ઇકો-ફ્રેન્ડ્લી અને સસ્ટેનેબલ લિવિંગના ભાગરૂપે થોડાંક વર્ષો પહેલાં શૅમ્પૂ ન વાપરવાં જોઈએ એવો સૂર ઊઠેલો.
હેર કૅર
પ્રતીકાત્મક તસવીર
શૅમ્પૂનો ઉપયોગ કર્યા વગર વાળને ધોવાનો ટ્રેન્ડ ખાસ કરીને પુરુષોને આકર્ષી રહ્યો છે ત્યારે સમજવું જરૂરી છે કે આ નો શૅમ્પૂ મૂવમેન્ટનું ખરું હાર્દ શું હતું અને અત્યારે આપણે એમાં કેવી ભૂલો કરીએ છીએ. વાળને હાનિ ન પહોંચે એ રીતે વાળ પર કેમિકલ્સનો ઓછામાં ઓછો મારો થાય એ સુનિશ્ચિત કરવા શું કરવું જોઈએ એ પણ જાણી લો
ઇકો-ફ્રેન્ડ્લી અને સસ્ટેનેબલ લિવિંગના ભાગરૂપે થોડાંક વર્ષો પહેલાં શૅમ્પૂ ન વાપરવાં જોઈએ એવો સૂર ઊઠેલો. સિલ્કી અને સ્મૂધ વાળ આપવાનો દાવો કરતાં કેમિકલથી ભરપૂર શૅમ્પૂઝથી પર્યાવરણને તો નુકસાન થાય છે જ સાથે સ્કૅલ્પને પણ નુકસાન થાય જ છે. આ જ વિચારથી જ બ્રિટનમાં કેટલાક લોકોએ વાળમાં શૅમ્પૂનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. લગભગ પાંચેક વર્ષ સુધી ‘નો શૅમ્પૂ’ મૂવમેન્ટ ચાલી એ પછીથી શૅમ્પૂ ન વાપરનારા લોકોનો દાવો હતો કે શૅમ્પૂ ન વાપરવાથી તેમના વાળને કોઈ જ નુકસાન નથી થયું બલકે તેમના વાળનાં રોમછિદ્રો વધુ સારી રીતે કામ કરે છે અને નૅચરલી જ વાળ સુંવાળા રહે છે. એ વખતે તો જુવાળ મટી ગયો, પણ હવે ફરીથી એ જ શૅમ્પૂનો બહિષ્કાર કરવાનો વાયરો શરૂ થયો છે.
ભારતીય યુવાનો અને પુરુષોમાં નો શૅમ્પૂ મૂવમેન્ટ ટ્રેન્ડમાં છે અને સોશ્યલ મીડિયા પર એ બહુ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં પુરુષો પોતાના હેરકૅર રૂટીનમાંથી શૅમ્પૂને બહાર ફેંકી રહ્યા છે. હાલમાં જે ટ્રેન્ડ ફેલાયો છે એમાં લોકો સાવ અવળે જ પાટે ચડી ગયા હોય એવું લાગે છે. નો શૅમ્પૂમાં વાળ સાવ નથી ધોવાના એવું નથી. બીજું, શૅમ્પૂ સિવાય પણ જો તમે બીજાં કેમિકલ્સ જ વાપરવાના હો તો એનોય કોઈ અર્થ નથી. સોશ્યલ મીડિયા ટ્રેન્ડમાં હવે વાળ ધોવા માટે ઘણા ફક્ત પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો બેકિંગ સોડા અથવા ઍપલ સાઇડર વિનેગરનો યુઝ કરી રહ્યા છે. શૅમ્પૂનો ઉપયોગ બંધ કર્યા બાદ એનાથી વાળને કેટલો ફાયદો થયો છે એની સ્ટોરી ઘણા પુરુષોએ સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. તેમનું કહેવું છે કે શૅમ્પૂનો વપરાશ બંધ કર્યા બાદ તેમના વાળ વધુ થિક અને શાઇની થયા છે તેમ જ હેર લૉસની સમસ્યા પણ નથી થઈ. જોકે એક્સપર્ટ આ નો શૅમ્પૂના ટ્રેન્ડથી વધુ સહમત નથી. તેમનું કહેવું છે કે શૅમ્પૂનો યુઝ કર્યા વગર વાળને ધોવાથી એમાં પરસેવો, ડર્ટ, ઑઇલ રહી જવાની શકયતા છે. પરિણામે ડૅન્ડ્રફ, સ્કૅલ્પમાં ઇરિટેશન, વાળ રૂક્ષ થવાની, વાળ ખરવાની, વાળનો વિકાસ રૂંધાવાની સમસ્યા થઈ શકે છે.
ADVERTISEMENT
શૅમ્પૂ શા માટે જરૂરી?
મુંબઈ જેવા હ્યુમિડિટી ધરાવતા શહેરમાં વાળ શૅમ્પૂથી ન ધોવાનો ટ્રેન્ડ અવળો પડે એમ છે, કેમ કે અહીં તો તમે જેવા ઘરની બહાર નીકળ્યા કે પસીનાથી લથબથ થવાના જ છો. એ માટે વાળને શૅમ્પૂથી ધોવા શા માટે જરૂરી છે એ વિશે ડર્મેટોલૉજિસ્ટ પૂજા દેસાઈ કહે છે, ‘આપણા સ્કૅલ્પ પર સિબમ પ્રોડક્શન થાય છે, જેને આપણે ઑઇલ કહીએ છીએ. પ્લસ આપણે જ્યારે બહાર જઈએ ત્યારે ડર્ટ અને પૉલ્યુશન જમા થાય, ઉપરથી સ્કૅલ્પમાં ડેડ સેલ્સ ને એ બધું પણ આવે તો આ બધાંને રિમૂવ કરવા માટે શૅમ્પૂ ખૂબ જરૂરી છે.’
