યસ, હાઈ બ્લડપ્રેશર અને હાઈ કૉલેસ્ટરોલ જેવાં હાર્ટ-અટૅકનાં કૉમન કારણો ઉપરાંત નિષ્ણાતો કહે છે કે પ્રોટીનનો ઓવરડોઝ હાર્ટ માટે જોખમી સાબિત થઈ શકે છે. કઈ રીતે એ જાણી લો
પ્રતીકાત્મક તસવીર
દુનિયાભરમાં સૌથી વધુ પ્રમાણમાં થતા મૃત્યુનાં કારણોમાં હાર્ટ-ફેલ્યર સૌથી પહેલું કારણ ગણાય છે. સામાન્ય રીતે હાર્ટ-અટૅક કે હાર્ટ-ફેલ્યરની વાત આવે ત્યારે કૉલેસ્ટરોલ કે હાઈ બ્લડપ્રેશર મુખ્ય બાબત મનાય છે. હૃદયની ધમનીઓમાં કૉલેસ્ટરોલનો થર જામતાં અથવા બ્લડપ્રેશર વધતાં હાર્ટને પૂરતી બ્લડ-સપ્લાય ન મળે અને હાર્ટ-અટૅક અથવા હાર્ટ-ફેલ્યરની સ્થિતિ નિર્માણ થતી હોય છે. જોકે તાજેતરમાં ડૉ. દિમિટ્રી યારાનોવ નામના એક રશિયન કાર્ડિયોલૉજિસ્ટે હાર્ટ-ફેલ્યર પાછળ પ્રોટીન પણ જવાબદાર હોઈ શકે છે એવું પોતાના સંશોધનમાં ઑબ્ઝર્વ કર્યું છે. એક ઇન્ટરવ્યુ દરમ્યાન આ ડૉક્ટરે કહ્યું કે મોટા ભાગના દરદીઓ હાઈ કૉલેસ્ટરોલ, હાઈ બ્લડપ્રેશર, બૅકપેઇન જેવાં કારણો સાથે એક ક્લિનિકથી બીજા ક્લિનિકમાં ભટકતા હોય છે, પરંતુ દર વખતે હૃદયની ધમનીઓમાં બ્લૉકેજ જ હાર્ટ-અટૅકના મૂળમાં નથી હોતાં. ઇન ફૅક્ટ, સાચું કારણ ઘણી વાર અનડિટેક્ટેડ રહી જાય છે.’
ડૉ. દિમિટ્રીએ એક ખૂબ જ ઓછી જાણીતી બાબત હાર્ટ-અટૅક પાછળ જવાબદાર હોઈ શકે છે એ વાત પરથી પડદો ઉઠાવીને પોતાનાં સંશોધનોના આધારે કહ્યું હતું, ‘કાર્ડિઍક એમિલૉઇડોસિસ નામની એક કન્ડિશન છે જેમાં ખાસ પ્રકારનું પ્રોટીન હાર્ટને સ્ટિફ કરવાનું કામ કરે છે અને સમય જતાં ત્યાં પહોંચતી બ્લડ-સપ્લાયને રોકવાનું કામ કરે છે જે હાર્ટ-અટૅકમાં પરિણમે છે. એમિલૉઇડ નામનું પ્રોટીન તમારા હાર્ટમાં જમા થવા માંડે. ઘણી વાર કિડની અને લિવરમાં પણ આ પ્રોટીન જમા થઈ શકે છે અને એ ઑર્ગનને નુકસાન કરી શકે છે.’
ADVERTISEMENT
આ જ કારણ છે કે હવે હાર્ટ-નિષ્ણાતો ડાયટમાં પ્રોટીનનો અતિરેક ટાળવાની સલાહ આપી રહ્યા છે. થાક લાગવો, નબળાઈ લાગવી, પગમાં સોજા આવવા, હાંફ ચડવી, છાતીના ભાગમાં ભાર લાગવો જેવાં લક્ષણો દેખાય તો હાર્ટ-અટૅક ન હોય તો પણ આ પ્રોટીન તો ડિપોઝિટ નથી થઈ રહ્યું એ એક વાર જરૂર નિષ્ણાતની સલાહ સાથે ચેક કરાવવું જોઈએ આજે ૩૦ અને ૪૦ વર્ષની ઉંમરે આવી રહેલા હાર્ટ-અટૅકમાં પણ પ્રોટીનનો અતિરેક મહત્ત્વનું કારણ હોઈ શકે એવું કહેનારા ડૉ. દિમિટ્રી એમ પણ કહે છે કે તમે ઍથ્લીટ છો કે તમારી સિક્સ-પૅક ઍબ્સ છે કે તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ ઓછું છે એનો અર્થ એવો જરાય નથી કે તમને હાર્ટ-અટૅક નહીં આવે. ખાસ કરીને અન્ય પ્રાણીઓ થકી એટલે કે માંસાહાર થકી મેળવાતું પ્રોટીન હાર્ટ માટે હાનિકારક નીવડી શકે છે એટલે પ્રોટીનની ભરપાઈ પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીનથી કરવાની સલાહ પણ આ કાર્ડિયોલૉજિસ્ટ આપે છે.


