આ સલાહ ૪૦ વર્ષનો એક્સ્પીરિયન્સ ધરાવતા કાર્ડિયોલૉજિસ્ટે આપી છે. તેમણે એવી પાંચ વસ્તુઓનું લિસ્ટ આપ્યું છે જે તમારી હેલ્થ માટે દુશ્મન છે. સાથે જ એની જગ્યાએ શું વાપરી શકાય એનું લિસ્ટ પણ આપ્યું છે...
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ફિટ રહેવા માટે કંઈ બહુ મોટું બલિદાન આપવાની જરૂર નથી, પણ આપણી રોજિંદી નાની આદતો જ મોટો બદલાવ લાવે છે. કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. આલોક ચોપડા કહે છે કે હેલ્ધી લાઇફસ્ટાઇલની શરૂઆત તમારા કિચનથી જ થાય છે. આપણને ખબર જ છે કે હેલ્ધી ખાવાથી જ હેલ્થ બને છે. ઇન્સ્ટાગ્રામ પર આ વાત શૅર કરતાં તેમણે કહ્યું હતું કે આપણા કિચનમાં એવી પાંચ વસ્તુઓ છે જે ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે સ્પીડબ્રેકર જેવી છે. તેમણે લખ્યું છે કે તમારું શરીર શુદ્ધ અને પોષણથી ભરપૂર ખોરાક ડિઝર્વ કરે છે, કારણ કે તમે જે રાંધો છો એવા જ તમે બનો છો. તેમણે રિપ્લેસ કરવા જેવી વસ્તુઓ અને એના બેસ્ટ વિકલ્પ આપ્યા છે.
વાઇટ શુગર
ખાંડ એટલે માત્ર નકરી કૅલરીઝ. એમાં ન્યુટ્રિશનના નામે કાંઈ હોતું નથી. ખાંડ રિફાઇન્ડ તો છે જ, પણ સાથે એ વ્યસન સમાન છે. એનાથી શરીરમાં સોજો (ઇન્ફ્લેમેશન) આવે છે, ઇન્સ્યુલિન સ્પાઇક કરે છે અને આંતરડામાં હેલ્ધી બૅક્ટેરિયાનું સંતુલન બગાડે છે.
સ્વસ્થ વિકલ્પો - ગોળ, નૅચરલ મધ, ખજૂર, કોકોનટ શુગર
વાઇટ લોટ (મેંદો)
વિવિધ વાનગીઓમાં મેંદાનો ભરપૂર ઉપયોગ થાય છે, પણ એમાં આખા ઘઉં જેટલું ફાઇબર હોતું નથી અને એ શરીરને કોઈ ખાસ ન્યુટ્રિશન પણ આપતું નથી. મેંદો શરીરમાં જઈને શુગરની જેમ જ નુકસાન પહોંચાડે છે.
સ્વસ્થ વિકલ્પો - મિલેટ્સ (બાજરી, જુવાર, રાગી જેવાં ધાન્યો), આખા ઘઉંનો લોટ, ઓટ્સ, બેસન.
વાઇટ રિફાઇન્ડ સોલ્ટ (મીઠું)
દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી સામગ્રી જો કોઈ હોય તો એ છે સફેદ મીઠું, પણ એ બેસ્ટ ચૉઇસ નથી. રિફાઇનિંગ પ્રોસેસ દરમ્યાન મીઠામાંથી કુદરતી મિનરલ્સ કાઢી નાખવામાં આવે છે અને એવાં કેમિકલ્સ ઉમેરવામાં આવે છે જે હેલ્થ માટે સારાં નથી.
સ્વસ્થ વિકલ્પો - સિંધવ મીઠું, હિમાલયન પિન્ક સૉલ્ટ, કુદરતી રીતે સૂર્યપ્રકાશમાં સૂકવેલું દરિયાઈ મીઠું.
અહીં એ વાત પણ ખાસ નોંધવી જોઈએ કે સફેદ રિફાઇન્ડ અને આયોડાઇઝ્ડ મીઠું એ આયોડિનનો મુખ્ય સ્રોત છે, જે થાઇરૉઇડ હૉર્મોન બનાવવા માટે ખૂબ જરૂરી છે. એથી એને ડાયટમાંથી સાવ કાઢી નાખવાને બદલે સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
વાઇટ રિફાઇન્ડ ઑઇલ્સ
સફેદ રિફાઇન્ડ તેલ કેમિકલ પ્રોસેસ દ્વારા કાઢવામાં આવે છે અને એ શરીરમાં સોજો લાવવામાં મોટો ભાગ ભજવે છે. વાઇટ ઑઇલ એટલે કે રિફાઇન્ડ વેજિટેબલ ઑઇલ. કપાસિયા, સૂર્યમુખી, સોયાબીન અને રાઇસ બ્રાન ઑઇલ જેવાં તેલ જે રિફાઇનિંગ પ્રોસેસમાંથી પસાર થયાં હોય.
સ્વસ્થ વિકલ્પો - કોલ્ડ-પ્રેસ્ડ (કાચી ઘાણીનું) સરસવનું તેલ, સીંગતેલ, કોપરેલ, શુદ્ધ ઘી, એક્સ્ટ્રા વર્જિન ઑલિવ ઑઇલ.
વાઇટ પૉલિશ્ડ રાઇસ
દેખાવ છેતરામણો હોઈ શકે છે અને સફેદ પૉલિશ્ડ ચોખા આ વાતમાં એકદમ ફિટ બેસે છે. આ ચોખાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઊંચો હોય છે અને એમાં પોષક તત્ત્વો સાવ ઓછાં હોય છે.
સ્વસ્થ વિકલ્પો - હાથથી છડેલા ચોખા, બ્રાઉન રાઇસ, રેડ રાઇસ, બ્લૅક રાઇસ, મિલેટ્સ.
ખોરાક જેટલો વધારે સફેદ, સમજી લો કે એમાંથી એટલાં જ વધારે પોષક તત્ત્વો છીનવી લેવામાં આવ્યાં છે. બસ તમારા રસોડામાં બદલાવ લાવો, તમારું સ્વાસ્થ્ય આપોઆપ સુધરશે.
