કલાકો સુધી દર્શનની લાઇનમાં ઊભા રહેવું શરીર માટે થકવી નાખનારું બની શકે છે. પગમાં સોજો, દુખાવોથી બચવા માટે લાઇનમાં ઊભા રહીને કેવી મૂવમેન્ટ કરવી, વડીલોએ કઈ સાવચેતી રાખવી અને લાંબો સમય ઊભા રહ્યા પછી શરીરને કેવી રીતે રિકવર કરવું એ જાણીએ
ગણપતિ દર્શન
મોટાં ગણપતિ મંડળોમાં દર્શન કરવા જવાનું હોય ત્યારે ભક્તિની સાથે ધીરજની પણ જરૂર પડે છે. કલાકો સુધી લાંબી લાઇનમાં ઊભા રહેવું, ભીડમાં રાહ જોવી અને ક્યારેક આખી રાત જાગીને એક પછી એક મંડળોમાં દર્શન કરવા જવું શરીર માટે સામાન્ય દિવસ કરતાં અલગ પ્રકારનું સ્ટ્રેસ ઊભું કરી શકે છે. લાંબા સમય સુધી ઊભા રહેવાથી પગમાં સોજો, દુખાવો, ભારેપણું અને ક્રૅમ્પ્સ થઈ શકે છે. એટલે દર્શન કરવા જતાં પહેલાં અને દર્શન દરમ્યાન કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વિશે આપણે પર્ફોર્મન્સ ફિઝિયોથેરપિસ્ટ ડૉ. કશિશ શાહ શેઠ પાસેથી જાણીએ.
ઊભા રહો, પણ શરીરને સ્થિર ન રાખો
ADVERTISEMENT
કોઈ વ્યક્તિ જ્યારે સતત ચારથી ૮ કલાક સુધી લગભગ એક જ જગ્યાએ ઊભી રહે છે ત્યારે પગમાંથી લોહી પાછું હૃદય તરફ જતું સર્ક્યુલેશન ધીમું પડી શકે છે. આપણી પિંડીના સ્નાયુઓ હૃદય માટે કુદરતી પમ્પ જેવું કામ કરે છે. આપણે ચાલીએ ત્યારે આ સ્નાયુઓ સંકોચાઈને પગમાંથી લોહીને ઉપર તરફ ધકેલવામાં મદદ કરે છે, પરંતુ લાંબા સમય સુધી એક જ જગ્યાએ સ્થિર ઊભા રહેવાથી આ પમ્પિંગ ઓછું થાય છે અને ગુરુત્વાકર્ષણને કારણે લોહી તથા પ્રવાહી પગમાં વધુ જમા થઈ શકે છે. પરિણામે પગ ભારે લાગવા, ઘૂંટી કે પંજામાં સોજો આવવો, ક્રૅમ્પ્સ થવા તથા થાક અને કળતર જેવી તકલીફો થઈ શકે છે. આ ઉપરાંત શરીરનું સંતુલન જાળવવા પગ, ઘૂંટણ, નિતંબ અને કમરના સ્નાયુઓ સતત કામ કરતા હોવાથી એમાં જકડન અને દુખાવો પણ વધી શકે છે. એટલે સમસ્યા માત્ર લાંબા સમય સુધી ઊભા રહેવાની નથી, સહેજ પણ હલ્યા વિના એક જ પોઝિશનમાં ઊભા રહેવાની છે.
લાઇનમાં ઊભાં-ઊભાં શું કરી શકાય?
લાઇન છોડવાની જરૂર નથી. દર થોડી મિનિટે નાની-નાની મૂવમેન્ટ્સ કરી શકાય છે. પંજા પર ઊભા થઈને એડીને દસથી ૧૫ વખત ઉપર-નીચે કરવાથી પિંડીના સ્નાયુઓ સક્રિય થાય છે. શરીરનું વજન વારાફરતી એક પગ પરથી બીજા પગ પર બદલવું, ઘૂંટણને હળવા વાળવા, ઘૂંટી અને આંગળીઓને હલાવવી તથા લાઇન આગળ વધે ત્યારે નાનાં ડગલાં ભરતાં રહેવું પણ મદદરૂપ છે. આ નાની-નાની હલનચલનને ‘મૂવમેન્ટ સ્નૅક્સ’ કહેવાય. લાંબો સમય ઊભા રહેતી વખતે ઘૂંટણને પાછળની તરફ ખેંચીને લૉક ન કરવા અને આખું શરીર કોઈ એક પગ પર ઢાળી ન રાખવું. બન્ને પગ પર શક્ય એટલું સમાન વજન રાખવું અને થોડી-થોડી વારે પોઝિશન બદલતા રહેવું. જમીન પર લાંબો સમય ઊભા રહેવું પડે તો જ્યારે પણ બે-ત્રણ મિનિટ માટે બેસવાની તક મળે ત્યારે બેસી જવું, જેથી પગના સ્નાયુઓને થોડો આરામ મળે.
