Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઝીણા તાવની સાથે પેટમાં પણ દુખાવો થાય છે?

ઝીણા તાવની સાથે પેટમાં પણ દુખાવો થાય છે?

Published : 03 August, 2026 07:26 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

તો આ સીઝનમાં ટાઇફૉઈડ હોવાની સંભાવના વધારે છે. વરસાદી વાતાવરણમાં વાઇરલ ફીવરની જેમ બૅક્ટેરિયાથી થતું આંતરડાંનું ઇન્ફેક્શન થવાનું રિસ્ક વધારે હોય છે

ઝીણા તાવની સાથે પેટમાં પણ દુખાવો થાય છે?

ઝીણા તાવની સાથે પેટમાં પણ દુખાવો થાય છે?


વરસાદી વાતાવરણમાં ભેજને લીધે વિવિધ રોગચાળો થવાના અને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન વધવાના ચાન્સિસ અનેકગણા વધી જાય છે. આ દિવસોમાં તાવ આવે એટલે મોટા ભાગના લોકો એને સીઝન બદલાવાને કારણે થતો સાધારણ વાઇરલ ફ્લુ ગણીને અવગણવાની ભૂલ કરતા હોય છે. હાલમાં જ સામે આવેલો કૉક્રૉચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેનો કિસ્સો એ વાતની સાબિતી આપે છે કે ચેપી રોગોનું જોખમ આ સીઝનમાં કેટલું વધી જાય છે. જંતર મંતર ખાતે આંદોલનનું નેતૃત્વ કરી ચૂકેલો અભિજિત દીપકે ટાઇફૉઈડથી સંક્રમિત થયો હતો. સળંગ કેટલાક દિવસોથી સતત તાવ અને શારીરિક અસ્વસ્થતા અનુભવ્યા બાદ જ્યારે તેનો બ્લડ-રિપોર્ટ કરાવવામાં આવ્યો ત્યારે ટાઇફૉઈડ હોવાની ખબર પડ્યા બાદ IV ડ્રિપ આપવામાં આવ્યાં હતાં. 
ચોમાસા દરમ્યાન મુસાફરી કરતા લોકો માટે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન ઘાતક સાબિત થઈ શકે છે. શરૂઆતમાં સાધારણ લાગતો તાવ પાછળથી ટાઇફૉઈડ જેવા ગંભીર રોગનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ વિશે કાંદિવલીના ચારકોપમાં પ્રૅક્ટિસ કરી રહેલાં જનરલ ફિઝિશ્યન ડૉ. ધ્રુવી પારેખ પાસેથી આવી સ્થિતિમાં વાઇરલ ફ્લુ અને ટાઇફૉઈડને કઈ રીતે ઓળખવા અને કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ વિશે જાણીએ.

શરૂઆતનાં લક્ષણો ઓળખો



વાઇરલ ફ્લુ એકાએક આવે છે અને ગળામાં દુખાવો કે છીંકો સાથે શરૂ થાય છે, જ્યારે ટાઇફૉઈડનાં લક્ષણો બહુ માઇલ્ડ હોય છે. ટાઇફૉઈડમાં તાવ દરરોજ ધીમે-ધીમે વધતો જાય છે જેને મેડિકલની ભાષામાં સ્ટેપ-લેડર તાવ કહેવામાં આવે છે. હાલમાં કેટલાક દરદીઓમાં જોવા મળે છે કે સામાન્ય રીતે સવારે તાવ ઓછો હોય છે, પરંતુ સાંજ પડતાં એ વધવા લાગે છે. આ સિવાય સામાન્ય તાવમાં હૃદયના ધબકારા વધે છે, જ્યારે ટાઇફૉઈડમાં તાવ વધારે હોવા છતાં ધબકારા શરીરના તાપમાનના પ્રમાણમાં ધીમા રહે છે. આ સ્થિતિને રિલેટિવ બ્રૅડિકાર્ડિયા કહેવાય છે. જોકે આ બધા જ કેસમાં હોય એવું જરૂરી નથી. એની સાથે જ માથાનો અસહ્ય દુખાવો થવો કે સતત અશક્તિ લાગવી, ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો થવો કે પાચનની ગરબડ થવી જેવાં લક્ષણો દેખાય છે. બીજા અઠવાડિયા સુધીમાં દરદીના પેટ કે છાતી પર આછા ગુલાબી રંગના ચકામા પણ જોવા મળી શકે છે. જો તમને કે ઘરમાં કોઈને સતત ૩ દિવસથી વધુ સમય સુધી તાવ રહે અને દવા લીધા પછી પણ શરીરનું તાપમાન ૧૦૧થી ૧૦૨ સુધીથી નીચે ન આવે તો સાધારણ દવાઓ લેવાને બદલે તરત જ ફિઝિશ્યન ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.


ચેપ ફેલાવાનું ચક્ર

ટાઇફૉઈડ અને પૅરાટાઇફૉઈડને મેડિકલ વર્લ્ડમાં સામૂહિક રીતે એન્ટરિક ફીવર કહેવામાં આવે છે, જે મુખ્યત્વે સાલ્મોનેલા ટાઇફી અને સાલ્મોનેલા પૅરાટાઇફી નામના બૅક્ટેરિયાથી થાય છે. ચોમાસામાં એનો ફેલાવો એક ખાસ સંક્રમણ ચક્ર દ્વારા થાય છે. વરસાદને કારણે અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનોમાં લીકેજ થવું, ડ્રેનેજનું ગંદું પાણી પીવાના પાણી સાથે ભળી જવું કે પૂરની સ્થિતિ સર્જાવાથી પીવાના પાણીના સ્રોતો દૂષિત થઈ જાય છે. સંક્રમિત વ્યક્તિના મળ કે મૂત્રમાં રહેલા બૅક્ટેરિયા અસ્વચ્છતા, દૂષિત પાણી કે માખીઓ દ્વારા આપણા ખાવાના ખોરાક સુધી પહોંચે છે. કોઈ સ્વસ્થ વ્યક્તિ જ્યારે આવો ખુલ્લો કે અશુદ્ધ આહાર-પાણી ગ્રહણ કરે છે ત્યારે આ બૅક્ટેરિયા તેના પાચનતંત્ર મારફત લોહીમાં ભળીને ગંભીર ઇન્ફેક્શન પેદા કરે છે.


નિદાન કઈ રીતે થાય?

તાવ આવે ત્યારે યોગ્ય નિદાન કરાવવું એટલું જ જરૂરી છે. તાવના પ્રથમ અઠવાડિયા માટે બ્લડ-કલ્ચર ટેસ્ટ સૌથી ચોક્કસ અને ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ ગણાય છે, જે લોહીમાં બૅક્ટેરિયાની હાજરી સાબિત કરે છે. વિડાલ ટેસ્ટ સામાન્ય રીતે રોગ શરૂ થયાના પ્રથમ અઠવાડિયા પછી વધુ ઉપયોગી બને છે, પરંતુ એની ચોકસાઈ મર્યાદિત છે અને એકલા એના આધારે નિદાન કરવું યોગ્ય નથી. ટાઇફિડોટ ટેસ્ટ કેટલાક કિસ્સાઓમાં શરૂઆતના તબક્કામાં મદદરૂપ થઈ શકે છે, પણ એની સંવેદનશીલતા અને ચોકસાઈ બ્લડ-કલ્ચર જેટલી નથી. આ ઉપરાંત ઘણા લોકો ડૉક્ટરની સલાહ વગર જાતે જ મેડિકલ સ્ટોર પરથી દવાઓ લઈને ખાતા હોય છે. આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.

ઍન્ટિ-બાયોટિક્સનું ગંભીર જોખમ

ટાઇફૉઈડની સારવાર સંપૂર્ણપણે ડૉક્ટર દ્વારા આપવામાં આવતી ચોક્કસ ઍન્ટિ-બાયોટિક્સ પર આધારિત હોય છે, પણ હવે ઍન્ટિ-બાયોટિક રેઝિસ્ટન્સ ગંભીર સમસ્યા બની ગઈ છે. ઘણી વાર દવા શરૂ કર્યાના બે-ત્રણ દિવસમાં તાવ ઊતરી જતાં દરદી કોર્સ અધૂરો છોડી દે છે. આમ કરવાથી શરીરમાં રહેલા અડધા મરેલા બૅક્ટેરિયા એ દવાની સામે પ્રતિકારક શક્તિ મેળવી લે છે. પરિણામે ભવિષ્યમાં જ્યારે ટાઇફૉઈડ થાય ત્યારે સામાન્ય દવાઓ કામ કરતી નથી અને દરદીએ હૉસ્પિટલમાં દાખલ થઈને મોંઘાં IV ઇન્જેક્શન લેવાં પડે છે. ગંભીર કિસ્સામાં આંતરડાંમાં કાણાં પડી જવાં કે આંતરિક રક્તસ્રાવ થવાનું જોખમ પણ ઊભું થાય છે.

પરેજી મસ્ટ છે

ટાઇફૉઈડમાંથી ઝડપી રિકવરી માટે આહાર અને સ્વચ્છતાની પરેજી અત્યંત મહત્ત્વની છે. આંતરડાં નબળાં પડ્યાં હોવાથી દરદીને મગની દાળની ખીચડી, બાફેલા બટાટા કે સફરજનની પ્યુરી જેવો પાતળો અને સુપાચ્ય ખોરાક જ આપવો જોઈએ. તીખો, મસાલેદાર, તળેલો કે હાઈ-ફાઇબર ખોરાક આંતરડાંમાં દુખાવો વધારી શકે છે. દરદીને ડીહાઇડ્રેશનથી બચાવવા માટે નારિયેળપાણી, ORS અને ઉકાળેલું પાણી વિપુલ પ્રમાણમાં આપવું જોઈએ.
આ ચોમાસામાં સામાન્ય જનતા માટે બચાવનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે પાણીને હંમેશાં ૧૦ મિનિટ ઉકાળીને જ પીવું અને બહારનો ખુલ્લો કે અસ્વચ્છ ખોરાક ખાવાનું ટાળવું. આ ઉપરાંત ટાઇફૉઈડ કૉન્જુગેટ વૅક્સિન સારો ઉપાય છે અને લાંબા સમય સુધી એ રક્ષણ આપે છે. વિવિધ અભ્યાસોમાં એની અસરકારકતા આશરે ૭૦થી ૯૦ ટકા સુધી જોવા મળી છે. ચોમાસા દરમ્યાન નાની સાવચેતી, સમયસરનું તબીબી નિદાન અને ઍન્ટિ-બાયોટિકનો પૂર્ણ કોર્સ જ તમને અને તમારા પરિવારને ટાઇફૉઈડના જોખમથી સુરક્ષિત રાખી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

03 August, 2026 07:26 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK