આજકાલ ઘઉં સાથે બીજાં ધાન્યોના વપરાશની વાત ખૂબ થઈ રહી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ભારતમાં વર્ષોથી લોકો ઘઉં ખાતા આવ્યા છે પરંતુ કોઈ વ્યક્તિને ઘઉંથી ઍલર્જી હોય એવું સાંભળ્યું નથી. હકીકત એ છે કે ગ્લુટેન એક એવો પદાર્થ છે જે ઘણા લોકોમાં ઇનટૉલરન્સ ઉત્પન્ન કરે છે. ભારતમાં પણ એવા ઘણા લોકો છે જેમને ઘઉં સદતા નથી. પહેલાં લોકોને ખબર પડતી નહોતી પરંતુ આજે ડૉક્ટર્સ પણ આ બાબતે જાગ્રત થઈ ગયા છે. ઘણા લોકોને ગૅસનો સતત પ્રૉબ્લેમ રહે છે; પેટ ફૂલી જાય, બ્લોટિંગ જેવું લાગે. આ પ્રૉબ્લેમ ગ્લુટેન ઇનટૉલરન્સ હોઈ શકે છે. આ પ્રૉબ્લેમ સાથે જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર તમને એક ટેસ્ટ આપે છે જેના પરથી એ નક્કી કરી શકાય છે કે તેમને ગ્લુટેન સદે છે કે નહીં. જે વ્યક્તિને આવા પ્રૉબ્લેમ રહેતા હોય તેણે ડૉક્ટરને મળીને તપાસ કરાવવી જરૂરી છે. જે લોકોને ગ્લુટેન સદતું નથી એવા લોકોને સિલિયાક ડિસીઝ નામનો રોગ પણ હોઈ શકે છે જેમાં ગ્લુટેનને કારણે વ્યક્તિને ઝાડા, એનીમિયા, હાડકાનું પેઇન અને સ્કિનના પ્રૉબ્લેમ થઈ શકે છે. આવા લોકોએ ફરજિયાત ગ્લુટેન-ફ્રી ડાયટ અપનાવવું પડે છે, પરંતુ એ સિવાયના લોકોએ ઘઉં છોડવાની જરાય જરૂર નથી.
આજકાલ ઘઉં સાથે બીજાં ધાન્યોના વપરાશની વાત ખૂબ થઈ રહી છે. મારો અનુભવ કહે છે કે જ્યારે વેઇટલૉસ માટે અલગ-અલગ ધાન આપવામાં આવે કે ઘઉંમાં જ વધુ ફાઇબર ઉમેરીને રોટલી બનાવવામાં આવે તો એ ઘણું વધારે ઉપયોગી સાબિત થાય છે, પરંતુ એનો અર્થ એવો ન કાઢી શકાય કે ગ્લુટેન ખરાબ છે. જો તમને ગ્લુટેન ઇનટૉલરન્સ નથી અને સિલિયાક ડિસીઝ પણ નથી તો તમે ઘઉં ખાઈ શકો છો અને ગ્લુટેન-ફ્રી ડાયટની તમને જરૂર નથી, પરંતુ ઘઉંની સાથે-સાથે બીજાં ધાન્યને પણ પ્રાધાન્ય આપો. આ પ્રાધાન્ય એટલે નથી કે ઘઉં ખરાબ છે, પણ એટલે છે કે ઘઉં સિવાયનાં બીજાં ધાન્યોમાં પણ પોષણ છે જે મેળવવું જોઈએ.
ADVERTISEMENT
જો ઘઉં તમને સદે છે તો ઘઉંને કયા ફૉર્મમાં ખાવા વધુ સારા એ પણ સમજવું જરૂરી છે. ઘઉંની બ્રેડ પણ આવે છે અને એની રોટલી પણ બને છે પરંતુ ભારતીય ખોરાક મુજબ જે વધુ સુપાચ્ય છે અને ન્યુટ્રિશનલ વૅલ્યુ જેની વધારે છે એ રોટલી છે. એવું પણ નથી કે બ્રેડ ખાવી જ નહીં. વરાઇટીની દૃષ્ટિએ બ્રેડ ખાઈ શકાય, પરંતુ સમજવા જેવી વાત એ છે કે દરરોજ બ્રેડ ખાઓ તો નુકસાન થઈ શકે છે પરંતુ દરરોજ રોટલી ખાવાથી નુકસાન થશે નહીં. વળી ઘઉંનો લોટ બને તો થોડો કરકરો વાપરવો અને ચાળવો નહીં. એનાથી ફાઇબરની માત્રા વધશે અને રોટલી વધુ ગુણકારી બનશે.


