Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમે ટાઇપ 1.5 ડાયાબિટીઝ વિશે સાંભળ્યું કે નહીં?

તમે ટાઇપ 1.5 ડાયાબિટીઝ વિશે સાંભળ્યું કે નહીં?

23 May, 2023 03:40 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

વિજ્ઞાનની પ્રગતિ આપણને બીમારીઓ વિશે વધુ ઝીણવટપૂર્વકની માહિતી પૂરી પાડી રહી છે. ડાયાબિટીઝ જેવી ગંભીર છતાં સામાન્ય બીમારી વિશે પણ. તમે કદાચ ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીઝ વિશે સાંભળ્યું હશે. આવો આજે ટાઇપ 1.5 વિશે પણ થોડું સમજી લઈએ

પ્રતીકાત્મક તસવીર

હેલ્થ ઇઝ વેલ્થ

પ્રતીકાત્મક તસવીર


છેલ્લા કેટલાક સમયથી વૈજ્ઞાનિકો લેટન્ટ ઑટોઇમ્યુન ડાયાબિટીઝ ઑફ ઍડલ્ટ્સ (LADA) જેવા ઑટોઇમ્યુન ડિસઑર્ડર પર સંશોધન કરી રહ્યા છે અને વૅક્સિન્સ દ્વારા એને ઊગતાં જ ડામી દેવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ હજી સુધી એમાં ખાસ સફળતા મળી નથી. 

આપણે બધા ડાયાબિટીઝ શબ્દથી પરિચિત છીએ. લોહીમાં શુગરનું પ્રમાણ વધી જવાની બીમારી ડાયાબિટીઝ તરીકે ઓળખાય છે. જેઓ આ વિષયમાં થોડો વધુ રસ ધરાવતા હશે તેમને ખબર હશે કે ડાયાબિટીઝ બે પ્રકારના હોય છે, ટાઇપ–1 અને ટાઇપ–2. પરંતુ શું તમને ખબર છે કે આ બંનેની વચ્ચે પણ ડાયાબિટીઝનો એક એવો પ્રકાર રહેલો છે, જે અનોખો પણ છે અને અજાણ્યો પણ? તેથી જ ટાઇપ–1.5 ડાયાબિટીઝ તરીકે ઓળખાતા લેટન્ટ ઑટોઇમ્યુન ડાયાબિટીઝ ઑફ ઍડલ્ટ્સ (LADA) વિશે પણ થોડું જાણી લેવું સારું.LADA શું છે એ સમજતાં પહેલાં ડાયાબિટીઝ એટલે શું એ સમજી લેવું આવશ્યક છે. આપણા દ્વારા ખવાતા મોટા ભાગના ખોરાકને શરીર શુગર (ગ્લુકોઝ)માં પરિવર્તિત કરી લોહી સાથે ભેળવી દે છે. લોહીમાં શુગરનું પ્રમાણ વધતાં મગજ પેટના પાછળના ભાગમાં આવેલા પૅન્ક્રિયાસને ઇન્સ્યુલિન નામના હૉર્મોનનો સ્રાવ કરવાનું સિગ્નલ આપે છે. ઇન્સ્યુલિન આ શુગરને શરીરના કોષોમાં પ્રવેશવામાં મદદ કરે છે. ત્યાર બાદ શરીરના કોષો આ શુગરને એનર્જી તરીકે ઉપયોગમાં લે છે. અલબત્ત, કેટલીક વાર પૅન્ક્રિયાસમાંથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટી જાય છે અથવા સદંતર બંધ થઈ જાય છે. તો કેટલીક વાર શરીર પૅન્ક્રિયાસમાંથી નીકળેલા ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી. આવી પરિસ્થિતિમાં લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે, જેને આપણે ડાયાબિટીઝ તરીકે ઓળખીએ છીએ. ડાયાબિટીઝ દરદીના આંખ અને દાંતથી માંડી પગ, કિડની, હૃદય તથા નર્વસ સુધી શરીરના અનેક અવયવોને હાનિ પહોંચાડી શકે છે. તેથી જ એની તાત્કાલિક સારવાર કરાવવી આવશ્યક છે. 


