Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઓરીનો ઓછાયો બાળકને ન નડે એની ચિંતા છે?

ઓરીનો ઓછાયો બાળકને ન નડે એની ચિંતા છે?

02 December, 2022 04:49 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

હાલમાં મુંબઈમાં લગભગ ૩૦૦થી વધુ બાળકોમાં આ ચેપ ફેલાયેલો છે અને ૧૪ બાળકોનો જીવ પણ લઈ ચૂક્યો છે ત્યારે સ્વાભાવિક છે કે ચિંતા થાય. જોકે એક સમયે લગભગ ઇરેડિકેટ થઈ ગયેલો આ ચેપ ફરીથી કેમ માથું ઊંચકી રહ્યો છે એનાં કારણો સમજીશું તો ઉપાય ખૂબ આસાન છે

પ્રતીકાત્મક તસવીર

હેલ્થ ઇઝ વેલ્થ

પ્રતીકાત્મક તસવીર


હાલમાં મુંબઈમાં અંદા‌જે ૨૯૨ બાળકોને ઓરી નીકળ્યા છે અને એમાંથી ૧૩ બાળકોનાં મૃત્યુ પણ થયાં છે. બે દિવસ પહેલાં હજી એક બાળકીનું મૃત્યુ નોંધાઈને આ આંક ૧૪ સુધી પહોંચ્યો હતો. ૭૦ના દશકમાં ઓરી ખરેખર ઘાતક માનવામાં આવતા, કારણ કે ત્યારે એનો મરણાંક ઘણો વધારે હતો. પરંતુ ધીમે-ધીમે રસીકરણ આવ્યું અને એને લીધે મૃત્યુદર ઘટ્યો એટલું જ 
નહીં, ઓરી જડથી જ જાણે કે ખતમ થઈ ગયો હોય એવું લાગતું હતું. ૨૦૨૨માં જ્યારે આ ઓરીના કેસ સામે આવ્યા ત્યારે એ મોટા આશ્ચર્યની વાત હતી કે જે રોગથી આપણે સંપૂર્ણ મુક્ત થ 
ગયા છીએ એવો આત્મવિશ્વાસ આપણને આવતો હતો એ વાત જ આખી પલટાઈ ગઈ. ઓરીના કેસ આવ્યા એ તો ઠીક, પણ મરણાંક પણ ખાસ્સો નોંધાયો. આજે એ સમજવાની કોશિશ કરીએ કે મુંબઈ જેવા શહેરમાં જ્યાં આટલી જાગૃતિ છે અને મેડિકલ ફૅસિલિટીઝ પણ ઘણી સારી છે ત્યાં આવું કેમ થયું. 

મૃત્યુ ક્યારે થાય? 



૨૦૨૨માં કોઈ પણ બાળક ઓરીને કારણે મૃત્યુ પામે એ ઘણું શરમજનક કહી શકાય, પરંતુ એ મૃત્યુ કેમ થયાં એ સમજાવતાં નાયર હૉસ્પિટલના પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટનાં હેડ પ્રોફેસર ડૉ. સુરભી રાઠી કહે છે, ‘પહેલી વાત તો એ કે મુંબઈમાં અમુક એરિયામાં જ આ રોગ ફેલાયો છે. જેમણે રસી નથી લીધી તેમને જ આ રોગ થયો છે. ખાસ કરીને આ કેસ લોઅર ઇન્કમ ગ્રુપમાં જોવા મળી રહ્યા છે જેમનામાં રસીકરણ વિશેની જાગૃતિ ઓછી છે. બીજું એ કે ઓરીથી ક્યારેય મૃત્યુ થતાં નથી. ઓરી સાથે જો કો-મૉર્બિડ કન્ડિશન હોય તો મૃત્યુ થાય છે. એટલે કે બાળકને જન્મજાત કોઈ બીમારી હોય, હાર્ટ નબળું હોય, ઇમ્યુનિટી કૉમ્પ્રોમાઇઝ્ડ હોય તો બાળકને ઓરીને કારણે બ્રૉન્કો-ન્યુમોનિયા થઈ જાય છે જે આખાં ફેફસાં પર અસર કરે છે અને બાળકનું મૃત્યુ થઈ શકે છે.’ 


કુપોષણ 

બાળકોમાં ઓરી થવા પાછળ અને વકરવા પાછળ કે તેમને મૃત્યુ સુધી લઈ જવા પાછળ જવાબદાર કારણોમાં કુપોષણ મુખ્ય કારણ છે. એ વિશે વાત કરતાં સુરભી રાઠી કહે છે, ‘કુપોષણ એક એવી સમસ્યા છે જેની સાથે આપણે વર્ષોથી લડત આપી રહ્યા છીએ. બાળકોમાં મોટા ભાગનાં કૉમ્પ્લીકેશન કુપોષણને કારણે છે. આ માટે જાગૃતિની ખૂબ જરૂર છે. અમારી પાસે આવનારાં માતા-પિતાને અમે ઘણું સમજાવીએ છીએ પરંતુ તેઓ આ બાબતે ગંભીર થતાં નથી. સપ્લિમેન્ટ કે પોષણયુક્ત ખોરાક જ એનો એકમાત્ર ઉપાય છે.’ 


રસીકરણ

 વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને યુનિસેફના કહેવા મુજબ DPT રસીકરણ એટલેકે ડિપ્થેરીયા, પર્ટ્યુસિસ અને ટેટનસની રસી તથા ઓરીનું રસીકરણ ઘણા લો અને મિડલ ઇન્કમ દેશોમાં ઘટ્યું છે. એમાં ભારત પણ સામેલ છે. મહારાષ્ટ્ર સરકારના આંકડાઓ મુજબ મુંબઈમાં ૪૧ ટકા બાળકોએ જ ઓરીની રસી લીધી છે. આ આંકડાને આપણે ૧૦૦ ટકા સુધી પહોંચાડવો જરૂરી છે. રસીકરણમાં પહેલી રસીનો ડોઝ લીધા પછી આવતા તાવથી ગભરાઈને ઘણા લોકો બીજો ડોઝ દેવડાવતા જ નથી. એ દર્શાવે છે કે આજે પણ જાગૃતિની કમી છે. 

કારણો 

ડૉ. સુરભિ રાઠી

જોકે ૨૦૨૧માં મુંબઈમાં ફક્ત ૧૦ કેસ નોંધાયા હતા અને એક બાળકનું મૃત્યુ થયું હતું. ૨૦૨૦માં ૨૯ કેસ અને કોઈ મૃત્યુ નહીં તથા ૨૦૧૯માં ૩૭ કેસ અને ત્રણ મૃત્યુ નોંધાયાં હતાં, જેનું કારણ એ પણ હોઈ શકે છે કે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી ઇન્દ્રધનુષ પ્રોજેક્ટ અંતર્ગત રસીકરણને ઘણો વેગ મળ્યો છે. બે રસી વચ્ચેનું અંતર પણ ઘટ્યું છે. છતાં આ વર્ષે જ કેસ વધવાનું શું કારણ? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. સુરભી રાઠી કહે છે, ‘કોરોના પછી બાળકોમાં કુપોષણના કેસ ઘણા વધ્યા છે. લો ઇન્કમ ગ્રુપમાં વધારો થયો છે. બીજું એ કે મુંબઈમાં જે માઇગ્રન્ટ કમ્યુનિટી ઘણી છે. કોણે, ક્યારે રસી લીધી એ સરકારને તેઓ વ્યવસ્થિત રીતે જણાવતા નથી. વળી તેઓ એટલા જાગૃત પણ નથી કે સમયસર જાતે રસી લઈ લે. આ એક પ્રકારની ચૅલેન્જિસ છે.’ 

શું કરવું? 

ડૉ. પંકજ પારેખ

ઓરીના કેસને કાબૂમાં લેવા માટે કાલથી બીએમસીએ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એમાં રસીકરણ ફરીથી શરૂ કર્યું છે. એના અંતર્ગત કુલ ૧,૩૮,૦૦૦ બાળકોને ઓરીની રસી આપવામાં આવશે, જેમાં ૬ મહિનાથી ૯ મહિના સુધીનાં ૪૦૦૦ બાળકોને ઓરીની રસી આપવામાં આવશે. જે બાળકોએ પહેલાં પણ રસી લીધી હશે તો પણ ફરીથી તેમને રસી આપવામાં આવશે. એના વિશે વાત કરતાં ચિયર્સ ચાઇલ્ડ કૅર, કૅમ્પ્સ કૉર્નરના ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આમ તો ઓરીની રસી બાળકને ૯ મહિને, ૧૫ મહિને અને પાંચમા વર્ષે એમ ત્રણ વખત આપવી જરૂરી છે. પહેલી વખત આ રસી ૬ મહિનાથી ૯ મહિનાનાં બાળકોને આપવામાં આવી રહી છે, જેને લીધે આ રોગનો ફેલાવો અટકાવી શકાય. ઓરીને કાબૂમાં લાવવા રસીકરણથી વધુ શ્રેષ્ઠ ઉપાય કોઈ નથી.’ 

ઇલાજમાં શું? 

રસીકરણની સાથે-સાથે એ પણ જરૂરી છે કે જેટલાં બાળકો અસરગ્રસ્ત છે તેમને સમયસર ઇલાજ મળે, જે વિશે વાત કરતાં સુરભી રાઠી કહે છે, ‘ઓરી ઘણી વાર ૨૪ કલાકની અંદર બાળકોનો જીવ લે છે. એટલે જેવાં એનાં ચિહ્નો દેખાય કે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જરૂરી છે. આજે પણ અમુક વર્ગ અંધશ્રદ્ધામાં ફસાઈને ડૉક્ટર પાસે લઇ નથી જતા બાળકને. ઘણીવાર તો અમારે ત્યાં જે પેરેન્ટ્સ આવે છે અને બાળકની હાલત ખરાબ હોય તો અમે ઍડ્મિટ થવાનું સજેશન આપીએ છીએ. એ ના પાડી દે છે કે અમે એનું ઘરે જ ધ્યાન રાખીશું. 
આવી પરિસ્થિતિ બાળક માટે ગંભીર સાબિત થઈ શકે છે. જે બાળકો અસરગ્રસ્ત છે તેમને વિટામિન Aનાં સપ્લિમેન્ટ અને સતત ઑબ્ઝર્વેશન જરૂરી છે, જેની વ્યવસ્થા હાલમાં બીએમસી અને સરકારી હૉસ્પિટલ્સ કરી રહી છે.’

ગભરાવાની જરૂર નથી 

જે બાળકોએ રસી લીધી છે એ બાળકોને ઓરીનો ચેપ નહીં જ લાગે એમ જણાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘રસીકરણ આ રોગથી બચવાનો મુખ્ય ઉપાય છે. જે બાળકોએ રસી લીધી છે તેમનાં માતા-પિતાએ બિલકુલ ગભરાવાની જરૂર નથી. હા, આ રોગ ચેપી છે અને એકથી બીજા બાળકમાં ફેલાઈ શકે છે, પરંતુ એ બાળકને જ આ રોગની અસર થશે જેણે એની રસી લીધી નથી. જેણે રસી લીધી છે અને એના બધા જ ડોઝ પણ પૂરા કર્યા છે તેણે ગભરાવું નહીં.’

Whatsapp-channel Whatsapp-channel

02 December, 2022 04:49 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK