Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



દાણેદાર દમદાર દાળવડાં

22 February, 2021 02:21 PM IST | Mumbai
Pooja Sangani

દાણેદાર દમદાર દાળવડાં

દાણેદાર દમદાર દાળવડાં

દાણેદાર દમદાર દાળવડાં


આમ તો હજી વરસાદની સીઝન આવી નથી, પરંતુ એવું થોડું છે કે દાળવડાંની વાત ચોમાસું બેસે ત્યારે જ થાય? જો એમ હોત તો ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ બારેમાસ દાળવડાં ઝાપટતા ન હોત. જો સાચું કહું તો અમદાવાદીઓ દાળવડાંના એવા શોખીન છે કે શહેરની એકેય દુકાનવાળા કે લારીવાળા કે જે આ કરકરું અને ટેસ્ટી ફરસાણ વેચે છે તે ક્યારેય નવરા બેસતા નથી. મગની દાળને પલાળીને પછી અંદર આદું, મરચાં, લસણની ઝીણી કટકીઓ વગેરે નાખીને કરકરું વાટીને પછી ધગધગતા તેલમાં તળેલાં દાળવડાં ડુંગળી અને મીઠાવાળાં તળેલાં મરચા સાથે ખાઓ તો એવી મજા પડે કે ન પૂછો વાત. તો ચાલો, આજે અમદાવાદ અને બીજા શહેરનાં દાળવડાંની વાત કરીએ.
દાળવડાં આમ તો અલગ-અલગ શહેરમાં વિવિધ નામથી ઓળખાય છે પરંતુ આપણે તો ગુજરાત અને ગુજરાતીઓની વાત જ કરવાની. શરૂઆત કરીએ તો દાળવડાંનો સૌથી વધુ ક્રેઝ અમદાવાદમાં છે અને અહીં દાળવડાંની રેન્જ સો રૂપિયે કિલોથી ચારસો રૂપિયે કિલોના ભાવની છે. અહીં દાળવડાંની દુકાનોનું સૌથી વધુ કૉમન નામ હોય તો એ છે ‘અંબિકા દાળવડા’. નવાઈની વાત એ છે કે આ નામ ધરાવતા લગભગ બધા જ દુકાનવાળા પોતે ઓરિજિનલ દુકાનવાળા છે અને પોતાની બીજી કોઈ શાખા નથી એવો દાવો કરે છે. આમાંથી ઓરિજિનલ કોણ એ કોણ જાણે પરંતુ આ સ્વાદ એવી બાબત છે કે જીભે-જીભે બદલાય છે. આથી કોને કયા અંબિકાનાં દાળવડાં ભાવે એ આપણે લોકો પર જ છોડી દઈશું.
આ દુકાનના કૉમન નામ વિશે વાત આવી છે કે પંચાત કરી લઉં. દાખલા તરીકે રાયપુર દરવાજા બહાર ‘રાયપુર ભજિયા’ની દુકાન પ્રખ્યાત છે પરંતુ એના નામથી અનેક દુકાનો ચાલે છે. પુરોહિત સૅન્ડવિચ પણ અનેક નામથી ચાલે છે. ચોળાફળીની લારીઓ અને દુકાનો તો ‘નાગર’ના નામથી જ હોય છે. એવી જ રીતે એક બ્રૅન્ડ પ્રખ્યાત થાય પછી ધંધો વટાવી લેવા માટે ઘણા લોકો એ જ નામથી દુકાન કે લારી શરૂ કરતા હોય છે (ચાલો મારી પંચાત પૂરી).
તો અમદાવાદમાં તો દાળવડાંનો મૉલ છે. હા, ભાઈઓ અને બહેનો, સાચું વાંચ્યું. અમદાવાદના ગોતા ચાર રસ્તા વિસ્તારમાં અંબિકા દાળવડા નામનો મૉલ છે અને અંદર ફૅક્ટરીની જેમ દાળવડાં દિવસના ચોવીસમાંથી સોળ કલાક બનતાં જ રહે છે અને લોકોની લાઇનો લાગેલી હોય છે. આ ભાઈની બીજી શાખાઓ અમદાવાદમાં નારણપુરા, અમદાવાદ-ગાંધીનગર રોડ પર અડાલજ ચોકડી અને ગાંધીનગર જિલ્લાના કડી ખાતે છે. અહીંનાં દાળવડાં ઉપરથી ક્રિસ્પી અને નાના બાળકથી લઈને મોટા ભાભલિયાઓ ખાઈ શકે એવાં ઓછાં તીખાં હોય છે.
હવે બીજી જગ્યાની વાત કરું તો ત્યાં તો વરસાદ પડે એટલે લોકો ઊમટી જ પડે છે અને એનું નામ પણ અંબિકા છે અને એ કૉમર્સ છ રસ્તા પાસે આવેલી એચ. એલ. કૉલેજ પાસે આવેલી દુકાન છે. શહેરની વચ્ચોવચ્ચ આવેલી હોવાથી વરસાદ પડે એટલે દુકાન ગ્રાહકોથી ઊભરાય અને એક કલાકે દાળવડાં મળે તોય તમારાં નસીબ. સામાન્ય રીતે દાળવડાં ડુંગળી અને તીખાં મરચાં સાથે ખવાય છે, પરંતુ આ તો અમદાવાદીઓ એટલે કંઈક અલગ ન કરે તો રહેવાય નહીં. અહીં તો બન જોડે પણ દાળવડાં ખવાય. યસ, નારણપુરા વિસ્તારમાં આનંદ દાળવડાવાળા છે ત્યાં દાળવડાં જોડે  ડુંગળી, મરચાં ઉપરાંત ઑન ડિમાન્ડ પાંઉ પણ મળે છે. પાછું પાંઉ જોડે કોરું-કોરું ન લાગે એટલે છાશ પીવાની. એવી જ રીતે ગુજરાત વિદ્યાપીઠ પાસે પણ એક લારી છે ત્યાં પણ દાળવડાં સાથે પાંઉ ખવાય અને તમે દાળવડાં ખરીદો એટલે ટેબલ પર લીંબુપાણીની બૉટલ અને મીઠાની ડબલી પડી હોય. લીંબુ અને મીઠું નાખીને દાળવડાં ખાવાની મોજ જ મોજ ભાઈ.
બીજા પણ દાળવડાવાળા ભાઈઓ છે તેઓ ચટણી માટે વખણાય છે. અમદાવાદ જેના માટે હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું છે એ કોટ વિસ્તારના માણેકચોકમાં જનતાનાં દાળવડાંનો કોઈ જોટો નહીં જડે. આ દાળવડાં જોડે આંબલીની લાલ  ચટણી અને મરચાં-ફુદીનો-કોથમીરની વાટેલી લચકો લીલી ચટણી જોડે ખાઓ તો જોરદાર ભાઈ જોરદાર. એકદમ ક્રિસ્પી દાળવડાં અને ચટણીઓનો વરઘોડો તો જામે ભાઈ હોં. જો જનતાનાં દાળવડાંની નજીકનો સ્વાદ હોય તો એ છે ‘ગુજરાત દાળવડા’ જે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કૉલેજ નજીક આવેલી દુકાન હોવાથી એનું નામ ગુજરાત દાળવડા છે. એની લારી અને દુકાન સામસામે છે. એ પણ મીઠી અને ફુદીનાની ચટણીની જુગલબંદી સાથે દાળવડાં પીરસે છે. દાળવડાંની અંદર લસણની ઝીણી કટકીઓથી સ્વાદનું વાવાઝોડું આવે.
ગુજરાત કૉલેજથી જ થોડેક દૂર ગાંધીગ્રામ રેલવે ક્રૉસિંગની બહાર પહેલાં ખાડાવાળાનાં દાળવડાં હતાં. હવે તો ત્યાં લારી દેખાતી નથી પરંતુ આ દાળવડાં તીખું ખાવાના શોખીન લોકો માટે ખાસ છે. અહીં દાળવડાંના દરેક બટકે-બટકે તીખાં મરચાં આવે. આંસુડાં પાડતા જાઓ અને ખાતા જાઓ. મેં તો અનેક વિરલાઓને જોયા છે કે તેઓ આવા તીખા ભડકા જેવાં દાળવડાંની સાથે પાછા એકસ્ટ્રા તળેલાં મરચાં પણ માગે. આ બધા દાળવડાં બનાવનાર મોટા ભાગના લોકો રાજસ્થાની છે અને તેમની આ એક નૈસર્ગિક કળા હોય છે. આથી તેઓ પેઢી દર પેઢી આ ધંધામાં છે. સામાન્ય રીતે આ દાળવડાંનો ભાવ ૩૦૦ રૂપિયા કિલોનો હોય છે.
જો સસ્તાં દાળવડાંની વાત કરું તો અમદાવાદના મુસ્લિમ બહુમતી વિસ્તારમાં ફક્ત ૧૦૦થી ૨૦૦ રૂપિયાના કિલોના ભાવે દાળવડાં મળે છે. જમાલપુર પગથિયા પાસે એક દાળવડાંવાળાની દુકાન છે ત્યાં તો ગ્રાહકોનાં ટોળાં કાયમ જોવા મળે અને એ પણ ડુંગળી-મરચાં સાથે દાળવડાં આપે. આ વિસ્તારોમાં પણ દાળવડાં ટેસથી ખવાય છે. અમદાવાદ શહેરથી ૫૦થી ૬૦ કિલોમીટર દૂર ખેડા અને આણંદ જિલ્લામાં મગની પીળી દાળનાં દાળવડાં હોય છે અને ઉપરથી ક્રન્ચી અને અંદરથી સૉફ્ટ એવાં અદ્ભુત દાળવડાં હોય છે કે ન પૂછો વાત. અહીં દાળવડાં જોડે મરચાં અને વઘારેલી છાશ પીરસાય છે. ખૂબ જ મસ્ત સ્વાદ હોય છે. બાકી બીજી અનેક દુકાનો છે કે જ્યાં ભજિયાંની બીજી વરાઇટી સાથે દાળવડાં આપવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2021 02:21 PM IST | Mumbai | Pooja Sangani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK