દૂધી, બીટ, સરગવો, પાલક, મેથી, બ્રૉકલી, કોબી, ફ્લાવર, ફણસી જેવાં બધાં જ શાક બાફી-વઘારીને એનો સૂપ બનાવીને પીવો. લીલોતરી ખૂબ ખાવી.
પ્રતીકાત્મક તસવીર
મિડલ એજનાં સ્ત્રી-પુરુષો હવે માથાના સફેદ વાળને સ્વીકારતાં થઈ ગયાં છે, પણ હજી તો જુવાની માંડ ફૂટી હોય ત્યાં સફેદ વાળ દેખાવા લાગતા હોય ત્યારે યંગસ્ટર્સને ચિંતા બહુ થાય. છેલ્લાં દસેક વર્ષમાં ઉત્તરોત્તર યંગ એજમાં પ્રીમૅચ્યોર ગ્રે હેરની તકલીફ ખૂબ વધી છે. પાંચ-દસ સફેદ વાળ ઢાંકવા માટે જો ડાઇનો ઉપયોગ શરૂ કરી દીધો તો એનાથી નવું વિષચક્ર શરૂ થઈ જાય. ઉંમર થાય અને વાળ સફેદ થાય એમાં કશું ખોટું નથી, પણ જ્યારે નાની ઉંમરે અને એમાંય વીસી કે ત્રીસીમાં ગ્રે હેર થવા માંડે એ વાર્ધક્યનાં નહીં, પણ શરીરમાં વધેલા પિત્તનાં લક્ષણ કહેવાય. એમાં ઘણાંબધાં ફૅક્ટર્સ કામ કરે છે. બગડેલું પિત્ત સૌથી મોટું કારણ છે, પરંતુ પિત્ત બગડવા પાછળનું કારણ અગેઇન બદલાયેલી લાઇફસ્ટાઇલ જ છે. ઉજાગરા, પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલવાળું ફૂડ, વધુપડતું સોડિયમ અને પોષક તત્ત્વો શોષી લે એવું જન્ક ફૂડ ખાવાની આદત, આ બધાનો શંભુમેળો થઈને શરીરમાં પિત્તનો પ્રકોપ વધે છે. ક્યારેક વારસાગત કારણોને લીધે પણ નાની ઉંમરે વાળ સફેદ થાય છે.
નાની ઉંમરે વાળની સફેદીને આયુર્વેદમાં અકાળ પાલિત્ય કહે છે. જે વાળ સફેદ થઈ ગયા છે એનું કંઈ ન થઈ શકે, પણ જો હજી શરૂઆત જ થઈ હોય તો પરેજી, જીવનશૈલી અને ઔષધિઓ આયુર્વેદમાં છે જ જે તમને અકાળે વૃદ્ધ દેખાતા અટકાવી શકે છે. સૌથી પહેલાં તો શરીરમાં પિત્ત વધારે એવી તેલ, મરચું, મસાલાવાળી આથેલી ચીજો, કૅચઅપ, વિનેગર, પાપડ, ચાઇનીઝ ફૂડ, બ્રેડ, અથાણાં અને નમક બંધ કરવાં. હલકો અને સહેલાઈથી પચે એવો ખોરાક લેવો. દૂધી, બીટ, સરગવો, પાલક, મેથી, બ્રૉકલી, કોબી, ફ્લાવર, ફણસી જેવાં બધાં જ શાક બાફી-વઘારીને એનો સૂપ બનાવીને પીવો. લીલોતરી ખૂબ ખાવી.
ADVERTISEMENT
ઔષધિઓમાં ગળોસત્ત્વ, ગોદંતી, પ્રવાળપિષ્ટી, જેઠીમધ અને માર્કવ એ પાંચ દ્રવ્યો બરાબર ખાંડીને એનું ચૂર્ણ કરવું. આ ચૂર્ણ રોજ સવારે અને સાંજે અડધો કપ આમળાના રસ સાથે લેવું. આમળાં ન મળે ત્યારે દૂધીના રસ સાથે લેવું. ષડબિંદુ તેલનાં ત્રણ-ત્રણ ટીપાં બન્ને નાકમાં રોજ રાતે સૂતાં પહેલાં નસ્યરૂપે નાખવાં. જો બની શકે તો તાજા ભાંગરાનો રસ કાઢીને આ તાજો રસ નાકમાં નસ્ય તરીકે નાખવો. સપ્તામૃત લોહ નામનું ચૂર્ણ રાતે એકાંતરે પા ચમચી લઈ જૂના મધ અને અડધી ચમચી ગાયના ઘી સાથે બરાબર પેસ્ટ જેવું બનાવવું અને ગરમ પાણી અથવા ગાયના ગરમ દૂધ સાથે લેવું.