લાઇનમાં અચાનક તકલીફ થાય તો?
ભીડ વચ્ચે અચાનક પગમાં ક્રેમ્પ આવી જાય, એડીમાં બળતરા થાય કે પિંડીમાં ગોટલો ચડી જાય તો પરાણે ચાલવાનું કે ઊભા રહેવાનું ચાલુ ન રાખવું. શક્ય હોય તો તરત થોભીને બેસી જવું અને પગ પરનો ભાર ઓછો કરવો. જો પિંડીમાં સામાન્ય ક્રૅમ્પ હોય તો પિંડીને હળવેકથી સ્ટ્રેચ કરવી અને ધીમે-ધીમે હલનચલન કરવું રાહત આપી શકે છે. ગરમી, લાંબું ચાલવું અને વધુ પડતો પરસેવો થયો હોય તો પૂરતું પાણી પીવું પણ જરૂરી છે. વધુ પરસેવાથી શરીરમાં પાણીની સાથે સોડિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સની ખોટ થઈ શકે છે એટલે આવી સ્થિતિમાં યોગ્ય હાઇડ્રેશન મહત્ત્વનું છે. જો પગમાં અચાનક બળતરા કે સુન્નપણું લાગે તો એને માત્ર ‘સર્ક્યુલેશન ઓછું થયું હશે’ એમ માની ન લેવું. પગ પરથી વજન હટાવીને સોજો, ઈજા, ચામડીના રંગમાં ફેરફાર અથવા અસહ્ય દુખાવો છે કે નહીં એ જોવું. ઘૂંટી અને આંગળીઓને હળવેથી હલાવી શકાય, પરંતુ દુખાવો વધતો હોય તો જોરથી સ્ટ્રેચ ન કરવું. જો દુખાવો સતત વધતો જાય, પગ પર વજન મૂકી ન શકાય, પગમાં અશક્તિ લાગે, તીવ્ર સોજો આવે અથવા પગ ઠંડો અને ફિક્કો પડી જાય તો લાઇન છોડીને તાત્કાલિક મેડિકલ હેલ્પ લેવી જરૂરી છે.
પહેલેથી તકલીફ હોય તો
વડીલો કે વૅરિકોઝ વેઇન્સ, સાઇટિકા, ઘૂંટણના વા જેવી તકલીફ ધરાવતા લોકોએ લાંબી લાઇનમાં ઊભા રહેતાં પહેલાં પોતાની ક્ષમતા ધ્યાનમાં લેવી જરૂરી છે. જો લાંબો સમય ઊભા રહેવાની ટેવ ન હોય તો દર્શનની લાઇનને પોતાની સહનશક્તિની પરીક્ષા ન બનાવવી. લાઇનમાં સાવ સ્થિર ઊભા રહેવાને બદલે શરીરનું વજન વારાફરતી બન્ને પગ પર બદલતા રહેવું, ઘૂંટી હલાવવી, પંજા પર હળવેથી ઊંચા-નીચા થવું અને લાઇન આગળ વધે ત્યારે નાનાં ડગલાં ભરતાં રહેવું. બેસવાની તક મળે તો એનો લાભ લેવો. ઘૂંટણની તકલીફ હોય તો ઘૂંટણને પાછળ ખેંચીને જકડી રાખવાને બદલે સહેજ નરમ રાખવા. સાઇટિકાની તકલીફ હોય તો લાંબો સમય એક જ મુદ્રામાં રહેવાને બદલે આરામદાયક પોઝિશન બદલતા રહેવું. વૅરિકોઝ વેઇન્સવાળા લોકોએ પણ પંજા અને ઘૂંટીની મૂવમેન્ટ ચાલુ રાખવી, જેથી પગમાં લાંબા સમય સુધી સ્થિરતા ન રહે. ની-કૅપ કે કમરનો પટ્ટો માત્ર સપોર્ટ માટે છે. એના સહારે પરાણે કલાકો સુધી ઊભા રહેવું યોગ્ય નથી. અસહ્ય દુખાવો, અશક્તિ અથવા અન્ય અસામાન્ય લક્ષણો જણાય તો તબીબી સલાહ લેવી.
