ભારતમાં તકલીફ એ છે કે શરૂઆતના સ્ટેજમાં નિદાન જ મુશ્કેલ છે તો પછી દવા તો ઘણી પછી આવે, પણ આજે દવા આવી છે તો ભવિષ્યમાં આ મુશ્કેલીઓ પણ દૂર કરવાનો તોડ મળી આવશે એવી આશા રાખી શકાય.
પ્રતીકાત્મક તસવીર
આ દવા મોંઘી છે પણ શરૂઆતના સ્ટેજના દરદીઓ પર અકસીર છે. સમય સાથે સતત યાદશક્તિ ક્ષીણ થતી જાય એવા આ રોગ વિશે મેડિકલ સાયન્સ ભાગ્યે જ કશું જાણતું હતું, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આ રોગ પર એટલું બધું રિસર્ચ થઈ રહ્યું છે કે આજે આપણી પાસે એના માટેની દવા પણ ઉપલબ્ધ થઈ છે. ભારતમાં તકલીફ એ છે કે શરૂઆતના સ્ટેજમાં નિદાન જ મુશ્કેલ છે તો પછી દવા તો ઘણી પછી આવે, પણ આજે દવા આવી છે તો ભવિષ્યમાં આ મુશ્કેલીઓ પણ દૂર કરવાનો તોડ મળી આવશે એવી આશા રાખી શકાય.
વૃદ્ધાવસ્થામાં યાદ ન રહેવું આપણને સહજ લાગે છે, પરંતુ જ્યારે આ સામાન્ય આદત બીમારીનું રૂપ ધારણ કરે ત્યારે એને સ્મૃતિભ્રંશ એટલે કે ઑલ્ઝાઇમર્સ ડિસીઝ કહેવામાં આવે છે જે એક કૉમ્પ્લેક્સ બીમારી છે. ઑલ્ઝાઇમર્સ એક ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર છે જેમાં મગજના કોષો મરતા જાય છે. એમના મરવાથી વ્યક્તિની યાદશક્તિ ધીમે-ધીમે ઘટતી જાય છે અને બાકીના માનસિક પ્રૉબ્લેમ્સ પણ શરૂ થઈ જાય છે. એ બીમારી સમય સાથે ધીમે-ધીમે વધતી જ જાય છે અને માણસની સાથે જ ખતમ થાય છે. એનો અર્થ એ કે એનો કોઈ ખાસ ઇલાજ આપણી પાસે નથી. ઇલાજ એટલે નથી કારણ કે આપણે જાણતા જ નથી કે આ રોગ થવાનું કારણ શું છે? જોકે થોડા સમય પહેલાં અમુક જીન્સ એના માટે જવાબદાર છે એવું સાયન્સે શોધી કાઢ્યું છે. આ રોગને વધુ ને વધુ સારી રીતે સમજવા માટે દુનિયાભરમાં અઢળક રિસર્ચ થઈ રહ્યાં છે. આ રિસર્ચના રિઝલ્ટ રૂપે આપણી પાસે એક દવા આવી છે જે આ રોગને ઝડપથી આગળ વધતો અટકાવવાની ક્ષમતા ધરાવે છે. ભારતમાં આ દવા હમણાં જ લૉન્ચ થઈ છે.
ADVERTISEMENT
નવી દવાની કામગીરી
ભારતમાં હાલમાં ફાર્મા કંપની એલી લીલીએ ‘લોર્માલ્ઝી’ બ્રૅન્ડનામ હેઠળ ‘ડોનાનેમેબ’ દવા લૉન્ચ કરી છે જે આ રોગને જલદી વધતો અટકાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ દવાનું ૩૫૦ મિલીગ્રામ પ્રવાહી શરીરમાં નસો દ્વારા દાખલ કરવામાં આવે છે. આ દવા કઈ રીતે કામ કરે છે એ સમજાવતાં ગ્લેનીગલ્સ હૉસ્પિટલના ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘ઑલ્ઝાઇમર્સ એક ન્યુરો-ડીજનરેટિવ એટલે કે ચેતાતંત્રને નુકસાન પહોંચાડતો રોગ છે. આ નુકસાન એ એનું એક મુખ્ય લક્ષણ છે. આવું થવા પાછળ મગજમાં જમા થતા ‘એમાયલૉઇડ બીટા પ્રોટીન પ્લાક હોય છે’ જેને આપણે એક પ્રકારનો કચરો કે ગાંઠ કહી શકીએ. આ નવી દવા આ પ્લાક્સને ઓગાળીને રોગની ગતિને ધીમી કરવા માટે અસરકારક સાબિત થઈ છે. એને સરળ ભાષામાં સમજીએ તો આપણી રોગપ્રતિકારક શક્તિ એ પોલીસ છે. પોલીસે ચોરને પકડવો જરૂરી છે, પણ ઘણી વાર આ ચોર ઓળખાતો નથી એટલે આપણી રોગપ્રતિકારક શક્તિ એને શરીરમાંથી દૂર કરી શકતી નથી. પણ સમજો કે પોલીસને ખબર પડે કે ચોર લાલ કપડાંમાં છે અને તે લાલ કપડાંવાળા ચોરને જુએ તો તરત જ ઓળખી જાય અને પકડી લે. આ દવા આ પ્રોટીન પ્લાકને લાલ કપડાં પહેરાવવાનું કામ કરે છે જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ એને ઓળખી જાય અને શરીરમાંથી બહારની તરફ લઈ જાય. મગજમાં એને જલદી જમા થવા ન દે એટલે રોગ જલદી આગળ વધે નહીં.’
