નૅચરલ અને હર્બલ રંગોવાળી હોળી મનાવ્યા પછી પેટપૂજામાં નૉર્થ ઇન્ડિયન સ્ટાઇલ ફૂડની જ્યાફત માણવાની ઇચ્છા હોય તો મુંબઈમાં ઠેર-ઠેર હોલી સ્પેશ્યલ પૅકેજિસ લૉન્ચ થયાં છે

થાલી ફૉર હોલી
નૅચરલ અને હર્બલ રંગોવાળી હોળી મનાવ્યા પછી પેટપૂજામાં નૉર્થ ઇન્ડિયન સ્ટાઇલ ફૂડની જ્યાફત માણવાની ઇચ્છા હોય તો મુંબઈમાં ઠેર-ઠેર હોલી સ્પેશ્યલ પૅકેજિસ લૉન્ચ થયાં છે. ઑથેન્ટિક દિલ્હી સ્ટાઇલ થાળી લઈને આવ્યું છે ફોર્ટની દિલ્હી હાઇવે રેસ્ટોરાં. આ થાળી વીક-એન્ડથી જ શરૂ થઈ ગઈ છે, જે આઠમી માર્ચ સુધી ચાલશે. બહુ બધી આઇટમો પીરસવાને બદલે અહીં ચુનંદી અને સિગ્નેચર કહેવાય એવી પંદરેક ડિશ થાળીમાં સમાવી છે. મૉકટેલ થોડું હેવી છે, જેમાં કેસર-બદામ ઠંડાઈ છે. રગડાદાર ઠંડાઈ પીને પેટ ભરી ન લેવું, કેમ કે એની પાછળ હજી ઘણું છે. ચાટમાં દહી ભલ્લે, સમોસા ચાટ અને પાણીપૂરીના શૉટ્સ છે. સ્ટાર્ટરમાં નરમ દિલ કે કબાબ, બ્રોકલી ચીઝ કી ટિક્કી, પેસ્તો મિની રોલ, ચિપોતલે પનીર ટિક્કા મળી ચાર ચીજોમાં દેશી-વિદેશીનું વેરિએશન છે. મેઇન કોર્સમાં બે સબ્ઝી શાહી પનીર અને વેજ તવા અચારી મસાલા છે અને સાથે કઢી પકોડા અને દાલ મખની ચાવલ કે લખનવી બિરયાની સાથે લઈ શકાય એમ છે. મસાલા રોટી અને બટર નાન એમ બે રોટી ઑપ્શન છે. હોળી છે એટલે ડિઝર્ટમાં ચાર આઇટમ છે. માલપપૂઆ વિથ રબડી, શાહી ટુકડા, ગુલકંદ આઇસક્રીમ અને રોઝ લસ્સી. જે ખાવું હોય અને જેટલું ખાવું હોય એટલું.
ક્યાં?: દિલ્હી હાઇવે, ૧૦૫ મિસ્ત્રી મૅન્શન, ફોર્ટ
કિંમત : ૬૫૦ રૂપિયા (રવિ-સોમ) અને ૭૪૯ રૂપિયા (મંગળ-બુધ)