વેઇટલૉસથી લઈને બૉડીની ફાસ્ટ રિકવરી માટે કોલ્ડ બાથ કેવી રીતે મદદરૂપ બને છે એ વિશે જાણીએ
પ્રતીકાત્મક તસવીર
યસ, નિયમિત કોલ્ડ શાવર બાથ લેવાથી આ ચોક્કસ સંભવ છે એવું એક્સપર્ટ્સ માને છે. તાજેતરમાં સ્ટાર ફુટબૉલર સુનીલ છેત્રીએ તે દરરોજ કોલ્ડ શાવર બાથ લે છે એવું સ્વીકાર્યું હતું અને તેના થકી થતા ફાયદાઓની ચર્ચા કરી હતી. વેઇટલૉસથી લઈને બૉડીની ફાસ્ટ રિકવરી માટે કોલ્ડ બાથ કેવી રીતે મદદરૂપ બને છે એ વિશે જાણીએ.
ભારતના સર્વશ્રેષ્ઠ ફુટબૉલ ખેલાડીમાંથી એક સુનીલ છેત્રીએ પોતાના સ્વાસ્થ્યનું રહસ્ય ખોલ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘હું દરરોજ છ વાગ્યે ઊઠું છું, હૂંફાળું પાણી પીઉં છું અને પછી ઠંડા પાણીથી નહાઉં છું. હું બધાને સલાહ આપીશ કે તેઓ પોતાના દિવસની શરૂઆત ઠંડા પાણીથી સ્નાન કરીને કરે. જેટલું ઠંડું પાણી હશે એટલું સારું. ઠંડા પાણીથી તમે કંઈ મરી નહીં જાઓ, ઊલટાની તમારી બૉડીની રિકવરી સારી થશે અને વેઇટલૉસ પણ થશે.’
ADVERTISEMENT
ખરેખર ઠંડા પાણીથી નાહવાથી આટલા ફાયદા થાય? કોલ્ડ વૉટર શાવર શું કામ આટલો પાવરફુલ છે? એની સાચી રીત કઈ? કોલ્ડ શાવર લેવાનો આઇડિયલ ટાઇમ કેટલો છે? શું દરેક સીઝનમાં કોલ્ડ શાવર લઈ શકાય? આ બધા જ સવાલોના જવાબ જાણીએ એક્સપર્ટ પાસેથી.
ફિઝિકલ બેનિફિટ્સ
ઠંડા પાણીથી નાહવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ મળી શકે છે. એ વિશે સાત વર્ષથી ફિઝિયોથેરપિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં અંધેરીનાં ડૉ. ચરિતા ગોહિલ કહે છે, ‘આપણે જ્યારે ઠંડા પાણીથી સ્નાન કરીએ ત્યારે શરીરનું બ્લડ-સર્ક્યુલેશન સુધરે છે. શરીરમાં લોહીનો પ્રવાહ સુધરવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટે છે અને બ્લડ-પ્રેશર નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત આપણે કોલ્ડ બાથ લઈએ ત્યારે બૉડીના ટેમ્પરેચરને મેઇન્ટેન કરવા માટે આપણી બૉડી હીટ જનરેટ કરે છે. ઠંડા પાણીથી નાહવાથી બ્રાઉન ફૅટનું પ્રોડક્શન સ્ટિમ્યુલેટ થાય છે. આ એક એવા પ્રકારની ફૅટ છે જે કૅલરી બાળીને તમારા શરીરમાં હીટ જનરેટ કરે છે. દરરોજ તમે ઠંડા પાણીથી નાહવાની આદત પાડો તો લાંબા ગાળે તમને વજન ઘટાડવામાં ફાયદો મળે છે. ઘણા લોકોએ અનુભવ્યું હશે કે ઠંડા પાણીથી સ્નાન કર્યા બાદ સારી ઊંઘ આવે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ઠંડા પાણીથી બાથ લીધા બાદ શરીરનું તાપમાન નીચે જાય છે, જે સારી ઊંઘ આવે એ માટેનું અનુકૂળ વાર્તાવરણ બનાવે છે. ઠંડા પાણીથી નાહવાથી શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટિમ્યુલેટ થાય છે. તમારી ઇમ્યુનિટી મજબૂત થાય તો કૉમન ઇન્ફેક્શન થવાનું જોખમ ઘટે છે. ખાસ કરીને ઍથ્લીટ્સ અને ફિટનેસ એન્થુઝિઍસ્ટ એક્સરસાઇઝ કર્યા પછી બૉડીની ફાસ્ટ રિકવરી માટે ઠંડા પાણીથી નાહવાનું પસંદ કરે છે. ઠંડું પાણી માંસપેશીઓનો દુખાવો અને સોજો ઓછો કરવામાં મદદ કરે છે. ઠંડું પાણી સ્કિનના પોર્સને બંધ કરવામાં મદદ કરે છે, જેથી ગંદકી અને બૅક્ટેરિયા તમારી ત્વચાની અંદર ન જાય. ત્વચાની રેડનેસ અને ઇન્ફ્લમેશન ઓછાં કરવામાં પણ એ મદદ કરે છે. કોલ્ડ શાવરથી બ્લડ-સર્ક્યુલેશન સુધરે છે, જે તમારી ત્વચાને હેલ્ધી ગ્લો આપે છે.’
મેન્ટલ હેલ્થ માટે પણ સારું
ઠંડા પાણીથી નાહવાથી અનેક શારીરિક ફાયદાઓ તો થાય જ છે પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ એ સારું છે. આ વિશે જણાવતાં ડૉ. ચરિતા કહે છે, ‘કોલ્ડ શાવર લેવાથી આપણો મૂડ સુધરે છે અને સ્ટ્રેસ ઓછું થાય છે. આપણે જ્યારે ઠંડા પાણીથી શાવર લઈએ ત્યારે એ એન્ડોર્ફિન્સ, જેને ફિલ ગુડ હૉર્મોન્સ કહેવાય છે, એને ટ્રિગર કરે છે જે ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીની ફીલિંગને ઓછી કરવામાં મદદ કરે છે. ઠંડા પાણીથી નાહીએ ત્યારે શરીરમાંથી એડ્રિનલિન હૉર્મોન્સનો સ્રાવ વધે છે. આ હૉર્મોન નૅચરલ સ્ટિમ્યુલેટર તરીકે કામ કરે છે, જે અલર્ટનેસ વધારવામાં અને મેન્ટલ ક્લૅરિટી વધારવામાં મદદ કરે છે. કોલ્ડ શાવર લેવાથી તમારો રેઝિસ્ટન્સ પાવર અને વિલપાવર પણ વધે, કારણ કે આપણે જ્યારે ઠંડા પાણીથી નાહીએ ત્યારે એ આપણને પ્રતિકૂળ પરિસ્થિતિમાં મૂકી દે છે.’
કોલ્ડ શાવર લેવાની ટિપ્સ
જો તમને ઠંડા પાણીથી નાહવાની આદત ન હોય, પણ એ શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો એ માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે જણાવતાં ડૉ. ચરિતા કહે છે, ‘અચાનક ઠંડા પાણીથી નાહવાની શરૂઆત કરવા કરતાં ધીમે-ધીમે પાણીનું તાપમાન ઘટાડીને શાવર લેવાની શરૂઆત કરવી જોઈએ, કારણ કે આપણી બૉડીને ઠંડા પાણી સાથે ઍડ્જસ્ટ થવામાં સમય લાગે છે. ઠંડા પાણીથી નાહવાની શરૂઆત કરો ત્યારે સૌથી પહેલાં શરીરનાં ઓછાં સેન્સિટિવ અંગો જેમ કે હાથ, પગ પર પાણી રેડવું જોઈએ અને એ પછી વધુ સેન્સિટિવ પાર્ટ જેમ કે છાતી, ખભા પર પાણી રેડવું જોઈએ. એ સિવાય ઠંડા પાણીથી શાવર લેતી વખતે તમારે ધીમે-ધીમે ઊંડો શ્વાસ લેવો જોઈએ જેથી ઠંડું પાણી તમારા શરીરને સ્પર્શે તો તમને આંચકો ન લાગે.’
કોણે દૂર રહેવું?
ઠંડા પાણીથી સ્નાન કરવાથી ઘણા હેલ્થ બેનિફિટ્સ મળે છે પણ તેમ છતાં અમુક લોકોએ એનાથી દૂર રહેવું જોઈએ એમ જણાવતાં ડૉ. ચરિતા કહે છે, ‘જે વ્યક્તિને હૃદય અને ફેફસાં સંબંધિત કોઈ સમસ્યા હોય તેમણે કોલ્ડ શાવર લેવાનું ટાળવું જોઈએ, કારણ કે શરીર પર અચાનક ઠંડું પાણી રેડવાથી તમને હળવો ઝટકો લાગી શકે છે, જે તેમના હૃદયના ધબકારા, બ્લડ-પ્રેશર, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા અચાનકથી ઝડપી બનાવી શકે છે. પ્રેગ્નન્સી દરમ્યાન મહિલાઓએ ઠંડા પાણીથી ન નાહવું જોઈએ, કારણ કે એનાથી કોર બૉડી-ટેમ્પરેચર (હાઇપોથર્મિઆ) ગંભીર રીતે ઘટી શકે અને એને કારણે અનેક હેલ્થ પ્રૉબ્લેમ્સ થઈ શકે છે. એટલે આવા લોકોએ અગાઉ તેમના ડૉક્ટરની સલાહ લીધા પછી જ ઠંડા પાણીથી સ્નાન કરવું કે નહીં એનો નિર્ણય લેવો જઈએ.’
કેટલો સમય કોલ્ડ શાવર લેવો?
કોલ્ડ શાવર લેવાથી ફાયદો તો મળે છે પણ એનો મહત્તમ ફાયદો જોઈતો હોય તો ઠંડા પાણીથી કેટલા સમય સુધી નહાવું જોઈએ એ જાણી લેવું જરૂરી છે. તમે જેટલા લાંબા સમય સુધી કોલ્ડ શાવર લેશો શરીરને એટલો વધુ ફાયદો થશે એવું માનવાની ભૂલ ન કરવી જોઈએ. આ વિશે જણાવતાં ડૉ. ચરિતા કહે છે, ‘તમે જ્યારે ઠંડા પાણીથી નાહવાનું શરૂ કરો ત્યારે શરૂઆતમાં ત્રીસ સેકન્ડથી વધુ કોલ્ડ વૉટર બાથ ન લેવો. સામાન્ય રીતે ૫૦થી ૬૦ ડિગ્રી ફેરનહાઇટ વચ્ચેના વૉટર ટેમ્પરેચરમાં વધુમાં વધુ ત્રણ મિનિટ સુધી તમે કોલ્ડ શાવર લો તો ચાલે એથી વધુ સમય લો તો એના ફાયદાઓ ઘટવા લાગે છે. તમે વધુ સમય સુધી ઠંડા પાણીમાં નહાઓ તો તમારા શરીરને ફરી નૉર્મલ ટેમ્પરેચર પર આવતાં વધુપડતો સમય લાગી શકે છે, જે હેલ્થ માટે સારું નથી.’
ટ્રાય કરો કૉન્ટ્રાસ્ટ બાથ
કૉન્ટ્રાસ્ટ બાથ એટલે જેમાં ઠંડા અને ગરમ બન્ને પાણીથી નાહવાનું હોય છે. એ વિશે ફિઝિયોથેરપિસ્ટ ડૉ. ચરિતા ગોહિલ કહે છે, ‘સૌથી પહેલાં તમારે બેથી ત્રણ મિનિટ ગરમ પાણીથી નાહવાનું, એ પછી પંદર સેકન્ડ ઠંડા પાણીથી નાહવાનું. આ નાહવાની સાઇકલ તમારે ત્રણથી ચાર વાર રિપીટ કરવાની. તમારો બાથ ઠંડા પાણી પર ખતમ થવો જોઈએ. અચાનકથી કોલ્ડ શાવર લેવાનું ન ફાવે એ લોકો આ રીતે કૉન્ટ્રાસ્ટ બાથ લઈને શરૂઆત કરી શકે છે. કૉન્ટ્રાસ્ટ બાથ શરીરમાં દુખાવો, સોજો, ઇન્ફ્લમેશન ઓછાં કરવામાં મદદ કરે છે.’
આયુર્વેદ મુજબ ઋતુ પ્રમાણે ઠંડું પાણી કોના માટે વધુ સારું?
આયુર્વેદ અનુસાર કેવા પાણીથી નાહવું જોઈએ એનો જવાબ આપતાં ૪૦ વર્ષનો અનુભવ ધરાવતા આર્યુવેદિક નિષ્ણાત ડૉ. પ્રકાશ જોશી કહે છે, ‘ઋતુના હિસાબે વાત કરીએ તો ચોમાસા અને ઠંડીની ઋતુમાં નવશેકા પાણીથી, જ્યારે ગરમીની ઋતુમાં ઠંડા પાણીથી નહાવું જોઈએ. જોકે આ વસ્તુ વ્યક્તિની પ્રકૃતિ પર પણ નિર્ભર કરે છે, જેમ કે કફ અને વાત પ્રકૃતિવાળાઓ માટે નવશેકા પાણીથી નાહવું અને પિત્ત પ્રકૃત્તિવાળા લોકો માટે
ઠંડા પાણીથી નાહવું લાભદાયક છે. જોકે આજકાલ અયોગ્ય આહારવિહાર અને ઋતુમાં થતા અસામાન્ય બદલાવને કારણે લોકોમાં બેવડી પ્રકૃતિ જોવા મળતી હોય છે. એટલે તેમણે આયુર્વેદના નિષ્ણાત પાસેથી ઍડ્વાઇઝ લઈને આગળ વધવું જોઈએ.’
ટીપઃ વધુ સમય સુધી કોલ્ડ શાવર લો તો શરીરને એટલો વધુ લાભ થશે એવું માનવાની ભૂલ ન કરવી.

