૬૫ વર્ષ કે એથી ઉપરના લોકોમાં આ તકલીફ ઘણી સામાન્ય છે એટલે કે ઉંમર પ્રમાણે પણ એ તમને અસર કરે છે.
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૬૫ વર્ષની છે. અત્યાર સુધી મારા કાનમાં મને કોઈ તકલીફ થઈ નથી, પરંતુ છેલ્લા અઠવાડિયાથી એવું લાગે છે કે કાનમાં સીટી વાગે છે. નાહવામાં પાણી જતું રહ્યું હશે એમ માનીને મેં થોડા દિવસ રાહ જોઈ. પહેલાં એ સીટી એટલું મને અકળાવતી નહીં, પરંતુ હવે મને અકળામણ થાય છે. મેં ગરમ તેલનાં ટીપાં પણ નાખી જોયાં, પણ એ બંધ ન થઈ. મને સમજાતું નથી કે આને ખરેખર તકલીફ કહેવાય કે નહીં. ડૉક્ટર પાસે જાઉં કે નહીં. આની પાછળ શું કારણો હોઈ શકે?
કાનમાં સીટી વાગવાની તકલીફ સામાન્ય છે, છતાં સાવ એવી નથી કે એને અવગણી શકાય. તમને ફક્ત સીટી જેવો અવાજ જ આવે છે કે કાનમાં કોઈ ફૂંક મારતું હોય કે ભમરો ગણગણતો હોય એવું પણ લાગે છે? જે સીટી જેવો અવાજ છે એ ખૂબ જ ધીમો છે કે ખૂબ જોરથી આવે છે. સતત આવે છે કે દિવસના કોઈ એક સમયે આવે છે. એની સાથે પાણી ગળતું હોય કે એવી કોઈ સમસ્યા તો નથી. એ બધા પ્રશ્નોના જવાબ જાણવા પણ એટલા જ જરૂરી છે.
તમે ડૉક્ટર પાસે ચોક્કસ જાઓ. ત્યાં આ તકલીફમાં બે વસ્તુ જોવાની હોય છે કે સીટીનો અવાજ ફક્ત તમને જ આવે છે કે સ્ટેથોસ્કોપ લગાડ્યા પછી ડૉક્ટરને પણ એ સંભળાય છે. આની પાછળ આમ તો ઘણાં કારણો હોઈ શકે છે. કાનમાં કોઈ જાતનું ઇન્ફેક્શન થયું હોય, બહારથી કોઈ વસ્તુ કાનમાં ઘૂસી ગઈ હોય, શ્રવણશક્તિ નબળી પડી હોય, કાનની નસ એકદમ કમજોર થઈ ગઈ હોય કે પછી કાનના પડદા પાછળ શરદી કે પાણી જમા થઈ ગયું હોય. આમાંથી કયું કારણ છે અને એનો ઇલાજ એ ડૉક્ટરને મળીને જ સમજી શકાય.
ADVERTISEMENT
૬૫ વર્ષ કે એથી ઉપરના લોકોમાં આ તકલીફ ઘણી સામાન્ય છે એટલે કે ઉંમર પ્રમાણે પણ એ તમને અસર કરે છે. આ સિવાય કોઈ પ્રકારના ઍન્ટિબાયોટિક્સ, ઍસ્પિરિન કે બીજી કોઈ દવાઓ થકી પણ શક્ય છે કે તમને આ તકલીફ આવી હોય. આલ્કોહૉલ, કેફીન કે સ્મોકિંગ આ તકલીફને વધારી પણ શકે. માટે હમણાં જ્યાં સુધી તમને આ તકલીફ છે એનું સેવન જો કરતા હો તો ટાળવું. ઘણી વખત આ તકલીફ હાઈ બ્લડ-પ્રેશર, કોઈ ઍલર્જી કે એનીમિયા પણ દર્શાવે છે. તમે ડૉક્ટર પાસે જાઓ અને ઑડિયોમેટ્રી કરાવડાવો, જેના થકી નક્કી કારણ શોધી શકાય અને એ પ્રમાણે એનો ઇલાજ પણ કરાવી શકાય.

