સુંદર કાંડા પર પહેરેલી ઘડિયાળ સાથે એક નાનકડી ચેઇન જેવું ચાર્મ લટકાવવાનું માનુનીઓને બહુ ગમવા લાગ્યું છે. ચાર્મ બ્રેસલેટ પરથી જ ઇન્સ્પાયર થઈને આવેલી આ નવી જ્વેલરી તમારા નાજુક હાથને વધુ આકર્ષક બનાવે છે - હેતા ભૂષણ
તમારી રિસ્ટ વૉચને દીપાવશે આ લટકણિયું
કિંમત કેટલી?
ફન્કી જ્વેલરી રેન્જઃ ૨૫૦થી ૫૦૦ સુધી
ADVERTISEMENT
સેમી પ્રેશિયસ સ્વરોવ્સ્કી રેન્જઃ ૧૫૦૦થી ૫૦૦૦
પ્રેશિયસ રિયલ જ્વેલરીઃ ૧૨,૦૦૦થી શરૂ
ઇન્ડો-વેસ્ટર્ન લુકની સાથે કાંડા પર રિસ્ટ વૉચ અથવા તો બ્રેસલેટ પહેરવામાં આવે છે, પણ હવે રિસ્ટ વૉચની સાથે બ્રેસલેટ જેવું ચાર્મ તમારા નાજુક હાથનો ચાર્મ ઓર ખીલવી દેશે. આ ટચૂકડું લટકણિયું જ્વેલરીની દુનિયામાં ઇન થિંગ બની રહ્યું છે અને સ્પેશ્યલ પર્સનને ગિફ્ટ આપવી હોય તો એ તમારા બજેટને પણ જાળવી લે એવો ઑપ્શન છે.
આ વૉચ ચાર્મ્સ શું છે?
એક ચેઇનમાં થોડા-થોડા અંતરે લટકતાં જુદા-જુદા રૂપકડા શેપનાં લટકણ એટલે કાંડા પર પહેરાતું ચાર્મ્સ બ્રેસલેટ વર્ષોથી ફૅશનેબલ યુવતીઓમાં લોકપ્રિય છે. આ
ચાર્મ્સ બ્રેસલેટ પરથી ઇન્સ્પાયર્ડ કહી શકાય એવી નવી જ્વેલરી અત્યારે એકદમ ટ્રેન્ડી છે અને એ છે વૉચ ચાર્મ્સ, જે કાંડા પર પહેરાતી ઘડિયાળના પટ્ટા પર પહેરવામાં આવે છે. ફિટ ઘડિયાળની સાથે એક નાનકડું ચાર્મ લટકે છે.
જો એકથી વધુ ચેઇન જેવાં ચાર્મ્સ કે ઘૂઘરીઓ જેવું ચાર્મ પહેરવામાં આવે તો એ રણકે પણ ખરું જે બહુ સુંદર અને મનમોહક લાગે છે અને તમારા હાથની શોભા વધારે છે.
ફન્કી અને પ્રેશિયસ બન્ને
આ બ્યુટિફુલ ટ્રેન્ડી વૉચ ચાર્મ્સ ફન્કી ઇમિટેશન જ્વેલરી આઇટમ તરીકે સિલ્વરમાં બને છે. સ્વરોવ્સ્કીમાં સેમી પ્રેશિયસ જ્વેલરી તરીકે અને રિયલ ગોલ્ડ, રોઝ ગોલ્ડ, પ્લૅટિનમ અને ડાયમન્ડ સાથે સુંદર રિયલ પ્રેશિયસ જ્વેલરીમાં પણ મળે છે. વૉચ ચાર્મ્સમાં નાનકડી ચેઇન સાથે લટકતાં ચાર્મ્સમાં અગણિત ડિઝાસન્સ અવેલેબલ છે એમાં હાર્ટ, બટરફ્લાય, સ્ક્વેર, ટ્રાયેન્ગલ, રાઉન્ડ જેવા શેપ, બો, ફ્લાવર, શૂઝ, કોઈ ઍનિમલ, બર્ડ, લૉક ઍન્ડ કી, ફિશ, સ્માઇલી, આઇસક્રીમ, પ્લેન, કાર, સ્ટાર, મૂન, સન, રેન્બો, લોટસ જેવા અનેક ઑપ્શન્સ છે. વૉચ ચાર્મ્સ વિશે ઑપેરા હાઉસના 9 જ્વેલ્સનાં ડિઝાઇનર ઉર્વી નૈનેશ કહે છે કે યુવતીઓમાં રિસ્ટ વૉચ ચાર્મ બહુ ફેમસ છે એટલે અમે એની ઘણી ડિઝાઇન્સ ડેવલપ કરી છે. પર્સનલાઇઝ્ડ ડિઝાઇન ખાસ પૉપ્યુલર છે જેમાં અમે નામ, ઇંગ્લિશ ઇનિશ્યલ, ઝોડિઍક સાઇન (રાશિ પ્રતીક), બર્થ સ્ટોન યુઝ કરી સ્પેશ્યલ ડિઝાઇન પણ બની શકે છે. અમારી ઈવિલ આઇ ડિઝાઇન એકદમ હિટ છે. પહેલાંના જમાનામાં યુવતીઓના પગમાં ઝાંઝર રણકતાં. અત્યારે આ મૉડર્ન વર્ઝન ઑફ જ્વેલરી વૉચ ચાર્મ હાથમાં રણકતું ઘરેણું છે.’
ગિફ્ટિંગમાં હિટ
ન્યુ આર્ટ ઑફ ગિફ્ટિંગમાં કોઈ ખાસ વ્યક્તિ માટે ખાસ ગિફ્ટ તરીકે અત્યારે આ જ્વેલરી આઇટમ એકદમ ડિમાન્ડમાં છે, કારણ કે નાનકડી જ્વેલરી આઇટમ ઇન ટ્રેન્ડ છે, કાયમી યાદ બની શકે છે. જેને ગિફ્ટ આપવાની હોય તેની પસંદગીની વસ્તુ કે તેનું નામ અથવા આલ્ફાબેટ ઇનિશ્યલ કે કોઈ ખાસ યાદ સાથે જોડાયેલું ચાર્મ યુઝ કરી એકદમ પર્સનલ ટચ આપી શકાય છે. ઊર્વી કહે છે, ‘ગિફ્ટિંગ પર્પઝ તરીકે આ વૉચ ચાર્મ્સ ખાસ પસંદ કરવામાં આવે છે, વૅલેન્ટાઇન્સ ડે પર લવ ચાર્મ્સની ડિમાન્ડ રહે છે. હમણાં ખાસ રક્ષાબંધન પર ભાભીને લુંબા રાખડીના સ્થાને આ વૉચ ચાર્મ્સ પ્રિફરેબલ ચૉઇસ છે.’
કપલ વૉચની ઘણી નવી લેટેસ્ટ એડિશનમાં કપલ વૉચ ખાસ લવ ચાર્મ્સ સાથે મળે છે. આ વૉચ ચાર્મ્સ યંગ કપલમાં ન્યુ પ્રેઝન્ટેશન ઑફ લવનું કામ પણ કરે છે. યંગ લવિંગ કપલ એકબીજાના નામ કે ઇનિશ્યલ વૉચ ચાર્મ્સ પહેરી શકે છે. અત્યારે મોટા ભાગે સ્માર્ટ વૉચ પહેરવામાં આવે છે આ સ્માર્ટ વૉચ ડાયમન્ડ, જેમ સ્ટોન, ડેકોરેટિવ રિન્ગ લૂપ્સ, નેમ, ઇનિશ્યલ, મોનોગ્રામ વગેરે પણ વૉચ ચાર્મ્સ તરીકે પહેરવામાં આવે છે. ખાસ હટકે અવનવી ડિઝાઇનમાં હિન્દી અક્ષર, ભારતનો મૅપ, ઓમ, ગણપતિ, સિખ ઓમકાર પ્રતીક વગેરે બનાવવામાં આવે છે. પ્રેશિયસ ડાયમન્ડ અને જેમ સ્ટોનમાંથી પણ વૉચ ચાર્મ્સ બનાવવામાં આવે છે. રિયલ પર્લમાંથી બનેલા વૉચ ચાર્મ્સ બ્યુટિફુલ લુક આપે છે.
કુછ હટકે આઇડિયા
આજકાલ એક ઇમોશનલ મેમરી બૉન્ડ તરીકે પણ યંગ બ્રાઇડ માટે દાદી કે મમ્મીની યાદ અને સાથરૂપે ખાસ તેમનાં જૂનાં ઘરેણાંમાંથી ચેઇનનો ટુકડો અને કોઈ નાનકડો ઍન્ટિક પીસ લઈને સ્પેશ્યલ વૉચ ચાર્મ્સ બનાવવામાં આવે છે. જૂનાં ઘરેણાંમાંથી પણ આ નવી મૉડર્ન જ્વેલરી બની શકે છે.
વૉચ ચાર્મ્સથી હટકે એક ટ્રેન્ડ છે જેમાં ઘડિયાળના એક નાના ડાયલને ચાર્મ્સ બ્રેસલેટના એક ચાર્મ તરીકે લટકાવવામાં આવે છે. ઘડિયાળવાળું ચાર્મ બ્રેસલેટ એક યુનિક ચૉઇસ છે. વૉચ ડાયલ થોડા ચાર્મ્સ સાથે એક પેન્ડન્ટ તરીકે પહેરવું ડિફરન્ટ ફૅશન સ્ટેટમેન્ટ છે.
- હેતા ભૂષણ