બીજો સવાલ આપણને એ થાય કે આપણે ફક્ત પાણીથી વાળ કેમ ન ધોઈ શકીએ? તો એનો જવાબ આપતાં પૂજા દેસાઈ કહે છે, ‘પાણીનું pH ન્યુટ્રલ એટલે કે સાત હોય છે. બીજી બાજુ આપણા વાળનું pH ૩.૭ અને સ્કૅલ્પ સ્કિનનું pH ૫.૫ હોય છે. જો તમે તમારા વાળ અને સ્કૅલ્પ સ્કિનના pH લેવલથી હાયર pHવાળી કોઈ પણ વસ્તુથી વાળ ધોશો તો એ વધુ ફ્રિઝી થઈ જશે. એટલે હેર અને સ્કૅલ્પમાં pH લેવલ મેઇન્ટેન કરવા માટે પાણીથી ઓછું pH હોય એવા શૅમ્પૂનો યુઝ કરવો જરૂરી છે. જનરલી ૩.૭થી ૫.૫ pH ધરાવતાં શૅમ્પૂ આઇડિયલ માનવામાં આવે છે. બીજું એ કે સ્કૅલ્પ અને વાળમાં જે પણ ગંદકી જમા થઈ છે એને સરખી રીતે સાફ કરવા માટે સર્ફેક્ટન્ટ (ક્લેન્ઝિંગ એજન્ટ) જોઈએ, જે સેમ એવી જ રીતે કામ કરે છે જે રીતે ડિશવૉશર વાસણની ચીકાશ દૂર કરવા માટે કરે છે. ફક્ત પાણી એ ગંદકીને સરખી રીતે સાફ ન કરી શકે.’
આ ચીજો ન વપરાય
વાળ ધોવા માટે ઘણા લોકો બેકિંગ સોડા કે ઍપલ સાઇડર વિનેગરનો પણ ઉપયોગ કરી રહ્યા છે તો એ કેટલો સેફ છે એ વિશે પૂજા દેસાઈ કહે છે, ‘બેકિંગ સોડામાં ક્ષારતા વધુ એટલે કે pH ૮ સુધી હોય છે, જે તમારા વાળને વધુ ડ્રાય કરી શકે તેમ જ સ્કૅલ્પમાં ઇરિટેશન અને ડ્રાયનેસની પણ સમસ્યા થઈ શકે છે. ઍપલ સાઇડર વિનેગરની વાત કરીએ તો જનરલી એ સેફ છે જે એક ઍન્ટિ- ડૅન્ડ્રફ તરીકે કામ કરે છે, પણ તમે એને વાળમાં લગાવ્યા બાદ સરખી રીતે પાણીથી ન ધુઓ કે એનો વધુપડતો ઉપયોગ કરી નાખો તો સ્કૅલ્પમાં બર્નિંગ કે ઇરિટેશન થઇ શકે. બીજું, તમારે જો કમર્શિયલ શૅમ્પૂ યુઝ ન કરવા હોય તો તમે અરીઠા, શિકાકાઇ બેઝ્ડ શૅમ્પૂ યુઝ કરી શકો છો. જોકે માર્કેટમાં જે પણ હર્બલ કે નૅચરલ પ્રોડક્ટના નામે આ શૅમ્પૂ વેચાય છે એમાં પણ કોઈ ને કોઈ કેમિકલ તો યુઝ થાય જ છે.’
અરીઠા, આમળા અને શિકાકાઈ
નો શૅમ્પૂનો મતલબ કે કેમિકલ-ફ્રી હેરવૉશ. તમે કોઈ જ હાર્શ કેમિકલ્સનો ઉપયોગ કર્યા વિના વાળને અને સ્કૅલ્પને સાફ રાખી શકો એવો ઉપાય ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી જ હતો એ વિશે આયુર્વેદ નિષ્ણાત ડૉ. વિનય સિંહ કહે છે, ‘આપણા પૂર્વજો ક્યારેય શૅમ્પૂ નહોતા જ વાપરતા. તમે કહી શકો કે અત્યારે લોકોને જેમ ફ્રિઝ-ફ્રી, સિલ્કી, ચમકીલા વાળ જોઈએ છે એવું પહેલાં નહોતું. પહેલાં વાળ કુદરતી હતા અને એટલે જ એ લાંબા, કાળા અને સુંવાળા રહી શકે એમ હતા. આ માટે અરીઠા, આમળા અને શિકાકાઈના શૅમ્પૂની પણ જરૂર નથી. રાતના આ ત્રણેય ચીજોને પલાળી, સવારે ઉકાળીને એ પાણી ઠંડું પડે એટલે એનાથી વાળ ધોઈ નાખવાના. અરીઠા ખૂબ જ સરસ ક્લીનિંગ એજન્ટ જેવું કામ આપે છે. એ વાળ અને મૂળમાંથી કચરો સાફ કરે છે. આમળા વાળને સુંવાળપ બક્ષે છે અને શિકાકાઈ વાળના મૂળને મજબૂતાઈ આપે છે.’