ઘરના રસોડાને નાનું દવાખાનું કહેવામાં આવે છે, કારણ કે રસોડામાં જે મસાલા વાપરવામાં આવે છે એનો ઉપયોગ ઔષધિ તરીકે પણ કરી શકાય છે.
મસાલા મેજિક
પ્રતીકાત્મક તસવીર
ઉનાળો આવી ગયો છે અને ઘર-ઘરમાં બારેમાસનાં અનાજ અને મસાલા ભરવાનો સમય આવી ગયો છે. મરચું, હળદર, ધાણાજીરું, આખું જીરું, હિંગ જેવા રોજબરોજના વપરાશમાં આવતા આ મસાલા આપણી જિંદગીનો એક અભિન્ન હિસ્સો છે. મસાલા વગરનું ભોજન આપણે વિચારી પણ શકીએ એમ નથી.
હળદર
હળદર અનેક રોગોની સસ્તી અને રામબાણ દવા છે. હળદર કૃમિનાશક અને રુક્ષ છે એથી પ્રમેહ, સોજા, પાંડુરોગ, ખાંસી, કમળો, કોઢ અને વાયુનો નાશ કરનારી છે. દરેક પ્રકૃતિના લોકો નિર્ભય રીતે લઈ શકે છે. એના સેવનથી કોઈ હાનિનો ભય રહેતો નથી. વાત, પિત્ત અને કફ ત્રણેયની વિકૃતિમાં આ વપરાય છે. વધુપડતા આમને પચાવવાનો ખાસ ગુણ છે. હળદરનો ધુમાડો અને હળદરનું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી મલેરિયાના ચેપથી રક્ષણ મળે છે. કમળામાં હળદરને દહીં સાથે આપવામાં આવે છે. શીતળાના રોગમાં આમલીનાં પાન અને હળદર ઠંડા પાણીમાં વાટીને પીવાથી શીતળા નીકળી જાય છે. પેશાબમાં પરુ જતું હોય તો આમળાના રસમાં મધ અને હળદર નાખીને પીવાથી ખૂબ લાભ થાય છે. હરસમાં હળદરને શેકીને કુંવારપાઠુના ગર્ભમાં મેળવીને સાત દિવસ સુધી...
સામાન્ય રીતે ભારતમાં બધે જ હળદર લગભગ દરેક વાનગીમાં વાપરવામાં આવે છે, પરંતુ ગુજરાતીઓ જ છે જે હળદરને લોટમાં નાખીને થેપલાં બનાવે છે. સામાન્ય રીતે દરરોજના ખોરાકમાં ગણતરી કરીએ તો નિયમિતરૂપે આપણે અડધીથી એક ચમચી હળદર ખાઈએ છીએ, જે હેલ્થની દૃષ્ટિએ બેસ્ટ માની શકાય. હળદર વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘બધા મસાલાઓમાં શ્રેષ્ઠ હળદર છે જે ઍન્ટિસેપ્ટિક, એન્ટિઇન્ફલેમેટરી તરીકે કામ કરે છે. એમાં કર્ક્યુમિન નામનું તત્ત્વ છે જે ખૂબ જ ઉપયોગી છે. ક્યાંક વાગ્યું હોય અને લોહી નીકળે ત્યાં હળદર છાંટવાથી લોહી બંધ થઈ જાય છે. કફમાં હળદરને દૂધ સાથે લેવાથી કે હળદરને મધ સાથે લેવાથી ઘણો ફાયદો થાય છે. સ્કિન માટે પણ હળદર શ્રેષ્ઠ ઔષધ છે. સન-ટૅન કે પિમ્પલ્સ જેવા પ્રૉબ્લેમમાં હળદરને સ્કિન પર લગાવવાથી ઘણી રાહત મળે છે. આ સિવાય એનાથી યાદશક્તિ વધે છે. એ આર્થ્રાઇટિસ, કૅન્સર, ઑલ્ઝાઇમર્સ જેવા રોગોથી રક્ષણ આપે છે અને લોહીને સાફ રાખે છે.’
ઘરના રસોડાને નાનું દવાખાનું કહેવામાં આવે છે, કારણ કે રસોડામાં જે મસાલા વાપરવામાં આવે છે એનો ઉપયોગ ઔષધિ તરીકે પણ કરી શકાય છે. એમાંનો ખૂબ ઉપયોગી એક મસાલો છે હળદર, જેને સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે. ડાયાબિટીઝ અને કૅન્સર જેવી બીમારી માટે હળદરને ગુણકારી માનવામાં આવે છે. શરીરના સ્વાસ્થ્યને સારું રાખવા માટે બ્લડ સર્ક્યુલેશન નૉર્મલ હોવું જરૂરી છે. હળદરમાં રહેલા ગુણો શરીરના રક્તપરિભ્રમણને સુધારે છે અને ડિટૉક્સ કરે છે, જેને કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટી શકે છે.
જે લોકોને શ્વાસ અને પાચન સંબંધી સમસ્યા હોય તેમને પણ હળદરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. વિટામિન-સી, કૅલ્શિયમ, ફાઇબર, એનર્જી, આયર્ન, હળદરમાં વિટામિન-ઈ, પ્રોટીન અને સોડિયમ જેવાં ઘણાં પોષક તત્ત્વો મળી આવે છે.અલ્ઝાઇમર મગજને લગતો રોગ છે. આવી સ્થિતિમાં, આ રોગથી પીડિત વ્યક્તિના આહારમાં હળદરનો સમાવેશ કરવો ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે હળદરમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે, એ અલ્ઝાઇમરની સ્થિતિ સામે લડવામાં તેમ જ તમારા મગજના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે.
હળદર એવા લોકો માટે ખૂબ ફાયદાકારક છે જેમને વારંવાર સાંધાના દુખાવા અથવા સંધિવાના દરદીઓ હોય છે. આર્થ્રાઇટિસના દરદીઓ તેમના આહારમાં હળદરવાળા દૂધનો સમાવેશ કરીને પીડા અને બળતરાની સમસ્યામાંથી રાહત મેળવી શકે છે. મોસમી રોગ માટે પણ હળદર અસરકારક સાબિત થાય છે. હળદરનો ગાંગડો નિયમિતપણે ચૂસવાથી ઉધરસમાં રાહત મળે છે. આ ઉપરાંત હળદર શેકીને એમાં અડધી ચમચી મધ અથવા દેશી ઘી સાથે એનું સેવન કરવામાં આવે તો લાભ થાય છે. પુરુષોની એવી અનેક સમસ્યા છે જેમાં હળદરનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. દિવસભર ફિઝિકલ વર્ક કરતા પુરુષોને થાક લાગતો હોય છે અને બીજા દિવસે એ જ એનર્જી સાથે કામ કરી શકતા નથી. આવા સમયે જો હળદરવાળા દૂધનું સેવન કરવામાં આવે તો એ થાક દૂર કરે છે અને શરીરના સ્નાયુઓને આરામ આપે છે. હળદરના સેવનથી સ્નાયુઓ જલદી સ્વસ્થ થાય છે. આ ઉપરાંત પુરુષોને વાળ ખરવાની અને ટાલની સમસ્યા પણ કૉમન છે. હેરફૉલ અને ખોળા જેવી સમસ્યાને દૂર કરવા માટે હળદરને અલોવેરા જેલમાં મિક્સ કરીને લગાવવામાં આવે તો આ સમસ્યાથી છુટકારો મળી શકે છે.
મરચું
મરચાને ઘણા લોકો હેલ્થ માટે સારું માનતા નથી, પરંતુ શરીરનો રેઝિસ્ટન્સ પાવર વધારવા માટે એ ખૂબ ઉપયોગી તત્ત્વ છે એ બાબતે સહમત થતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘મરચામાં કૅપ્સેસીન નામનું તત્ત્વ હોય છે, જે ઍન્ટિઑક્સિડન્ટ તરીકે વર્તે છે. મરચામાં મૅગ્નેશિયમ, ફૉલિક ઍસિડ હોય છે જે શરીરની નસોને સ્ટ્રૉન્ગ બનાવે છે અને લોહીનું ભ્રમણ સુધારે છે. એ ઇન્ફેક્શન સામે લડવા માટે અને કૉલેસ્ટરોલ ઘટાડવા તેમ જ ડિટૉક્સિફિકેશન માટે અત્યંત ઉપયોગી છે. મરચું વ્યક્તિને ખોરાક ખાધાનો સંતોષ આપે છે. વળી મરચું હાર્ટની હેલ્થ માટે ખૂબ ઉપયોગી પદાર્થ છે. મરચું અસ્થમા અને શ્વાસનો પ્રૉબ્લેમ ધરાવતા લોકો માટે ખૂબ ગુણકારી છે. વળી એ લિવરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.’
લાલ મરચાંની તાસીર ગરમ હોય છે અને એમાં કૅપ્સેસિનનું પ્રમાણ વધારે હોય છે, જેને કારણે આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને ભૂખને ઘટાડવાનું કામ કરે છે. આ પ્રક્રિયામાં એ કૅલરી બર્ન કરવાનું કામ કરે છે. તમે તમારા આહારમાં કૅપ્સેસિનથી સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરી શકો છો. એ મેટાબોલિઝમ વધારવાનું કામ પણ કરે છે. લાલ મરચાંમાંથી વિટામિન-A, B6, C, પોટૅશિયમ, મૅન્ગેનીઝ અને ફ્લેવોનૉઇડ્સ જેવાં પોષક તત્ત્વો શરીરને મળી રહે છે જે ઘણી બીમારી સામે લડવામાં મદદરૂપ બને છે.
લાલ મરચું જો સપ્રમાણ ખાવામાં આવે તો આંતરડાના ગૅસ, પેટમાં દુખાવો, ઝાડા અને પેટની તકલીફ ઠીક કરવામાં પણ મદદ કરી શકે છે. એક અભ્યાસ અનુસાર લાલ મરચું સ્તન કૅન્સરના કોષનો વિકાસ અટકાવે છે. આ ઉપરાંત સાંધાનો દુખાવો અને અસ્થમા જેવી બીમારીઓથી પીડિત લોકો માટે લાલ મરચું ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત હૃદયરોગનું જોખમ અને શરીરમાં થતી બળતરાને ઘટાડવામાં પણ લાલ મરચું અસરકારક માનવામાં આવે છે. જોકે કઈ બીમારીમાં કેટલા પ્રમાણમાં એનું સેવન કરવું એ માટે નિષ્ણાતોની સલાહ લેવી ખૂબ જરૂરી છે.
મરી અને મીઠું પણ ભુલાય નહીં
મરી : પાચન સુધારે
કાળાં મરી તીખાં, કડવાં, ઉષ્ણ, રુચિકર, દીપક, રુક્ષ, પોષક અને પિત્ત કરનાર છે. એ વાત, વાયુ, કફ, કૃમિ, પ્રમેહ અને અર્શનો નાશ કરે છે. શરદી-સળેખમમાં ગરમ દૂધમાં મરી અને સાકર નાખીને આપવામાં આવે છે. મલેરિયામાં મરીના ચૂર્ણને તુલસીના રસ અને મધમાં મેળવીને આપવામાં આવે છે. સામાન્ય તાવમાં મરીને પાણીમાં ઉકાળી, એમાં સાકર નાખીને પિવડાવવામાં આવે છે. માણસ એકાએક બેભાન થઈ જાય તો મરીનું ચૂર્ણ આંખમાં આંજવું અથવા નાકમાં મરીનું ચૂર્ણ ફૂંકવાથી ફાયદો થાય છે. ચોમાસામાં કોઈ પણ વાનગીમાં મરી ભભરાવીને લેવાથી પાચન સુધરે છે. સૂપ અને સૅલડમાં કાળાં મરીનો પાઉડર અચૂક ભભરાવવો.
મીઠું : એના વિના બધું ફીકું
રસોડામાં બીજા મસાલા વગર કદાચ થોડો વખત ચાલી શકે, પણ મીઠા વગર બિલકુલ ન ચાલે. ગમે તે વખતે ઊલટી થાય, પિત્ત બહાર કાઢવાની જરૂર હોય ત્યારે ગરમ પાણીમાં મીઠું નાખીને પિવડાવવાથી વમન થઈ જાય છે. ટાઇફૉઈડ અને કૉલેરાનો વાયરો ચાલતો હોય ત્યારે રોજના ખોરાકમાં મીઠું વપરાય તો આ રોગ થવાના ચાન્સિસ ઘટે છે. દાઢ દુખતી હોય, પેઢાં ફૂલી ગયાં હોય ત્યારે મીઠાના પાણીના કોગળા કરવાથી આરામ મળે છે. પેટમાં શૂળ હોય ત્યારે મીઠું, જીરું અને અજમો વાટીને ફાકવાથી શૂળ શમે છે. મીઠાનો ઉપયોગ વધારે માત્રામાં કરવામાં આવે તો લોહી બગડે છે, ચામડીના રોગ પેદા થાય છે એથી ચામડીના વિકારોમાં અને લોહીની તકલીફમાં મીઠું ઓછું લેવું.