Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સવાર-સવારમાં તમને માથાનો દુખાવો રહે છે?

સવાર-સવારમાં તમને માથાનો દુખાવો રહે છે?

Published : 11 May, 2016 05:14 AM | IST |

સવાર-સવારમાં તમને માથાનો દુખાવો રહે છે?

સવાર-સવારમાં તમને માથાનો દુખાવો રહે છે?



migraine

DEMO PIC





હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન

શરીરમાં રહેલો કોઈ પણ કોષ ક્યારેય જન્મથી લઈને આપણે જીવીએ ત્યાં સુધી શરીરમાં એમને એમ નથી રહેતો. દરેક કોષની પોતાની એક આયુ હોય છે. આમ શરીરના દરેક ભાગમાંથી કોષો જન્મે છે અને પોતાની આયુ પૂરી કરે એટલે મરે છે અને એની સાથે જ શરીરમાંથી દૂર થઈ જાય છે જેની જગ્યા નવા કોષો લે છે. આ પ્રક્રિયા શરીરમાં સતત થતી રહે છે. જ્યારે કોષોની સંખ્યાને કન્ટ્રોલમાં રાખવાનું કામ કરતા એક ખાસ જીન્સમાં કોઈ પ્રકારની ખોડ આવે ત્યારે શરીરમાં કોષોની સંખ્યા વધવા માંડે છે, કારણ કે કોષો જન્મે તો છે પરંતુ એટલા પ્રમાણમાં મરતા નથી. આમ કોષોની વધેલી સંખ્યા એક ગાંઠ બનાવે છે જે ગાંઠને ટ્યુમર કહે છે. આ ગાંઠ જો મગજમાં બને તો એને બ્રેઇન ટ્યુમર કહે છે.

પ્રકાર

ટ્યુમરના મુખ્યત્વે બે પ્રકાર છે. એક બિનાઇન એટલે કે સૌમ્ય અને બીજો મલિગ્નન્ટ એટલે કે જીવલેણ. જોકે ઘણાં બિનાઇન ટ્યુમર પણ પ્રાણઘાતક હોઈ શકે છે. આ બન્ને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે બિનાઇન ટ્યુમર મગજમાં ધીમે-ધીમે વિકાસ પામે છે એટલે કે જો કોઈ વ્યક્તિને આ પ્રકારનું ટ્યુમર હોય તો ૨૦-૩૦ વર્ષ કે ઘણી વાર ૫૦ વર્ષ સુધી આ ટ્યુમર મગજની અંદર ધીમે-ધીમે વિકાસ પામ્યા કરે છે. આવા ટ્યુમર સાથે વ્યક્તિ લાંબું જીવી શકે એવી શક્યતા થોડી વધુ રહે છે જ્યારે મલિગ્નન્ટ ટ્યુમર ખૂબ જ ઝડપથી વિકાસ પામે છે. સામાન્ય બિનાઇન ટ્યુમર કરતાં ૧૦-૨૦ ગણી ઝડપે આ પ્રકારનાં ટ્યુમર વિકાસ પામે છે. મહત્વની વાત એ છે કે જે કૅન્સરના ટ્યુમરથી લોકો ડરતા હોય છે એ આ બન્નેમાંથી કોઈ પણ પ્રકારનાં હોઈ શકે છે.

શરૂઆતમાં પકડાવું જરૂરી


મહત્વની વાત એ છે કે ટ્યુમર સાધારણ હોય કે કૅન્સરનું હોય જો એ પ્રારંભિક સ્ટેજમાં પકડી શકાય તો એનો ઇલાજ શક્ય બને છે, પરંતુ જો એને વહેલું પકડી ન શકાયું તો એ વધતું જાય છે અને પછી એને ક્યૉર કરવું મુશ્કેલ બનતું જાય છે. શરૂઆતમાં જ ટ્યુમર પકડમાં આવે એ માટે જરૂરી છે કે ટ્યુમરને લગતાં જે પણ લક્ષણો હોય એને સમયસર ઓળખવાં. ટ્યુમરનાં ચિહ્નનો ઘણી જુદી-જુદી બાબતો પર આધાર રાખે છે, જેમાંની એક મુખ્ય છે કે ટ્યુમરની સાઇઝ કેટલી છે. સહજ છે કે શરૂઆતમાં ટ્યુમર નાનું જ હશે, પરંતુ એ જેમ-જેમ મોટું થતું જશે ચિહ્નો વધુ સ્ટ્રૉન્ગ બનતાં જશે. બીજું એ કે આ ટ્યુમર મગજના કયા ભાગમાં થયું છે. ઘણી વાર ખૂબ જ નાનું ટ્યુમર હોય પરંતુ મગજના અત્યંત સંવેદનશીલ ભાગમાં હોય તો વધુ તકલીફદાયક સાબિત થઈ શકે છે. આમ ટ્યુમરની ગંભીરતા દરેક દરદીની જુદી-જુદી હોય છે અને એનાં ચિહ્નો પણ એ જ રીતે જુદાં-જુદાં હોઈ શકે છે.

મુખ્ય ચિહ્નો

અમુક ચિહ્નો છે જે મગજમાં કોઈ પણ જગ્યાએ ટ્યુમર થયું હોય, પણ એ ચોક્કસ દેખાય છે. મહત્વની વાત એ છે કે આ ચિહ્નો શરૂઆતમાં જ દેખાઈ શકે છે. માટે એને ઓળખીને વ્યક્તિ ડૉક્ટરને કન્સલ્ટ કરી પોતાના બ્રેઇન ટ્યુમરને શરૂઆતમાં જ પકડી શકે છે અને એનો ઇલાજ સરળ બનાવી શકે છે. વૉકહાર્ટ હૉસ્પિટલ-મુંબઈ સેન્ટ્રલના ન્યુરોસજ્ર્યન ડૉ. અજય બજાજ કહે છે, ‘બ્રેઇન ટ્યુમરના સૌથી મુખ્ય ચિહ્નમાં માથાનો દુખાવો આવે છે. માથું દુખવું એ સામાન્ય બાબત છે. એક-બે દિવસ કોઈને માથું દુખે અને મટી જાય તો વાત જુદી છે, પરંતુ કોઈ વ્યક્તિને જો દરરોજ સવારે ઊઠે ત્યારે માથું દુખતું હોય અને આવું લગભગ ૧૫-૨૦ દિવસથી થતું હોય તો ચોક્કસ ડૉક્ટરને મળવું જોઈએ. આ સિવાય માથાના દુખાવા સાથે ઉલટી પણ થતી હોય તો ચોક્કસ ટ્યુમર હોઈ શકે છે. ચક્કર આવવાં કે તમ્મર ચડી જવાં જેવું સતત ૨-૪ વાર થાય, વ્યક્તિ બેભાન થઈ જાય, શરીરના જુદા-જુદા ભાગોમાં અશક્તિ લાગે, શરીરમાં કળતર લાગે અથવા ફિટ કે તાણ-આંચકી આવે તો ટ્યુમર હોવાની શક્યતા ચોક્કસ હોઈ શકે છે. ખૂબ નાનું ટ્યુમર હોય તો આમાંથી બધાં ચિહ્નો જોવા મળે જ એવું જરૂરી નથી. ટ્યુમર જેમ મોટું થતું જાય એમ બધાં ચિહ્નો એક પછી એક ધીમે-ધીમે સામે આવતા ંજાય છે, પરંતુ માથાનો દુખાવો અને ઊલટીવાળું લક્ષણ ચોક્કસ જોવા મળે છે. આ પરિસ્થિતિમાં માથાના દુખાવાને અવગણવો નહીં. ન્યુરોલૉજિસ્ટને મળીને ચોક્કસ જાણકારી લેવી કે આ દુખાવા પાછળનું કારણ શું હોઈ શકે છે.’

બીજાં ચિહ્નો

આ સિવાય જે જગ્યાએ ટ્યુમર થયું હોય એ મગજનો ભાગ શરીરની જે કામગીરી સાથે જોડાયેલો હોય એ કામગીરીલક્ષી ચિહ્નો પણ જોવા મળી શકે છે. આ લક્ષણો અગણિત હોઈ શકે છે, જેમાંનાં કેટલાંક ખાસ જોવા મળતાં લક્ષણો વિશે જાણીએ ડૉ. અજય બજાજ પાસેથી.

૧. અચાનક વિઝનમાં કોઈ ફેરફાર થાય, ઝાંખું દેખાવા લાગે, ડબલ વિઝન થઈ જાય.

૨. ઘણા લોકોને સાંભળવામાં તો ઘણાને સૂંઘવામાં તકલીફ જણાય.

૩. હાથ-પગમાં ખાલી ચડી જતી હોય એવું લાગે, સેન્સેશન અનુભવી ન શકાય.

૪. વ્યક્તિ બૅલૅન્સ ન જાળવી શકે.

૫. બોલવામાં લોચા વળી જાય એટલે કે બોલવામાં જીભ પર કન્ટ્રોલ જતો રહે.

૬. સામાન્ય દરરોજનું રૂટીન કામ કરવામાં પણ કન્ફ્યુઝન ઊભું થાય. મૂંઝાઈ જવાય.

૭. કોઈ અસામાન્ય પર્સનાલિટી કે બિહેવિયરલ ચેન્જ આવી જાય.

૮. એક કે એકથી વધારે સ્નાયુઓ ખેંચાઈ જાય. જર્ક આવે અને વ્યક્તિ શરીર પરનો કન્ટ્રોલ ગુમાવી બેસે. આ જ સમયે ૩૦ સેકન્ડ જેવા સમય માટે વ્યક્તિ શ્વાસ ન લઈ શકે અને આખી ભૂરી બની જાય અને પછી એને આંચકી આવે.

