આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો સતનામ ફાસ્ટફૂડ સેન્ટરની સ્પેશિયલ સૂકી ભેળ
તસવીર: મેપ્સ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો.’
કોઈ તમને આવીને એવું પૂછે કે ભેળ ખાવી છે? તો ભેળ સાથે દરિયા કિનારો પહેલાં યાદ આવે, પણ શું તમે જાણો છો કે મુંબઈ (Sunday Snacks)માં ગિરગામ ચોપાટી અને સાંતાક્રુઝ જુહુ ચોપાટી પર ભેળ ક્યારથી મળવા લાગી? આમ તો બન્ને જગ્યાએ ભેળ ક્યારથી વેચાવા લાગી એનાં કોઈ સિદ્ધ પુરાવા મળતાં નથી, પણ મળે છે એક વાર્તા.
ADVERTISEMENT
જાણીતા ઇતિહાસકાર દીપક મહેતાએ ‘ગુજરાતી મિડ-ડે’માં છપાયેલા તેમના એક લેખમાં આ વાર્તા શેર કરી છે. આ વાત એ સમયની છે જ્યારે આપણા દેશમાં કંપની સરકારનું રાજ હતું. એ વખતે લશ્કરમાં સૈનિકો, અફસરો બધા ગોરા. વિલાયતથી વહાણમાં બેસીને લશ્કરની ટુકડીઓ મુંબઈ આવે. હવે આ ગોરા સૈનિકો જેવું ખાવાને ટેવાયેલા એવું રાંધનાર તો અહીં કોઈ મળે નહીં. એટલે ટુકડીની સાથે એક-બે રસોઇયા પણ આવે. એકવાર આવો જ એક રસોઇયો, નામે વિલિયમ હેરલ્ડ મુંબઈ આવ્યો હતો. એક વખત ઉપરી અધિકારીએ વિલિયમ હેરલ્ડને કહ્યું કે, ‘અહીંના લોકો ખાતા હોય એવી કોક વાનગી શીખીને તું મારે માટે બનાવ.’
વિલિયમજી તો મુંબઈના બધા ખૂણા-ખાચરા ફર્યા અને ગિરગામ ચોપાટી પર તેમને એક ટોળું કંઈક ખાતું દેખાયું. તેમણે વેચનારને પૂછ્યું આ શું છે? અને સાથે જ ભેળ ચાખીય ખરી. રીત જાણી અને સામાન લઈ આવ્યા બરાકમાં, સાંજે તેમણે બનાવેલી ભેળ (Bhel) ખાઈને સાહેબ તો રાજીના રેડ થઈ ગયા અને આવું જ ‘બીજું કંઈક’ શોધી લાવવા કહ્યું. વિલિયમજી તો ફરી નીકળ્યા, પણ આ વખતે ‘બીજું કંઈક’ ન મળ્યું. સાહેબ ગુસ્સે થયા અને વિલિયમજી પરલોક સિધાવ્યા.
વૅલ આ તો વાત થઈ ઇતિહાસની પણ વર્તમાન અને ભવિષ્યમાં તમારે જો મસ્ત અને ટેસ્ટી ભેળ ખાવી હોય તો ક્યા જવું? એ સવાલનો જવાબ અમે આજે લઈ આવ્યા છીએ. મહાવીરનગરમાં નંદુ ઢોસાવાળાની બરાબર બાજુમાં આવેલી છે ‘સતનામ ફાસ્ટફૂડ સેન્ટર’ (Satnam Fast Food Center). આ જગ્યા ખૂબ જ જાણીતી છે તેની ભેળ, ચાટ આઇટમ્સ અને રાઇસ માટે.
ખાસ તો લોકો અહીંની સૂકીભેળ ખાવા માટે પડાપડી કરે છે. સતનામની સૂકી ભેળની ખાસિયત છે તેની ફૂદીના મરચાંની સૂકી ચટણી. પ્લેટમાં ભેળ સાથે અહીં સૂકી ચટણી પણ એકસ્ટ્રા ચટણી પણ મળે છે. એટલે જેને જેટલું તીખું ભાવે એ પ્રમાણે ભેળવીને ખાય શકે.
ભેળ ઉપરાંત અહીંનું લિક્વિડ ચીઝ મસાલા પાઉં પણ મસ્ટ ટ્રાય છે. તો હવે આ રવિવારે જજો મહાવીરનગર ભેળ ખાવા. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.


