મેટાબોલિક ડિસઑર્ડર જે આજથી ૧૦-૧૫ વર્ષ પહેલાં ફક્ત ૪૦ વર્ષની ઉંમર પછી જ દેખાતા હતા તે આજે બાળકોની આ બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે ૧૦-૧૨ વર્ષનાં બાળકોમાં પણ જોવા મળે છે.
પ્રતીકાત્મક તસવીર
હાલમાં મારી પાસે ૧૨ વર્ષનો એક છોકરો આવ્યો હતો જેનું વજન ૯૦ કિલો હતું. તેની લાઇફ-સ્ટાઇલ એટલી હદે ખોટી હતી કે એને કારણે તેનું વજન આટલું વધી ગયું હતું. તકલીફ એ છે કે વર્ષો પહેલાં આવા એકલદોકલ કેસ આવતા હતા, હવે એનું પ્રમાણ ખૂબ વધી ગયું છે.
જન્ક ફૂડ, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, રેડી-ટુ-મેડ પૅકેટ્સ, બેકરી પ્રોડક્ટ્સ, તૈયાર સ્નૅક્સ વગેરે તમારા બાળક માટે ધીમું ઝેર છે; જેની આદતને કારણે બાળકનું શરીર તેના જીવન માટે ખતરારૂપ રોગોનું ઘર બની જાય છે. જે બાળકો જન્ક ફૂડ ખાય છે તેઓ ઘણી એમ્પ્ટી કૅલરી પોતાના પેટમાં ઠાલવે છે. એટલે કે જે ખોરાક પોષણ નથી આપતો પરંતુ શરીરમાં જાય છે એ ફક્ત કૅલરી જ છે. એ કૅલરી ફૅટના રૂપે જમા થતી જાય છે કારણ કે એની સંખ્યા એટલીબધી હોય છે કે એ સામાન્ય ઍક્ટિવ રહેવાથી વાપરી શકાતી નથી. આમ ધીમે-ધીમે બાળકનું પેટ વધતું જાય છે, દાઢી ડબલ ચિનમાં ફેરવાય છે. આ બાળકોની સૌથી પહેલાં ફેફસાં અને હાર્ટની કામગીરી ખોરવાય છે. આવાં બાળકોના સ્નાયુઓ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ કરે છે. આમ ડાયાબિટીઝ તેમના શરીરમાં પગપેસારો કરે છે. આ ઉપરાંત કૉલેસ્ટરોલ, ટ્રાઇગ્લિસરાઇડ જેવા લિપિડ પ્રૉબ્લેમ પણ શરૂ થાય છે. આ પ્રકારના ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘણું વધારે હોય છે જેને કારણે બ્લડપ્રેશર પણ વધે છે. આ ફક્ત અનુમાન નથી આજે એવાં ઘણાં બાળકો છે જે ખૂબ નાની ઉંમરે ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ, બ્લડપ્રેશર અને હાર્ટ પ્રૉબ્લેમનો શિકાર બનેલા છે. ડાયાબિટીઝ, બ્લડપ્રેશર અને હાર્ટ પ્રૉબ્લેમ્સ જેવા મેટાબોલિક ડિસઑર્ડર જે આજથી ૧૦-૧૫ વર્ષ પહેલાં ફક્ત ૪૦ વર્ષની ઉંમર પછી જ દેખાતા હતા તે આજે બાળકોની આ બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે ૧૦-૧૨ વર્ષનાં બાળકોમાં પણ જોવા મળે છે.
ADVERTISEMENT
મોટા ભાગનાં ઘરોમાં કોઈ ને કોઈ વ્યક્તિને ડાયાબિટીઝ કે બ્લડપ્રેશર બન્નેમાંથી એક રોગ હોય જ છે. માતા-પિતા બન્નેમાંથી કોઈ એકને જો આ પ્રકારનો કોઈ રોગ હોય તો બાળકને વારસામાં એવા જીન્સ મળે છે જે આ રોગ થવાની શકયતાને ખૂબ વધારે દે છે. આવાં બાળકો પર આ રોગો થવાનું રિસ્ક ૩-૫ ગણું વધારે હોય છે. આવાં મા-બાપે બાળકના ખાવા-પીવાની બાબતમાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. સામાન્ય લાઇફસ્ટાઇલ પરિવર્તનથી બાળકોના આ રોગો પર કાબૂ પામી શકાય છે. જેવી રીતે આ ઉંમરે રોગ થવો સહેલો છે એમ છુટકારો પામવો પણ પ્રમાણમાં સરળ છે.
- ડૉ. પંકજ પારેખ
(ડૉ. પંકજ પારેખ અનુભવી પીડિયાટ્રિશ્યન છે.)

