આજે શીખો હેલ્ધી નાચણી શુગર ફ્રી ડિલાઇટ, નાચણી-ગાજરની ખીર અને લીલા વટાણાના ગોળા અને બાજરા પીત્ઝા
પ્રતીકાત્મક તસવીર
હેલ્ધી નાચણી શુગર ફ્રી ડિલાઇટ

ADVERTISEMENT
આશા ભાયાણી
સામગ્રી : ૧ વાટકો નાચણીનો લોટ, ૧/૨ વાટકી ઘી, ૪ વાટકા શેરડીનો રસ, એલચી પાઉડર, ૧/૨ વાટકી દૂધ, મિલ્ક પાઉડર બે ચમચી
રીત : એક નૉનસ્ટિક કડાઈમાં થોડું ઘી મૂકી નાચણીના લોટને શેકો. બરાબર ઘી સાથે મિક્સ થઈ જાય પછી એને એક બાઉલમાં કાઢી લો. એ જ કડાઈમાં શેરડીના રસને
ઊકળવા મૂકો. ઊકળે એટલે એમાં થોડું દૂધ નાખી રસમાંથી મેલ કાઢો. પછી નાચણીના લોટને ઊકળતા રસમાં નાખો. થોડું ઘી નાખી હલાવતા રહેવું જેથી કડાઈ સાથે લોટ ચોંટે નહીં. રસ ને લોટ મિક્સ થાય ત્યારે એમાં મિલ્ક પાઉડર નાખવો ને હલાવતા રહેવું. થોડું ઘી નાખવું. બધું
એકરસ થાય ત્યારે એલચી પાઉડર, કાજુ-બદામના ટુકડા નાખવા ને હલાવવું. ઘી છૂટું પડશે ત્યારે એને એક બાઉલમાં કાઢી લેવું. કાજુ-બદામથી ગાર્નિશ કરવું. આ વાનગી નાનાથી લઈને મોટા બધાને ભાવે એવી હેલ્ધી છે તો જરૂર
બનાવીને ચાખજો.
નાચણી-ગાજરની ખીર અને લીલા વટાણાના ગોળા

શોભના શાહ
નાચણી-ગાજરની ખીર માટેની સામગ્રીઃ ૨૦૦ મિલીલિટર દૂધ ફુલ ફૅટ, ૩ ટેબલસ્પૂન નાચણી (૭થી ૮ કલાક પલાળેલી), ૩ ટેબલસ્પૂન ગાજરનો જૂસ, પા ટીસ્પૂન ઇલાયચી પાઉડર, ચપટી જાયફળ, ૬થી ૮ નંગ કેસરના તાંતણા, એક ટીસ્પૂન કિસમિસ, થોડી ગુલાબની પાંખડીઓ, ૧ ટેબલસ્પૂન સાકર, એક ટીસ્પૂન ઘી
લીલા વટાણાના ગોળા માટેની સામગ્રીઃ ૨૫ ગ્રામ લીલા વટાણા (પારબૉઇલ કરી ક્રશ કરેલા), ૨૫ ગ્રામ ઘરે બનાવેલું પનીર, એક ટીસ્પૂન બદામની કતરણ અને થોડો ભૂકો, એક ટીસ્પૂન કાજુની કતરણ અને થોડો ભૂકો, એક ટીસ્પૂન તાજા નાળિયેરનું છીણ, એક ટેબલસ્પૂન સાકર, એક ટીસ્પૂન ઘી, પા ચમચી ઇલાયચી પાઉડર
રીત: સૌથી પહેલાં પલાળેલી નાચણીને મિક્સર જારમાં લઈ બે વખત ચાલુ-બંધ કરી નાચણીને અધકચરી મોટી ક્રશ કરવી. ક્રશ કરેલી નાચણીને પ્લેટમાં લઈ ઘી નાખી ચોળી લેવી. ગૅસની આંચ ધીમી રાખી માટીના વાસણમાં ક્રશ કરેલી નાચણીને ચમચાથી શેકી લેવી. ત્યાર બાદ એમાં ૧|૪ કપથી વધુ થોડું દૂધ અને ૧|૪ કપથી વધુ થોડું પાણી ઉમેરી ચમચાથી હલાવી ઢાંકણ ઢાંકી નાચણીને બાફી લેવી. ત્યાર બાદ ગૅસની ફ્લેમ બંધ કરી ઢાંકણ ઢાંકી વરાળે જ બફાવા દેવી. પૅનમાં ઘી ગરમ કરી લીલા વટાણા ઉમેરી બે મિનિટ સાંતળવું. ઘરે બનાવેલા પનીરને ૧ મિનિટ મસળી મુલાયમ કરી વટાણાના મિક્ષણમાં ઉમેરી મિક્સ કરવું.
હવે ઇલાયચી પાઉડર, કાજુની કતરણ અને ભૂકો, બદામની કતરણ અને ભૂકો, તાજા નાળિયેરનું છીણ ઉમેરી બધી જ વસ્તુઓ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવી.
મીડિયમ આંચ રાખી પૅનમાં સાકરને પીગાળી કૅરૅમલાઇઝ્ડ કરી બનાવેલા મિક્ષણમાં ઉમેરી વ્યવસ્થિત રીતે મિક્સ કરી મિક્ષણને પ્લેટમાં કાઢી લેવું.
ઠંડા થયેલા મિક્ષણના નાના-નાના ગોળા બનાવી લેવા.
કડાઈમાં પાણી લઈ કાંઠલો મૂકી પાણી ઉકાળી મધ્યમ આંચ રાખી લીલા વટાણાના ગોળાની ડિશ મૂકી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ સ્ટીમ કરવા માટે મૂકવું.
પૅનમાં સાકરને કૅરૅમલાઇઝ કરી ગાજરનો જૂસ અને બાફેલી નાચણીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી એકરસ થઈ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું. તૈયાર થયેલા મિશ્રણને ઠંડું કરવા માટે મૂકવું. સ્ટીમ થયેલા લીલા વટાણાના ગોળાને પ્લેટમાં કાઢી લેવા. માટીના ગરમ કરેલા પૉટમાં દૂધને ઉમેરી દૂધને ગરમ કરવા માટે મૂકવું. દૂધ ગરમ થઈ ગયા બાદ ગાજર અને નાચણીનું મિશ્રણ ઉમેરી દૂધ ઘટ્ટ ન થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું. ઘટ્ટ થયેલા દૂધમાં ઇલાયચી પાઉડર ઉમેરી ૧ મિનિટ સતત હલાવતા રહેવું. જાયફળ પાઉડર ઉમેરી દૂધને ૧ મિનિટ ઉકાળવું. તો તૈયાર છે નાચણી-ગાજરની ખીર. ખીરને નીચે ઉતારી ઠંડી કરવી. સજાવટના બાઉલમાં ખીર કાઢી લીલા વટાણાના ગોળાને ખીરમાં નાખી કિસમિસ, ગુલાબની પાંખડીઓથી સજાવીશું. તો તૈયાર છે ખાવા માટે નાચણી-ગાજરની ખીર અને લીલા વટાણાના ગોળા.
બાજરા પીત્ઝા

ઊર્વી પોપટ
સામગ્રી : બે કપ બાજરાનો લોટ, બે કપ ઘઉંનો લોટ, ૧ ૧/૨ ચમચી યીસ્ટ, બે ચમચી ખાંડ, મીઠું પ્રમાણસર, ૧-૨ ચમચી ઑલિવ ઑઇલ, ૧/૪ કપ પીત્ઝા સૉસ, ૧/૨ કપ કૅપ્સિકમ, ૧/૨ કપ બેલપેપર, ૧/૨ કપ ડુંગળીની રિંગ, ૧/૨ કપ મકાઈ, મોઝરેલા ચીઝ, ૧/૪ કપ બ્લૅક ઑલિવ ઑઇલ, ૧/૨ ચમચી ચિલી ફ્લેક્સ, ૧/૨ ચમચી ઑરેગૅનો, મરી પાઉડર
વિધિ : ૧) સૌપ્રથમ ખાંડ અને યીસ્ટને હૂંફાળા પાણીમાં ઉમેરી ઢાંકી પાંચ મિનિટ રાખો. યીસ્ટ ઍક્ટિવ થશે. એમાં બાજરાનો લોટ, ઘઉંનો લોટ અને મીઠું ઉમેરી મિક્સ કરો. જરૂર મુજબ પાણી અને ઑલિવ ઉમેરી મીડિયમ લોટ બાંધવો. ૨) બાઉલ પર કવર કરી બે કલાક હૂંફાળી જગ્યા રાખો. આથો આવી જશે. લૂવા બનાવી હાથે રોટલા બનાવી કાણાં પાડી અવનમાં શેકી લો. ૩) પીત્ઝા સૉસ, કૅપ્સિકમ, બેલપેપર, મકાઈ, આલાપીનો અને ડુંગળીની રિંગ મૂકો. ૪) ચીઝ, ઑલિવ્સ મૂકી અવનમાં ૨૦-૩૦ મિનિટ માટે બેક કરો. વચ્ચેથી કટ કરી ચિલીફ્લેક્સ ઑરેગૅનો અને મરી પાઉડર ઉમેરી ગરમાગરમ સર્વ કરો.


