Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > જ્યારે આંતરડામાં ચાંદાં પડે છે ત્યારે...

જ્યારે આંતરડામાં ચાંદાં પડે છે ત્યારે...

Published : 29 May, 2017 07:29 AM | IST |

જ્યારે આંતરડામાં ચાંદાં પડે છે ત્યારે...

જ્યારે આંતરડામાં ચાંદાં પડે છે ત્યારે...



intenstine


જિગીષા જૈન

આજે વર્લ્ડ ડાઇજેસ્ટિવ હેલ્થ ડે છે. આપણું પાચનતંત્ર જો સબળ હોય તો સમગ્ર શરીર સબળ જ રહેવાનું. પાચનતંત્રને લગતા પ્રૉબ્લેમ્સ વિશે જાગૃતિ ફેલાવવા વર્લ્ડ ગૅસ્ટ્રોએન્ટરોલૉજી ઑર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે ૨૯ મેના દિવસે વર્લ્ડ ડાઇજેસ્ટિવ હેલ્થ ડે ઊજવવામાં આવે છે. આ વર્ષે જે રોગ વિશે જાગૃતિની વિશેષ જરૂર તેમને લાગી છે એ છે ઇન્ફ્લેમૅટરી બૉવેલ ડિસીઝ. આ રોગ કોઈ એક રોગ નથી. જે પણ કારણોસર આંતરડામાં સોજો આવી જાય એ બધા જ રોગોનો આ ઇન્ફ્લેમૅટરી બૉવેલ ડિસીઝમાં સમાવેશ થતો હોય છે. ખાસ કરીને બે પ્રકારના રોગ ઇન્ફ્લેમૅટરી બૉવેલ ડિસીઝ અંતર્ગત આવે છે જેમાં એક છે ક્રૉન્સ ડિસીઝ જે ભારતીય લોકોમાં ઓછો જોવા મળે છે. એક સમય હતો જ્યારે આ રોગ આપણે ત્યાં હતો જ નહીં. આજકાલ જોકે એનું પણ પ્રમાણ જોવા મળી રહ્યું છે, પરંતુ બીજો એક મહત્વનો રોગ છે જે ઇન્ફ્લેમૅટરી બૉવેલ ડિસીઝ અંતર્ગત ગણી શકાય અને એ છે અલ્સરેટિવ કૉલાઇટિસ. સામાન્ય રીતે સમજીએ તો આ રોગ એટલે આંતરડામાં અલ્સર થાય એટલે કે ચાંદાં પડે. આ રોગ ભારતમાં ખૂબ સામાન્ય ગણી શકાય એવો રોગ છે. આ રોગનું જલદી નિદાન આવશ્યક છે. એનો ઇલાજ અતિ આવશ્યક છે અને ઇલાજ પછી પણ અમુક પ્રકારની તકેદારી જરૂરી છે. એ વિશે જાણીએ વિસ્તારથી.

કારણ અજ્ઞાત

અલ્સરેટિવ કૉલાઇટિસમાં મોટા આંતરડાની લાઇનિંગ પર ચાંદાં થઈ જાય છે જેને લીધે એમાં સોજો આવે છે. એની શરૂઆત આંતરડાના નીચેના ભાગથી થાય છે અને ધીમે-ધીમે એ ઉપર તરફ ફેલાયને આખા આંતરડામાં ફેલાઈ જાય છે. આ રોગ મોટા ભાગે ૩૫-૫૦ વર્ષની ઉંમરના લોકોમાં જોવા મળતો રોગ છે, પરંતુ આજકાલ નાનાં બાળકોમાં પણ આ રોગ જોવા મળતો હોય છે. આ રોગ થવાનું કારણ મેડિકલ સાયન્સ હજી સુધી શોધી શક્યું નથી. પહેલાં લોકોને એવું હતું કે સ્ટ્રેસ અને ખોટી લાઇફ-સ્ટાઇલને લીધે આ રોગ થાય છે, પણ આજની તારીખે એ સાબિત થઈ ચૂક્યું છે કે સ્ટ્રેસ અને ખોટી લાઇફ-સ્ટાઇલ આ રોગને બળ આપે છે, પરંતુ આ રોગ થવાનું કારણ એ નથી. આમ જ્યારે આ રોગનું કારણ આપણે જાણતા નથી તો આ રોગને રોકી શકવો આપણા હાથમાં નથી, પરંતુ જે આપણા હાથમાં છે એ છે એનું સમયસર નિદાન.

