ગોરેગામમાં રહેતા વેણીલાલ ડેલીવાલા આયુષ્યના નવ દાયકા પાર કર્યા પછી પણ એટલા જ ચુસ્તી-સ્ફૂર્તિવાળા છે જાણે કહેતા હોય અભી તો મૈં જવાન હૂં.
વેણીલાલ ડેલીવાલા
ગોરેગામમાં રહેતા વેણીલાલ ડેલીવાલા આયુષ્યના નવ દાયકા પાર કર્યા પછી પણ એટલા જ ચુસ્તી-સ્ફૂર્તિવાળા છે જાણે કહેતા હોય અભી તો મૈં જવાન હૂં. આજે પણ ઘરમાં કશું પણ રિપેર કરવાનું હોય તો એ આ દાદા માટે ચુટકી બજાવવાનું કામ છે. હેલ્ધી રહેવા માટે તેમના ફન્ડા બહુ સિમ્પલ છે
ગોરેગામમાં રહેતા ૯૧ વર્ષના વેણીલાલ ડેલીવાળાનો જોશ આ ઉંમરે પણ યુવાનોને શરમાવે એવો છે. તેમને જોઈને કોઈ કહી શકે નહીં કે તેમની ઉંમર ૯૧ વર્ષ હશે. તેમના શરીરમાં અદ્ભુત સ્ફૂર્તિ અને ચહેરા પર એક ચમક છે. ૭૫ વર્ષ સુધી ઇલેક્ટ્રૉનિક કમ્પોનન્ટ્સના બિઝનેસમાં સક્રિય રહ્યા પછી નિવૃત્તિ લીધી.
ADVERTISEMENT
જોકે નિવૃત્તિ પછી પણ તેમણે સાવ બેઠાડુ જીવન સ્વીકાર્યું નથી. વેણીભાઈ તેમના શારીરિક સ્વાસ્થ્ય વિશે કહે છે, ‘હું ઘરનાં નાનાં-મોટાં કામ પણ કરી લઉં. નળ રિપેર કરવાનો હોય, વૉશર બદલવાનું હોય, ગૅસની સાફસફાઈ કરવાની હોય, કોઈક વાર શાકભાજી લેવા પણ જાઉં. કોઈને કોઈ રીતે ઍક્ટિવ રહેવું જરૂરી છે. મારાં પત્ની સ્નેહલતાની ઉંમર ૮૮ વર્ષની છે. તેમને પગમાં તકલીફ હોવાથી ચાલવામાં મુશ્કેલી પડે છે એટલે ખાવા-પીવાનું, દવા આપવાની, ઝીણું-મોટું જે કામ હોય એ બધું કરું. સવારે સાડાપાંચ વાગ્યે સામાયિક કરું, સ્તવન બોલું, માળા ફેરવું. સમય મળે ત્યારે બે ઘડી ટીવીમાં સમાચાર જોઉં, ભજન સાંભળું. હું વધારે ઇલેક્ટ્રૉનિક સાધનો વાપરતો નથી. હું અને મારી પત્ની એક જ મોબાઇલ વાપરીએ. એ પણ સાદો ફોન.’
જીવનમાં નિયમિતતા જરૂરી
પોતાની તંદુરસ્તીનો રાઝ જણાવતાં વેણીલાલ કહે છે, ‘મારું પહેલેથી જ ખાવાનું નિયમિત છે. સવારે સાત વાગ્યે બે ખાખરા અને એક કપ ચા, બપોરે એક વાગ્યે દાળ-ભાત, શાક-રોટલી જમું. સાંજે સાત વાગ્યે ખીચડી, ભાખરી અથવા બાજરીનો રોટલો ને શાક ખાઉં. બહારનું કંઈ ખાતો નથી. વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠું અને રાત્રે દસ વાગ્યે સૂઈ જાઉં. દરરોજ સવારે દસ વાગ્યાની આસપાસ એકાદ કલાક બહાર આંટો મારવા જાઉં. છેલ્લાં ૪૦-૫૦ વર્ષથી હું ચ્યવનપ્રાશ લઉં છું, જેના લીધે મારું સ્વાસ્થ્ય સારું છે.’
તેમના ઇલેક્ટ્રૉનિક્સ કમ્પોનન્ટ સપ્લાયના બિઝનેસમાંથી ૭૫ વર્ષની ઉંમરે રિટાયર થઈ ગયા પછી હવે તેમનો દીકરો બિઝનેસ સંભાળે છે. આ ઉંમરે પણ તેમને નથી બ્લડ-પ્રેશર, નથી ડાયાબિટીઝ. એમ છતાં એક વાર હાર્ટ-અટૅક આવી ગયો હતો એ વિશે વેણીભાઈ કહે છે, ‘મારા બે દીકરા છે. મોટો હેમેન્દ્ર અને નાનો રાજીવ. કમનસીબે રાજીવનું હાર્ટ-અટૅકને કારણે ૪૫ વર્ષની વયે જ અવસાન થઈ ગયું હતું. ૭૫ વર્ષ સુધી હું કોઈ દિવસ દવાખાને ગયો નથી, પણ મારા દીકરા રાજીવનું અવસાન થયું ત્યારે ઊંડા આઘાતમાં સરી પડતાં મને પણ અટૅક આવ્યો હતો. મને ડૉક્ટરે બાયપાસ કરવાનું કહ્યું છે પણ મારી એ કરાવવાની ઇચ્છા નથી. દવાઓ ચાલુ છે. એમ પણ જે થવાનું છે એ થશે. બાકી બીપી કે ડાયાબિટીઝની કોઈ તકલીફ નથી.’
પરિવાર મોટી મૂડી
બોટાદના જાળીલા ગામમાં જન્મેલા વેણીલાલભાઈએ જીવનમાં અનેક સંઘર્ષો જોયા છે. એ વિશે વાત કરતાં ભૂતકાળ વાગોળતા વેણીલાલ કહે છે, ‘પિતાની કરિયાણાની દુકાન હતી. અમે છ ભાઈઓ અને ત્રણ બહેનો એટલે ઘરમાં આર્થિક ભીંસ રહેતી. એસએસસી ભણ્યા પછી કામકાજ માટે સૌથી પહેલાં મારા મોટા ભાઈ મુંબઈ આવ્યા. એ પછી એક પછી એક ભાઈએ મુંબઈ આવવાનું શરૂ કર્યું. હું ૧૯૫૩ની સાલમાં હું મુંબઈ આવ્યો. અહીં મેં ૫૦ રૂપિયાના પગારમાં ઇલેક્ટ્રૉનિક્સની દુકાનમાં નોકરી કરવાનું શરૂ કર્યું. મારો પગાર સવાસો રૂપિયા થયો ત્યારે મારાં લગ્ન થયાં. જવાબદારી વધતાં આટલા પગારમાં ઘર ચાલે એમ નહોતું. એટલે પછી નોકરી છોડી મેં મારો ધંધો શરૂ કરેલો. હાલમાં હું મારી પત્ની, વહુ (રાજીવનાં પત્ની) નીના, પૌત્ર રાહુલ સાથે રહું છું. પૌત્રી પૂજાનાં લગ્ન થઈ ગયાં હોવાથી તે સાસરે છે. મારા મોટા દીકરા હેમેન્દ્રને પણ બે દીકરાઓ છે, મૌલિક અને જયમિક. મને મારા પરિવારનો ખૂબ સપોર્ટ છે. અમારી દરેક નાની-મોટી જરૂરિયાતનું ધ્યાન રાખે છે. પ્રેમથી સાથે રહે. મારો જીવનમાં એક જ મંત્ર છે, સૌની સાથે હળીમળીને રહેવાનું. ફાવશે, ગમશે, ચાલશે એવો અભિગમ રાખવાનો, કોઈની સાથે લડવું-ઝઘડવું નહીં, કોર્ટકચેરી કોઈ દિવસ કરવા નહીં, કોઈની સાથે બગાડવું નહીં. ધાર્મિક રીતે જીવવાનું, પૈસા પાછળ બહુ દોટ મૂકવાની નહીં, સંતોષી જીવન જીવવાનું, ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખવાનું, બને ત્યાં સુધી ઘરનું જ ખાવાનું.’


