બાળકની ચૉકલેટ અને ગળ્યા પદાર્થ, જન્ક ફૂડ ખાવાની આદત પર રોક લગાવવી પણ અત્યંત જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર
નાનાં બાળકોને પેઇનમાં જોવાં ખૂબ અઘરાં છે અને એમાં પણ જો એ દાંતનો દુખાવો હોય તો એ પેઇન અને અસ્વસ્થતા બાળક માટે ઘણી વાર ખૂબ અઘરી પરિસ્થિતિ ઊભી કરી દે છે. શરીરના નાનામાં નાના ભાગનું એક પોતાનું મહત્ત્વ હોય છે અને ઘણી વાર અંગ નાનું હોવાને કારણે આપણે એની અવગણના કરતા હોઈએ છીએ. આજે પણ ઘણાં માતા-પિતા એવાં છે જે બાળકોને દરરોજ બરાબર બ્રશ પણ નથી કરાવતાં. બાળકો કંઈ પણ ગળ્યું ખાય, દિવસની ૧૦-૧૨ ચૉકલેટ ખાઈ જાય, જન્ક ફૂડનો અતિરેક કરે, કોલ્ડ ડ્રિન્ક પીધા કરે તો પણ તેમને રોકતાં નથી. તેઓ રોકે તો બાળકો રોકાતાં નથી જેને કારણે આજે ૮-૧૦ વર્ષનાં બાળકો જેને હજી પૂરા પાકા દાંત આવ્યા નથી હોતા તેમના દાંતમાં સડો પેસી જાય છે અને એ સડો એટલો ફેલાયેલો હોય છે કે દાંત જ કઢાવી નાખવો પડે છે. દાંતમાં જ્યારે સડો પેઢા સુધી પહોંચી જાય ત્યારે કરાવવામાં આવતી રૂટ કનૅલ જેવી ટ્રીટમેન્ટ બાળકોને પણ કરાવવી પડે છે. આટલી નાની ઉંમરમાં દાંતનો કોઈ પણ પ્રકારનો દુખાવો સહન કરવો, દાંતની કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ લેવી અને જે દાંત આખું જીવન સાથ નિભાવવાના હોય છે એ દાંતને જીવનની શરૂઆતમાં જ ખોઈ બેસવું ધારીએ એટલી સહેલી વાત નથી. આવું ન થાય એ માટે સજાગતા અત્યંત જરૂરી છે.
બાળકની ચૉકલેટ અને ગળ્યા પદાર્થ, જન્ક ફૂડ ખાવાની આદત પર રોક લગાવવી પણ અત્યંત જરૂરી છે. આ પદાર્થ દાંતમાં સડા માટે જવાબદાર છે. તમારાં ત્રણ વર્ષથી નીચેનાં બાળકોને એક શિસ્તમાં ઢાળો એ તેને માટે ખૂબ સારું છે. બાળકોને ચૉકલેટ ન જ ખાવા દેવી એ શક્ય નથી હોતું, પરંતુ આપણે ઉપાય કરીને તેને શિસ્તમાં ઢાળીને ચૉકલેટનું દાંત સાથેનું એક્સપોઝર ઓછું કરી શકીએ. જેમ કે બાળકને કહો કે તે અઠવાડિયામાં એક કે બે દિવસ પસંદ કરે અને તેને જેટલી ચૉકલેટ ખાવી હોય એટલી એક બેઠકે ખાઈ લે. વિના રોકટોક ચૉકલેટનો ઢગલો પણ કરશો તો પણ બાળક એક બેઠકે લિમિટમાં જ ચૉકલેટ ખાશે. અમુક હદથી વધારે તે ખાઈ જ ન શકે. એ ખાઈ લે પછી તેને બ્રશ કરાવડાવી દો એટલે સડો થવાનું રિસ્ક એકદમ ઘટી જાય. આ રીતે તમે તેની હેલ્થનું ધ્યાન રાખી શકો છો. બાળકના સ્વાસ્થ્યની જવાબદારી માતા-પિતાની છે અને તેને સારી આદત કેમ પાડવી એ તેમણે સમજવું જરૂરી છે. બાળકો માનતાં નથી અને સાંભળતાં નથી જેવી વાત વાજબી નથી. બાળકને સમજ નથી માટે તેમના સ્વાસ્થ્યની જવાબદારી તેઓ ન લઈ શકે. માતા-પિતાએ જ લેવી જોઈએ.

