આંતરડાં કરોડો હેલ્ધી અને ઉપયોગી બૅક્ટેરિયાનું ઘર છે, બૅક્ટેરિયાની વૃદ્ધિ અને પ્રકાર તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ, યાદશક્તિ અને એકંદર સ્વાસ્થ્ય નક્કી કરે છે.
જંખના ઠક્કર, ચીફ ડાયટિશ્યન PG, RD, CDE, NMD.
આંતરડાંમાં મગજ જેવા ચેતાકોષોનું ખૂબ જ ગાઢ ગૂંચળુ હોય છે, આંતરડાં આખા શરીરની સરળ કામગીરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આંતરડાં કરોડો હેલ્ધી અને ઉપયોગી બૅક્ટેરિયાનું ઘર છે, બૅક્ટેરિયાની વૃદ્ધિ અને પ્રકાર તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ, યાદશક્તિ અને એકંદર સ્વાસ્થ્ય નક્કી કરે છે.
આંતરડાં સ્વસ્થ છે કે નહીં એ આપણે કેવી રીતે શોધી શકીએ?
ADVERTISEMENT
માથાનો દુખાવો, કબજિયાત, વારંવાર ઇન્ફેક્શન થવું, નબળાઈ, ઓછી રોગપ્રતિકારક શક્તિ, ઍલર્જી અને ખીલ ફાટવા, વાળ ખરવા, ઍસિડિટી, ગૅસ અને પેટનું ફૂલવું જેવાં લક્ષણો આંતરડાંના ખરાબ સ્વાસ્થ્ય તરફ ધ્યાન દોરે છે. આંતરડાંના ખરાબ સ્વાસ્થ્યનાં મુખ્ય કારણ છે...
અયોગ્ય ખોરાકની ટેવ
પ્રોસેસ્ડ ફૂડનું પ્રમાણ વધારવું
તણાવપૂર્ણ વાતાવરણ
ઊંઘનો અભાવ
કસરતનો અભાવ
વધુ પડતો દારૂ અને ધૂમ્રપાન
ઍન્ટિ બાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ
તમારાં આંતરડાંના સ્વાસ્થ્યને સુધારવા માટે તમારા શરીરને સારા બૅક્ટેરિયાની જરૂર હોય છે. સારા બૅક્ટેરિયા બે સ્વરૂપમાં હોય છે : પ્રો-બાયોટિક અને પ્રી-બાયોટિક. બન્ને એકસરખા લાગતા હોઈ શકે છે, પરંતુ એનાં કાર્યો અને મૂળ અલગ-અલગ હોય છે. પ્રો-બાયોટિક એવા બૅક્ટેરિયા છે જે શરીરની બહાર ખોરાક પર ડેવલપ થાય છે અને જીવંત સ્વરૂપમાં ખાવામાં આવે છે. પ્રી-બાયોટિક માનવશરીરની અંદર કાર્બોહાઇડ્રેટના રુમિનેન્ટ્સ પર ડેવલપ થાય છે.
જ્યારે તમારા આંતરડામાં પ્રી-બાયોટિક અને પ્રો-બાયોટિક વચ્ચે યોગ્ય સંતુલન હોય છે ત્યારે ચોક્કસ રાસાયણિક વાતાવરણ રચાય છે જે તમારા શરીરને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરશે એથી સારા સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ સંતુલન મહત્ત્વપૂર્ણ છે.
૨૦૧૧માં નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન દ્વારા એક અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં ખોરાકમાં પ્રો-બાયોટિક્સનો ઉપયોગ કરીને ખરજવું, ઍલર્જી, વાઇરલ ઇન્ફેક્શન અને વૅક્સિનેશનના પ્રતિભાવ જેવા અનેક રોગપ્રતિકારક શક્તિ સંબંધિત રોગોમાં સંભવિત સુધારો દર્શાવવામાં આવ્યો હતો. પ્રો-બાયોટિક ખીલ, દાંતમાં આવતો સડો, પેઢાંનું સ્વાસ્થ્ય, યોનિમાર્ગ અને પેશાબના માર્ગમાં થતા ચેપમાં પણ મદદ કરે છે, ખાસ કરીને ૪૦ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં. સારા અને પૂરતા પ્રમાણમાં પ્રો-બાયોટિક્સ વિકસાવવા માટે સારા આહાર સાથે દરરોજ ૪૫ મિનિટ ચાલવાની જરૂર છે.
મેટાબૉલિક સ્વાસ્થ્ય સુધારવા માટે પ્રી-બાયોટિક ખોરાક મહત્ત્વપૂર્ણ છે, એથી પ્રી-બાયોટિક ખોરાક તમને ડાયાબિટીઝમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં, ખરાબ કૉલેસ્ટરોલ ઘટાડવામાં અને વજન ઘટાડવામાં મદદ કરશે. કુદરતી સ્વરૂપે તેમ જ સપ્લિમેન્ટ બન્નેમાં પ્રી-બાયોટિક અને પ્રો-બાયોટિક મેળવવા માટે વિવિધ સ્રોતો છે. પ્રો-બાયોટિકના કેટલાક ખાદ્ય સ્રોતો પણ છે.
બીટરૂટની કાંજી : બીટરૂટના બે ભાગ કાપીને ૧.૬ લીટર પાણી, ૪ ચમચી સરસવના દાણા, સ્વાદ મુજબ મીઠું નાખી એને આથો આવે ત્યાં સુધી સૂર્યપ્રકાશમાં રાખો અને પીઓ.
ફ્લાવર અને કોબી : એમાં મીઠું ઉમેરો અને કુદરતી રીતે એમાં આથો આવવા માટે રાખો.
સોયાબીનઃ મિસો પેસ્ટ અથવા ટોફુ બનાવો અને સૂપ તરીકે ઉપયોગમાં લો.
ચોખાની કાંજી : રાંધેલા ચોખાને રાતે પાણીમાં પલાળી રાખો અને દહીં સાથે ખાઓ.
દહીં : ઘરે બનાવેલું જ સર્વશ્રેષ્ઠ છે.
બધા જ આથાવાળા ખોરાક પ્રી-બાયોટિકનો સારો સ્રોત નથી. ઇડલી, બ્રેડ, ઢોકળાં જેવા કેટલાક આથાવાળા ખોરાક પ્રો-બાયોટિકનો સ્રોત નથી. જોકે આ ખોરાકમાં આથો આવે એ દરમ્યાન એમાં પ્રો-બાયોટિક હોય છે, પરંતુ આકરી રસોઈ પ્રક્રિયાઓને કારણે એ નાશ પામે છે. આમ જ્યારે આપણે શેલ્ફમાંથી પ્રો-બાયોટિક પસંદ કરીએ છીએ ત્યારે આપણે કુદરતી રીતે આથો આવે છે કે નહીં એ તપાસવાની જરૂર છે અને પ્રો-બાયોટિક્સનો લાભ મેળવવા માટે રસોઈ કર્યા વિના એ કાચો ખાવો જોઈએ.
પ્રી-બાયોટિક ખોરાકના સ્રોતો
ચિકોરી રૂટ : ઇન્યુલિનની માત્રા વધુ, કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.
લસણ : ખરાબ બૅક્ટેરિયાના વિકાસને રોકવામાં મદદ કરે છે.
ડુંગળી : ચરબીના ભંગાણમાં મદદ કરે છે અને ફ્રુક્ટો-ઓલિગો-સેકરાઇડ્સ જે આંતરડાના ગૂંચળાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
કેળાં : પાકેલાં અને કાચાં બન્ને પ્રી-બાયોટિક જીવતંત્રને વધારવામાં મદદ કરે છે.
જવ : બિટા-ગ્લુકૉન ધરાવે છે જે ખરાબ કૉલેસ્ટરોલ અને બ્લડ શુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે
ઓટ્સ : બિટા ગ્લુકૉન અને ફાયટોકેમિકલ્સ ધરાવે છે જે પ્રો-બાયોટિક્સની જેમ કાર્ય કરે છે અને પ્રી-બાયોટિકના વિકાસમાં મદદ કરે છે.
સફરજનઃ પેક્ટિન ધરાવે છે જે દ્રવ્ય ફાઇબરનો એક પ્રકાર છે અને એ પ્રી-બાયોટિકના વિકાસ માટે ફાયદાકારક છે.
સુરણ : ગ્લુકો-ફાઇબર ધરાવે છે જે પ્રી-બાયોટિકમાં વધારો કરવામાં મદદ કરે છે.
કોકો : પૉલિફેનોલ્સ અને ફ્લેવોનૉઇડ્સ ધરાવે છે, ઍન્ટિ ઇન્ફ્લેમેટરી અસર ધરાવે છે અને પ્રી-બાયોટિક બૅક્ટેરિયાને વિકસાવવામાં મદદ કરે છે.
આજની વ્યસ્ત જીવનશૈલી જ બેઠાડુ છે, તણાવ અને પ્રદૂષણથી ભરેલું વાતાવરણ છે માટે એમાં દરેક સમસ્યા માટે અલગ-અલગ પ્રો-બાયોટિકની જરૂર પડે છે. સ્ટૂલ ટેસ્ટ અથવા ડીએનએ બ્લડ ટેસ્ટ દ્વારા તમે જાણી શકો છો કે તમારા શરીરને કયા પ્રો-બાયોટિકની જરૂર છે. પ્રો-બાયોટિક્સના ઉપયોગથી ફાયદો થાય એ માટે તમારે ડાયટિશ્યનની સલાહ લેવાની જરૂર છે અને પછી એમાં કોઈ શંકા નહીં રહે કે તમે તમારા આહારનું ધ્યાન રાખી શકો છો.
ફાયદા અને સ્ત્રોત જાણવા પહેલા આંતરડા વિશે વધુ જાણી લઈએ
આંતરડા એ બીજુ મગજ છે. પણ મોટા ભાગે આ અંગની બેદરકારી કરવામાં આવે છે. આંતરડામાં ન્યુરોટ્રાન્સમિટર્સ મળી આવે છે જે માનસિક અને જ્ઞાનાત્મક સ્વાસ્થ સાથે જોડાએલુ છે.
આંતરડાનું સ્વાસ્થ સારુ રાખવાનાં ફાયદા
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે, હોર્મોનલ બેલેન્દમાં મદદરૂપ થાય છે અને ડિપ્રેશન જેવી વિકૃતીઓને મટાડી તાણ અને ચિંતાનું સ્તર ઘટાડે છે.
આંતરડાનાં સારા સ્વાસ્થ માટે ખોરાક
બદામ, ઑલિવ ઓઈલ, દહીં, સૉર ડૉ (આથેલો લોટ), મિસો (સોયાબીનની આથેલી પેસ્ટ) અને કેફિર.
કુદરત પાસે બધા ઉપાયો છે. અમારા ક્લિનિકમાં અમે દરદીમાં કુદરતની શક્તિનો ઉપયોગ કરીને સર્વાંગી સુધારો સુનિશ્ચિત કરીએ છીએ જે પોષણ અને શારીરિક સ્વાસ્થ્ય આપે છે. અમારી કુશળતા ડાયાબિટીઝ વ્યવસ્થાપન, વજન ઘટાડવું, યકૃત આરોગ્ય, કૉલેસ્ટરોલ નિયંત્રણ અને પ્રજનન પ્રણાલીના ઉપચારમાં
રહેલી છે.
- જંખના ઠક્કર, ચીફ ડાયટિશ્યન PG, RD, CDE, NMD.