રસીકરણની જેમ કરે કામ
જેમ રસીકરણ હોય એ જ સિદ્ધાંત પ્રમાણે આ દવા કામ કરે છે. એને વૈજ્ઞાનિક ભાષામાં ‘મોનોક્લોનલ ઍન્ટિબૉડી’ સારવાર કહેવામાં છે. આ એક ઇલાજ છે જેમાં રોગની સ્થિતિમાં સુધારો થાય છે. રોગ જડથી જવો શક્ય નથી, પણ રોગના આગળ વધવાને પણ રોકી શકાય કે ગતિ ધીમી પડી શકાય તો દરદીને ઘણી રાહત મળે. આ દવાની કંપની કહી રહી છે કે આ દવા મગજમાંથી એમાયલૉઇડ બીટા પ્રોટીન પ્લેક્સને નિશાન બનાવીને એને દૂર કરવા માટે લૅબોરેટરીમાં તૈયાર કરાયેલા પ્રોટીનનો ઉપયોગ કરે છે, જેનાથી રોગના શરૂઆતના તબક્કાના દરદીઓમાં માનસિક ક્ષમતાનો ઘટાડો આશરે ૩૦ ટકા જેટલો ધીમો પડી જાય છે. અમેરિકાની ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ઑલ્ઝાઇમર્સ માટે મંજૂર કરાયેલી સારવારોમાં લેકેનેમેબ અને ડોનાનેમેબ નામની બે દવાઓનો સમાવેશ થાય છે. એમાં ડોનાનેમેબ FDA દ્વારા આ રોગ માટે મંજૂરી આપવામાં આવી હોય એવી ત્રીજી અને ભારતમાં લૉન્ચ થનારી પ્રથમ દવા છે. જેમ ગ્લુકોઝ ચડાવવામાં આવે એમ આ દવા પણ નસ દ્વારા એટલે કે ઇન્ટ્રાવીનસ રીતે આપવામાં આવે છે. આ દવા હાલમાં ભારત આવી તો અત્યાર સુધી ઑલ્ઝાઇમર્સ માટે કયા પ્રકારનો ઇલાજ આપણી પાસે હતો? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘આપણી પાસે જે ઇલાજ છે એ ફક્ત લક્ષણોને થોડાં કાબૂમાં રાખવા માટે ઉપયોગી ઇલાજ છે. ઑલ્ઝાઇમર્સ ડિસીઝ ઉંમર સાથે અને સમય સાથે આગળ વધતો રોગ છે જેને કાબૂમાં લેવા માટે કે એની સ્પીડ ઘટાડવા માટે આપણી પાસે આજ સુધી કોઈ ઇલાજ હતો નહીં જે હવે આપણી પાસે છે. આ વાત ખરેખર આશાસ્પદ છે.’
શરત
આ સારવાર અકસીર છે પણ શરત એટલી જ કે એ ઑલ્ઝાઇમર્સ રોગના શરૂઆતના તબક્કાના દરદીઓ પર જ કામ કરે છે. એટલે કે એવા લોકો જેમને સામાન્ય માનસિક નબળાઈ અને સામાન્ય સ્તરનો ડિમેન્શિયા એટલે કે ભૂલી જવાની બીમારી હોય. આ દવા એવા લોકો માટે નથી જેઓ રોગના અત્યંત ગંભીર અથવા ઍડ્વાન્સ સ્ટેજમાં પહોંચી ગયા છે. આ વાત સમજાવતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘ભૂલી જવું એ એટલી સામાન્ય પ્રતિક્રિયા છે કે કોઈ પણ વ્યક્તિને એ લાગુ પડે છે જેને કારણે આપણે ભૂલી જવાને મહત્ત્વ આપતા નથી. એમાં પણ ખાસ કરીને ઉંમરલાયક વ્યક્તિ ભૂલી જાય તો આપણને નવાઈ લાગતી નથી. એટલે જ ભારતમાં ઑલ્ઝાઇમર્સ શરૂઆતના સ્ટેજમાં પકડાતું જ નથી. જ્યારે દરદી અમારી પાસે આવે છે ત્યારે એ સેકન્ડ સ્ટેજ સુધી પહોંચી ગયું હોય છે. ઉદાહરણ આપીને સમજાવું તો તમે ઘરેથી મૉલ જાઓ અને પાર્કિંગમાં ગાડી રાખી તો એ ગાડી ક્યાં પાર્ક કરી એ યાદ ન આવવું પહેલું સ્ટેજ છે, પણ જો તમે એ જ ભૂલી જાઓ કે તમે ગાડી લઈને મૉલમાં ગયા હતા એ બીજું સ્ટેજ છે. હવે પહેલા સ્ટેજનો અનુભવ કરવાવાળી વ્યક્તિ વિચારે છે કે ભુલાઈ ગયું હશે, આજકાલ ભુલાઈ જાય છે, થોડું ધ્યાન રાખીશ હવે. વળી જરૂરી નથી કે આવું એકાદ વાર ભુલાઈ ગયું તો તમને આ રોગ હોય જ. આવા બનાવો થયા કરે તો આપણે ત્યાં વ્યક્તિ ખુદને ભુલક્કડ ગણાવીને નૉર્મલ જીવન જીવ્યા કરે છે. અમારી પાસે ત્યારે જ આવે છે જ્યારે તેમના રૂટીન કામમાં તકલીફ પડે. એટલે ભારતીય સેટ-અપમાં મૂળભૂત સ્ટેજ પર આ રોગ પકડાતો નથી. જો રોગનું નિદાન મૂળભૂત સ્ટેજ પર ન થાય તો દવા ચાલુ કરવાની વાત તો દૂરની છે.’
નિદાનમાં તકલીફો
જે લોકોને ઑલ્ઝાઇમર્સની શરૂઆત છે એવા લોકો પર જ આ દવા કામ કરે છે તો એ શરૂઆતનું નિદાન કઈ રીતે કરી શકાય એ વાત સમજાવતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘માઇલ્ડ ડિસીઝના નિદાન માટે અમે વ્યક્તિનાં લક્ષણો જાણીને ક્લિનિકલ ચેક-અપ કરીએ છીએ અને નિદાન મળે છે. આ સિવાય એક નૉન-ઇન્વેસિવ એમાયલૉઇડ પેટ-સ્કૅન હોય છે જેના દ્વારા નિદાન થઈ શકે, પણ ભારતમાં આ સ્કૅન થતું નથી. અહીં CSF બાયો માર્કર ટેસ્ટ થાય છે જે ઇન્વેસિવ છે એટલે કે એમાં કાપકૂપ કરવી પડે છે. ફક્ત શંકાના આધારે કાપકૂપ કરવા કોઈ તૈયાર થતું નથી. જો ભારતમાં એમાયલૉઇડ પેટ-સ્કૅન આવી જાય તો ફરક પડે. આમ દવા પહેલાંનું સ્ટેપ આપણે ત્યાં મિસિંગ છે એટલે કે નિદાન જ નહીં થાય તો દવા કેવી રીતે આપી શકાય? એમ માની શકાય કે દવા આવી છે તો હવે નિદાનને સરળ બનાવવાની પેરવી પણ ચાલુ થશે.’
ખર્ચાળ છે, પણ ભવિષ્યમાં સસ્તી થઈ શકે છે
ભારતમાં એક બીજી તકલીફ એ છે કે આ દવાની શોધ હજી હમણાં થઈ અને ભારતમાં પણ એ હમણાં જ આવી એટલે એ દવા ખર્ચાળ છે. આ દવાનો એક સિંગલ ડોઝ એટલે કે એક વખતની માત્રાની કિંમત ૯૧,૬૮૮ રૂપિયા હશે. લગભગ દર મહિને એક લાખ રૂપિયાનો ખર્ચ કરાવતી આ દવાને ૧૮ મહિના સુધી ફરજિયાત લેવાની છે. આમ આ ઇલાજ અત્યંત ખર્ચાળ છે. એ વિશે વાત કરતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘હા, કોઈ પણ નવો ઇલાજ અને નવી દવા મોંઘાં જ હોવાનાં. જેમ કે એક સમયે કીમોની દવાઓ અત્યંત મોંઘી હતી, હવે એ સસ્તી થઈ ગઈ છે. થોડો સમય જાય પછી એ દવા આપોઆપ સસ્તી થતી જાય છે અને જાહેર જનતા સુધી પહોંચતી જાય છે. આશાસ્પદ વાત એ છે કે આ નાઇલાજ બીમારી માટે આપણને એક અકસીર દવા મળી ખરી જે એના વ્યાપને અને ઝડપને ઘટાડી શકે છે. આ સાયન્સની જીત છે. એક સમય એવો હતો જેમાં ઑલ્ઝાઇમર્સ જેવા રોગ વિશે મેડિકલ સાયન્સ કશું જાણતું નહોતું. છેલ્લાં કેટલાંક વર્ષોના અથાગ પ્રયત્નોથી આજે એ એક સ્ટેપ ઉપર પહોંચ્યું છે. આ દવાના આવવાથી ભવિષ્યમાં અહીંથી પણ આગળ વધી શકાશે એ આશા જાગી છે.’
