પાચનશક્તિ મંદ પડી ગઈ હોવાથી બહારનું ખાવાથી ડાયેરિયા થઈ જાય છે
(ડૉ. ચેતન ભટ્ટ - ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટ)
સવાલ : છેલ્લા છ-સાત મહિનાથી પાચનશક્તિ સાવ નબળી પડી ગઈ છે. બહારનું કંઈ પણ ખાઉં એટલે ડાયેરિયા થઈ જાય છે. બાકી કાયમ કબજિયાતની તકલીફ રહે છે. મને પેટમાં પણ ઝીણો દુખાવો રહ્યા કરે છે. ડૉક્ટરે પંદર દિવસ લેવાની દવા આપી હતી. એ વખતે પેટના દુખાવામાં રાહત હતી. જોકે દિવસમાં ત્રણ-ચાર વાર તો પેટ સાફ કરવા જવું જ પડતું હતું. દવા પૂરી થયા પછી જેવું મેં કામ કરવાનું શરૂ કર્યું એટલે બહારનું ખાવાનું પણ થયું. એ પછી પેટના દુખાવામાં રાહત હતી. જોકે સારવાર લીધાના મહિના પછી ફરીથી અવારનવાર પાતળા ઝાડા થઈ જાય છે. શું કરવું?
ADVERTISEMENT
જવાબ : લાંબા સમયથી આમ અપચન અને ઝાડા થઈ જવાની તકલીફ હોય તો ફંક્શનલ બૉવેલ સિન્ડ્રૉમ હોઈ શકે છે. જોકે એની સાથે બીજાં કેટલાંક લક્ષણો છે કે નહીં એ ચેક કરવું જરૂરી છે. શું આ તકલીફને કારણે તમારું વજન ઊતરી ગયું છે? પાણી જેવો મળ નીકળે છે કે સાથે લોહી પણ દેખાય છે? રાતે ઊંઘમાંથી ઊઠીને ટૉઇલેટ જવું પડે છે? ઉપરોક્ત લક્ષણો હોય તો એક વાર બેરિયમ મીલ એક્સ-રે કરાવી લેવો જોઈએ. જો આવું કંઈ ન હોય તો ચિંતાને કારણ નથી.
બહારનું ખાવાનું તમને સદતું નથી અને એટલે એમાં પરેજી રાખ્યે જ છૂટકો છે. દૂધ, ચણાનો લોટ, ચાઇનીઝ પંજાબી, પનીર, પાણીપૂરી, ખાટી-મીઠી-તીખી ચટણીવાળી ચીજો ન ખાવી. હંમેશાં ગરમાગરમ ચીજો જ લેવી. જૂસ ન પીવો કે કેળાં અને ઠંડા પદાથોર્ પણ ન ખાવા. જો એ છતાં આ તકલીફ ચાલુ રહે તો કેટલીક રૂટીન બ્લડટેસ્ટ કરાવવી. જેમ કે CBC, ESR, Blood Sugar, Thyroid, Vitamin B12 બ્લડટેસ્ટ કરાવવી. સ્ટૂલટેસ્ટમાં પૅરેસાઇટ્સ અને Giardiasis ઇન્ફેક્શનનું પરીક્ષણ કરાવી લેવું. Giardiasis માં અપચાને કારણે નાના આંતરડામાં દુખાવો અને પાતળા-ચીકણા ઝાડા થાય છે. જો એનું નિદાન થાય તો દવાની ટ્રીટમેન્ટથી એ મટી શકે છે.


