હા, ૧૯૬૯માં શરૂ થયેલી ટિબ્સ કંપનીની ફ્રૅન્કી રોલ પર મોનોપૉલી હતી. એની જ ફ્રૅન્ચાઇઝી લઈને લોકો એ વેચતા પણ પછી ધીમે-ધીમે બનાવવાની રીત પકડાતી ગઈ એટલે લોકો ફ્રૅન્ચાઇઝી છોડી પોતાના રોલ બનાવવા માંડ્યા પણ સાહેબ, રીત પકડાઈ હતી, સ્વાદ થોડો પકડાયો હતો?
ફૂડ ડ્રાઇવ
તમને ખબર છે, આ ફ્રૅન્કી પેટન્ટ નેમ છે?
છેલ્લા કેટલાક સમયથી મને મેઇલ આવતી હતી કે છેક અમેરિકા અને ગુજરાત ફૂડ ડ્રાઇવ કરવા જાઓ છો તો એકાદ લોખંડવાલા કે અંધેરીમાં પણ કરો જેથી અમે એને માણી શકીએ.
મિત્રો, અમારો લોખંડવાલા ખૂબ જ મૉડર્ન એરિયા છે. હા, અહીં સ્ટ્રીટ ફૂડવાળા બહુ નથી એટલે એના વિશે વિચાર ન આવે, પણ સુખદ આશ્ચર્ય વચ્ચે મારા ધ્યાનમાં લોખંડવાલાના શાસ્ત્રીનગરમાં આવેલી ‘ટિબ્સ ફ્રૅન્કી’ રોલના પાર્લર પર પડી. આ ટિબ્સ ફ્રૅન્કીની જરા વાત કરું.
૧૯૬૯થી ટિબ્સની ફ્રૅન્કી મળે છે. આપણા રોજિંદા જીવનમાં ફ્રૅન્કી રોલ હમણાં ભલે આવ્યા, પણ હકીકત એ છે કે આ જે ફ્રૅન્કી શબ્દ છે એ પેટન્ટ નામ છે જે આ ટિબ્સ કંપનીએ આપેલું છે. વર્ષોથી આપણે ત્યાં નાના ખૂમચા પર આ ટિબ્સના ફ્રૅન્કી રોલ મળતા પણ ધીરે-ધીરે ખૂમચાવાળાને લાગવા માંડ્યું કે આ રોલ બનાવવા ઈઝી છે તો શું કામ આપણે ટિબ્સને ફ્રૅન્ચાઇઝીના પૈસા આપવાના?
ADVERTISEMENT
આ જ વિચાર સાથે બધાએ પોતપોતાની રીતે રોલ બનાવવાના સ્ટૉલ શરૂ કરી દીધા અને ફ્રૅન્કી નામને બાજુ પર મૂકી દરેકે પોતાનું વર્ઝન શરૂ કરી દીધું પણ એને લીધે બન્યું એવું કે એ ફ્રૅન્કી ટિબ્સ જેવી હાઇજિનિક રહી નહીં ને સ્વાદમાં પણ બાંધછોડ થવા માંડ્યો. એ રોલમાં જે ટમેટો કેચપ હોય છે એ હલકી કક્ષાનો હોય છે અને સ્વાસ્થ્ય માટે હાનિકર્તા હોય છે. આ ઉપરાંત રોલમાં નાખવામાં આવતી શાકભાજીની ગુણવત્તા સામે પણ પ્રશ્નો હોય છે. ઍનીવેઝ, ફરી આવી જઈએ આપણે આ ટિબ્સ કંપનીની વાત પર.
ટિબ્સ આજે પણ ચાલે છે. એની પ્રેઝન્સ બહુ ઓછી જગ્યાએ હતી, પણ હવે ધીરે-ધીરે એનો ફેલાવો વધી રહ્યો છે. હું નાનો હતો ત્યારથી ફ્રૅન્કી ખાતો આવ્યો છું અને એ આ ફ્રૅન્કી ટિબ્સ કંપનીની જ હોય. ટિબ્સની ફ્રૅન્કીમાં ગેમ ચેન્જર શું છે એની વાત કરું તમને. એમાં આવતું વેજ કે પનીરનું પૂરણ આખેઆખી બાજી બદલી નાખે છે.
ફ્રૅન્કીમાં કોઈ જાતનાં કેચપ કે બીજા સૉસ નથી હોતાં પણ એક ખાસ મસાલો છે. ને એ કંપનીની પોતાની ફૉર્મ્યુલા છે. જો હું ભૂલ ન કરતો હોઉં તો એમાં આમચૂર, કાળાં મરી, તજનો સ્વાદ તો આવે જ છે પણ એ સિવાય પણ બીજા મસાલા હશે. ટિબ્સે ફ્રૅન્ચાઇઝી વધારવાની શરૂ કરતાં હવે આપણને સાચા અર્થમાં ખબર પડવી શરૂ થશે કે ઓરિજિનલ ફ્રૅન્કી કોને કહેવાય અને એનો સ્વાદ કેવો હોય?
એક વખત તમે પણ ટિબ્સની ફ્રૅન્કી ટ્રાય કરશો તો તમને પણ સમજાશે કે ખરેખર મોટા ભાગના લોકોએ આજ સુધી સાચી ફ્રૅન્કીનો ટેસ્ટ કર્યો જ નથી.