ઘાટકોપર-વેસ્ટમાં એસએનડીટી કૉલેજની બાજુમાં આવેલા શિવાજી હૉલમાં આજે વીગન ફૂડની બજાર ભરાવાની છે

પ્રતીકાત્મક તસવીર
બહાર ખાવા જવું હોય અને એમાં પણ એકદમ હેલ્ધી ઑપ્શન શોધી રહ્યા હો તો વીગન સમર ફૂડ બજાર એક સારો ઑપ્શન છે. હેલ્ધી ખોરાકમાં વીગન અને ઑર્ગેનિક બંને પ્રકારની પ્રોડક્ટ્સ આજે આગળ પડતી છે ત્યારે આ બંનેનો સંગમ આ બજારમાં મળશે. ઘાટકોપર-વેસ્ટમાં એસએનડીટી કૉલેજની બાજુમાં આવેલા શિવાજી હૉલમાં આજે વીગન ફૂડની બજાર ભરાવાની છે. જુદી-જુદી બ્રૅન્ડનું વીગન ફૂડ ખરીદવા, ચાખવા અને મન ભરીને ખાવા માટે આ એક સારો મોકો છે. વીગન ફૂડ શાકાહારીથી પણ એક ડગલું આગળનું ફૂડ કહી શકાય, કારણ કે એમાં પ્રાણીજન્ય દૂધ કે દૂધની કોઈ પણ વસ્તુ વાપરવામાં આવતી નથી. છેલ્લા થોડા સમયથી પ્રકૃતિપ્રેમી લોકોમાં વીગન ફૂડનું મહત્ત્વ વધ્યું છે, પણ એની વરાઇટી બધે મળતી નથી જે અહીં મળી શકે છે. પિત્ઝા, બર્ગર કે આઇસક્રીમ જેવી પ્રોડક્ટ્સ જે દૂધ કે દૂધમાંથી બનતા ચીઝ સિવાય બની શકવા અશક્ય લાગે એ પણ વીગન એટલે કે દૂધ વગરની બની શકે છે અને એ વીગન ફૂડનો આનંદ તમે અહીં માણી શકશો. આ સિવાય આજે અહીં ઑર્ગેનિક ફાર્મર્સ માર્કેટ પણ યોજાશે. એમાં જુદી-જુદી ઑર્ગેનિક બ્રૅન્ડની પ્રોડક્ટ્સ મળશે. એક વીગન કૅફેનું સેટ-અપ પણ મળશે. ત્યાં આરામથી બેસીને વીગન ફૂડને આરોગી શકશો.
ક્યારે? : ૨૮ મે
સમય : ૧૦ વાગ્યાથી ૭ વાગ્યા સુધી
ક્યાં? : શિવાજી હૉલ, ઘાટકોપર
કિંમત : ફ્રી એન્ટ્રી
રજિસ્ટ્રેશન : જરૂરી નથી