કફનો ઇલાજ કરતાં પહેલાં કફનો પ્રકાર જાણવો જરૂરી
જિગીષા જૈન
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને એને કારણે મોટા ભાગના લોકોને શરદી અને ઉધરસ ચાલુ થઈ જ ગયાં હશે! આમ તો દરેક ઋતુના પરિવર્તન સાથે આ કફની બીમારી આવવી સવર્સામાન્ય બાબત છે, પરંતુ શિયાળાનું કફ સાથે અનોખું કનેક્શન છે, કારણ કે સામાન્ય રીતે લોકોને આ ઋતુમાં જ કફનો પ્રૉબ્લેમ વધુ સતાવે છે એવી એક માન્યતા છે. કફ આમ જોઈએ તો સામાન્ય બીમારી છે, જેને લોકો કોઈ પણ પ્રકારના સીઝનલ ચેન્જની સાથે અનુભવતા જ હોય છે. કફની તકલીફ ઘણા લોકોને હંમેશાંની હોય છે તો જે સ્વસ્થ છે તેને પણ ઓછામાં ઓછા વર્ષમાં ૩-૪ વખત આ તકલીફનો સામનો કરવો જ પડતો હોય છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી જોવા મળે કે જેને ક્યારેય કફ થયો જ ન હોય.
સામાન્ય રીતે અમુક લોકો કફ થાય ત્યારે ઘરગથ્થુ ઉપચાર ચાલુ કરી દેતા હોય છે અને અમુક લોકો સીધા કેમિસ્ટ પાસે જઈ કફ-કોલ્ડની કોઈ પણ દવા લઈ લેતા હોય છે. કફ આટલી સામાન્ય બીમારી હોવા છતાં એના પ્રકારો વિશે આપણે અજાણ છીએ, જેથી કયા પ્રકારના કફમાં ઘરગથ્થુ ઉપચાર ચાલે અને ક્યા પ્રકારના કફમાં દવા લેવી જ પડે એ આપણે જાણતા નથી. વળી, કફના જુદા-જુદા પ્રકારમાં દવાઓ પણ જુદી-જુદી હોય છે અને એ દવાઓ કફની ઉગ્રતા પર પણ આધાર રાખે છે અને કફ શા કારણે થયો છે એના પર પણ. આથી સામાન્ય કેમિસ્ટ પાસેથી લેવામાં આવતી કફ-કોલ્ડની દવાઓ લેતાં પહેલાં વિચાર કરવો જરૂરી છે, કારણ કે કેમિસ્ટની કોઈ પણ દવાથી કામ ચલાવીએ એ કેટલીક વખત હાનિકારક પુરવાર થઈ શકે છે. મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો કફનું આખું એક અનોખું વિજ્ઞાન છે. આજે જાણીએ કફ અને એના પ્રકાર વિશે.
કફની ઉત્પત્તિ
આપણું શરીર એક એવું અદ્ભુત યંત્ર છે જેમાં રહેલો કોઈ પણ પદાર્થ નકામો હોતો નથી. ગળા અને નાકમાં ભરાઈ રહેતો આ કફ પણ શરીરમાંથી જ ઉત્પન્ન થાય છે માટે એ પણ એક અર્થસભર વસ્તુ છે. કફ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ સમજાવતાં બોરીવલીના જીવનજ્યોતિ મેડિકલ સેન્ટરના પલ્મોનોલૉજિસ્ટ ડૉ. વિપુલ મારુ કહે છે, ‘સામાન્ય રીતે જોવા મળે છે કે કોઈ પણ વાઇરસ, બૅક્ટેરિયા કે ઍલર્જીના અટૅકથી કફ થઈ જાય છે; પરંતુ આ કફ એ શરીરના ડિફેન્સ મેકૅનિઝમનો જ એક ભાગ છે. જ્યારે આ બહારના જીવાણુ અટૅક કરે છે ત્યારે શરીરનું રોગપ્રતિકારક તંત્ર અલર્ટ થઈ જાય છે. શરીર શ્વસનતંત્રના નીચેના ભાગને, ખાસ કરીને ફેફસાંને આ બહારના જીવાણુથી બચાવવા નાક ને ગળામાં એક ચીકણો સ્રાવ પેદા કરે છે જે ત્યાં જામી જાય છે જેથી બાહ્ય જીવાણુ શ્વસનતંત્ર મારફતે શરીરમાં પ્રવેશી શકતા નથી. આ દરમ્યાન શરીર પોતાની અંદર આવેલા જીવાણુ સામે લડી શકે છે. આમ કફ એ શરીરને ઉપયોગી વસ્તુ છે, પરંતુ ક્યારેક એ એવી રીતે જામી જાય છે કે શરીરની શ્વાસ-ઉચ્છ્વાસની પ્રક્રિયાને નડતરરૂપ સાબિત થાય છે.’
