આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો ફોર્ટની આઇકોનિક યઝદાની બેકરીના બન મસ્કા
યઝદાની બેકરી
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ આપણે મુંબઈના આઇકોનિક ઈરાની કૅફે વિશે વાત કરી હતી. આજે મહિના અને વર્ષના અંતે ફરી આપણે ‘બોમ્બે’ની સફર જવાનું છે. મુંબઈના ફોર્ટ (Fort) વિસ્તારમાં આવેલી ‘યઝદાની બેકરી’ (Yazdani Bakery) એક ઐતિહાસિક સીમાચિહ્ન છે, જે 60 વર્ષથી વધુ સમયથી ફ્રેશ બેક્ડ વાનગીઓ સર્વ કરે છે. બ્રુન-મસ્કા માટે જાણીતી આ બેકરી દાયકાઓથી તેના સ્વાદ અને ક્વોલિટીને કારણે લોકો અહીં આવવાનું ખૂબ પસંદ કરે છે.
ADVERTISEMENT
મહેરવાન ઝેન્ડ નામના ઈરાની વ્યક્તિ દ્વારા 1950માં સ્થપાયેલી, યઝદાની બેકરી (Sunday Snacks)નો ઈતિહાસ 1900ના દાયકાની શરૂઆતનો છે, જ્યારે મહેરવાનના દાદા ઈરાનના યઝદ શહેરથી બોમ્બે આવ્યા હતા અને શહેરના મધ્યમાં એક નાની બેકરી શરૂ કરી હતી. આ બેકરી સફળ રહી અને વર્ષોથી, તે સ્થાનિકો અને પ્રવાસીઓમાં લોકપ્રિય સ્થળ બની ગયું. મહેરવાને, તેમના દાદાનો શોખ વારસામાં મળ્યો હતો, તેમણે બેકરી શરૂ કરવાનું નક્કી કર્યું, જેનું નામ તેમણે ઈરાનમાં તેના વતન, યઝદ પર રાખ્યું.

યઝદાની બેકરી (Sunday Snacks) તેની સ્વાદિષ્ટ બ્રેડ અને બિસ્કિટ માટે જાણીતી છે. બેકરીએ વિન્ટેજ કેશ રજિસ્ટર અને જૂની-શૈલીના બ્રેડ ઑવન સહિત તેની મૂળ સજાવટ જાળવી રાખી છે. બેકરીની દિવાલો બ્લેક ઍન્ડ વ્હાઇટ ફોટોઝથી શરગારેલી છે, જે તેના નોસ્ટાલ્જિક વાતાવરણમાં ઉમેરો કરે છે.

અહીં તમને બ્રુન-મસ્કા (કડક બન), બન-મસ્કા (સોફ્ટ બન), ખારી, વિવિધ બિસ્કિટ મળશે, સાથે જ માવા કેક પણ મળશે. જોકે, હાલ અહીં બેસવાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે, પણ આ બધી જ આઇટમો તમને ફ્રેશ મળશે. હાલ બેકરીનું સંચાલન કેટલાક સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે. આ જગ્યાએ પહેલા એક રેસ્ટોરન્ટ પણ હતી, પરંતુ થોડા વર્ષો પહેલા તેને બંધ કરી દેવામાં આવી હતી. હવે, ત્યાં માત્ર એક બેકરી છે. આ પડતી છતાં ક્વોલિટીમાં કોઈ ફરક પડ્યો નથી. અહીંનું મસ્કા-બન શહેરમાં મળતા અન્ય મસ્કા-બન સાથે સ્પર્ધામાં પહેલા ક્રમે આવે એવું છે.
અહીં કામ કરતી એક વ્યક્તિએ પોતાનું નામ ન આપતા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે, “બેકરીને ફરી ધમધમતી કરવા માટે ચર્ચા ચાલુ છે. અમે બેકરીને તેના મૂળ સ્વરૂપમાં ફરી શરૂ કરવા માટે આતુર છીએ. આમાં કેટલો સમય લાગશે તે હાલ કહી શકાય એમ નથી.”
View this post on Instagram
તો હવે આ રવિવારે યઝદાની બેકરીની મુલાકાત જરૂર લેજો. તે માત્ર એક બેકરી નથી, પરંતુ એક સાંસ્કૃતિક સંસ્થા છે જે શહેરના ઇતિહાસ અને ઓળખનો અભિન્ન ભાગ રહી છે. આપણે ફરી મળીશું આવતા આવતા વર્ષે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.