૯. ટ્યુમરને કારણે મેમરી પણ ડિસ્ટર્બ થાય છે, જેની નોંધ બરાબર લેવી જોઈએ.

૧૦. માથાના દુખાવામાં પણ નોંધવા જેવી બાબત એ છે કે જે જગ્યાએ ટ્યુમર થયું હોય ત્યાં કે એના નજીકના ભાગમાં સખત દુખાવો થાય છે.

૧૧. કોઈ અડકે કે પ્રેશર આપે છે એની સમજ નહીં પડે અને એક બાજુનો પગ અને હાથ બન્ને થોડા નબળા પ્રતીત થાય, વ્યક્તિ પોતાની જમણી અને ડાબી બાજુમાં સતત મૂંઝાયેલી રહે. આ નાની બાબતો પણ ટ્યુમરનું ચિહ્ન હોઈ શકે છે.

૧૨. કેટલાક કેસમાં ઉપરની તરફ જોવામાં વ્યક્તિને તકલીફ થતી હોય છે.

૧૩. ઘણી સ્ત્રીઓમાં તેમને પ્રેગ્નન્સી વગર સ્તનમાંથી દૂધ નીકળવા લાગે, માસિકમાં ગરબડ થઈ જાય એવું પણ બને છે.

૧૪. ઘણાને કોઈ પણ વસ્તુ ગળે ઉતારવામાં તકલીફ પડે છે. મોઢા પર નબળાઈ છવાયેલી રહે છે.

હેલ્થ-ડિક્શનરી : મસલ્સ એટલે શું? આપણા શરીરમાં એ કેટલા હોય?


આપણા શરીરનો બાંધો ઘડવામાં હાડકાંનો બહુ મોટો ફાળો છે. જોકે આ હાડકાંનું માળખું લવચીકતાથી મૂવમેન્ટ કરી શકે છે એ મસલ્સને આભારી છે. માનવશરીરમાં ત્રણ પ્રકારના મસલ્સ હોય છે : સ્મૂધ મસલ્સ, સ્કેલેટલ મસલ્સ અને કાર્ડિઍક મસલ્સ. આપણા શરીરમાં કુલ ૬૫૦થી વધુ સ્નાયુઓ હોય છે. સ્મૂધ એટલે અનૈચ્છિક સ્નાયુઓ. આ એવા સ્નાયુઓ છે જે તમામ પ્રકારમાં સૌથી નબળા છે. શરીરમાં ત્વચાની નીચેના આવરણ તરીકે તેમ જ આંતરિક અવયવોના સંકોચન અને વિસ્તરણ માટે ગોઠવાયેલા સ્નાયુઓ અનૈચ્છિક પ્રકારના હોય છે. એને હલાવવાનું કામ આપણી ઇચ્છા મુજબ નથી થતું, પણ શરીરનું વ્યવસ્થાતંત્ર એને કન્ટ્રોલ કરે છે.

શ્વસનક્રિયા અને પાચનક્રિયા સાથે સંકળાયેલા અવયવો એક રિધમ મુજબ ત્યારે જ કામ કરી શકે છે જ્યારે આ સ્મૂધ સ્નાયુઓ પ્રૉપર્લી કામ કરતા હોય. પેટની કૅવિટીમાં આવેલા સ્નાયુઓ ખોરાકને જઠરમાંથી આંતરડાંમાં અને ત્યાંથી બહાર કાઢવા માટે સતત સંકોચન-વિસ્તરણ કરતા રહે છે. એનો કોઈ કન્ટ્રોલ આપણા હાથમાં નથી હોતો. બ્લૅડરનું સંકોચન કે વિસ્તરણ કરવામાં પણ અનૈચ્છિક સ્નાયુઓ જ કામ કરે છે. આપણે ખોરાક ગળી શકીએ છીએ એમાં પણ અને ખોરાક વૉમિટ થઈને બહાર નીકળી જાય છે એમાં પણ આ સ્મૂધ અને અનૈચ્છિક સ્નાયુઓ જ કામ કરે છે. મળમૂત્ર રોકવા કે કાઢવામાં પણ આ મસલ્સ ભાગ ભજવે છે. ગર્ભાશયની આસપાસ પણ આ જ સ્નાયુઓ હોય છે જેને કારણે નાનકડું ગર્ભાશય પ્રેગ્નન્સી દરમ્યાન ફૂલીને મોટું થઈ શકે છે અને ડિલિવરી પછી સંકોચાઈને પાછું હતું એવું થઈ જાય છે.એને સ્મૂધ મસલ્સ કહેવાય છે; કેમ કે માઇક્રોસ્કોપમાં એ એકસરખા, સૉફ્ટ અને લિસ્સા દેખાય છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2016 05:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK