાએ અમારો વિરોધ થયો. વિરોધ કરનારા બીજા કોઈ નહીં, એ જ લોકો હતા જેમને અમે મદદ કરવા જતા હતા.’
એ ભિક્ષુકોને લાગ્યું કે આ સરકારી અધિકારીઓ છે જેઓ તેમની અરેસ્ટ કરવા આવ્યા છે (કારણ કે ભારતમાં ભીખ માગવી એને ગુનો ગણવામાં આવે છે). ભિક્ષુકો આ ટીમનો વિરોધ કરતા, ત્યાંથી ભાગી જતા તો કેટલીક વાર તો તે લોકો ટીમ પર હુમલો પણ કરતા. આ બધા વચ્ચે એક કિસ્સો એવો બન્યો જેણે નવીનકુમાર અને તેની ટીમના આત્મવિશ્વાસને બળવત્તર બનાવી દીધો.
રાજશેખર નામના એક ભિક્ષુકને ટીમ પોતાની સાથે લાવી. રાજશેખર એક ઍક્સિડન્ટમાં પોતાની ફૅમિલી ગુમાવી બેઠો અને પછી તે નશાના રસ્તે વળી ગયો. રાજશેખરની સારી વાત એ કે મળવા આવનારાને તે પોતાની ફૅમિલી જ માને. નવીનકુમારની ટીમને તેણે પ્રેમપૂર્વક આવકારી અને ટીમે રાજશેખરને એક નવું જીવન આપવાનું કામ કર્યું. છ મહિનામાં રાજ નશાની લતમાંથી બહાર આવી ગયો અને નવીને તેને એક ફૅક્ટરીમાં વૉચમૅન તરીકે જૉબ પણ અપાવી દીધી. એ પછી રાજશેખરે પોતે જ્યાં રહેતો હતો એ વિસ્તારના ભિક્ષુકોના પુનરુત્થાન માટે નવીનકુમારને સાથ આપ્યો અને તેના કામને વેગ મળ્યો.
આ એ જ તબક્કો હતો જે સમયે અત્ચયમ ટ્રસ્ટનો શુભારંભ થયો. જોકે આ ટ્રસ્ટનો હેતુ માત્ર લોકોનો વિશ્વાસ મેળવવા પૂરતો જ હતો. નવીનકુમારે ૪ વર્ષ સુધી તો આ ટ્રસ્ટ માત્ર પોતાની સૅલેરી પર ચલાવ્યું. કોઈ પાસેથી ફન્ડ પણ નહોતું મળતું એ પણ હકીકત હતી. નવીનકુમાર કહે છે, ‘વિરોધ ન થાય એ માટે અમને ટ્રસ્ટની જરૂર હતી તો સાથોસાથ અમે જેમને લઈ આવીએ છીએ તેમને કામ મળી રહે એ માટે પણ એક એવા ઍડ્રેસની જરૂર હતી જેના પર લોકો ભરોસો કરે. ટ્રસ્ટે અમને એ વિશ્વાસ અપાવ્યો અને એ અમારા માટે મહત્ત્વનું હતું.’
આગળ કહ્યું એમ નવીનકુમારના ટ્રસ્ટનું નામ અત્ચયમ છે. અત્ચયમ ચલાવવા માટે પણ પોતાને કમાણી કરવાની હતી એટલે નવીનકુમાર દિવસ દરમ્યાન સતત મહેનત કરતો અને રાતે ૧૧ વાગ્યા પછી અત્ચયમ માટે કામ કરતો. અત્ચયમની મોટા ભાગની ટીમ પણ એવી જ હતી એટલે બનતું એવું કે શરૂઆતમાં ટીમના મોટા ભાગના સભ્યો ૧૬થી ૨૦ કલાક કામ કરતા.
ફાઇનલી સ્વીકારના રસ્તે
જે કામ માટે નવીનકુમારે અનેક પ્રકારની તકલીફો સહન કરી, મુશ્કેલીઓનો સામનો કર્યો એ કામે અંતે નવીનકુમારનો સ્વીકાર કર્યો અને ભારત સરકાર દ્વારા ૨૦૧૮માં તેનું સન્માન કર્યું. અલબત્ત, એ પહેલાં નવીનકુમારને નાનાં-મોટાં અનેક સન્માન મળી ચૂક્યાં હતાં, પણ એ શહેર અને રાજ્યસ્તરનાં હતાં. યોગી આદિત્યનાથના હાથે મળેલા સન્માન પછી નવીનકુમારના કામની સ્વીકૃતિ રાષ્ટ્રીય સ્તર પર થઈ અને જે લોકો નવીનકુમારથી દૂર ભાગતા હતા તેઓ તેની સાથે દોસ્તી વધારવા માટે સામેથી આગળ આવતા થયા. અત્ચયમ શરૂ થયાને આજે ૧૧ વર્ષ થયાં છે. આ ૧૧ વર્ષમાં અત્ચયમની પાંચ બ્રાન્ચ બની અને અંદાજે ૧૩,૦૦૦ લોકોને એનો ફાયદો થયો તો ૧૪૮૦ લોકોને રોજગાર સાથે નવું જીવન મળ્યું. આજે એવી સિચુએશન છે કે દિવસમાં ૨૦થી વધુ કૉલ અત્ચયમની ઑફિસે આવે છે જેમાં સંસ્થાને બેરોજગાર કે સહારા વિનાના લોકોને લઈ જવા માટે વિનંતી કરવામાં આવે છે. ગર્વની વાત એ છે કે આજ સુધીમાં અત્યચમે એક પણ કૉલમાં ના નથી પાડવી પડી. નવીનકુમાર કહે છે, ‘આજે અમારી પાસે જગ્યા છે કે અમે તેમને રાખી શકીએ, પણ જ્યારે જગ્યા નહોતી ત્યારે અમારી ટીમ પોતાના ઘરે પણ તેમને લઈ જતી અને ત્યાં પણ તેમને આશરો આપીને રાખતી.’
આવું નવીનકુમારે પણ કર્યું છે અને તેને કડવા અનુભવો પણ થયા છે. પોતે ભાડાના જે ઘરમાં રહેતો એ ઘરમાંથી નવીનને કાઢી પણ મૂકવામાં આવ્યો છે તો એવું પણ બન્યું છે કે જે દિવસે તેની સૅલેરી આવી હોય એ જ દિવસે નવીન જેને ઘરે લઈને આવ્યો હોય તે આખી સૅલેરી લઈને રાતે ઘરેથી ભાગી ગયો હોય. જસ્ટ ઇમૅજિન, એ પછી પણ નવીનને કોઈ અફસોસ થયો નથી. નવીન કહે છે, ‘એક ખરાબ અનુભવને યાદ કરીને આજ સુધીના સારા અનુભવોને ભૂલી જવા જેટલો સ્વાર્થી થવામાં હું નથી માનતો.’
અત્ચયમ ટ્રસ્ટ ભિક્ષુકોને રોજગાર અપાવવાનું કામ કરે છે તો સાથોસાથ તેમની બાંયધરી પણ લે છે. મોટી ઉંમરના, અશક્ત કે પછી શારીરિક રીતે અક્ષમ લોકોને છત આપવાનું કામ પણ એ કરે છે અને અન્ય નિરાિશ્રતોને રહેવાની સગવડ પણ કરી આપે છે. નિરાિશ્રતોમાં તેણે ૧૮ કૅટેગરી બનાવી છે. જે નિરાિશ્રતોને આશ્રય આપવામાં આવે છે તેમણે પણ ઉંમર અને શારીરિક ક્ષમતા મુજબ કામ કરવાનું રહે છે. અત્ચયમ ટ્રસ્ટ દ્વારા અગરબત્તીથી માંડીને માટી અને ગાયના છાણના દીવા, શૅમ્પૂ, સાબુ, પેપરપ્લેટ જેવી રોજબરોજની અનેક ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે.
અત્ચયમમાં કામ કરનારાઓમાં સૌથી મોટી ઉંમરનો કોઈ આશ્રિત હોય તો તે ૯૨ વર્ષનાં માજી છે અને નાનામાં નાની ઉંમરનું જો કોઈ હોય તો તે ૧૩ વર્ષની છોકરી છે. આ છોકરીએ દિવસ દરમ્યાન ભણવાનું રહે અને નિરાંતની પળોમાં અહીંના લઘુઉદ્યોગમાં મદદ કરવાની. નવીનકુમાર કહે છે, ‘કોઈ પણ જવાબદારી ઇન્ડિવિજ્યુઅલ નથી હોતી. બધાએ એમાં સાથ આપવો જોઈએ. અમારાથી જે શક્ય છે એ અમે કરીએ છીએ. હું તો કહીશ કે આ કામમાં અન્ય લોકો પણ જોડાય. ઘણા મને પૂછે છે કે તને આનાથી શું ફાયદો? ત્યારે મારો જવાબ હોય છે કે મારા હિસ્સામાં દુઆ જમા થાય છે અને હું એનાથી ખુશ છું.’
જરૂરી નથી કે દરેક કર્મનો દેખીતો હિસાબ હોય. કેટલીક વખત કર્મની ત્રિરાશિ છેક એવી જગ્યાએ મંડાતી હોય છે જે કોઈના ધ્યાનમાં પણ નથી હોતી.