લક્ષણોના આધારે ડાયાબિટીઝને મુખ્યત્વે બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યો છે, ટાઇપ–1 અને ટાઇપ-2. આ બંને વચ્ચેનો તફાવત સમજાવતાં કાંદિવલી ખાતેની રાજ ક્લિનિકના ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. સંજય પાલ કહે છે, ‘ટાઇપ–1 ડાયાબિટીઝ એક પ્રકારનો ઑટોઇમ્યુન ડિસઑર્ડર છે, જેમાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પૅન્ક્રિયાસમાંથી ઇન્સ્યુલિનનો સ્રાવ કરતા કોષોને ભૂલથી પોતાના દુશ્મન ગણી એમના પર અટૅક કરવા માંડે છે અને એમનો નાશ કરી નાખે છે. ઇન્સ્યુલિનના અભાવમાં લોહીમાં શુગરનું પ્રમાણ વધી જતાં ડાયાબિટીઝ થાય છે. સામાન્ય રીતે ટાઇપ–1 ડાયાબિટીઝ બાળકોમાં અને યુવાનોમાં જોવા મળે છે. બીજી બાજુ ટાઇપ–2 ડાયાબિટીઝમાં શરીરના કોષો પૅન્ક્રિયાસ દ્વારા જનરેટ થયેલા ઇન્સ્યુલિનને રિસ્પૉન્સ કરવાનું બંધ કરી દે છે, જેના પગલે લોહીમાં રહેલી શુગર કોષો સુધી પહોંચતી નથી. કોષો દ્વારા ઇન્સ્યુલિનનો ઉપયોગ ન થતો હોવાથી ધીરે-ધીરે તેમનું પૅન્ક્રિયાસ આ હૉર્મોનનું ઉત્પાદન બંધ કરી દે છે. સામાન્ય રીતે ડાયાબિટીઝનો આ પ્રકાર ચાલીસી વટાવી ચૂકેલા વયસ્કો તથા વૃદ્ધોમાં વધુ જોવા મળે છે.’

આટલું જાણ્યા પછી હવે આવીએ ટાઇપ 1.5 ડાયાબિટીઝ પર. નામ મુજબ ડાયાબિટીઝનો આ પ્રકાર ટાઇપ–1 અને ટાઇપ-2 વચ્ચે આવે છે, જેનું વૈજ્ઞાનિક નામ લેટન્ટ ઑટોઇમ્યુન ડાયાબિટીઝ ઑફ ઍડલ્ટ્સ (LADA) છે. LADA વિશે વધુ ઊંડાણપૂર્વક વાત કરતાં અંધેરીના જાણીતા ડાયાબેટોલોજિસ્ટ ડૉ. રાજીવ કોવિલ કહે છે, ‘ટાઇપ–1 ડાયાબિટીઝની જેમ ટાઇપ 1.5 પણ એક ઑટોઇમ્યુન ડિસઑર્ડર છે. તેથી જ કેટલાક લોકો એને ડાયાબિટીઝનો વધુ એક પ્રકાર ગણવાની ના પાડે છે તો કેટલાક એને ટાઇપ–1નો જ એક પેટા પ્રકાર માને છે. અલબત્ત, ટાઇપ–1 ડાયાબિટીઝ નાનાં બાળકો અને યુવાનોમાં વધુ જોવા મળે છે, જ્યારે ટાઇપ 1.5 જીવનના ત્રીજા દાયકામાં જોવા મળે છે. તેથી તમે એને ધીરે-ધીરે વિકસિત થતા ટાઇપ–1 ડાયાબિટીઝ તરીકે પણ જોઈ શકો છો.’ 


સમયસર સારવાર કરવામાં ન આવે તો ઇન્સ્યુલિનના અભાવમાં શરીર લોહીમાં રહેલી શુગરનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી અને એનર્જી માટે શરીરમાં રહેલી ચરબીનો ઉપયોગ કરવા માંડે છે. આવું થતાં લોહીની નળીઓમાં ઍસિડ જમા થવા માંડે છે, જે કીટોઍસિડોસિસ તરીકે ઓળખાતી ગંભીર પરિસ્થિતિમાં પરિણમી શકે છે.

આ પણ વાંચો :  સ્ટેરૉઇડ્સ લેવાથી વજન કેમ વધે છે?

LADAનાં લક્ષણોની વાત કરતાં ડૉ. કોવિલ કહે છે, ‘LADAનાં લક્ષણો ટાઇપ–1 ડાયાબિટીઝ જેવાં જ હોય છે જેમાં દરદીનું વજન ઘટવા લાગવું, લોહીમાં શુગરનું પ્રમાણ ખૂબ વધી જવું, પેશાબનું પ્રમાણ વધી જવું, ખૂબ ભૂખ લાગવી તથા પગમાં બળતરા થવા વગેરેનો સમાવેશ થાય છે. અલબત્ત, તેમનાં લક્ષણોની તીવ્રતા એટલી વધારે હોય છે કે ટાઇપ–1 ડાયાબિટીઝના દરદીઓની સરખામણીમાં તેઓ જલદી ડૉક્ટર પાસે પહોંચી જતા જોવા મળે છે.’

આટલું કહી આ બીમારીની સારવાર વિશે વાત કરતાં ડૉ. કોવિલ કહે છે, ‘ટાઇપ–1 ડાયાબિટીઝના દરદીઓના શરીરમાં ઍન્ટિબૉડીઝ હોય છે અને તેમના પૅન્ક્રિયાસમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન સાવ જ બંધ થઈ ગયું હોય છે, જ્યારે LADAના દરદીઓના શરીરમાં ઍન્ટિબૉડીઝ હોવા છતાં તેમના પૅન્ક્રિયાસમાંથી હજી ઇન્સ્યુલિનનું ઉત્પાદન સદંતર બંધ થયું હોતું નથી. તેથી શરૂઆતના તબક્કામાં ઓરલ દવાઓ આપી તેમની સારવાર કરવી શક્ય છે. જોકે તેમનું પૅન્ક્રિયાસ બહુ લાંબો સમય ઇન્સ્યુલિન જનરેટ કરી શકતું નથી, જેને પગલે સમયાંતરે તેમણે જીવનભર માટે ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન લેવાનો વારો આવે જ છે. આ જ કારણ છે કે કોઈ વ્યક્તિમાં નાની ઉંમરે ડાયાબિટીઝનાં લક્ષણો દેખાય તો તેમની ઑટોઍન્ટિબૉડીઝ માર્ક્સ ઉપરાંત સી પેપ્ટાઇડ ટેસ્ટ પણ કરાવવી જોઈએ. આમ કરવાથી ન ફક્ત દરદીના ડાયાબિટીઝનો પ્રકાર નિશ્ચિત કરી શકાય છે, પરંતુ ભવિષ્યમાં તેમની બીમારી કેટલી ઝડપથી આગળ વધશે, કેવા પ્રકારની મુશ્કેલીઓ આવશે તથા એના માટે કયા પ્રકારની સાવધાનીનાં પગલાં લેવાં પડશે વગેરે બધું જ પહેલેથી પ્લાન કરી શકાય છે.’

છેલ્લા કેટલાક સમયમાં વૈજ્ઞાનિકો LADA જેવા ઑટોઇમ્યુન ડિસઑર્ડર પર ખૂબ કામ કરી રહ્યા છે અને વૅક્સિન્સ દ્વારા એને ઊગતાં જ ડામી દેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અલબત્ત, હજી સુધી તેમને આ ક્ષેત્રે ખાસ સફળતા મળી નથી. અહીં ડૉ. પાલ કહે છે, ‘મેં મારી પંદર વર્ષોની પ્રૅક્ટિસમાં જોયું છે કે ફક્ત LADA જ નહીં, પરંતુ કોઈ પણ પ્રકારના ઑટોઇમ્યુન ડિસઑર્ડર્સ એવી વ્યક્તિઓને થાય છે જેઓ સ્વભાવે ખૂબ સંવેદનશીલ હોય છે. પોતાની જાત કરતાં અન્યોને વધુ મહત્ત્વ આપે છે અને સંબંધોને સાચવવા પોતાની લાગણીઓને દબાવી રાખતા હોય છે. આવા સ્વભાવને હું ઑટોઇમ્યુન નેચર તરીકે ઓળખાવું છું. ધીરે-ધીરે તેમનો આ લાગણીશીલ સ્વભાવ તેમના શરીરનો પણ સ્વભાવ બની જાય છે, જેમાં તેમના શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાના મિત્રોને પોતાના દુશ્મન ગણી તેમના પર હુમલો કરવાનું શરૂ કરી દે છે જે એક નહીં તો બીજા પ્રકારના ઑટોઇમ્યુન ડિસઑર્ડરમાં પરિણમે છે. આ જ કારણ છે કે મારી પાસે આવતા દરદીઓને હું પોતાની લાગણીઓનું આવું દમન કરવાની ના પાડું છું અને દવાઓની સાથે તેમનું કાઉન્સેલિંગ પણ કરી તેમને પોતાનો સ્વભાવ બદલવાની ભલામણ કરું છું. મારા આ પ્રયત્નોએ મને ઘણી વાર ચમત્કારિક પરિણામો આપ્યાં છે, જેમાં દરદીનો ડાયાબિટીઝ ખૂબ ઘટી ગયો હોવાથી લઈ સાવ ગાયબ જ થઈ ગયો હોવા જેવા કિસ્સા પણ બન્યા છે.’

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2023 03:40 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK