અમેરિકામાં તમે મૅક્ડોનલ્ડ્સ કે બર્ગર કિંગમાં ખાઈ ન શકો, કારણ કે એ લોકો વેજ બર્ગરમાં પૅટીસ મૂકતા જ નથી. નકરાં ટમેટાં અને કાંદા નાખીને બર્ગર આપી દે, એ લુખ્ખું બર્ગર કેવી રીતે ગળે ઊતરે?
સંજય ગોરડિયા
‘બૈરાઓનો બાહુબલી’ નાટકની અમારી અમેરિકા ટૂર દરમ્યાન ન્યુ યૉર્ક, શિકાગો, લૉસ ઍન્જલસથી લઈને ઓર્લાન્ડો સુધી અમારું ટ્રાવેલિંગ રહે છે. રોજ શો અને રોજ નવું સિટી. મને આપણા ઘણા વાચકોના ફોન આવ્યા, મેસેજ અને મેઇલ આવ્યા કે સતત ટ્રાવેલ કરતા હો એવા સમયે તમે અમેરિકામાં શું ખાઓ?
આ જે સવાલ છે એ સવાલના જવાબની દૃષ્ટિએ આજની ફૂડ ડ્રાઇવ ઇમ્પોર્ટન્ટ છે.
ADVERTISEMENT
મિત્રો, તમને બધાને ખબર જ છે કે અમેરિકામાં મૅક્ડોનલ્ડ્સ અને બર્ગર કિંગ ઠેર ઠેર છે પણ અમેરિકાના મૅક્ડોનલ્ડ્સ કે બર્ગર કિંગમાં તમે વેજ બર્ગર ખાઈ જ ન શકો, કારણ કે અહીં વેજિટેબલ બર્ગરમાં બટેટાની પૅટીસ નાખતા જ નથી. એ મૂકવાની પ્રથા માત્ર આપણે ત્યાં ઇન્ડિયામાં જ છે. અહીં તમને વેજના નામે બનની વચ્ચે ખૂબ જ બધાં ટમેટાં અને કાંદા નાખીને આપે અને તમારે એ ફિક્કું-ફિક્કું ખાવાનું, જે નૅચરલી ભાવે નહીં.
અમેરિકામાં જો આપણા ઇન્ડિયન ટેસ્ટની બેસ્ટ રેસ્ટોરાં હોય તો એ મેક્સિકન રેસ્ટોરાં છે, નામ એનું ટાકો બેલ. આમ તો આ પણ ફાસ્ટફૂડ જ છે, પણ ન્યુટ્રિશ્યનની દૃષ્ટિએ એ એટલું જંક નથી અને આપણને ભાવે એવું ટેસ્ટી પણ છે. ટાકો બેલની એક વરાઇટી કહું તમને.
અહીં તમને નાચોસ આપે, જે આપણે ત્યાં મળે છે એવા જ હોય છે, પણ એ સર્વ કરવાની રેસિપી જરા જુદી છે, ક્રિસ્પી નાચોઝ પર લિક્વિડ ફૉર્મનું મોઝરેલા ચીઝ પાથર્યું હોય અને એની ઉપર હેલેપિનો મરચાં અને કાંદા-ટમેટાં નાખ્યાં હોય. ખાવાની બહુ મજા આવે. ટેસ્ટી પણ ખરું અને હેલ્ધી પણ ખરું. આ જ ટાકો બેલમાં પાવર મેનુ નામની એક વરાઇટી પણ છે, જેમાં એક મોટું બોલ હોય અને એમાં બ્લૅક બીન્સ અને રાઇસ હોય.
વાત આગળ વધારતાં પહેલાં એક ચોખવટ કરું. મેક્સિકન લોકો બીન્સ બહુ ખાય, પણ આ લોકો દરેક કઠોળને બીન્સ જ કહે, જ્યારે આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં દરેક કઠોળને મગ, મઠ, ચણા, વાલ એમ પોતપોતાનાં નામ છે. આ મેક્સિકન લોકોમાં રાજમાનું ચલણ બહુ છે. આપણે ગુજરાતીઓમાં હવે થોડા ઘણા રાજમા ખાતાં થયા છીએ, બાકી રાજમા મુખ્યત્વે પંજાબીઓ પુષ્કળ ખાય. ગુજરાતીઓમાં જેમ દાળભાત હોય એમ પંજાબીઓમાં રાજમા-ચાવલનું ચલણ છે. આપણું જમણ દાળ-ભાત વગર અધૂરું એમ, પંજાબમાં રાજમા-ચાવલ વગરનું જમણ અધૂરું.
અહીંના રાજમા એટલે કે બીન્સ આપણા કરતાં જરા જુદા છે. આ લોકો એને પિન્ટો બીન્સ કહે છે. મેક્સિકોમાં તો બીજા પણ અનેક પ્રકારના રાજમા મળે છે. એક બ્લૅક બીન્સ આવે છે, જે કાળા કલરના હોય છે. પાવર મેનુ બોલ છે એમાં રાઇસ અને બીન્સ ઉપરાંત ટમેટાં હોય, સાર ક્રીમ હોય, લિક્વિડ ચીઝ હોય, ફ્રાઇડ બટેટા હોય. તમારે એ મિક્સ કરીને ખાવાનું. મજા આવે એવો ટેસ્ટ છે અને સૌથી સારી વાત, તમને કંઈક જમ્યા હો એવી અનુભૂતિ થાય.
અહીંની તમને એક ખાસ વાત કહું. એ લોકો મસાલા વાપરવામાં નથી માનતા, પણ મસાલાની જગ્યાએ સૉસ બહુ વાપરે છે. સામાન્ય રીતે અહીં હૉટ સૉસ વધારે વપરાશમાં હોય છે, જે આપણા માટે તીખાશ વિનાનો છે તો જે ફાયર સૉસ છે એ જરા તીખો હોય છે અને ત્રીજો ડાયબ્લો સૉસ છે, આ ડાયબ્લો સૉસ કાનમાં તમરાં બોલાવી દે એવો તીખો હોય છે. તમે તમારા ટેસ્ટ મુજબ આ સૉસ ઍડ કરીને પાવર મેનુ બોલ ખાઈ શકો. ટાકો બેલની બીજી પણ ઘણી વાતો છે, જેમાં તમને રસ પડશે પણ એ વાતો હવે આપણે કરીશું આવતા ગુરુવારે.