ચિહ્નો

આંતરડામાં ચાંદાં પડે એનાં અમુક ખાસ ચિહ્નો છે, પરંતુ એ ચિહ્નોને ઓળખવામાં લોકો ઘણી વાર મોડું કરી બેસે છે જેને લીધે આ રોગ આંતરડામાં ફેલાતો જાય છે. આ વાત સ્પષ્ટ કરતાં ઝેન હૉસ્પિટલના ફાઉન્ડર અને ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. રૉય પાટણકર કહે છે, ‘મોટા ભાગે આંતરડામાં ચાંદાં પડે એ અવસ્થાને લોકો મરડો સમજી બેસે છે અને ઘરગથ્થુ ઉપાયો ચાલુ કરી દે છે, જેને લીધે આ રોગ વધી જાય છે અને પછી એને કન્ટ્રોલમાં લાવવો મુશ્કેલ બની શકે છે. આ રોગમાં પેટમાં મરોડ ઊઠે છે. ઝાડા થઈ જાય છે અને પૂંઠમાંથી લોહી નીકળે છે. આ દરમ્યાન તાવ આવી જાય કે ભૂખ જ મરી જાય એવું પણ બને. મરડાથી આ રોગ કઈ રીતે અલગ પડે છે એ સમજવું હોય તો ત્રણ ચિહ્નો યાદ રાખવાં. જો વ્યક્તિને ઝાડા થઈ ગયા હોય, મળમાં જો લોહી અને કફ જેવો પદાર્થ જતો હોય અને દરદીનું વજન ઊતરી ગયું હોય તો તેને આ રોગ હોઈ શકે છે. આ ચિહ્નોને ક્યારેય અવગણવાં નહીં તાત્કાલિક ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવવી. મોટા ભાગના લોકોને આ પ્રકારનાં ચિહ્નો જોવા મળે અને પછી એ ન દેખાય એટલે તેમને લાગે કે બધું ઠીક થઈ ગયું છે, પરંતુ એવા ભ્રમમાં રહેવાથી દરદીનું નુકસાન થાય છે.’



આ રોગ મટતો નથી

આ રોગનો ચોક્કસ ઇલાજ છે, પરંતુ એક વાર આ રોગ થયો એટલે માણસ જીવે ત્યાં સુધી તેણે કાળજી રાખવી પડે છે. આ વાત સમજાવતાં ડૉ. રૉય પાટણકર કહે છે, ‘આ રોગ ક્યારેય મટતો નથી, પરંતુ દવાઓથી એને કાબૂમાં લઈ શકાય છે. મહત્વની વાત એ છે કે આ રોગના દરદીઓ એ સમજે કે આ રોગને કાબૂમાં રાખવા માટે એની દવા દરરોજ લેવી જ પડે છે. દવાઓ જે વ્યક્તિ થોડો સમય લે છે અને પછી મૂકી દે છે એનું અલ્સર વધી જાય છે અને એની સ્થિતિ ભયજનક બની જાય છે. ઇલાજમાં દવા સાથે અમુક પ્રકારના લાઇફ-સ્ટાઇલ ચેન્જિસ પણ જરૂરી છે. આવા દરદીઓને દૂધ અમે બંધ કરાવીએ છીએ. દહીં, છાશ લઈ શકાય, પરંતુ દૂધ નહીં. ભારે ખોરાક પણ બંધ કરાવીએ છીએ. આ સિવાય આવા દરદીઓ સ્ટ્રેસમાં ન રહે એ પણ જોવું જરૂરી છે નહીંતર તેમનો રોગ વધી શકે છે. એક વખત રોગ કન્ટ્રોલમાં આવી જાય પછી તકલીફ થતી નથી. જ્યારે આ રોગ આખા આંતરડામાં ફેલાઈ જાય છે ત્યારે આવા અમુક ગંભીર કેસમાં સર્જરી કરવી પડે છે. સર્જરી દ્વારા આખું મોટું આંતરડું કાઢી નાખવામાં આવે છે.’

જ્યારે રોગ પર કન્ટ્રોલ ન રહે ત્યારે...

જે લોકોને અલ્સરેટિવ કૉલાઇટિસ છે એટલે કે આંતરડામાં ચાંદાં પડી ગયાં છે તેમને ભવિષ્યમાં કોલોન કૅન્સર થવાનું રિસ્ક ઘણું વધી જાય છે. કૅન્સર અને આ રોગ વચ્ચેનું કનેક્શન સમજાવતાં ડૉ. રૉય પાટણકર કહે છે, ‘એક વખત આ રોગ થયો એટલે એનો ઇલાજ જીવનભર ચાલે છે. જે લોકો એનો ઇલાજ છોડી દે છે તેમનો રોગ ઘણો વધી જાય છે અને આખા આંતરડામાં ફેલાઈ જાય છે. આ સિવાય જેમનું નિદાન મોડું થાય છે તેમનો પણ રોગ આખા આંતરડામાં ફેલાઈ જાય છે. જેને કારણે આ પ્રકારના લોકોમાં કૅન્સર થવાનું રિસ્ક ઘણું વધી જાય છે. માટે જો તમને અલ્સરેટિવ કૉલાઇટિસ રોગ હોય તો દર વર્ષે કૅન્સરથી બચવા માટે કોલોનોસ્કોપી કરાવવી જરૂરી છે, જેને કારણે જો કૅન્સરની શરૂઆત થવાની હોય તો તરત જ પકડાઈ જાય છે અને સર્જરી વડે આંતરડું કાઢી નાખીને કૅન્સરથી બચી શકાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2017 07:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK