Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > મરચાં વિશે આટલું જાણી લેશો તોય મોંમાં ચટપટી થશે

મરચાં વિશે આટલું જાણી લેશો તોય મોંમાં ચટપટી થશે

02 April, 2024 11:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોર્ટુગીઝ લોકો ૫૦૦ વર્ષ પહેલાં, ૧૪૯૮માં ભારતના કેરલાના દરિયાકિનારે પહોંચ્યા હતા અને પછી ગોવામાં સ્થાયી થયા હતા. એ પછી પોર્ટુગીઝ લોકો ભારતના જે-જે હિસ્સામાં ગયા ત્યાં-ત્યાં મરચાંનો ધીમે-ધીમે પ્રસાર થયો હતો

પ્રતીકાત્મક તસવીર

મસાલા મેજિક

પ્રતીકાત્મક તસવીર


સૌથી વધુ સ્પાઇસી ફૂડ ખાતા ટૉપ ફાઇવ દેશોમાં આપણું નામ આવે છે ત્યારે એ જાણીને નવાઈ લાગશે કે ખરેખર આ મરચું ભારતની આગવી ખાસિયત નથી છતાં આપણે સિસકારા બોલી જાય એવું તીખું તમતમતું ખાતા થઈ ગયા છીએ અને ભારતમાં વર્લ્ડ ક્લાસ મરચું ઉગાડીને બીજા દેશોને પણ ખવડાવતા થઈ ગયા છીએ ત્યારે જાણીએ મરચાંનું અવનવું

જે અમેરિકનો આપણે ત્યાં આવીને કહે છે કે ભારતીય ખાણું બહુ તીખું હોય છે એ જ અમેરિકા પાસેથી ભારતે મરચું લીધું છે. આ કોઈ મનઘડંત વાત નથી. વિપુલ માત્રામાં ભલે ભારતમાં મરચું ખવાતું આવ્યું હોય, પર એનાં મૂળિયાં, ઓરિજિન ખરેખર ભારતમાં નથી? મરચું મૂળ અમેરિકાથી ભારત આવ્યું છે. ઉત્પાદનના મામલે આપણો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે. મરચાં વિશે આટલી માહિતી જાણ્યા બાદ તમારા મનમાં પણ સવાલ થતો હશે કે આખરે મરચું અમેરિકાથી ભારત આવ્યું કેવી રીતે? કહેવામાં આવે છે કે વાસ્કો ડ ગામા ૧૪૯૮ના વર્ષમાં અમેરિકાથી એને ભારત લઈ આવ્યા. તેમણે સૌથી પહેલાં ગોવાના લોકોને મરચાંનો સ્વાદ ચખાડ્યો હતો. ત્યાર બાદ ધીમે-ધીમે દેશભરમાં મરચાંનો ઉપયોગ શરૂ થઈ ગયો. 

ફૂડ હિસ્ટોરિયન પુષ્પેષ પંતે લખેલા પુસ્તકમાં મરચાં ભારતમાં કેવી રીતે આવ્યાં એની નોંધ છે. એ પુસ્તકની નોંધ મુજબ પોર્ટુગીઝ લોકો ૫૦૦ વર્ષ પહેલાં, ૧૪૯૮માં ભારતના કેરલાના દરિયાકિનારે પહોંચ્યા હતા અને પછી ગોવામાં સ્થાયી થયા હતા. એ પછી પોર્ટુગીઝ લોકો ભારતના જે-જે હિસ્સામાં ગયા ત્યાં-ત્યાં મરચાંનો ધીમે-ધીમે પ્રસાર થયો હતો. એ સમયે દેશના પૂર્વોત્તર પ્રદેશમાં પહોંચવાનું બહુ વિકટ હતું એથી પોર્ટુગીઝ લોકો ત્યાં મરચાંને લઈને પહોંચ્યા હોય એ શક્ય નથી. જોકે ઇતિહાસમાં એવો પણ ઉલ્લેખ છે કે ભારતના ઉત્તરપૂર્વીય પ્રદેશોમાં ઑલરેડી મરચાંની કેટલીક જાતો હતી જે શ્રીલંકાથી આવી હતી. વળી અહીંના જંગલમાં કોઈ જ માવજત વિના ઊગતું તીખું મરચું પણ અસ્તિત્વ ધરાવતું હતું. પોર્ટુગીઝો ભારત આવ્યા એ પહેલાં પણ એનું અસ્તિત્વ હતું. નાગાલૅન્ડ અને આસામનાં રાજ્યોમાં હાલમાં ભૂત ઝોલોકિયા નામનું ઘોસ્ટ પેપર ફેમસ છે જેને રાજા મરચું કહેવામાં આવે છે. એ બે પ્રકારનાં મરચાંની વર્ણસંકર જાત છે જે જીભ પર અડતાંની સાથે જ તમને નાનીની યાદ અપાવી દે એવું તીખું છે. 

