આજે ટ્રાય કરો મલ્હાર ઠાકરના ફેવરેટ વડાપાઉં

મલ્હાર ઠાકર અને તેમના ફેવરેટ વડાપાઉં
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
બહાર ગામથી કોઈ મુંબઈ આવે એટલે પહેલું વાક્ય એ જ બોલાય કે “ભાઈ, મુંબઈના વડાપાઉં ખાવા છે!” ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર પણ જ્યારે મુંબઈ આવે ત્યારે તેમને વડાપાઉં (Malhar Thakar’s Favorite Vada Pav)નું ક્રેવિંગ થાય છે અને તેઓ પ્રેમથી મુંબઈના વડાપાઉં આરોગે છે. મુંબઈમાં વડાપાઉંના સ્ટૉલ્સ તો ગલીએ-ગલીએ છે - બધાનો ટેસ્ટ જુદો અને યુનિક - પણ શહેરમાં ઘણા એવા સ્ટૉલ્સ છે, જેમનાં વડાપાઉંનો સ્વાદ માણવા લોકો દૂર-દૂરથી આવે અને એક વડાપાઉં ખાવા માટે લાંબી લાઇનમાં ઊભા રહે છે.
આવી જ એક જગ્યા બાંદરા (Bandra)માં આવેલી છે. બાંદરામાં આ નામ ઘણું જાણીતું છે. આજુબાજુના લોકો તો અહીં મળતા વડાપાઉંના દિવાના છે જ, પણ ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર (Malhar Thakar)ને સુદ્ધાં આ વડાપાઉંના સ્વાદનો ચટકો લાગ્યો છે. તેઓ જ્યારે-જ્યારે મુંબઈ આવે છે, ત્યારે અહીં જવાનો આગ્રહ ચોક્કસ રાખે છે. બાંદરાના આ ફેમસ વડાપાઉં કયા છે તમે જાણો છો?
આ જગ્યા છે બાંદરા ઈસ્ટના ખેરવાડી વિસ્તારમાં, નામ – પાટીલ વડાપાઉં (Patil Vada Pav). છેલ્લાં ૪૦ વર્ષથી અહીં ગરમા-ગરમ વડાપાઉં ખાવા લોકો પડાપડી કરે છે. બીજે મળતા વડાપાઉં કરતાં જુદા અહીં વડા દડા જેવા ગોળ નહીં પણ દાળવડા જેવા ચપટા બને છે. વડાનો ટેસ્ટ એકદમ જ બેલેન્સ્ડ છે એટલે તીખી/મીઠી ચટણી સાથે તમે તમને ભાવતો ટેસ્ટ માણી શકો છો.
પાટીલના વડાપાઉંના વખાણ કરતાં મલ્હાર ઠાકર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવે છે કે, “અહીંના વડાપાઉંની મજા એ છે કે ટેસ્ટ ઑથેન્ટિક છે. તમારી સામે જ વડાપાઉં બને છે – મસાલો ફ્રોઝન નથી હોતો. સાથે જ અહીં વડાપાઉં હાથથી જ બને છે કોઈ મશીન નથી એટલે તેની ઑરિજનલિટી જળવાયેલી છે. ઉપરાંત અહીં પીસેલા નહીં ખાંડેલા મસાલાનો ઉપયોગ થાય છે, જેને કારણે તેના ટેસ્ટમાં વધારો થાય છે. આવી ચટણી પણ બીજે મળતી નથી.”
દુકાન પર હાજર નાગેશ પાટીલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે, “પાટીલ વડાપાઉં મારા પિતાએ ૪૦ વર્ષ પહેલાં શરૂ કર્યા હતા. આજે પણ તેઓ જ આ દુકાન સાંભળે છે. આ વડાપાઉંની રેસિપી પણ તેમણે જ તૈયાર કરી છે.
આ પણ વાંચો: Sunday Snacks: સસ્તા-સારા-ટેસ્ટી ફલાફલ ખાવા છે?
તો હવે બાંદરા જાઓ તો મલ્હાર ઠાકરના ફેવરેટ વડાપાઉં ખાવાનું ચૂકતા નહીં. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.