દરેકની પોતાની ખાસિયત છે અને પોતાનાં લિમિટેશન્સ પણ. એને કારણે જ જો બધાનો સમન્વય થાય અને ફક્ત દરદીના હિત માટે જ કામ થાય તો કદાચ ખૂબ સારાં રિઝલ્ટ મળી શકે.
પ્રતીકાત્મક તસવીર
હોમિયોપથી એક એવું સાયન્સ છે જેના પર કેટલાક લોકો ભરપૂર વિશ્વાસ કરતા હોય છે તો કેટલાક ભરપૂર સંદેહ. વરને કોણ વખાણે? તો કહે વરની મા એમ એક હોમિયોપથી ડૉક્ટર તો પોતાના સાયન્સનાં વખાણ કરશે જ, પણ કેટલાક ઍલોપથી ડૉક્ટર્સ પણ છે જે હોમિયોપથીને માનતા જ નથી; અનુસરે પણ છે. આજે જાણીએ વર્લ્ડ હોમિયોપથી દિવસ પર આ ઍલોપથી ડૉક્ટર્સનું હોમિયોપથી સાથેનું કનેક્શન
કોઈ પણ વ્યક્તિની બીમારીને ઠીક કરવા માટે આપણી પાસે ઘણી પદ્ધતિઓ છે; જેમાં ઍલોપથી, હોમિયોપથી અને આયુર્વેદ મુખ્ય ગણાય છે. દરેકની પોતાની ખાસિયત છે અને પોતાનાં લિમિટેશન્સ પણ. એને કારણે જ જો બધાનો સમન્વય થાય અને ફક્ત દરદીના હિત માટે જ કામ થાય તો કદાચ ખૂબ સારાં રિઝલ્ટ મળી શકે. આ વિચાર સાથે જ ઘણા ઍલોપથી ડૉક્ટર્સે
હોમિયોપથી અપનાવેલી છે. હોમિયોપથી ડૉક્ટર્સને ઍલોપથી પ્રૅક્ટિસ કરતા તમે જોયા હશે. પરંતુ મળીએ એવા ઍલોપથી ડૉક્ટરને જેમને હોમિયોપથી પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેઓ પોતે પોતાની તકલીફો માટે હોમિયોપથી દવાઓ લે છે એટલું જ નહીં, પોતાના દરદીઓને હોમિયોપથી દવાઓ લેવાનું કહે છે. ખુદ તેમને હોમિયોપથી ડૉક્ટર્સ પાસે મોકલે છે પણ ખરા અને એમાંથી એક તો એવા છે જેમણે ખુદ હોમિયોપથીનો સ્ટડી કર્યો છે અને પોતે પ્રૅક્ટિસ પણ કરે છે અને વિદ્યાર્થીઓને ભણાવે પણ છે. દરદી તરીકે તમને કોઈ પણ મેડિકલ પદ્ધતિ પર કે ડૉક્ટર પર વિશ્વાસ કે અવિશ્વાસ હોય એ અનુભવનો પ્રશ્ન છે, પરંતુ એક ડૉક્ટર તરીકે સાયન્સને સમજીને પોતાનો વિશ્વાસ બીજા સાયન્સ પર નાખવો એ ફક્ત અનુભવ જ નહીં, સમજદારી પણ છે જ.
મારી ઍલર્જી અને અસ્થમાની તકલીફ દૂર થઈ હોમિયોપથીથી : ડૉ. જયેશ શેઠ, ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ
ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડૉ. જયેશ શેઠ એક સમયે ખુદ ઍલર્જી અને અસ્થમાની તકલીફ ધરાવતા હતા. ઘણો ઇલાજ કર્યો છતાં તકલીફ જતી નહોતી. એ સમય યાદ કરતાં તેઓ કહે છે, ‘મેં મારા ડૉક્ટરને કહ્યું કે આનાથી મુક્તિ કઈ રીતે મળે તો તેમણે કહ્યું કે મુંબઈ છોડીને જતો રહે તો મળશે. મુંબઈમાં જે ભેજ છે એને કારણે મને આ તકલીફ હતી. એ સમયે મારા જીવનમાં હોમિયોપથી આવી. મારો અઢી કલાકનો ઇન્ટરવ્યુ લીધા પછી મને એક દવા આપવામાં આવી, જેનાથી હું એકદમ ઠીક થઈ ગયો. છેલ્લાં ૧૫ વર્ષથી મને કોઈ જ તકલીફ નથી. ખુદના અનુભવ પરથી મને લાગ્યું કે આ સાયન્સમાં દમ છે.’
