Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વર્ચ્યુઅલ રિયલિટીના રવાડે સિ​નિયર સિટિઝન્સને ચડાવશો તો ફાયદામાં રહેશો

વર્ચ્યુઅલ રિયલિટીના રવાડે સિ​નિયર સિટિઝન્સને ચડાવશો તો ફાયદામાં રહેશો

Published : 23 February, 2026 02:49 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

કોણે કહ્યું કે VR હેડસેટ માત્ર યંગસ્ટર્સ જ વાપરી શકે? અત્યારે વર્ચ્યુઅલ રિયલિટી ડિમેન્શિયાથી લઈને ડિપ્રેશન સુધીની સમસ્યાઓ પર સાઇલન્ટ્લી કામ કરી રહ્યું છે ત્યારે આ વર્ચ્યુઅલ દુનિયા કેવી રીતે વડીલોની રિયલ હેલ્થ સુધારી રહી છે એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સામાન્ય રીતે વર્ચ્યુઅલ રિયલિટી(VR)નું નામ પડે એટલે આપણી નજર સામે કોઈ ગેમિંગ ઝોનમાં મોટાં ચશ્માં પહેરીને હવામાં હાથ-પગ વીંઝતો કોઈ યુવાન આવી જાય, પણ હવે આ દૃશ્ય બદલાઈ રહ્યું છે. ટેક્નૉલૉજીના આ ચશ્માં હવે ગેમિંગ ઝોન પૂરતાં જ નથી રહ્યાં, એ હેલ્થ સેક્ટરમાં મહત્ત્વનો રોલ પ્લે કરી રહ્યાં છે. સિનિયર સિટિઝન્સની એકલતા અને શારીરિક પીડાને મટાડવા માટે એક્સપર્ટ્સ વર્ચ્યુઅલ રિયલિટીનો સહારો લઈ રહ્યા છે. ભારતમાં ૨૦૩૬ સુધીમાં વૃદ્ધોની વસ્તી ૨૩ કરોડના આંકડાને આંબી જવાની છે ત્યારે મેટ્રો સિટીઝમાં ગેમિફાઇડ હેલ્થ-કૅરનો આ નવો ટ્રેન્ડ ગેમચેન્જર સાબિત થવાનો છે. VR ડિમેન્શિયા, ડિપ્રેશન અને ફિઝિયોથેરપી જેવી ગંભીર સમસ્યાઓ સામે લડવાનું એક આધુનિક હથિયાર છે. મુંબઈ-દિલ્હી જેવાં શહેરોમાં વડીલો હવે ટેક-સૅવી બનીને આ આભાસી દુનિયાને દિલથી આવકારી રહ્યા છે ત્યારે ટેક્નૉલૉજીનો આ મૅજિક વાસ્તવિકતામાં સિ​નિયર સિટિઝન્સના જીવનને કઈ રીતે સુધારે છે એના વિશે વાત કરીએ.

મગજનું રીવાયરિંગ



VRના ઉપયોગથી મોટી ઉંમરના લોકોના મગજના મેકૅનિઝમ ​વિશે વાત કરતાં નવી મુંબઈના ન્યુ એરા હૉસ્પિટલમાં કાર્યરત અનુભવી ન્યુરોસર્જ્યન ડૉ. સુનીલ કુટ્ટી આ વિશે જણાવે છે, ‘જે કોઈ નવી ચીજ આપણે શીખીએ તો બ્રેઇનમાં નવા કનેક્શન જોડાવાનું શરૂ થાય છે. નવી ચીજો શીખવામાં જ્યારે વ્યક્તિની ક્યુરિયોસિટી વધે એટલે બ્રેઇનનાં ન્યુરૉન્સ ઍક્ટિવ થાય છે અને એમાં એંગેજ રાખે છે. VR હેડસેટ પહેરવાથી મગજમાં એવા તરંગો પેદા થાય છે જે નવાં ન્યુરૉન્સ બનાવવામાં મદદ કરે છે. જ્યારે વૃદ્ધો વર્ચ્યુઅલ દુનિયામાં કોઈ વસ્તુ પકડવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમનું મગજ મોટર લર્નિંગ એટલે શરીરના હલનચલનને કુશળ બનાવવાની મગજની પ્રક્રિયા તેજ કરે છે. જ્યારે આપણે કોઈ નવું કામ કરીએ જેમ કે સંગીત શીખવું અથવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું કે કોઈ નવી ટેક્નૉલૉજી શીખવી હોય. મગજને જે ખબર ન હોય એ કાર્ય શીખવા માટે એ પ્રવૃત્તિને વારંવાર પ્રૅક્ટિસ કરીને માસ્ટર કરે છે. જ્યારે વડીલો VRમાં કોઈ વર્ચ્યુઅલ બૉલ પકડવાની કોશિશ કરે છે ત્યારે મગજ સ્નાયુઓને સંદેશ મોકલવા માટે નવા રસ્તા બનાવે છે. મોટર લર્નિંગ માટે વારંવાર પ્રૅક્ટિસ જરૂરી છે. VRમાં ગેમ હોવાને કારણે વડીલો કંટાળ્યા વગર વારંવાર હલનચલન કરે છે, જે મગજને એ હિલચાલ યાદ રાખવામાં મદદ કરે છે. જો કોઈ વૃદ્ધને સ્ટ્રોક આવ્યો હોય અને તેમનો હાથ કામ ન કરતો હોય તો VR દ્વારા તેમનું મગજ ફરીથી શીખી શકે છે કે હાથ ઊંચો કરવા માટે કયાં ન્યુરૉન્સને સિગ્નલ આપવું. યાદશક્તિમાં ઘટાડો અનુભવતા વૃદ્ધો માટે VR ટેક્નિક વાપરવામાં આવે છે જે લાંબા ગાળે ઑલ્ઝાઇમર્સ સામે લડવામાં મગજને સક્ષમ બનાવે છે. હજી એક રસપ્રદ વાત એ પણ છે કે હૉસ્પિટલના રૂમમાં બેસીને કસરત કરવી કંટાળાજનક છે, પણ જ્યારે એને ગેમમાં ફેરવવામાં આવે ત્યારે દરદીનું એન્ગેજમેન્ટ વધી જાય છે. એ પીડાને ભૂલીને ટાર્ગેટ પૂરો કરવામાં વ્યસ્ત થઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં મગજના કોષો વચ્ચેનો સંવાદ ધીમો પડે છે, જેને આપણે કૉગ્નિટિવ ડિક્લાઇન કહીએ છીએ. VRના ઉપયોગથી મગજ સક્રિય થાય છે. આ કવાયત મગજને કટાઈ જતું અટકાવવાની મૉડર્ન કસરત છે એમ કહી શકાય. આગળ જતાં VRનો ઉપયોગ હેલ્થ-કૅર સેક્ટરમાં વ્યાપક થશે. ’


સાઇકોલૉજિકલ પર્સ્પેક્ટિવ

દાદરમાં પ્રૅક્ટિસ કરતાં અનુભવી સાઇકોલૉજિસ્ટ સમિંદરા સાવંત VR યુઝ કરવા પાછળના સાઇકોલૉજિકલ ફાયદા જણાવે છે, ‘વૃદ્ધાવસ્થામાં શારીરિક અશક્તિને કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને છે, જે સામાજિક એકલતા તરફ દોરી જાય છે. VR અહીં ટેલિપોર્ટિંગનું કામ કરે છે. કલ્પના કરો કે એક દાદા પોતાના ડ્રૉઇંગ રૂમમાં બેઠા છે પણ VR હેડસેટ પહેરતાં જ તેઓ વારાણસીના ઘાટ પર આરતી જોઈ રહ્યા છે અથવા અમેરિકામાં રહેતા પૌત્ર સાથે વર્ચ્યુઅલ પાર્કમાં બેસીને વાત કરી રહ્યા છે. આ સોશ્યલ પ્રેઝન્સની અનુભૂતિ મગજમાં હૅપી હૉર્મોન્સ રિલીઝ કરે છે. તે તેમને અહેસાસ કરાવે છે કે તેઓ એકલા નથી પણ એક જીવંત દુનિયાનો હિસ્સો છે. આ ડિજિટલ સાથ તેમને ડિપ્રેશનના અંધકારમાંથી બહાર લાવવાની તાકાત ધરાવે છે. ઘરમાં કે હૉસ્પિટલમાં બેસીને હાથ-પગ હલાવવાની ફિઝિયોથેરપી કોઈને પણ કંટાળાજનક લાગી શકે. વડીલો ઘણી વાર આ કંટાળાને કારણે ટ્રીટમેન્ટ અધવચ્ચે છોડી દે છે. એની જગ્યાએ જો કોઈ વડીલને એમ કહેવામાં આવે કે તમારે હાથ ઊંચો કરવાનો છે તો કદાચ તે દુખાવાને કારણે ના પાડે, પણ જો VRમાં તેમની સામે સફરજનનું ઝાડ હોય અને તેમને એ વર્ચ્યુઅલ સફરજન તોડવાનું કહેવામાં આવે તો તેમનું મગજ ટાર્ગેટ પર ફોકસ કરે છે, દુખાવા પર નહીં. આ રમત-રમતમાં થતી સારવાર દરદીના ‘એન્ગેજમેન્ટ’ને અનેકગણું વધારી દે છે. અહીં પીડા ગૌણ બની જાય છે અને સ્કોર જીતવાની જિજ્ઞાસા મુખ્ય બની જાય છે. આ ઉપરાંત ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન વધતી ઉંમરનાં સાઇલન્ટ કિલર્સ છે. પરંપરાગત મેડિટેશનમાં મનને શાંત કરવું અઘરું હોય છે, પણ VRમાં વ્યક્તિને સીધા જ કોઈ પહાડની ટોચ પર કે શાંત સમુદ્રકિનારે ટ્રાન્સફર કરી શકાય છે. આને ડિજિટલ એસ્કેપિઝમ કહેવામાં આવે છે જે નેગેટિવ વિચારોના ચક્રને તોડે છે. આ થેરપીની ખાસિયત એ છે કે VR સેશન પૂરું થયા પછી પણ મગજ એ શાંતિની અવસ્થાને મસલ મેમરીની જેમ યાદ રાખે છે. પરિણામે વડીલોમાં ઊંઘની ગુણવત્તા સુધરે છે અને દિવસભરનો તનાવ ઓછો થાય છે. મુંબઈમાં VR સેશન્સનું પ્રમાણ વધ્યું છે અને આ સાથે એનાથી મળતાં રિઝલ્ટ પણ સારાં આવે છે. જોકે એ થોડું ખર્ચાળ હોવાથી મિડલ ક્લાસ વર્ગને પરવડી શકે એમ નથી. વડીલોને ટેક્નૉલૉલોજી પ્રત્યે જે ખચકાટ હોય છે એને ટેક-ફોબિયા કહેવાય છે. એને દૂર કરવા માટે આ ડિજિટલ ટૂલને દરેક ક્લિનિક સુધી પહોંચાડવામાં આવે તો તેમનું જીવન માત્ર લાંબું નહીં પણ ગુણવત્તાસભર અને જીવંત બની રહેશે.’


સિનિયર સિટિઝન્સને VRથી થતા ફાયદા

ફિઝિકલ રીહૅબિલિટેશન : સ્ટ્રોક કે લકવા પછી હાથ-પગનું હલનચલન સુધારવા માટે VR ગેમ્સ ફિઝિયોથેરપીને એન્ટરટેઇનિંગ બનાવે છે.

માનસિક સક્રિયતા : પઝલ્સ અને મેમરી ટાસ્ક દ્વારા મગજના કોષો સક્રિય રહે છે જે ઑલ્ઝાઇમર્સ કે ડિમેન્શિયાના જોખમને ધીમું કરે છે.

એકલતાનો અંત : ઘેરબેઠાં જ વિશ્વભરના ટૂરિસ્ટ સ્પૉટ્સની મુલાકાત કે ધાર્મિક સ્થળોની વર્ચ્યુઅલ યાત્રા વડીલોમાં પૉઝિટિવિટી વધારે છે. આને લીધે જીવન એકલવાયું નથી લાગતું.

દરદમાં રાહત : ક્રૉનિક પેઇન એટલે કે જૂના દુખાવા વખતે VRનું ડિસ્ટ્રૅક્શન મગજને પીડાના સંકેતોથી દૂર રાખીને કુદરતી પેઇનકિલર જેવું કામ કરે છે.

બૅલૅન્સ અને કો-ઑર્ડિનેશન : VRમાં કરવામાં આવતી હળવી મૂવમેન્ટ્સ શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરે છે, જેથી વાસ્તવિક જીવનમાં પડી જવાનું જોખમ ઘટે છે.

સાવચેતી પણ જરૂરી

VRનો ઉપયોગ કરતાં પહેલાં વડીલોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ:

શરૂઆતનાં સેશન્સ હંમેશાં આરામદાયક ખુરશી પર બેસીને જ લેવાં જોઈએ જેથી સંતુલન ન બગડે. પહેલાં ૧૦-૧૫ મિનિટનાં ટૂંકાં સેશન રાખો, ધીમે-ધીમે સમય વધારો.

VRનો ઉપયોગ ઘરે કરો તો ફૅમિલીમાંથી કોઈને એનો યુઝ કરતાં આવડતું હોવું જોઈએ જેથી તે ઘરના સિનિયર સિટિઝનને ગાઇડ કરી શકે. જો ઘરે હેડસેટ ન હોય તો આવાં સેશન્સ પણ થાય છે. નિષ્ણાતની હાજરીમાં જ એનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. શરૂઆતમાં કુદરતી દૃશ્યો કે શાંત મ્યુઝિકવાળા પ્રોગ્રામ્સ પસંદ કરો.

જેને સ્ક્રીન પર એકધારા જોવાથી આંખોમાં ખેંચાણ ફીલ થતું હોય એવા દરદીઓએ VRનો ઉપયોગ ટાળવો જોઈએ.

ઘણા લોકોને મોશન સિકનેસ પણ થાય છે. જો સહેજ પણ માથું ભારે લાગે કે ઊબકા આવે તો તરત જ હેડસેટ ઉતારી લેવા.

શરૂઆતમાં માત્ર ૧૦-૧૫ મિનિટનાં સેશન્સ રાખવાં. વધુ સમય VRમાં ન વિતાવો, એનાથી આંખો અને મગજ પર બોજ વધી શકે છે.

હંમેશાં કોઈ ટ્રેઇનર અથવા પરિવારના સભ્યની હાજરીમાં જ VR વાપરવું જેથી બૅલૅન્સ બગડે તો પડી જવાનો ડર ન રહે.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 02:49 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK