ઠાકરે ઑડિટોરિયમ પાસે આવેલા ભૂમિ કોલ્હાપુરી મિસળની ખૂબી એ છે કે એની તમતમાટ બોલાવતી તીખાશ પાણી પીતાંની સાથે જ શમી જાય છે, જે નૅચરલ તીખાશની નિશાની છે
ઑથેન્ટિક કોલ્હાપુરી મિસળનો સ્વાદ બોરીવલીના આંગણે
ગુજરાતી નાટકોના ફેસ્ટિવલ યોજાતા રહ્યા છે તો એકાંકી કૉમ્પિટિશન પણ થતી રહે છે, પણ હમણાં ગુજરાતી નાટકોના કલાકાર-કસબીઓ વચ્ચે એક ક્રિકેટ-સ્પર્ધાનું આયોજન થયું અને મેં પણ એમાં હોંશે-હોંશે ભાગ લીધો. જોકે આ ઉંમરે જો સીધા ક્રિકેટ રમવા મેદાનમાં ઊતરીએ તો કાં તો હાડકાં ભાંગે અને કાં તો પગ કે કમર મચકોડાઈ જાય. આપણે નક્કી કર્યું કે કરીએ પ્રૅક્ટિસ અને મારી સાથે જોડાયો ઍક્ટર સૌનિલ દરૂ અને અમે રવાના થયા બોરીવલીના બૉક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જવા. રસ્તામાં મને યાદ આવ્યું કે ગુજરાતી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર અમર સોલંકી જેને બધા પ્રેમથી ડૅની કહે છે તેણે મને મેસેજ પર કહ્યું હતું કે ‘બોરીવલીમાં પ્રબોધન ઠાકરેવાળી ગલીમાં ભૂમિ કોલ્હાપુરી મિસળ નામની નાનકડી હાટ શરૂ થઈ છે. એનું મિસળ અદ્ભુત છે. એક વાર ટેસ્ટ કરજે.’
બોરીવલીમાં આપણે ચંદાવરકર રોડ પર આવેલી રાજમહેલ હોટેલવાળી ગલીમાં અંદર જઈએ એટલે આ ભૂમિ કોલ્હાપુરી મિસળ હાઉસ આવે છે. મેં તો જઈને આપ્યો ઑર્ડર અને જોવા માંડ્યો રાહ. જોકે મિસળ આવતાં વાર લાગી એટલે પૂછતાં ખબર પડી કે એ લોકોને ત્યાં મિસળ ફ્રાઇડ હોય છે. મને પડ્યો રસ. વધારે પૂછપરછ કરી તો ખબર પડી કે સફેદ વટાણા અને મટકી એમ બન્ને મિસળ મળે છે અને એ લોકો બન્ને સૅપરેટ મિસળ પણ આપે અને મિક્સ જોઈતું હોય તો એમ પણ આપે. આપણે તો કહી દીધું કે ભાઈ આપણું મિક્સ મિસળ જ બનાવજો.
આવ્યું મારું મિસળ. જોતાં જ ખબર પડી જાય એવું તીખું-તમતમતું લાલચટક મિસળ અને સાથે કાંદા અને લીંબુ. મિસળ અને ઉપર આપણે જેને ચેવડો કહીએ એવું મિક્સ ફરસાણ. એકદમ સૉફ્ટ પાઉં અને મગજમાં તમતમાટ કરી મૂકે એવો સ્વાદ. સાહેબ, આ મિસળ ખાધા પછી ગૅરન્ટી સાથે કહીશ કે એકાદ કલાક મોઢામાંથી સ્વાદ ન જાય. હા, સૌથી સારી વાત એ હતી કે પાણી પીધા પછી સિસકારા બંધ થઈ ગયા હતા, જે રિયલ ઇન્ગ્રેડિયન્ટ્સની નિશાની છે. જો ભેળસેળવાળા કે પછી કેમિકલયુક્ત મસાલા વાપરવામાં આવે તો એની તિખાશ એવી તે કાતિલ હોય કે અડધો કલાક સુધી મોઢામાં ચટકારા બોલ્યા કરે, પણ જો મરચાંની જ તીખાશ હોય તો એ પાણીની સાથે શમી જાય. બીજી અગત્યની વાત ઑથેન્ટિક કોલ્હાપુરી મિસળનો સ્વાદ. તમને એમ જ લાગે કે કોલ્હાપુર જઈને તમે મિસળ ખાઈ રહ્યા છો.
અહીં સાદું મિસળ પણ મળે છે અને ઉસળ પણ આપે છે એટલે જો તમે મિસળ-ઉસળના શોખીન હો અને તીખાશ તમારા લોહીમાં હોય તો જવાનું ચૂકતા નહીં - ભૂમિ કોલ્હાપુરી મિસળ, પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમવાળી ગલીમાં.