એ પછી પોતે પોતાના દરદીઓને જાણકાર હોમિયોપૅથના માર્ગદર્શન હેઠળ છેલ્લાં ૨૦-૨૨ વર્ષથી ડિલિવરી સમયે હોમિયોપથી દવા આપે છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘પલ્સટિલા અને કોલોફીલમ આ બન્ને હોમિયોપથી દવાઓ ડિલિવરી વખતે ખૂબ કામ લાગે છે. સ્ત્રીનો નવમો મહિનો પતે પછી અમે આ દવા શરૂ કરીએ છીએ. જ્યારે લેબર પેઇન ચાલુ થાય ત્યારે દર બે કલાકે અને પેઇન એકદમ વધે ત્યારે દર ૧૫ મિનિટે અમે આ દવાઓ તેને આપીએ છીએ જેના થકી નૉર્મલ ડિલિવરી થવાની શક્યતા ખૂબ વધી જાય છે. અમારે ત્યાં નૅચરલી જે સ્ત્રીઓ પ્રેગ્નન્ટ થઈ છે તેમનો નૉર્મલ ડિલિવરીનો રેટ ૯૦ ટકા છે. માત્ર ૧૦ ટકા સ્ત્રીઓનું જ ઑપરેશન કરવું પડે છે એનું કારણ આ હોમિયોપથી દવા છે, જે ડિલિવરીને સરળ બનાવે છે.’ કોરોનામાં હોમિયોપથીની એક પ્રિવેન્ટિવ દવા હતી, જે ૫ કિલો દવાઓ લઈને એની ૧૦૦૦ બૉટલ બનાવીને ડૉ. જયેશ શેઠે તેમના દરદીઓને ફ્રીમાં આપી હતી. એના કારણે એક પણ દરદીને કોરોના થયો નહોતો. એ વિશે વાત કરતાં ડૉ. શેઠ કહે છે, ‘હોમિયોપથી દવાઓ અમે જાતે અમારા ક્લિનિકમાં જ બનાવીએ છીએ. સ્ત્રીઓની અલગ-અલગ તકલીફોમાં એ ઘણી મદદરૂપ થાય છે, જેનો એક નયો પૈસો અમે અમારા દરદીઓ પાસેથી લેતા નથી. આ મારું ભણેલું સાયન્સ નથી, પરંતુ એના ફાયદાઓથી મારા દરદીઓ વંચિત રહે એ મને મંજૂર નથી.’
જિજ્ઞાસા ખાતર શીખવાનું શરૂ કર્યું : ડૉ. મહેશ ગાંધી, સાઇકિયાટ્રિસ્ટ
ઍલોપથીમાં સાઇકિયાટ્રિસ્ટ બન્યા પછી ડૉ. મહેશ ગાંધીએ હોમિયોપથી પણ શીખ્યું. ડૉ. મહેશના સસરા જાણીતા પીડિયાટ્રિશ્યન હતા જે બાળકોને હોમિયોપથી દવાઓ પણ આપતા. એક વખત સસરાને તેમણે પૂછ્યું કે આ દવાઓ કેમ આપો છો. ત્યારે તેમના મોઢે હોમિયોપથીનાં વખાણ સાંભળી ડૉ. મહેશને એમાં રસ પડ્યો. તેમણે એક હોમિયોપૅથ પાસે ફક્ત જિજ્ઞાસા ખાતર શીખવાનું શરૂ કર્યું. એ સમય યાદ કરતાં ડૉ. મહેશ કહે છે, ‘એ હોમિયોપૅથ પાસે એક ભાઈ આવ્યા જેમને પાઇલ્સની તકલીફ હતી. એ હોમિયોપૅથ પૂછતા હતા કે તમને ફરવા જવું ગમે કે
નહીં, તમે અંતર્મુખી પ્રતિભા છો કે બહિર્મુખી? ત્યારે મને લાગ્યું આ લોકો શું કરે છે? પાઇલ્સ અંદર ઉદ્ભવતો એક પ્રૉબ્લેમ છે, એને આવા પ્રશ્નો સાથે શું લેવાદેવા? પરંતુ કમાલ ત્યારે થઈ કે એ ભાઈને એક જ ડોઝમાં ઘણો ફરક થઈ ગયો. જેને સર્જરી કરવી જ પડશે એવું લાગતું હતું એ માણસ સર્જરી વગર ઠીક થઈ ગયો. આમ મને હોમિયોપથીમાં રસ જાગ્યો. મેં શીખ્યું અને હાલમાં હું પ્રૅક્ટિસ પણ કરું છું અને હોમિયોપથીના વિદ્યાર્થીઓને શીખવું પણ છું.’
હોમિયોપથીમાં ડૉ. મહેશ શાહ એટલા ઊંડા ઊતરી ગયા કે તેમની પાસે હવે પોતાની એક પદ્ધતિ છે જેના દ્વારા તે ઇલાજ કરે છે જેમાં દરદીની ઇનર એજ જાણવી જરૂરી છે. ચક્રોની મદદથી એ કામ કરે છે. તમારી પાસે જે માનસિક રોગીઓ આવે છે તેમના માટે હોમિયોપથી વાપરો છો કે ઍલોપથી? એ વિશે જવાબ આપતાં ડૉ. મહેશ શાહ કહે છે, ‘એક દરદી છે જેને પ્લેનમાં બેસવામાં ડર લાગે છે. તેને તાત્કાલિક દિલ્હી જવું જ પડે એમ છે તો અમે તેને ઍલોપથી આપીએ છીએ જે તેના ડરને કાબૂમાં રાખે અને તેને દિલ્હી ફ્લાઇટમાં પહોંચાડે. પરંતુ આ ડરનું કારણ શું છે એ જડથી દૂર કરવા માટે હું હોમિયોપથી વાપરું છું. ખાસ કરીને માનસિક રોગોમાં ઍલોપથી પાસે ઘણી લિમિટેડ દવાઓ છે. જે છે એની સાઇડ ઇફેક્ટ્સ ઘણી છે. વળી આ દવાઓ જીવનભર લેવી પડે છે. એમાંથી બહાર આવવા માટે ઘણા દરદીઓ મારી પાસે આવે છે. હોમિયોપથી દ્વારા તેઓ રોગ અને એનાં ચિહ્નોથી જ નહીં, જીવનભર ખાવી પડતી દવાઓથી પણ મુક્ત થઈ જાય છે અથવા એની તીવ્રતા ઘણી ઘટી જાય છે. આમ વિજ્ઞાન કોઈ પણ હોય, જો દરદીનું હિત કોઈ ડૉક્ટર ઇચ્છે તો એ ચોક્કસ અલગ-અલગ વિજ્ઞાન અપનાવી શકે છે અને એનો લાભ તેના દરદીઓને આપી શકે છે.’
અમુક રોગોમાં હોમિયોપથી ચમત્કારિકઃ ડૉ. મયૂર ઝરમરવાલા. આંખના નિષ્ણાત
ડૉ. મયૂર ઝરમરવાલા આંખના નિષ્ણાત ડૉક્ટર છે જે ખુદ પોતાના નાના-મોટા ઇલાજ માટે હોમિયોપથીનો આશ્રય લે છે. પોતાના રસ વિશે વાત કરતાં ડૉ. મયૂર ઝરમરવાલા કહે છે, ‘હું જ્યારે MBBS ભણતો હતો ત્યારે અમારે ત્યાં અમુક હોમિયોપથી પ્રૅક્ટિશનર પોતાની ઇન્ટર્નશિપ માટે આવતા હતા. ત્યારે હું તેમની પાસેથી હોમિયોપથી સમજતો. મને એ સાયન્સમાં રસ પડતો ગયો. એ કઈ રીતે કામ કરે છે, એમાં શું હોય અને શું નહીં એ બધું સમજવાનો પ્રયાસ કરતો. હું તેમને ઘણા જુદા-જુદા પ્રશ્નો પૂછતો, એ પ્રશ્નોના ઉત્તરમાં મને વધુને વધુ સમજણ મળતી ગઈ અને હવે હું વધુને વધુ હોમિયોપથી સમજી શકું છું. મારા ઘણા દરદીઓને ખાસ કરીને ઍલર્જી સંબંધિત દરદીઓને હું હોમિયોપથી કરવાનું સૂચન કરું છું. ઘણા દરદીઓને મેં હોમિયોપૅથ પાસે મોકલ્યા છે. ઘણા હોમિયોપથી ડૉક્ટર દરદીઓ અમારી પાસે મોકલે છે, કારણ કે સમજવાનું એ છે કે કોની પાસેથી શું મળશે? અમુક પ્રકારના રોગોમાં હોમિયોપથી ચમત્કારિક રિઝલ્ટ આપે છે. અમુક અક્યુટ તકલીફ હોય તો તમારે ઍલોપથી પાસે જવું જ જોઈએ. જેમ કે તાવ આવે છે તો પૅરાસિટામોલ લેવામાં વાંધો નથી. તકલીફ ત્યાં છે કે વારંવાર તાવ આવે છે એની પાછળનું કારણ શું છે એને જડથી ઠીક કરવાનું કામ હોમિયોપથી કરશે.’