ફુટવેઅરની પસંદગી પણ મહત્ત્વની
લાંબા સમય સુધી ચાલવાનું અને ઊભા રહેવાનું હોય ત્યારે ફુટવેઅર આરામદાયક હોવા જોઈએ. જે લોકોને પહેલેથી પગ કે એડીમાં કોઈ તકલીફ નથી તેમણે કોઈ ખાસ પ્રકારનાં ફુટવેઅરની જરૂરિયાત હોય એવું જરૂરી નથી. પગમાં દુખાવો કેટલો થશે એ વ્યક્તિના પગ પર પડતા ભાર, સ્નાયુઓની ક્ષમતા અને લાંબું ચાલવાની ટેવ પર પણ આધાર રાખે છે. જેમને પહેલેથી એડી કે તળિયામાં દુખાવો રહેતો હોય તેમણે ફુટવેઅર પસંદ કરતી વખતે આરામ, યોગ્ય કુશનિંગ, આગળના પંજા માટે પૂરતી જગ્યા અને તળિયાને યોગ્ય સપોર્ટ મળે એનું ધ્યાન રાખવું; પરંતુ સૌથી મોટું જોખમ ઘણી વખત અયોગ્ય ફુટવેઅર કરતાં અચાનક વધી ગયેલી શારીરિક પ્રવૃત્તિ હોય છે. આખું વર્ષ બહુ ઓછું ચાલતા હોઈએ અને ગણપતિદર્શન દરમ્યાન એક જ રાતમાં ઘણા કિલોમીટર ફરી લઈએ તો પગ પર અચાનક ઘણો ભાર પડે છે. એથી દર્શનના દિવસો પહેલાં ચાલવાની ટેવ ધીમે-ધીમે વધારવી, વચ્ચે આરામ લેવો અને દુખાવો વધે તો પરાણે ચાલવાનું ચાલુ ન રાખવું વધુ મહત્ત્વનું છે. એક બાબત ખાસ યાદ રાખવી. સામાન્ય થાક અને તાત્કાલિક તબીબી મદદની જરૂરિયાત વચ્ચેનો તફાવત સમજવો. કલાકો સુધી ઊભા રહ્યા પછી જો માત્ર એક જ પગમાં અચાનક વધુ સોજો આવે, પિંડીમાં અસહ્ય દુખાવો થાય, ચામડી લાલ કે ગરમ થઈ જાય અથવા એની સાથે છાતીમાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો એને સામાન્ય થાક ન માનવો અને તરત ડૉક્ટરની મદદ લેવી.
દર્શન પછી રિકવરી
કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી ઘરે પહોંચીને શરીરને રિકવર કરવા માટે લાંબું સ્ટ્રેચિંગ સેશન કે મસાજ જરૂરી નથી. સૌથી પહેલાં ૩ પાયાની બાબતો પર ધ્યાન આપવું : પૂરતી ઊંઘ, હાઇડ્રેશન અને પૌષ્ટિક આહાર. ઘરે આવીને સંતુલિત ભોજન લેવું; જેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્ત્વો હોય. પૂરતું પાણી પીવું અને શરીરને આરામ આપવો. જો પગ ભારે કે જકડાયેલા લાગે તો થોડું હળવું ચાલવું, પંજાને આગળ-પાછળ હલાવવા, પંજા પર હળવેથી ઊંચા-નીચા થવું અથવા કમર-નિતંબનું હળવું સ્ટ્રેચિંગ કરવું મદદરૂપ બની શકે છે. આ મૂવમેન્ટ શરીરને હળવાશ આપે એટલી જ હોવી જોઈએ. દર્શન પછી થાકેલા શરીર પર નવું કે ભારે વર્કઆઉટ કરવાનો પ્રયાસ ન કરવો. સૌથી મહત્ત્વની બાબત પૂરતી ઊંઘ છે. ઊંઘ દરમ્યાન શરીરને શારીરિક થાકમાંથી રિકવર થવામાં અને સ્નાયુઓ તથા ટિશ્યુઝના રિપેરિંગમાં મદદ મળે છે. તેથી આખી રાત દર્શન કર્યા પછી બીજા દિવસે પણ શરીરને પૂરતો આરામ આપવો.
