એવી ચા જે ઊંઘ લાવી દે કૅમમાઇલ ટી

સેજલ પટેલ
સામાન્ય રીતે એવું મનાય છે કે સાંજ પછી ચા કે કૉફી પીવામાં આવે તો રાતે ઊંઘ આવવામાં તકલીફ પડે. જોકે અમેરિકન રિસર્ચરોનું કહેવું છે કે રાતે ઊંઘ ન આવતી હોય ત્યારે કૅમમાઇલ નામના ફૂલની ચા પીવામાં આવે તો એનાથી ગહેરી અને સાઉન્ડ નીંદર આવે છે. આમ જોવા જઈએ તો પશ્ચિમના સંશોધકોએ કંઈ બહુ મોટી ક્રાન્તિકારી શોધ નથી કરી. વષોર્થી ઇજિપ્ત, ગ્રીક અને જર્મન સંસ્કૃતિમાં સારી ઊંઘ માટેના ટૉનિક તરીકે વપરાતી કૅમમાઇલ ટીને પ્રયોગ કરીને સાચી પુરવાર કરવાનું કામ તેમણે કર્યું છે.
પૌરાણિક સમયમાં કૅમમાઇલ ફૂલનો અર્ક, ચા, તેલ વગેરેનો વિવિધ દવાઓમાં ઉપયોગ થતો રહ્યો છે. ખાસ કરીને ઇજિપ્તમાં એનો ખૂબ છૂટથી ઉપયોગ થતો આવ્યો છે. હર્બલ ટીના માર્કેટમાં પણ કૅમમાઇલ ટીની સારીએવી ડિમાન્ડ છે. અનેક રોગોમાં એ ખૂબ જ ઇફેક્ટિવ હોવાનું પુરવાર થયું છે અને યુનાની વૈદ્યો દ્વારા એનો પ્રયોગ થતો આવ્યો છે. જોકે એની પ્રાયોગિક અસરકારકતા પર બહુ ઓછા અભ્યાસો થયા છે. જોકે કૅમમાઇલ ટી પીવાથી સારી ઊંઘ આવે છે એ હવે મૉડર્ન મેડિસિને સ્વીકારી લીધું છે.
કૅમમાઇલ શું છે?
આ એક પ્રકારનાં ફૂલ છે. વચ્ચે પીળા રંગના દળની આસપાસ સફેદ રંગની પાંખડીઓ ધરાવતા ખાસ પ્રકારનાં ફૂલની વિશિષ્ટ સ્મેલ નથી હોતી. આ ફૂલોને ડ્રાય કરીને એને ચાની પત્તીની જેમ ઉકાળીને વાપરવામાં આવે છે. લીલાં ફૂલને કૉમ્પ્રેસ કરીને એમાંથી તેલ કે અર્ક કાઢીને એ પણ દવાઓમાં વપરાય છે. રોમન, ઇજિપ્ત, ગ્રીક અને જર્મન સંસ્કૃતિમાં આ ફૂલને ઍન્ગ્ઝાયટી, અનિદ્રા, સૉરાયસિસ, ખીલ, પેટના ચાંદા, પેટમાં ગરબડ, નાનાં ગુમડાં, શરદી-ખાંસી, દાંતનાં દરદો, માસિક વખતની પીડા વગેરેની દવારૂપે વાપરવામાં આવે છે.
ખરેખર અનિદ્રામાં કામ આપે?
આ હર્બલ ટી એવી છે જેને રિસર્ચરો સૂતાં પહેલાં પીવાનું કહે છે. મતલબ કે રોજિંદા સૂવાના સમયના અડધો-પોણો કલાક પહેલાં આ ચા પી લો તો વિચારો શમીને વ્યક્તિ ગહેરી નીંદર માણે છે. અન્ય ચાથી ઊંઘ ઊડી જાય છે, પણ આનાથી ઊંઘ આવે એવું શક્ય છે? અમેરિકન રિસર્ચરોનું કહેવું છે કે કૅમમાઇલ મગજને શાંત પાડે છે. પ્રાણીઓને પણ એની ચા કે અર્ક આપવામાં આવે તો રેસ્ટલેસનેસ અનુભવતાં પ્રાણીઓ પણ શાંત થાય છે. એમાં રહેલા કયા કેમિકલ કે દ્રવ્યને કારણે આવી અસર થાય છે એ વિશે હજી સાયન્ટિસ્ટો સ્પષ્ટ નથી. ઊંઘમાં કૅમમાઇલની અસરકારકતા વિશે આયુર્વેદ નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘સામાન્ય રીતે ચામાં રહેલું કૅફીન મગજને અલર્ટ કરી દે છે અને સૂવા નથી દેતું. કૅમમાઇલ એક પ્રકારનાં ફૂલ છે. આ ફૂલમાં જરાય કૅફીન નથી હોતું. રાતના સમયે હૂંફાળું પ્રવાહી લેવામાં આવે તો શરીરમાં ગરમી પેદા થાય છે અને હૂંફને કારણે પણ ઊંઘ સારી થાય છે. આ ફૂલમાં અમુક બૅક્ટેરિયા, ફંગસ અને વાઇરસને મારવાની ક્ષમતા પણ હોય છે.’
કૅમમાઇલ કઈ રીતે વપરાય?
ફૂલને ઉકાળીને ચા બનાવી શકાય.
ચા ઠરી જાય એટલે માઉથવૉશ તરીકે વાપરી શકાય.
કૅમમાઇલ ઑઇલના એક-બે ટીપાં નાખીને બાથ લઈ શકાય.
અસરગ્રસ્ત ત્વચા પર ક્રીમ કે પોટીસ બનાવીને વાપરી શકાય.
કોણે ન વાપરવી?
આમ તો કૅમમાઇલ ફ્લાવર ખૂબ જ સેફ ગણાય છે. એ છતાં ડૉ. રવિ કોઠારી કહે છે, ‘જ્યાં સુધી પ્રમાણિત અભ્યાસો થકી પ્રૂવ ન થાય ત્યાં સુધી અસ્થમાના દરદીઓ, પ્રેગ્નન્ટ મહિલાઓ તેમ જ વારંવાર બ્લીડિંગ થતું હોય એવા દરદીઓએ એનો ઉપયોગ ન કરવો. સર્જરી પહેલાં અને પછીના બે અઠવાડિયાં સુધી એનો ઉપયોગ ન કરવો.’
કઈ સમસ્યાઓમાં કૅમમાઇલ કામનું?
પાચનની તકલીફો : યુરોપના દેશોમાં અપચો, જુલાબ, ગૅસ, ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ અને પેટમાં ક્રૅમ્પ્સ આવતા હોય ત્યારે કૅમમાઇલ ટી પીવાનું ચલણ છે. એનાથી મસલ્સ રિલૅક્સ થાય છે. એને દવા તરીકે નહીં પણ ઑલ્ટરનેટિવ થેરપી તરીકે જરૂર વાપરી શકાય.
સ્કિનની તકલીફો : ઘણીખરી ક્રીમ્સમાં કૅમમાઇલના અર્કનો ઉપયોગ થયો હોય છે. યુરોપમાં પ્રાણીઓ પર થયેલા અભ્યાસ પછી એવું તારવાયું છે કે કૅમમાઇલ અર્ક ખરજવું દૂર કરે છે. રોગ સિવાયની જો વાત કરીએ તો બ્યુટી-ક્રીમોમાં કૅમમાઇલનો અર્ક ખૂબ મોટા પાયે વપરાય છે. ગ્લોઇંગ માટેની તેમ જ ઍન્ટિ-એજિંગ ક્રીમોમાં પણ એનો વપરાશ થાય છે.
મૅન્સ્ટઅલ ક્રૅમ્પ્સ : ઘણી છોકરીઓને માસિક દરમ્યાન પેટમાં ખૂબ જ ક્રૅમ્પ્સ આવતા હોય છે. એવું કહેવાય છે કે કૅમમાઇલ ટી પીવાથી યુરિનમાં ગ્લાયસિન નામનું કેમિકલ વધે છે. આ કેમિકલ સ્નાયુઓમાં સ્પાઝમ થાય ત્યારે પેદા થતું હોય છે. આ ટી દ્વારા એ શરીરમાંથી નીકળી જાય છે અને મસલ્સ રિલૅક્સ થાય છે.
શરદી સામે રક્ષણ : કહેવાય છે કે વારંવાર થતી શરદી સામે કૅમમાઇલ અર્ક રક્ષણ આપે છે. એમાં રહેલી ઍન્ટિ-બૅક્ટેરિયલ પ્રોપર્ટીને કારણે કફ-ખાંસીની શક્યતાઓ ઘટે છે. જોકે આ બાબતનો કોઈ પુરાવો કે અભ્યાસ હજી સુધી હાથ ધરાયો નથી.


