દસ વર્ષ પહેલાં આ તકલીફમાં ફૂલીને મોટું થઈ ગયેલું ગર્ભાશય કાઢી નાખવું એ જ ઉપાય હતો
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
૪૨થી ૪૫ વર્ષની વય પછી આજકાલ મહિલાઓમાં વધુપડતું બ્લીડિંગ થવાની તકલીફ થતી હોય છે. મોટા ભાગે સ્ત્રીઓનો સ્વભાવ છે કે સહન થાય ત્યાં સુધી સહન કરી લેવાનું, પણ વધુપડતું લોહી વહી જવાને કારણે તેમનું હીમોગ્લોબિન ઘટી ગયું હોય. એને કારણે રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય. એનર્જી લેવલ પણ ઘટી જાય. કમરમાં સખત દુખાવો થયા કરે અને જ્યારે એક તબક્કે પરિસ્થિતિ અસહ્ય થઈ જાય ત્યારે તેઓ જાગે.
હાલમાં ૪૫ વર્ષ પછીની મહિલાઓમાં આવાં લક્ષણોનું બહુ કૉમન કારણ હોય છે એડિનોમાયોસિસ. શારીરિક રચનાની દૃષ્ટિએ સમજાવું તો આ સમસ્યામાં ગર્ભાશયની દીવાલમાં ક્રૅક પડી ગઈ હોય અને એ ક્રૅકને કારણે માસિકનું લોહી યુટ્રસની દીવાલમાં ભેગું થયા કરે. દીવાલ જાડી થાય અને યુટ્રસ મોટું થઈ જાય. દર વખતે જ્યારે પણ માસિક આવે ત્યારે લોહી નીકળવાની સાથે વધુ લોહી ગર્ભાશયની દીવાલમાં ભરાયા કરે અને સમસ્યા ધીમે-ધીમે વધુ વકર્યા કરે. આ સમસ્યા સાથે આવેલી બહેનો એટલી ત્રસ્ત હોય કે તેમને ઝટપટ નિવારણ જોઈતું હોય.
ADVERTISEMENT
દસ વર્ષ પહેલાં આ તકલીફમાં ફૂલીને મોટું થઈ ગયેલું ગર્ભાશય કાઢી નાખવું એ જ ઉપાય હતો. એમાં કશું ખોટું નહોતું, પણ ગર્ભાશય જાળવી રાખી શકાય એવી પણ ઘણી ટેક્નિક્સ હવે આવી ગઈ છે. ઘણી વાર હાઈ ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, ઓબેસિટીને કારણે કેટલાક દરદીઓમાં લેપ્રોસ્કોપિક સર્જરી કરવાનું જોખમ લઈ શકાય એમ નથી હોતું. એમાં પણ મિરિના લૂપની ટેક્નિક કામ આવી શકે છે. આ લૂપ T શેપની એક આંકડી જેવો હોય છે જેને ગર્ભાશયના મુખ પાસે હિસ્ટરોસ્કોપી દ્વારા લગાવી દઈ શકાય છે. આ લૂપમાંથી ૨૦-૩૦ માઇક્રોગ્રામ જેટલો પ્રોજેસ્ટરોન હૉર્મોન સ્રવ્યા કરે છે. પ્રોજેસ્ટરોન એ હૉર્મોન છે જે મોટા ભાગે કૉન્ટ્રાસેપ્ટિવ ગોળીઓમાં વપરાતો હોય છે. આ સ્રાવને કારણે ધીમે-ધીમે યુટ્રસ સંકોચાતું જાય છે. મિરિના લગાવ્યા પછી તરત જ બ્લીડિંગ પર કાબૂ આવી જાય છે અને ત્રણ-ચાર મહિને બ્લીડિંગ સાવ જ બંધ થઈ જાય છે. આ લૂપની લાઇફ છે પાંચ વર્ષની. એટલે નૅચરલ મેનોપૉઝ આવે એ પહેલાં આ લૂપનો ઉપયોગ કરી શકાય. એની કોઈ આડઅસર પણ નથી અને ફાયદો એ છે કે મહિલાનું યુટ્રસ બચી શકે છે. ધારો કે કોઈ પણ સંજોગોસર તેમને પાછલી ઉંમરે બાળક જોઈતું હોય તો લૂપ કઢાવીને તેઓ એ મેળવી શકે છે.