તમને નાની ઉંમરે મેટાબૉલિક તકલીફો જે શરૂ થઈ ગઈ છે, એનો અકસીર ઇલાજ લાઇફસ્ટાઇલમાં સુધારો છે, દવાઓ નહીં
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૪૦ વર્ષ છે. મને ત્રણ વર્ષ પહેલાં બૉર્ડરલાઇન કૉલેસ્ટરોલની સમસ્યા આવી હતી. એની સાથે પ્રી-ડાયાબિટીક સ્ટેજ પણ આવ્યું. એની પણ ૧ વર્ષ મેં ગોળી ખાધી. હમણાં એ બંધ કરી છે. છેલ્લાં બે વર્ષથી હું કૉલેસ્ટરોલની દવા તો ખાઈ જ રહ્યો છું. મારું વજન ૮૮ કિલો છે. મેં વજન ઉતારવાનું શરૂ કર્યું છે. અને એ માટે ડૉક્ટરે મને અમુક ટેસ્ટ કરવાનાં કહ્યાં જેમાં મને ખબર પડી કે મને ફૅટી લિવર પણ છે. એ પણ ગ્રેડ થ્રી. કૉલેસ્ટરોલ અને ફૅટી લિવર જેવી સમસ્યા એકસાથે આવી છે ત્યારે મારે શું કરવું જોઈએ?
તમને નાની ઉંમરે મેટાબૉલિક તકલીફો જે શરૂ થઈ ગઈ છે, એનો અકસીર ઇલાજ લાઇફસ્ટાઇલમાં સુધારો છે, દવાઓ નહીં. જો તમે ખાલી દવાઓ ખાતા રહેશો તો આ તકલીફથી મુક્ત થઈ શકાશે નહીં. તમારા રોગો જ દર્શાવે છે કે તમારી લાઇફસ્ટાઇલ ખરાબ છે, વજન વધુ છે અને એ માટે તમારે મહેનત કરવી જરૂરી છે. જે લોકોને કૉલેસ્ટરોલની તકલીફ છે એ લોકો એની દવા ખાય છે. જો આ લોકો લાંબા સમયથી ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર કે કૉલેસ્ટરોલની દવા ખાતા હોય તો એ દવાના સાઇડ ઇફેક્ટ રૂપે એમને ફૅટી લિવરની સમસ્યા આવી શકે છે. બીજી તરફ જેને ફૅટી લિવર હોય એના લિવરનું કામ ખોરવાય છે, જેના ભાગરૂપે એમને કૉલેસ્ટરોલ આવી શકે છે. આમ, આ બન્ને રોગ પરસ્પર જોડાયેલા છે. તમને કૉલેસ્ટરોલ તો હતું જ, પરંતુ ફૅટી લિવર પણ નીકળ્યું. જેમને પણ કૉલેસ્ટરોલ હોય એમણે એ ચેક કરાવવું જોઈએ કે એમને ફૅટી લિવરની સમસ્યા છે કે નહીં. આ બન્ને તકલીફ જો સાથે હોય તો દવાઓ લીધા કરવાને બદલે નિષ્ણાતની મદદ લઈને લાઇફસ્ટાઇલમાં જરૂરી ફેરફારોથી બન્ને તકલીફને જડથી દૂર કરી શકાય છે.
ADVERTISEMENT
સૌથી પહેલાં વ્યક્તિનું ફૅટ મેટાબૉલિઝમ સુધારવું પડે છે એટલે કે શરીરમાં ઉપયોગી ફૅટ્સ મળી રહે અને બિનજરૂરી ફૅટ્સ જમા ન થાય એનું જે બૅલૅન્સ છે એ ખોરવાવું ન જ જોઈએ. ખોરવાયું હોય તો એને સુધારવું પડે. જેમને લાંબા સમયથી કૉલેસ્ટરોલ હોય અને દવા ચાલુ હોય એમને પણ લાઇફસ્ટાઇલમાં સુધારથી સારાં પરિણામો મળી શકે છે. એમની પણ દવા બંધ થઈ શકે છે અને મહત્ત્વનું એ છે કે કૉલેસ્ટરોલનું બૅલૅન્સ શરીરમાં સારું થઈ જવાથી હાર્ટ પ્રૉબ્લેમનું રિસ્ક ઘટી જાય છે.