મુખ્ય બે પ્રકાર
કફના મુખ્ય બે પ્રકાર સમજાવતાં ડૉ. વિપુલ મારુ કહે છે, ‘કફનો એક પ્રકાર છે વેટ કફ અને બીજો ડ્રાય કફ. સામાન્ય ભાષામાં કહીએ તો ગળામાંથી કે નાકમાંથી કોઈ ચીકણો પદાર્થ બહાર નીકળે તો એ વેટ એટલે કે ભીનો કફ અને ન નીકળે તો ડ્રાય એટલે કે સૂકો કફ. નાક અને ગળાના વાઇરલ ઇન્ફેક્શન વખતે જે જોવા મળે છે એ છે ડ્રાય હેકિંગ કફ, જેમાં વ્યક્તિને સતત એવું લાગ્યા કરે છે કે તેના ગળામાં કશુંક ફસાઈ ગયું છે અને ગળું વારંવાર ખંખેરવું પડે. બીજા એક પ્રકારને બાર્કિંગ કફ કહે છે, જેમાં શ્વાસનળી પર સોજો આવે છે અને એમાં બળતરા થાય છે. એનાથી ગળામાં બળતરા અને શ્વાસમાં તકલીફ પણ થાય છે. ડ્રાય કફનો એક પ્રકાર વૂપિંગ કફ પણ છે, જે મોટા ભાગે બૅક્ટેરિયાને કારણે થાય છે, જયારે વેટ કફ પાછળ મોટા ભાગે ફેફસાંનો કોઈ પ્રૉબ્લેમ હોય છે.’
બીમારીનો સૂચક
દરેક પ્રકારનો કફ કોઈ ને કોઈ બીમારીનો સૂચક હોય છે. એટલે કે કફ કેવા પ્રકારનો છે એ ખબર પડે તો જાણી શકાય છે કે વ્યક્તિને શું બીમારી છે. આ વિશે જાણકારી આપતાં ડૉ. વિપુલ મારુ કહે છે, ‘સવારે ઊઠતાં સાથે અને રાત્રે સૂતી વખતે જ સૂકા અને ઇરિટેબલ કફની તકલીફ ફેફસાંના ક્ષયરોગનાં શરૂઆતનાં લક્ષણ હોઈ શકે. સ્મોકર્સમાં કૉમન જણાતો ડ્રાય હેકિંગ કફ હોય તો તે જૂના કાકડાના દદર્, શ્વાસનળીની તકલીફ દર્શાવે છે. કફમાં અવાજ આવતો હોય તો એ અસ્થમા અને લાંબા ગાળાથી ચાલ્યા આવતા બ્રૉન્કાઇટિસની નિશાની છે. ખૂબ વધુ માત્રામાં કફ બહાર નીકળતો હોય તો એ ક્યારેક કાર્ડિઍક ફેલ્યરને કારણે પણ હોય છે. જો કફ ખૂબ પેઇનફુલ હોય તો એ ફેફસાંની કોઈ ગંભીર બીમારીનો સૂચક હોય છે. આમ કફ એ કોઈ સામાન્ય બીમારી જ હોય એ વાત ભૂલભરેલી છે.’
કૉમ્પ્લિકેશન
જ્યારે કોઈ વ્યક્તિ ડૉક્ટર પાસે તેના કફના ઇલાજ માટે જાય છે ત્યારે ડૉક્ટર ચોક્કસ એ સવાલ પૂછે છે કે કફ સફેદ છે કે પીળો? એ પ્રશ્ન પાછળનું કારણ જણાવતાં ડૉ. વિપુલ મારુ કહે છે, ‘મોટા ભાગે સફેદ કફ એ વાઇરલ અને પીળો કફ એ બૅક્ટેરિયલ ઇન્ફેક્શનની નિશાની છે. વ્યક્તિને કયા પ્રકારનું ઇન્ફેક્શન થયું છે એ જાણવા માટે આ સવાલ જરૂરી છે.’
મોટા ભાગના લોકો કફમાં કોઈ દવા ન લઈને અથવા ખોટી દવા લઈને મુસીબત નોતરે છે એ વિશે ચિંતા વ્યક્ત કરતાં ડૉ. વિપુલ મારુ કહે છે, ‘કફ ભલે એક સામાન્ય બીમારી હોય, પરંતુ ડૉક્ટરને કન્સલ્ટ કરાવા ખૂબ જરૂરી છે, ખાસ કરીને જો અઠવાડિયાથી વધુ આ તકલીફ સતાવે તો વગરભૂલ્યે નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. એમ ન કરવાથી ન્યુમોનિયા, બ્રૉન્કાઇટિસ, પાંસળીઓનું ફ્રૅક્ચર, ફેફસાંની બીમારી, અસ્થમા જેવી છૂપી બીમારીનો અંદાજ આવતો નથી અને સમય જતાં કૉમ્પ્લિકેશન વધી જાય છે.’
ઇલાજ કેવો?
કફનો ઇલાજ ત્યારે જ થઈ શકે જ્યારે એના પ્રકારની ઓળખ સાચી થઈ હોય. મોટા ભાગે ઇન્ફેક્શનને કારણે થતા ડ્રાય હેકિંગ કફ માટે ઉપરની તરફ આવેલા શ્વાસમાર્ગને ખોલવો જરૂરી છે, જેથી કફને જડથી હટાવી શકાય. એટલે જ મોટા ભાગના ડ્રાય કફ માટે સ્ટીમ એટલે કે નાસ લેવા જેવા ઘરગથ્થુ ઇલાજ સૂચવવામાં આવે છે, જે શ્વાસમાર્ગમાં ભીનાશ લાવે છે અને એને લીધે ખરડાઈ ગયેલા ગળાને રાહત મળે છે. ડ્રાય કફમાં તેથી જ જેઠીમધ ચૂસવાથી કે બજારમાં મળતી ચૂસવાની દવાઓથી ઘણો ફરક પડે છે. આ ઉપરાંત ડ્રાય કફ માટે સ્પેશ્યલ સિરપ પણ એમાં મદદરૂપ બને છે, પરંતુ જ્યારે કફ કોઈ ઍલજીર્ને કારણે થયો હોય તો આ કન્ડિશનમાં ડૉક્ટર્સ ઍન્ટિબાયોટિક કે ઍન્ટિહિસ્ટેમાઇન્સ લખી આપે છે. એનાથી એનાં લક્ષણો પર કાબૂ મેળવી શકાય. બાળકોમાં જ્યારે કફની સમસ્યા ખૂબ વધી જાય અને છાતીમાં કફનો ભરાવો થઈ જાય ત્યારે એટલે કે બ્રૉન્કાઇટિસની કન્ડિશનમાં ઘણી વખત નેબ્યુલાઇઝેશન પણ જરૂરી બનતું હોય છે, જેથી દરદી શ્વાસ આરામથી લઈ શકે. જ્યારે ભીના કફ માટે જે જરૂરી છે તે છે છાતીમાં કફના ભરાવાને રોકવો. એના માટે ક્યારેક કફને ઊલટી કે ઝાડા વાટે બહાર કાઢવાની દવા આપવામાં આવે છે તો ક્યારેક કફ સુકાઈ જાય એ દવાનો પ્રયોગ કરવામાં આવે છે.

