ડેન્ગીમાં લોહીમાંના પ્લેટલેટ કાઉન્ટ ૧૦,૦૦૦થી ઓછા થઈ જાય તો એને કારણે લોહી ગંઠાવાનું કામ થતું નથી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારા પતિ ૭૯ વર્ષના છે. તેમને હાલમાં તાવ આવી ગયેલો. દવાઓથી ઊતર્યો નહીં એટલે ડૉક્ટરે તેમની ટેસ્ટ કરાવી જેમાં તેમને ડેન્ગી હોવાનું નિદાન થયું છે. તેમને તાવ ક્યારેક ખૂબ આવે છે અને ક્યારેક એકદમ ઊતરી જાય છે. ડૉક્ટર કહે છે કે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા જરૂરી છે, પરંતુ પતિને હૉસ્પિટલથી ડર લાગે છે. શું હૉસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે ખરું? ડેન્ગીની દવા ઘેરબેઠાં ન આપી શકાય? હું આ સાથે તેમના હમણાંના રિપોર્ટ્સ પણ મોકલું છું.
ડેન્ગીમાં જેવાં લક્ષણો એવો ઇલાજ. તમે જે હાલત જણાવી એ મુજબ તમારા પતિની ઉંમર ઘણી વધુ છે. આટલી ઉંમરમાં ઘેરબેઠાં રિસ્ક ન લઈ શકાય. તેમના રિપોર્ટ્સ જોઈને સમજાય છે કે તેમની હાલત ગંભીર છે. દરદી ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ થાય ત્યારે કયા પ્રકારનો ઇલાજ તેને મળતો હોય છે એ સમજવું હોય તો પહેલી મહત્ત્વની વાત એ છે કે ડેન્ગી વાઇરસ માટે કોઈ દવા નથી. તમારી રોગપ્રતિકારક શક્તિ જાતે આ વાઇરસ સાથે લડે અને રોગમાંથી પોતે મુક્ત થાય. ઇલાજ ફક્ત દરદીનાં બીજાં લક્ષણોને કાબૂમાં રાખવા અને રોગને કારણે પરિસ્થિતિ વણસે નહીં એ માટે જ હોય છે.
શરૂઆતની ટ્રીટમેન્ટમાં વ્યક્તિને ભરપૂર પાણી આપવામાં આવે છે જે ખૂબ જ જરૂરી છે, પરંતુ ઘણા દરદીઓને ઝાડા-ઊલટી થવાથી પેટમાં પાણી ટકતું નથી. તાવ હોય તો પૅરાસિટામોલ ડૉક્ટર આપતા હોય છે. જો દરદીને ઝાડા-ઊલટીનાં ચિહનો ન હોય તો પાણી પિવડાવતા રહેવાથી પ્રૉબ્લેમ ઓછો થઈ શકે છે, પરંતુ જો પેટમાં એ ન ટકે તો ગ્લુકોઝ આપવામાં આવે છે. આ હાઇડ્રેશન ખૂબ જ મહત્ત્વનું છે.
ડેન્ગીમાં લોહીમાંના પ્લેટલેટ કાઉન્ટ ૧૦,૦૦૦થી ઓછા થઈ જાય તો એને કારણે લોહી ગંઠાવાનું કામ થતું નથી. જો શરીરમાં ઇન્ટરનલ બ્લીડિંગ ચાલુ થઈ જાય તો પ્લેટલેટ્સ ઓછા હોવાને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આવું ન થાય એ માટે દરદીને પ્લેટલેટ્સ ચડાવે છે. હાલમાં તમારા પતિના પ્લેટલેટ્સ એકદમ બૉર્ડર લાઇન પર છે એટલે જો એ ઘટી જાય તો ગંભીર પરિસ્થિતિ આવે. એના કરતાં હૉસ્પિટલમાં હોય તો વાંધો ન આવે. આ સિવાય એવું પણ બને કે જુદાં-જુદાં અંગો પર એની અસર થાય. જેમ કે હૃદય પર કે કિડની પર. તો એ અસર કયા પ્રકારની છે એ મુજબનો ઇલાજ તાત્કાલિક તેમને હૉસ્પિટલમાં મળી રહેશે. એટલે માટે તમે દાખલ થઈ જાઓ એ સારું છે.

