ગરમી શરૂ થઈ ગઈ છે એટલે આમ તો ઊંધિયાની સીઝન હવે ગઈ, પરંતુ જ્યાં ફ્યુઝન ફૂડની વાત હોય ત્યાં ટ્વિસ્ટ સાથે હજીયે ઊંધિયું પીરસાઈ શકે છે

ઊંધિયું ઓકોનોમિયાકી
ગરમી શરૂ થઈ ગઈ છે એટલે આમ તો ઊંધિયાની સીઝન હવે ગઈ, પરંતુ જ્યાં ફ્યુઝન ફૂડની વાત હોય ત્યાં ટ્વિસ્ટ સાથે હજીયે ઊંધિયું પીરસાઈ શકે છે. જો કોઈ જૅપનીઝ શેફને ગુજરાતી ઊંધિયામાં કંઈક ઇનોવેટિવ કરવાનું કહેવામાં આવે તો શું બને? એની કલ્પના કરવામાં મુશ્કેલી પડતી હોય તો બહુ દૂર જવાની જરૂર નથી. મુંબઈની બૉમ્બે કૅન્ટીન રેસ્ટોરાંનું મેનુ તમારી એ કલ્પનાને સાકાર કરી આપે છે. અહીં એક વાનગી છે ઊંધિયું ઓકોનોમિયાકી. ઊંધિયામાં શક્કરિયાં, બટાટા, સુરતી પાપડી અને લીલું લસણ જેવાં ઇન્ગ્રિડિયન્ટ્સ હોવાં મસ્ટ છે. આ શેફે આ ચીજો તેમની ડિશમાં સમાવી તો છે, પણ જરા અજીબોગરીબ રીતે. આ બધી ચીજોમાંથી પહેલાં તો પૅનકેક જેવો બેઝ તૈયાર કરવામાં આવ્યો છે. એના પર તીખી-તમતમતી લાલ ચટણી લગાવવામાં આવી છે. રીંગણને ચૂલા પર શેકીને એનો મસાલેદાર પલ્પ ચટણીના લેયર પર છે. એ સૌની ઉપર શક્કરિયાં અને બટાટાની એકદમ બારીક કતરીઓ કરેલી બેક્ડ ચિપ્સની સજાવટ છે. હવે આમાં તમે મનગમતાં મૂઠિયાં અને દાણાવાળાં શાક ક્યાં છે એવો સવાલ ન પૂછતા, કેમ કે આ બનાવનાર ગુજરાતી નહીં પણ જૅપનીઝ શેફ છે. આમ તો આ વર્ઝન નૉન-વેજમાં મળે છે, પણ ઑન ડિમાન્ડ તમે વેજિટેરિયન ડિશ તરીકે પણ બનાવડાવી શકો છો. સ્વાદમાં આ જૅપનીઝ ઊંધિયું કેવું લાગશે એ તો જાતે જ પ્રયોગ કરીને જોઈ લો.