આ રીતે વિચારીએ તો ભૂત જોલોકિયા એટલે કે રાજા મરચાં ભારતની પોતાની કહેવાય એવી મરચાંની સૌથી જૂની જાત છે એમ છતાં એનો ઉલ્લેખ ઇતિહાસમાં મળતો નથી.
મરચાંને ચિલી કહેવામાં આવે છે જે ઓરિજિનલી મેક્સિકન શબ્દ છે. મરચાંનું બૉટનિકલ નામ છે કૅપ્સિકમ એનમ. જ્યાં ૨૦થી ૩૦ ડિગ્રી તાપમાન રહે છે એવા દેશમાં અનેક પ્રદેશોમાં આખું વરસ મરચું ઊગી શકે છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુમાં વિવિધ પ્રકારનાં મરચાં વપરાય છે. 

મરચાં પહેલાં કાળાં મરી

મરચાં પહેલાં લોકો ખાવાનું તીખું બનાવવા માટે કાળાં મરીનો ઉપયોગ કરતા હતા, પણ જ્યારે લાલ મરચું આવ્યું ત્યારે તેમણે એનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું, કારણ કે આ મરચું ઉગાડવામાં સરળ હતું અને એનો ટેસ્ટ પણ ઘણો સારો હતો તેમ જ એવો અંદાજ પણ લગાવવામાં આવે છે કે ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં મરચાં શ્રીલંકાથી આવ્યાં હતાં. ભારતે મરચાંની ક્વૉલિટી ઉત્તમ બનાવી અને પ્રતિ વર્ષ ૧૩ લાખ મેટ્રિક ટન કરતાં વધુ મરચાંનું ઉત્પાદન કરતું ભારત નિકાસની બાબતમાં પણ હાલમાં આગળ છે. હાલમાં અમેરિકા, નેપાલ, યુકે, શ્રીલંકા અને બાંગલાદેશ જેવા દેશોમાં મરચાંની નિકાસ કરવામાં આવી રહી છે.

લાલ મરચાંની છે અનેક વરાઇટી


ભૂત જોલોકિયા

‘ભૂત મરી’ તરીકે પણ ઓળખાતાં ભૂત જોલોકિયાને ૨૦૦૭માં ગિનેસ બુકમાં વિશ્વનાં સૌથી ગરમ મરચાં તરીકે પ્રમાણિત કરવામાં આવ્યાં હતાં. ઉત્તર-પૂર્વી રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ અને નાગાલૅન્ડમાં એની ખેતી થાય છે. આ એક વિશિષ્ટ પ્રકારની હાઇબ્રીડ જાત છે જેનો ઉપયોગ માંસાહારી અને ફિશની વાનગીઓમાં વધુ થાય છે. 
કાશ્મીરી
સ્વાદમાં ઓછું તીખું અને રંગમાં લાલચટક આ મરચાને બધી ગૃહિણીઓ જાણે છે. કાશ્મીરમાં પેદા થતાં આ મરચાંની તાસીર અન્યની સરખામણીમાં ઓછી ગરમ છે. સ્વાદ અને લાલ કલર માટે ગૃહિણીઓ અને શેફ પણ આ મરચું વાપરે છે. કોઈ પણ વાનગીને લાલચટક બનાવવી હોય પણ એની તીખાશ વધુ ન રાખવી હોય તો આ મરચું ઉત્તમ છે. 
ગુંટુર 
આંધ્ર પ્રદેશ એની મસાલેદાર વાનગીઓ માટે પણ જાણીતું છે અને એનું શ્રેય જાય છે રાજ્યના ગુંટુર જિલ્લામાં પેદા થતાં ગુંટુર મરચાંને. આ મરચાંની શ્રીલંકા, બાંગલાદેશ, મધ્ય-પૂર્વ, દક્ષિણ કોરિયા, યુકે, યુએસએ અને લેટિન અમેરિકા જેવા દેશોમાં નિકાસ થાય છે. ગુંટુર સનમ નામનું એક પ્રકારનું મરચું મધ્ય પ્રદેશમાં પણ થાય છે.
જ્વાલા
તીખું તમતમતું આ મરચું ગુજરાતના મહેસાણા, ખેડા જિલ્લા તથા દક્ષિણ ગુજરાતમાં થાય છે. પાક્યા પછી લાલ બની જતું આ મરચું દેશી મરચાં તરીકે ઓળખાય છે. આ મરચું આખા વર્ષ દરમ્યાન બજારમાં સરળતાથી મળી રહે છે. સ્વાદિષ્ટ એવું આ મરચું ખૂબ તીખું છે.
કંથારી
કેરલા અને તામિલનાડુના કેટલાક ભાગોમાં થતું આ મરચું બર્ડ આઇ ચિલી તરીકે પણ ઓળખાય છે, જે પાકે ત્યારે સફેદ થઈ જાય છે. તાસીરમાં ગરમ વધુ અને સ્વાદિષ્ટ હોય છે. 
બેડગી
અતિ જાણીતી મરચાની આ જાતની ખેતી મુખ્યત્વે કર્ણાટકમાં થાય છે. કર્ણાટકના હાવેરી જિલ્લામાં આવેલા બેડગીમાં પેદા થતું હોવાથી એનું આ નામ પડ્યું છે. લાલચટક રંગ અને તીખાશ માટે એ જાણીતું છે.
ગુન્ડુ 
ગોળાકાર આ મરચાંની ત્વચા ખૂબ ચમકદાર અને નારંગી લાલ રંગની છે. તામિલનાડુના રામનાદ જિલ્લામાં એની ખેતી થાય છે. ચેટ્ટિનાડ ભોજનમાં સ્વાદ ઉમેરવા માટે આ મરચું વપરાય છે. 
રેશમપટ્ટી
ગુજરાતના ગોંડલમાં થતું આ મરચું ગૃહિણીઓનું અત્યંત પ્રિય છે, કારણ કે એ રંગમાં લાલચટ્ટાક અને સ્વાદમાં તીખું અને સ્પેશ્યલ ફ્લેવર ધરાવે છે. મોટા ભાગે આ મરચું અથાણાંમાં વાપરવામાં આવે છે. 
પટ્ટણી
આંધ્ર પ્રદેશનું આ મરચું બહુ તીખું અને રંગમાં લાલ હોવાથી તીખું ખાવાના શોખીનોનું પ્રિય છે.
ધાણી
આ મરચાં મણિપુરમાં ઉગાડવામાં આવે છે. એની તીવ્ર સુગંધ અને તીખાશ માટે જાણીતું એ લોહી જેવા લાલ રંગનું છે.

સ્પાઇસી ખાવામાં ભારતીયો પહેલા નંબરે નથી
જ્યારે પણ કોઈ વિદેશીઓ ભારત આવે ત્યારે ભારતીય ફૂડને બહુ સ્પાઇસી ગણાવે છે, પણ સ્પાઇસી ફૂડ ખાવાની બાબતમાં ભારતનો નંબર પહેલો નથી. સૌથી વધુ સ્પાઇસી થાઇલૅન્ડ, મેક્સિકો, મલેશિયા, જમૈકા, કોરિયામાં ખવાય છે. એ પછી ભારત અને ચીનનો વારો આવે છે. ટર્કીમાં પણ મરચાંની ખપત ખૂબ વધારે રહી છે. ટર્કીમાં તો એક વ્યક્તિ દિવસમાં સરેરાશ ૮૬.૫ ગ્રામ મરચું ઝાપટી જાય છે. બીજી તરફ ડેન્માર્ક, સ્વીડન, ફિનલૅન્ડ અને નૉર્વે જેવા દેશોમાં સૌથી ઓછું મરચું વપરાય છે. 

શેરથાનું મરચું કેમ?
જેમ જીરુંનું નામ પડે તો લોકોના મનમાં ઊંઝા નામ યાદ આવે એમ ‘મરચું’ નામ પડે તો શેરથા ગામ યાદ આવે, પણ હવે તમને કહી દઉં કે શેરથા ગામમાં મરચું પાકતું જ નથી! અને ગામના ખેડૂતોએ મરચાંની ખેતી કરવાનું બંધ કર્યું એને ૨૦થી વધુ વર્ષ થવા આવ્યાં છતાં આજે પણ હજી શેરથાનું મરચું લોકોમાં ફેવરિટ રહ્યું છે.હાલમાં મરચું, હળદર, ધાણા-જીરું સહિતના મસાલા ભરવાની સીઝન ચાલી રહી છે ત્યારે અમદાવાદ-કલોલ હાઇવે પર શેરથા ગામ આવેલું છે એ મરચાંનું મથક ગણાય છે. શેરથામાં પાકતું  દેશી મરચું ફેમસ હતું. લાંબું અને મીડિયમ તીખું એવું શેરથાનું દેશી મરચું લોકોની દાઢે વળગી ગયું હતું. ઘરમાં મરચું ભરવાની વાત નીકળે તો શેરથાનાં મરચાંની વાત પહેલી થાય. એક સમયે શેરથા ગામમાં દેશી મરચાંની ખેતી થતી હતી, પણ આજે શેરથા ગામમાં કોઈ મરચાંની ખેતી નથી કરતું.

આ મરચાં ફેમસ છે ગુજરાતીઓમાં 

ગુજરાતીઓ મોટા ભાગે કાશ્મીરી, રેશમપટ્ટી અને બેડકી મરચાં પ્રિફર કરે છે. જો કોઈ વધુ તીખું મરચું ખાવાનું પસંદ કરતા હોય તો શંખેશ્વરી અને  તેજપાંડે મરચાં ખંડાવવાનું પસંદ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2024 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK