મગજમાં થતું ઇન્ફેક્શન જીવલેણ હોઈ શકે છે

જિગીષા જૈન
ઇન્ફેક્શન કોને નથી થતું? લગભગ બધા જ કોઈ ને કોઈ ઇન્ફેક્શનનો ભોગ બનતા જ હોય છે. સામાન્ય શરદી-ખાંસીથી લઈને મહાભયાનક TB જેવા રોગ આ ઇન્ફેક્શનને કારણે જ થાય. આ ઇન્ફેક્શન મોટા ભાગે બે પ્રકારનાં હોય છે, વાઇરસથી થનારાં ઇન્ફેક્શન અને બૅક્ટેરિયાથી થનારાં ઇન્ફેક્શન. ઇન્ફેક્શનને સાદી ભાષામાં સમજવું હોય તો શરીર પર બહારના કીટાણુનો હુમલો થાય ત્યારે એ કીટાણુને લીધે શરીર પર જે અસર વરતાય એને ઇન્ફેક્શન થયું છે એમ કહેવાય. આથી ઇન્ફેક્શનથી બચવા માટે વ્યક્તિને જરૂર છે સારી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિની. પરંતુ આજ સુધી જેટલાં ઇન્ફેક્શન વિશે સામાન્ય રીતે લોકો જાગૃત છે એ બધાં જ ઇન્ફેક્શન શરીરના બીજા ભાગોને લગતાં છે, પરંતુ આપણામાંથી ઘણા લોકો એ બાબતે અજાણ હશે કે મગજને પણ ઇન્ફેક્શન લાગી શકે છે.
શરદી જેવા નાના ઇન્ફેક્શનને કોઈ ખાસ મહત્વ આપતું નથી, પરંતુ તાજેતરમાં અમેરિકન સ્ટ્રોક અસોસિએશનની થયેલી ઇન્ટરનૅશનલ સ્ટ્રોક કૉન્ફરન્સમાં પ્રસ્તુત થયેલા રિસર્ચ અનુસાર વ્યક્તિને થયેલું સામાન્ય ઇન્ફેક્શન પણ તેના મગજને અસર કરે છે જે વ્યક્તિની માનસિક ક્ષમતાને ક્ષીણ કરે છે. આ રિસર્ચરોએ ૫૮૮ લોકોનાં બ્લડ-સૅમ્પલ્સ કલેક્ટ કર્યા હતાં અને સાથે-સાથે બ્રેઇન ફંક્શન ટેસ્ટ પણ કરી હતી જેમાં ઇન્ફેક્શન દરમ્યાન શરીરમાં ઉદ્ભવતાં ઍન્ટિબૉડીઝનું પ્રમાણ અને યાદશક્તિ, પ્લાનિંગ કરવાની ક્ષમતા, વિચારવાની ઝડપ, સમજશક્તિ જેવી માનસિક ક્ષમતાઓની પડતી વચ્ચે ખાસ લિન્ક જોવા મળી. એટલે કે જ્યારે વ્યક્તિ પર બહારના કીટાણુ હુમલો કરે છે ત્યારે શરીર પોતાના રક્ષણ માટે એવા સૈનિકોનું નિર્માણ કરે છે જે આ કીટાણુ સામે લડી શકે જેને ઍન્ટિબૉડીઝ કહે છે અને આ ઍન્ટિબૉડીઝ શરીરમાં જેટલાં વધુ માત્રામાં હોય એ મગજ પર અસરકર્તા બનીને વ્યક્તિની માનસિક ક્ષમતાને અસર કરતાં હોય છે એવું રિસર્ચ દ્વારા કહેવામાં આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે રિસર્ચ મુજબ કોઈ પણ સામાન્યમાં સામાન્ય ઇન્ફેક્શન પણ મગજને અસર કરે છે. જોકે આ રિસર્ચને નકારતાં કન્સલ્ટિંગ ન્યુરોલૉજિસ્ટ ડૉ. મનોજ રાજાણી કહે છે, ‘મગજ એ શરીરનો અત્યંત સંવેદનશીલ ભાગ છે અને તેથી જ કુદરતે એને જુદા પ્રકારની સુરક્ષા પ્રદાન કરી છે. જો નાનાં-મોટાં બધાં જ ઇન્ફેક્શનની અસર મગજ પર થવા લાગે તો આપણી શું દશા થાય એ તો કલ્પનાની બહારની વાત છે. મગજ પર ઇન્ફેક્શનની અસર થાય છે, પરંતુ એ ક્યારેક બનતી ઘટના છે જેનાં પરિણામો ખૂબ ગંભીર આવે છે.
મગજનું રક્ષણ
માનવશરીરની રચના જ એવી રીતે થઈ છે કે એના સૌથી મહત્વના ભાગ એટલે કે મગજને સૌથી વધુ રક્ષણ પ્રદાન થયું છે. મગજના બહારના ભાગનું રક્ષણ ખોપડી કરે છે, પરંતુ સમજવા જેવી બાબત એ છે કે મગજને સતત લોહી અને ઑક્સિજનની જરૂર પડે છે અને આ લોહી મારફત અગણિત બૅક્ટેરિયા અને વાઇરસ અંદર ઘૂસી શકે છે જે ઇન્ફેક્શન કરે છે. એનાથી બચવા માટે આપણા મગજમાં એક ગોઠવણ છે જેના વિશે જણાવતાં ડૉ. મનોજ રાજાણી કહે છે, ‘મગજમાં એક બ્લડ બ્રેઇન બૅરિયર હોય છે જે જ્ઞાનતંતુઓ અને કોષોનું બનેલું એક એવું માળખું છે જે લોહી મારફત મગજમાં પ્રવેશતાં અનિચ્છનીય અથવા તો હાનિકારક તત્વોને બહાર જ રોકી લે છે. આમ એ મગજના સૌથી મહત્વના ભાગ જેને સેન્ટ્રલ નવર્સ સિસ્ટમ કહે છે એનું ધ્યાન રાખે છે. આમ મગજને ઇન્ફેક્શન થવું કે એનાથી કોઈ પણ પ્રકારની હાનિ થવી એ એટલી સહજ બાબત નથી.’
ઇન્ફેક્શન
ઘણા વાઇરસ અને બૅક્ટેરિયા એવા પણ છે જે આ માળખાને તોડીને અંદર પહોંચી જાય છે. ખાસ કરીને આ કીટાણુને ભગાડવા શરીરે બનાવેલાં ઍન્ટિબૉડીઝ પણ બ્લડ બ્રેઇન બૅરિયરને ક્રૉસ કરીને સીધાં મગજમાં પહોંચી જાય છે અને મગજને નુકસાન કરે છે. જો વ્યક્તિને ૧૦,૦૦૦ પ્રકારનાં અલગ-અલગ ઇન્ફેક્શન થતાં હોય તો એમાંથી એકાદ ઇન્ફેક્શન જ એવું નીકળે જે આટલુંબધું ખતરનાક હોય જે મગજ સુધી પણ પહોંચી જાય. એ વિશે વધુ માહિતી આપતાં ડૉ. મનોજ રાજાણી કહે છે, ‘અમુક વાઇરસ કે બૅક્ટેરિયા એવા છે જે ડાયરેક્ટ મગજ પર જ હુમલો કરે છે જેને કારણે મેનિન્જાઇટિસ કે ઇન્સેફેલાયટિસ જેવા રોગ થઈ શકે છે જે એક પ્રકારનું મગજનું ઇન્ફેક્શન જ કહી શકાય. એમાં કોઈ ઍન્ટિબૉડી નહીં પરતું ડાયરેક્ટ વાઇરસ જ છે જે મગજ પર અટૅક કરીને વ્યક્તિને ઘણું નુકસાન પહોંચાડે છે. જ્યારે વ્યક્તિને મલેરિયા અને TB થાય તો એ રોગના વાઇરસ કે બૅક્ટેરિયા મગજ સુધી પહોંચી શકે છે જેને સાદી ભાષામાં મગજમાં તાવ ચડી ગયો છે એમ કહેવાય. આ બન્ને કન્ડિશન ભારતમાં ઘણી વધારે જોવા મળે છે. આ ઉપરાંત એક સિસ્ટિસર્કોસિસ નામના રોગ વિશે સમજાવતાં ડૉ. મનોજ રાજાણી કહે છે, ‘આપણા આંતરડામાં અમુક કીડા હોય છે જે ક્યારેક ફૂડ ઇન્ફેક્શન માટે જવાબદાર હોય છે. આ કીડાઓનાં ઈંડાં લોહી મારફત જો મગજ સુધી પહોંચી જાય તો સિસ્ટિસર્કોસિસ નામનો રોગ થાય છે જે મગજનું અત્યંત ઘાતક ઇન્ફેક્શન છે.’
ઇમ્યુનિટી સ્ટ્રૉન્ગ બનાવો
કોઈ પણ પ્રકારના મગજના ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ મેડિકલ સાયન્સ પાસે અવેલેબલ છે. તેથી દરેક પ્રકારના મગજના ઇન્ફેક્શનની સારવાર થઈ શકે છે, પરંતુ જરૂર છે સાચા સમય પર ઇલાજની અને સાચા નિદાનની. જ્યારે ઇન્ફેક્શન મગજમાં પહોંચી જાય છે અને એની અસર ફેલાવવાનું શરૂ કરી દે છે ત્યારે એને લીધે મગજને જેટલું નુકસાન થાય છે એને રિકવર કરવું ધારીએ એટલી સહેલી વાત નથી. વળી એનાથી બચવાનો પણ ખાસ ઉપાય નથી સિવાય કે વ્યક્તિ પોતાની ઇમ્યુનિટી એટલી સ્ટ્રૉન્ગ બનાવે કે એ કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનથી બચી શકે. એ વાત સાચી કે ૧૦,૦૦૦માંથી એકાદ ઇન્ફેક્શન જ મગજ સુધી પહોંચે છે, પરંતુ એ કયું ઇન્ફેક્શન છે એના વિશે આપણે અજાણ હોઈએ છીએ. તેથી દરેક પ્રકારના ઇન્ફેક્શનની પ્રૉપર સારવાર કરાવવી પણ એટલી જ જરૂરી છે.


